You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલાને 'ડિવોર્સી'નું લેબલ નહીં લગાવી શકાય, કોર્ટના ચુકાદાથી ખરેખર શું બદલાશે?
- લેેખક, રિયાઝ મસરુર
- પદ, બીબીસી ઉર્દૂ, શ્રીનગર
જમ્મુ અને કાશ્મીરની હાઇકોર્ટે એક કેસમાં આદેશ આપ્યો છે કે જે મહિલાના છૂટાછેડા થઈ ગયા હોય તેમને 'ડિવોર્સી' અથવા 'છૂટાછેડા લેનાર' તરીકે નહીં બોલાવી શકાય.
જમ્મુ અને કાશ્મીર હાઇકોર્ટે તાજેતરમાં લગ્ન સંબંધિત એક વિવાદમાં ત્રણ વર્ષ પહેલાં દાખલ કરાયેલી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે.
કોર્ટે સુનાવણી દરમિયાન મહિલાઓને તલાકશુદા અથવા છૂટાછેડા લેનાર તરીકે સંબોધવાને 'ખરાબ આદત' ગણાવી હતી અને કહ્યું હતું કે આજે પણ મહિલાને આ રીતે બોલાવવામાં આવે તે દુઃખદાયક છે.
કેસની સુનાવણી કરનાર ખંડપીઠના સભ્ય જસ્ટિસ વિનોદ ચેટર્જી કૌલે કહ્યું, "આજે પણ છૂટાછેડા લીધેલી મહિલાના કોર્ટના કાગળોમાં 'ડિવોર્સી' લખવામાં આવે છે જાણે કે તે તેમની અટક હોય. આ એક ખરાબ આદત છે જેને તાત્કાલિક બંધ કરવી જોઈએ."
જસ્ટિસ વિનોદ ચેટર્જી કૌલે કહ્યું કે તો પછી પુરુષ માટે પણ 'ડિવોર્સર' લખાવું જોઈએ. જોકે, તે પણ યોગ્ય નથી.
જસ્ટિસ કૌલે સૂચનાઓ જારી કરીને તમામ નીચલી અદાલતોને કડક સૂચના આપી કે લગ્નનો મામલો હોય કે બીજી કોઈ વાત હોય, તમામ અરજીઓ, અપીલ અને અન્ય કોર્ટના દસ્તાવેજોમાં છૂટાછેડા લેનાર મહિલાઓ માટે 'ડિવોર્સી પાર્ટી' કહેવાને બદલે તેમનું આખું નામ લખવામાં આવે.
'તલાકશુદા' શબ્દના ઉપયોગ પર દંડ ફટકારાયો
અદાલતે પોતાના ચુકાદામાં જણાવ્યું કે કોઈ પણ અપીલ અથવા અરજીમાં માત્ર તલાકના આધારે કોઈ મહિલાનો પરિચય ડિવોર્સી તરીકે આપવામાં આવ્યો હશો, તો આવી અપીલ અથવા અરજીને રદ કરવામાં આવશે.
આ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે તમામ નીચલી અદાલતો અને સંબંધિત સંસ્થાઓને એક પત્ર પણ જારી કરવામાં આવ્યો હતો, જેમાં આ નિર્ણયનો ચુસ્ત રીતે અમલ કરવા તાકિદ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૈવાહિક ઝઘડાના કેસમાં હાઇકોર્ટમાં ત્રણ વર્ષ અગાઉ દાખલ કરવામાં આવેલી એક રિવ્યૂ પિટિશન પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી છે.
અદાલતે ચુકાદા પર રિવ્યૂ પિટિશન દાખલ કરનાર અરજકર્તાઓ પર સંબંધિત મહિલા માટે 'ડિવોર્સી' શબ્દના ઉપયોગ બદલ 20 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે
કોર્ટના આદેશ મુજબ દંડની રકમ એક મહિનામાં જમા કરાવવાની રહેશે અને રકમ જમા નહીં કરાવાય તો અદાલત દરેક પ્રકારની કાર્યવાહી માટે સ્વતંત્ર હશે.
'મને તલાકશુદા તરીકે ઓળખાવાની આદત પડી ગઈ છે'
બડગામ જિલ્લાનાં રહેવાસી ઝાહિદા હુસૈન (નામ બદલ્યું છે) પોતાની સાત વર્ષની પુત્રીની સાથે પિયરમાં રહે છે. તેના પતિએ ત્રણ વર્ષ પહેલાં તેને તલાક આપી દીધા હતા અને ત્યારથી તેઓ ઘણી વાર કોર્ટમાં સુનાવણી માટે આવે છે.
કોર્ટના આ નિર્ણયની પ્રશંસા કરતાં તેમણે બીબીસીને કહ્યું, "મને તો મારાં માટે 'તલાકશુદા' (ડિવોર્સી) શબ્દ સાંભળવાની આદત પડી ગઈ છે. હું પણ મારી જાતને છૂટાછેડા લેનાર તરીકે ઓળખાવતી હતી."
ઝાહિદા હુસૈન કહે છે કે આ મામલામાં કોર્ટનો નિર્ણય ખૂબ સારું પગલું છે.
ઝાહિદાનું કહેવું છે, "તલાક એક સામાન્ય બાબત છે, આખરે અમે પણ માણસ છીએ. અમારી પણ ઓળખ છે."
ઝાહિદા કહે છે, "આ શબ્દનો એટલી વખત પુનરોચ્ચાર થયો છે કે મને ખરેખર મારી ઓળખ તલાકશુદા સિવાય બીજી કોઈ દેખાતી ન હતી. પરંતુ મારી દીકરી મોટી થઈ રહી છે, તેને ખબર પડે કે તલાક પછી સ્ત્રીની આ કાયમી ઓળખ બની જાય છે, તેવી ખબર પડે તો તેના પર શું વીતશે? કોઈને આ વાતનો વિચાર આવ્યો તે બહુ સારી વાત છે."
આવા કેટલાય કેસમાં કોર્ટમાં દલીલો કરનાર વરિષ્ઠ વકીલ હબીલ ઇકબાલે કહ્યું, "છૂટાછેડા એ હજુ પણ આપણા સમાજમાં એક અણગમતી બાબત છે. તે વર્જિત છે. લગ્ન અથવા છૂટાછેડા એ વ્યક્તિગત બાબત છે, તે કોઈ અટક નથી."
હબીબ ઇકબાલ કહે છે કે કોર્ટની કાર્યવાહી દરમિયાન ઘણી મહિલાઓને ડિવોર્સી તરીકે બોલાવવામાં આવતી હોવાથી તેઓ તણાવનો શિકાર બને છે.
ઍડ્વોકેટ ઇકબાલ આ નિર્ણયને આવકારતા કહે છે કે બધા જજ એટલા સંવેદનશીલ નથી હોતા.
"તેમને આ બાબતે જાગૃત કરવાની જરૂર છે. સૂચનાઓનું પાલન કરવામાં વર્ષો લાગી જાય છે. આ બાબતે ન્યાયાધીશો માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે તો સારું રહેશે."
નામ જાહેર ન કરવાની શરતે એક મહિલા વકીલે જણાવ્યું કે વૈવાહિક વિવાદના મામલાની સુનાવણી દરમિયાન ન્યાયાધીશો ઘણીવાર એવું કહે છે કે ઘરેલુ હિંસા તો દરેક ઘરમાં થતી હોય છે, ચાલો સમાધાન કરી લો.
મહિલા વકીલ કહે છે, "જોકે, આવી ટિપ્પણી ચુકાદાનો ભાગ નથી હોતી. આનાથી એક માનસિકતા સર્જાય છે અને મહિલાઓનું શોષણ સામાન્ય બની જાય છે."
'છૂટાછેડા કે લગ્ન એ સ્ત્રીની ઓળખ નથી'
જમ્મુ-કાશ્મીરમાં સત્તાધારી પાર્ટી નૅશનલ કૉન્ફરન્સના નેતા અને વિધાનસભા સભ્ય શમીમા ફિરદૌસે કોર્ટના આ નિર્ણય વિશે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે દરેક વ્યક્તિએ આ નિર્ણયનું સ્વાગત કરવું જોઈએ.
સ્થાનિક મહિલા પંચના ભૂતપૂર્વ વડાં શમીમા ફિરદૌસે કહ્યું કે કાશ્મીરમાં છૂટાછેડાને કલંક ગણવામાં આવે છે.
શમીમા ફિરદૌસ કહે છે, "જો કોઈ મહિલા તલાક લે, તો તેની ઓળખ છૂટાછેડા લેનાર વ્યક્તિની બની જાય છે. જાણે તેની કોઈ અંગત ઓળખ જ ન હોય. હું આ નિર્ણયને કોર્ટનું એક સકારાત્મક પગલું માનું છું."
"જેને લોકો સામાન્ય માની બેઠાં હતાં. જોકે, તેના કારણે મહિલાઓ માનસિક તણાવ અને હીન ભાવનાનો ભોગ બને છે."
ઑગસ્ટ 2023માં તત્કાલીન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટ વતી એક હેન્ડબુક બહાર પાડી હતી જેમાં વિવિધ કેસોમાં મહિલાઓ માટે ઉપયોગમાં લેવાતા ચોક્કસ શબ્દોને ટાળવા માટે કહેવામાં આવ્યું હતું.
આ હેન્ડબુકમાં જણાવવામાં આવ્યું હતું કે, "ગુનેગાર પુરુષ હોય કે સ્ત્રી, તે માત્ર એક માનવી હોય છે. તેથી આપણે મહિલાઓ માટે વ્યભિચારી, ચારિત્ર્યહીન, તવાયફ, અનૈતિક, દગાબાજ કે આવારા જેવા શબ્દોનો ઉપયોગ ન કરી શકીએ."
તેમાં આવા ડઝનબંધ શબ્દો હતા જેના વિશે સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ પર માહિતી આપી છે.
જોકે, જમ્મુ-કાશ્મીર ઉપરાંત ભારતીય અન્ય અદાલતોમાં પણ મહિલાઓ માટે આવા શબ્દોનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન