You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં આજે પરિણામ, રાજધાનીમાં છેલ્લાં 15 વર્ષોમાં કેવી રીતે બદલાઈ રાજનીતિ?
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મતગણતરી 8 ફેબ્રુઆરી, શનિવારે સવારથી શરૂ થઈ જશે. નોંધનીય છે કે ગત પાંચ ફેબ્રુઆરીના રોજ પાટનગરમાં એક તબક્કામાં મતદાન થયું હતું.
મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપને ભારે બહુમત મળવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું હતું, જ્યારે સત્તારૂઢ આમ આદમી પાર્ટીા બીજા નંબરે રહેવાનાં અનુમાન હતાં.
દિલ્હીમાં મતદાનની ટકાવારીમાં ભારે ઘટાડો નોંધાયો છે. વર્ષ 2013માં મતદાન 66 ટકા હતું, વર્ષ 2015માં 67 ટકા, 2020માં 63 ટકા અને આ વખત મતદાનની ટકાવારી 60.4 ટકા રહેવા પામી છે.
દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પૈકી 12 અનામત છે અને બાકી 58 બેઠકો સામાન્ય છે.
દિલ્હીમાં કુલ 1.55 કરોડ મતદાર છે. તેમાંથી 83.49 લાખ પુરુષ અને 71.74 લાખ મહિલા વોટર છે. દિલ્હીમાં પ્રથમ વખત વોટ કરનાર મતદારોની સંખ્યા બે લાખ છે. તેમજ પાટનગરમાં 13 હજાર કરતાં વધુ પોલિંગ બૂથ છે.
લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી હતી. જોકે, વિધાનસભાની ચૂંઠણીમાં બંને એકબીજાના સામસામે હતાં અને ઍક્ઝિટ પોલનાં અનુમાનોમાં આ વખત કૉંગ્રેસનું ખાતું ખૂલવાનું પણ અનુમાન વ્યક્ત કરાયું હતું.
ચૂંટણી ઠીક પહેલાં આતિશીને દિલ્હીનાં મુખ્ય મંત્રી બનાવાયાં હતાં અને કેજરીવાલ પોતાની ઉપર લાગેલા 'ભ્રષ્ટાચારના આરોપોને ખોટા સાબિત કરવા' જનતા વચ્ચે ગયા હતા.
ઍક્ઝિટ પોલમાં શું અનુમાન કરાયાં?
બુધવારે મતદાન ખતમ થયા બાદ ઍક્ઝિટ પોલ બહાર પડાયા, લગભગ તમામમાં ભાજપને બહુમતનાં અનુમાન કરાયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુધવારે જાહેર કરાયેલ 11માંથી આઠ ઍક્જિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને બહુમત અને સત્તાધારી આમ આદમી પાર્ટીના બીજા ક્રમે રહેવાનાં અનુમાન વ્યક્ત કરાયાં હતાં.
એ બાદ ગુરુવારે પણ બે એજન્સીઓએ ઍક્ઝિટ પોલના અનુમાન જાહેર કર્યાં. તેમાં પણ ભાજપને ભારે બહુમતી મળવાનાં અનુમાન કરાયાં હતાં.
જોકે, આમ આદમી પાર્ટીએ વર્ષ 2013 અને 2015ના ઍક્ઝિટ પોલને ટાંકીને આ ઍક્ઝિટ પોલના આંકડાને નકારી દીધા હતા.
શુક્રવારે આમ આદમી પાર્ટી તરફથી પાર્ટીને ઓછામાં ઓછી 50 બેઠકો મળવાની આશા વ્યક્ત કરાઈ હતી.
ઍક્ઝિટ પોલનાં અનુમાન અંગે ભાજપે કહ્યું છે કે 8 ફેબ્રુઆરીના રોજ તેમની સરકાર આવી રહી છે.
દિલ્હીમાં કોની વચ્ચે ખરાખરીનો જંગ?
દિલ્હીમાં મુખ્યપણે આપ, ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ટક્કર હોવાનું મનાઈ રહ્યું હતું.
વર્ષ 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર આવ્યા બાદથી ભાજપ એ જગ્યાઓએ પણ મજબૂત થયો જ્યાં અગાઉ તેનું ખાસ કંઈ ઊપજતું નહોતું.
દિલ્હીમાં એક જમાનામાં શીલા દીક્ષિતના નેતૃત્વમાં સતત ત્રણ વખત કૉંગ્રેસની સરકાર બની અને એ બાદ આમ આદમી પાર્ટીની સરકાર આવી.
કૉંગ્રેસે વર્ષ 2013માં એ આપનો સાથ આપ્યો, જેના વિરોધમાં એ પોતે ઊભી હતી. તે બાદથી કૉંગ્રેસની વોટબૅંક ઘટતી ગઈ.
પાછલી ત્રણ વિધાનસભાની ચૂંટણીઓમાં કેવાં પરિણામ રહ્યાં?
વર્ષ 2011માં કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ દિલ્હીમાં આંદોલન થયું હતું અને તેનો મુખ્ય ચહેરો અન્ના હજાર હતા. અન્ના હજાર સાથે તેમાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ હતા અને તેઓ સરાજાહેર કૉંગ્રેસની ટીકા કરતા હતા.
પરંતુ જેમ કહેવાય છે ને કે રાજકારણમાં કોઈ સ્થાયી દુશ્મન કે દોસ્ત નથી હોતું, એવી રીતે વર્ષ 2013માં અરવિંદ કેજરીવાલની આપે વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું અને પોતાની પ્રથમ ચૂંટણીમાં જ પાર્ટીએ 70માંથી 28 બેઠકો મેળવી લીધી. કૉંગ્રેસે આપને સાથ આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા અને આ રીતે અરવિં કેજરીવાલ પ્રથમ વખત દિલ્હીના મુખ્ય મંત્રી બની ગયા.
વર્ષ 2013ની ચૂંટણીમાં ભાજપને 70માંથી 30 કરતાં વધુ બેઠકો મળી હતી. જોકે, એ બાદની ચૂંટણીઓમાં પાર્ટીની બેઠકો બે આંકડામાં પણ નહોતી પહોંચી શકી.
2013ની વિધાનસભાની ચૂંટણી બાદ આપને પાછા વળીને નહોતું જોવું પડ્યું, પાર્ટીએ વર્ષ 2015 અને 2020માં એકલા હાથે દિલ્હીમાં બહુમતીની સરકાર બનાવી.
વર્ષ 2013માં આપને 28 બેઠકો મળી હતી અને તેની મત ટકાવારી 29 ટકા હતી. જ્યારે કૉંગ્રેસનો વોટ શૅર લગભગ 25 ટકા ઘટ્યો હતો અને તેમને માત્ર આઠ બેઠકો જ મળી હતી. આ સિવાય ભાજપના ખાતામાં 30 ટકા કરતાં વધુ મત મળ્યા અને તેને 31 બેઠકો મળી હતી.
જોકે, વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને વર્ષ 2015ની ચૂંટણીમાં માત્ર ત્રણ બેઠકો જ મળી. જોકે, ત્યારે પણ તેનો વોટ શૅર 30 ટકા કરતાં વધુ જ રહેવા પામ્યો હતો. સામેની બાજુએ આપને 67 બેઠકો મળી અને 50 ટકા કરતાં વધુ મત મળ્યા. કૉંગ્રેસ મત ટકાવારી માલે દસ ટકાનો આંકડો પણ નહોતી અડકી શકી.
વર્ષ 2020માં પણ આપે 60 કરતાં વધુ બેઠકો અને 50 ટકા કરતાં વધુ મત મેળવ્યા. ભાજપના ખાતામાં આઠ બેઠકો આવી, પરંતુ તેનો વોટ શૅર 30 ટકા કરતાં વધુ જળવાઈ રહ્યો હતો.
વર્ષ 2015 અને 2020ની ચૂંટણીમાં કૉંગ્રેસનું ખાતું પણ નહોતું ખૂલી શક્યું.
લોકસભાની ચૂંટણીમાં શું થયું?
વર્ષ 2014, 2019 અને 2024ની ત્રણેય લોકસબા ચૂંટણીમાં દિલ્હીની સાતેય લોકસભા બેઠકો ભાજપના ખાતામાં ગઈ હતી. જોકે, ભાજપ વિરુદ્ધ એકસંપ થયેલા વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'માં સામેલ કૉંગ્રેસ અને આપ 2024ની લોકસભા ચૂંટણી એક સાથે લડ્યાં, છતાં ભાજપને તમામ સાત સીટો પર જીત મળી હતી.
વર્ષ 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે આપનો સાથ આપનારી કૉંગ્રેસ ફરી એક વાર 2024 લોકસભા ચૂંટણીમાં સાથે તેની સાથે આવી, પરંતુ અમુક મહિના બાદ જ કેજરીવાલે સ્પષ્ટ કરી દીધું કે તેઓ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકલા જ ચૂંટણીમેદાને ઊતરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન