દિલ્હી વિધાનસભા ચૂંટણી: ઍક્ઝિટ પોલ જાહેર, જાણો કોની સરકાર બનવાનું અનુમાન છે?

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 70 બેઠકો માટે આજે મતદાન પૂર્ણ થઈ ગયું છે.

સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58 ટકા મતદાન થયું છે. કુલ મતદાનનો આંકડો આવવાનો હજુ બાકી છે.

2020માં વિધાનસભા ચૂંટણીમાં 62.55 ટકા મતદાન થયું હતું. 2015માં લગભગ 67 ટકા મતદાન થયું હતું.

મતદાન પૂર્ણ થતાં જ વિવિધ ચેનલો અને ઍજન્સીઓએ ઍક્ઝિટ પોલના અનુમાનો પણ જાહેર કરવાનાં શરૂ કરી દીધાં છે.

અત્યાર સુધીના ઍક્ઝિટ પોલમાં ભાજપ આગળ છે અને બીજો સૌથી મોટો પક્ષ આપ છે.

આગળ વધતા પહેલાં એ યાદ રાખીએ કે આ ઍક્ઝિટ પોલ છે અને અંતિમ પરિણામ નથી. દિલ્હીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે, જેની માહિતી બીબીસી ગુજરાતી પર મળતી રહેશે.

ઍક્ઝિટ પોલ એ માત્ર અલગ-અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલો સરવે છે. તેના પરથી કોઈ અંતિમ તારણ કાઢી શકાય નહીં.

દિલ્હીના ઍક્ઝિટ પોલ શું કહે છે?

દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો છે. અહીં સરકાર બનાવવા માટે 36 બેઠકો જીતવી જરૂરી છે.

મોટાભાગની એજન્સીઓએ તેમના ઍક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનશે તેવી આગાહી કરી છે.

મેટ્રાઇઝ એજન્સી પ્રમાણે આમ આદમી પાર્ટીને 32-37 બેઠક મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે જ્યારે ભાજપને પક્ષે 35થી 40 બેઠકો જશે તેવું અનુમાન છે. કૉંગ્રેસને 0થી 1 બેઠક મળી શકે છે.

જેવીસીના અનુમાન પ્રમાણે આમ આદમી પાર્ટીને 22થી 31 બેઠકો મળે તેવી શક્યતા છે જ્યારે ભાજપને 39થી 45 બેઠકો મળે તેવી આગાહી કરવામાં આવી છે. કૉંગ્રેસને 0થી 2 બેઠકો મળી શકે છે.

પી-માર્કના ઍક્ઝિટ પોલમાં પણ ભાજપને બહુમતી મળે તેવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. તેમાં ભાજપને 39થી 49 બેઠકો મળે તેવી આગાહી કરવામાં આવી છે. આ પોલમાં આમ આદમી પાર્ટીને 21થી 31 બેઠકો મળે તેવી આગાહી કરવામાં આવી છે.

પીપલ્સ ઇન્સાઇટ પ્રમાણે પણ ભાજપને 40થી 44 બેઠકો મળશે તેવી આગાહી કરવામાં આવી છે. આ એજન્સીના સર્વે પ્રમાણે આમ આદમી પાર્ટીને 25-29 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસને 0થી 2 બેઠકો મળી શકે છે.

ચાણક્ય સ્ટ્રેટેજીસના અનુમાન પ્રમાણે આમ આદમી પાર્ટીને 25થી 28 બેઠકો તથા ભાજપને 39થી 44 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસને ફાળે 2થી 3 બેઠકો જઈ શકે છે.

જ્યારે અમુક ઍક્ઝિટ પોલ એવા છે જેમણે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવી આગાહી પણ કરી છે.

માઇન્ડ બ્રિકના ઍક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 44-49 બેઠકો મળશે તેવું અનુમાન છે. જ્યારેે ભાજપને ફાળે 21થી 25 બેઠકોનું અનુમાન છે.

વીપ્રીસાઇડના સર્વેમાં આમ આદમી પાર્ટી 46થી 52 બેઠકો સાથે ફરીથી સરકાર બનાવશે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાજપને ફાળે 18થી 23 બેઠકો અને કૉંગ્રેસને ફાળે 0-1 બેઠક જઈ શકે છે.

દિલ્હીમાં આપ, ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ટક્કર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત 2013થી આમ આદમી પાર્ટીનો દબદબો રહ્યો છે. સૌપ્રથમવાર 2013ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 28 બેઠકો મળી હતી અને તેમણે કૉંગ્રેસના ટેકાથી સરકાર બનાવી હતી અને કેજરીવાલ પહેલી વાર મુખ્ય મંત્રી બન્યા હતા.

ત્યારબાદ યોજાયેલી 2015ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ રેકૉર્ડ તોડતા 70માંથી 67 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ભાજપને ફાળે માત્ર ત્રણ બેઠકો આવી હતી.

2020ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતીને ફરીથી સરકાર બનાવી હતી અને ભાજપને આઠ બેઠકો મળી હતી. 2015 અને 2020ની બંને ચૂંટણીમાં કૉંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી હતી.

જોકે, ત્રીજી વાર દિલ્હીમાં સરકાર બનાવ્યા બાદ આમ આદમી પાર્ટી માટે સરકાર ચલાવવી સરળ રહી ન હતી. કથિત દારૂનીતિ કૌભાંડમાં પાર્ટીના તમામ ટોચના નેતાઓ સામે આરોપો લાગ્યા હતા અને તેમને જેલમાં જવું પડ્યું હતું. જોકે, તેમને બાદમાં જામીન મળ્યા હતા.

જામીન પર છૂટીને બહાર આવેલા અરવિંદ કેજરીવાલે તત્કાળ રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે, "હવે દિલ્હીની પ્રજા ચૂંટણીમાં આદેશ કરશે એ પછી જ હું મુખ્ય મંત્રીની ખુરશી પર બેસીશ."

જોકે, છેલ્લા એક દાયકા કરતાં પણ વધુ સમયથી સતત દિલ્હીની સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને આ વખતે ભાજપ તરફથી પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

સરકાર સામે રહેલી ઍન્ટિ-ઇન્કમબન્સીને ખાળીને શું આમ આદમી પાર્ટી ચોથી વાર સરકાર બનાવી શકશે કે કેમ એ મોટો સવાલ છે. જ્યારે દિલ્હીની સત્તામાં આવવાની ભાજપ 1998થી રાહ જોઈ રહ્યો છે. તો સામે પક્ષે સતત બે ચૂંટણીથી શૂન્ય પર રહેલી કૉંગ્રેસ પોતાનું પ્રદર્શન કેટલું સુધારી શકે છે તેના પર સૌ કોઈની નજર છે.

ઍક્ઝિટ પોલ શું હોય છે, તે કેટલા સાચા હોય?

ઍક્ઝિટનો અર્થ થાય છે બહાર નીકળવું. તેથી ઍક્ઝિટ શબ્દ જ જણાવે છે કે આ પોલ (ચૂંટણી) શું છે. મતદાતા મતદાન કરીને બૂથની બહાર નીકળે છે ત્યારે તેને પૂછવામાં આવે છે કે તમે ક્યા પક્ષ કે ઉમેદવારને મત આપ્યો છે તે જણાવો.

ઍક્ઝિટ પોલ કરાવતી કંપનીઓ તેમના લોકોને પોલિંગ બૂથ બહાર ઊભા રાખે છે. મતદાતાઓ બૂથમાંથી બહાર આવતા જાય તેમ-તેમ તેઓને પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો છે. મુખ્ય મંત્રીપદ માટે તમને પસંદ ઉમેદવાર કોણ છે વગેરે જેવા કેટલાક અન્ય સવાલો પણ પૂછવામાં આવે તે શક્ય છે.

સામાન્ય રીતે એક પોલિંગ બૂથ પર પ્રત્યેક દસમો મતદાતા અથવા મતદાન મથક બહું મોટું હોય તો પ્રત્યેક વીસમા મતદાતાને સવાલ પૂછવામાં આવે છે. મતદાતાઓ પાસેથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરીને ચૂંટણીનું પરિણામ શું હશે, તેનો તાગ મેળવવાના પ્રયાસ કરવામાં આવે છે.

લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 126એ હેઠળ ભારતમાં ઍક્ઝિટ પોલનું નિયમન કરવામાં આવે છે. ભારતમાં ચૂંટણી પંચે ઍક્ઝિટ પોલ સંબંધે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમોનો હેતુ ચૂંટણી પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડે તે સુનિશ્ચિત કરવાનો હોય છે.

ચૂંટણીપંચ ઍક્ઝિટ પોલ બાબતે સમયાંતરે દિશાનિર્દેશ બહાર પાડે છે. તેમાં જણાવવામાં આવે છે કે ઍક્ઝિટ પોલ કરવાની રીત કેવી હોવી જોઈએ. એક સામાન્ય નિયમ એવો છે કે ઍક્ઝિટ પોલનું તારણ મતદાનના દિવસે પ્રસારિત કરી શકાતું નથી.

ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાથી છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયાના અડધા કલાક સુધી ઍક્ઝિટ પોલનાં તારણ પ્રકાશિત કરી શકાતાં નથી. એ સિવાય ઍક્ઝિટ પોલનું પરિણામ મતદાન પછી પ્રકાશિત કરવા માટે સર્વેક્ષણ એજન્સીએ ચૂંટણી પંચની પરવાનગી લેવી પડે છે.

ભારતમાં ગત લોકસભા ચૂંટણીમાં પણ ઍક્ઝિટ પોલના અનુમાનો ખોટા ઠર્યા હતા. હરિયાણા, મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ મોટાભાગના ઍક્ઝિટ પોલના અનુમાનો ખોટા ઠર્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.