મોરબી પુલ દુર્ઘટના બાદના એક વર્ષનો સમય પીડિત પરિવારોએ કેવી રીતે પસાર કર્યો?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા,
    • પદ, બીબીસી ગુજરાતી, મોરબીથી પરત ફરીને

38 વર્ષીય શબાનાએ પોતાના પુત્ર માટે ન્યાય ન મળે ત્યાં સુધી ચંપલ ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી છે. ગત વર્ષે 30 ઑક્ટોબરના રોજ મોરબીનો ‘ઐતિહાસિક’ ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં શબાનાના પુત્રનોય સમાવશે થાય છે.

આવી જ રીતે મોરબી વિક્ટિમ ટ્રૅજેડી ઍસોસિયેશનના સ્થાપક સભ્યો પૈકી એક નરેન્દ્ર પરમારે આ કરુણાંતિકામાં પોતાની દીકરી ગુમાવી હતી. આ ઍસોસિયેશનના તમામ 113 સભ્યો દર પખવાડિયે મિટિંગ યોજે છે. તેઓ માત્ર પોતાના સ્વજનો માટે ન્યાય ઝંખે છે.

આ બંને પ્રસંગો મોરબી ઝૂલતા પુલ અકસ્માતની તીવ્રતા બયાન કરે છે.

ઘટના બાદ 72 કલાક સુધી રૅસ્ક્યૂ ઑપરેશન ચાલેલું અને મોરબી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આ ઘટનાની એફઆઇઆર નોંધાઈ હતી.

આ ઘટનાના એક વર્ષ બાદ બીબીસી ગુજરાતીએ આ ઘટનાના પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. હજુ પણ આ ઘટનાનું દુ:ખ તેમના મનમાં અકબંધ છે. પીડિતો પૈકી ઘણાને સરકારે જાહેર કરેલું વળતર પણ મળી ચૂક્યું છે. જોકે, પીડિતો હજુ આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓને કડકમાં કડક સજા મળે તેની રાહ જોઈ રહ્યા છે.

એક વર્ષ બાદ પરિવારની સ્થિતિ

શબાના પઠાણ 20 વર્ષની વયે જ તેમના પતિને ગુમાવી ચૂક્યાં હતાં. એ સમયે તેમના ત્રણ પુત્રો પૈકી સૌથી નાનો છ માસનો હતો.

આ ઘટનામાં તેમના 19 વર્ષીય પુત્ર અલફાઝનું મૃત્યુ થયું હતું. તેઓ પોતાના મિત્રો સાથે ઝૂલતા પુલ પર ગયા હતા. તમામ મિત્રોનુંય આ ઘટનામાં મૃત્યુ થયેલું. અલફાઝ પરિવારનો ‘કમાઉ દીકરો’ હતા. તેઓ દર મહિને 15 હજાર કમાતા.

પતિના મૃત્યુ બાદ શબાનાએ લોકોનાં ઘરે કામ કરીને ત્રણ બાળકો ઉછેર્યાં હતાં. તેઓ કહે છે કે તેમણે પોતાનાં બાળકોને માતાપિતા બંનેનો પ્રેમ આપ્યો હતો.

તેઓ પોતાના મૃત પુત્રને યાદ કરતાં કહે છે :

“એ આજ્ઞાકારી હતો. અમે તેની કમાણીમાંથી ભાડું અને વીજળીનું બિલ ભરતાં. તેને નદીમાંથી જીવતો બહાર કઢાયો પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેના વગર જીવવું ઘણું મુશ્કેલ છે.”

આંખમાં આંસુ સાથે પોતાની વાત આગળ વધારતાં શબાના કહે છે કે, “હવે મારા બીજા બે પુત્રોએ ઘરની જવાબદારી ઉઠાવી લીધી છે, મારો નાનો દીકરાએ અભ્યાસ મૂકીને અલફાઝના સ્થાને કમાવાનું શરૂ કરી દીધું છે.”

શબાનાને તાજેતરમાં સ્ટ્રોક આવ્યો હતો, હવે તેઓ કામે નથી જઈ શકતાં. તેમણે પોતાના પુત્ર માટે ન્યાય ન મળે ત્યાં સુધી ચંપલ ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી છે.

તેઓ કહે છે, “ભલે મારે વર્ષો સુધી રાહ જોવી પડે, પરંતુ ગુનેગારોને કડક સજા નહીં થાય ત્યાં સુધી હું પગરખાં નહીં પહેરું. મને અલ્લાહ પર વિશ્વાસ છે, આ કાજ માટે તેઓ મારી સાથે રહેશે.”

જ્યારે અમે તેમને પોતાની જાતને આવી કપરી સ્થિતિમાં મૂકવા પાછળના કારણ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે આનાથી સરકાર અને ન્યાયતંત્રને એ વાતની ખબર તો પડશે કે તેમના જેવા લોકો પરિણામની રાહ જોઈ રહ્યા છે.

“મને તેમનાથી ઘણી આશા છે, કારણ કે મને વિશ્વાસ છે કે તેઓ આ ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષોનાં મૃત્યુ માટે જવાબદાર ગુનેગારોને સજા અપાવશે.”

પોતાની પ્રતિજ્ઞાને કારણે શબાના ઘણી વાર ઉઘાડા પગે જ કોર્ટ સંકુલ અને પોલીસ સ્ટેશને દેખાઈ આવે છે.

આ ઘટનામાં હાજી શમદારે તેમના સાત પરિવારજનોને ગુમાવ્યા હતા. ઘટનામાં મૃત્યુ પામેલ 22 વર્ષીય દીકરી મુસ્કાન વિશે વાત કરતાં આ પિતાની આંખમાંથી આંસુ રોકાતાં નથી.

શમદાર હવે પોતાના બે માળના મકાનમાં પત્ની જમીલા અને પોતાના પુત્ર સાથે રહે છે. આ ઘટનામાં તેમનાં પત્ની બચી ગયાં હતાં. ઘટના પહેલાં તેમના ઘરમાં બાળકોનું કોલાહલ ગુંજતું હતું. આ પરિવારના સાત મૃતકો પૈકી ચાર બાળકો હતાં. હવે તેમનું ઘર ‘ભૂતિયા’ આભાસ કરાવે છે.

તેમનાં પુત્રી મુસ્કાન બી. કૉમ. બાદ યુપીએસસીની તૈયારી કરી રહ્યાં હતાં. હાજી જણાવે છે કે, “એ આઇપીએસ અધિકારી બનાવા માગતી હતી, પરંતુ એ સપનુંય એ પોતાની આંખમાં સમાવીને દુનિયા છોડી ગઈ.”

તેઓ કહે છે કે, “અમને લાગે છે કે જાણે અમારું જીવન સમાપ્ત થઈ ગયું. મારી સ્મૃતિમાં હજુ પણ એક સાથે છ મૃતદેહોની અંતિમ વિધિનાં એ દૃશ્યો તાજાં છે. એ બધું ભૂલવું ખૂબ કપરું છે.”

ઘટનાના છ માસ બાદ હાજીએ તેમનાં 77 વર્ષીય માતાનેય ગુમાવી દીધાં. તેઓ પરિવાર પર આવી પડેલી આપત્તિને કારણે આઘાતમાં હતાં અને ડિપ્રેશનનો ભોગ બની ગયેલાં.

હાજી કહે છે કે, “મને લાગે છે કે જલદી જ અમારો પણ આવો જ અંત આવશે.”

પોતાની આંખમાંથી અનારાધાર વહી રહેલાં આંસુને કારણે જમીલા અમારા પ્રશ્નોના જવાબ આપવા અસમર્થ હતાં. હવે આ પરિવારના અન્ય લોકો હાજીના કુટુંબને મદદ કરે છે, તેઓ ઘણી વાર તેમને મળવા આવે છે.

આવાં જ એક કુટુંબી હમિદા શમદાર બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “અમે જ્યારે પણ તેમને મળવા આવી છીએ ત્યારે તેમના માટે ઘણું ખરાબ લાગે છે. તેઓ અમને જોતાં જ રડવા માંડે છે. કોઈ પણ જાતના વાંક વગર આખું કુટુંબ ખતમ થઈ ગયું છે.”

કંઈક આવી જ સ્થિતિ બીજાં પણ ઘણાં કુટુંબોની છે. જેમ કે, શારદા ભીકા. તેમણે આ ઘટનામાં પોતાના 22 વર્ષીય પુત્રને ગુમાવ્યા હતા.

તેઓ કહે છે કે, “અમને ન્યાય સિવાય બીજું કાંઈ જોઈતું નથી. અમારા પૈકી ઘણાએ જુવાનજોધ દીકરા ગુમાવ્યા છે, જેઓ અમારા ઘડપણની લાકડી બન્યા હોત. હવે અમને ખબર નથી પડી રહી કે ક્યાં જઈએ.”

મોરબી દુર્ઘટનાના કેસમાં શું થઈ રહ્યું છે?

મોરબી ઝૂલતા પુલ ઘટનાના 12 કલાકની અંદર જ એફઆઇઆર નોંધાઈ હતી. આ ફરિયાદને અનુસંધાને દસ લોકોની ધરપકડ કરાઈ હતી, જે પૈકી પાંચ જામીન પર બહાર છે. મોરબીની સેશન્સ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ રહી છે.

મોરબીની જિલ્લા અદાલતમાં આ કેસમાં સરકારી વકીલ વિજય જાનીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, “આ કેસમાં પ્રથમ ત્રણ માસ સુધી સરકારી વકીલ હાજર રહ્યા નહોતા. હવે મને આ જવાબદારી સોંપાઈ છે, અમે પ્રક્રિયાને ઝડપી બનાવવા પ્રયાસ કરશું. હાલ કોર્ટમાં ફરિયાદ પક્ષ તરફથી કરાયેલી ત્રણ જુદી જુદી અરજીઓની સુનાવણી થઈ રહી છે.”

તેમણે કહ્યું કે આ કેસમાં 350 સાક્ષી છે, આ સિવાય એફએસએલ અને પંચનામા રિપોર્ટ કોર્ટમાં રજૂ કરી દેવાયાં છે.

જોકે, સામેની બાજુએ આ કેસના આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણીના તબક્કામાં છે.

ઘટનાના 112 પીડિતોનું પ્રતિનિધિત્વ કરતાં ઍડ્વોકેટ ઉત્કર્ષ દવે સાથેની વાતચીતમાં તેમણે કહેલું કે, “અમે કોર્ટમાં આરોપીઓ સામે આઇપીસીની કલમ 302 જોડવાની અરજી કરી છે. અમને લાગે છે કે આ મામલામાં ફરિયાદ ઉતાવળમાં નોંધાઈ છે અને લાગતાંવળગતાં સૅક્શન ઉમેરાયા નથી.”

ઉપહાર સિનેમા મામલો અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મામલો કેવી રીતે જોડાયેલા છે?

જો આપને યાદ હોય તો ઉપહાર સિનેમા મામલાના પીડિતોએ પણ ઍસોસિયેશન બનાવીને પોતાની કાયદાકીય લડત ચલાવી હતી.

કંઈક આ જ વ્યૂહરચના મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાના પીડિતોએ પણ અપનાવી છે.

વ્યવસાયે શિક્ષક એવા નરેન્દ્ર પરમારના પ્રયત્નોની મદદથી મોરબી કેસમાં આ શક્ય બન્યું છે.

તેમણે આ ઘટનામાં પોતાની દસ વર્ષની દીકરી ગુમાવી દીધી હતી.

પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “અમારા ઍડ્વોકેટે અમને એક પ્લૅટફૉર્મ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું. તેથી અમે કોર્ટમાં આ માટે વાત ઉઠાવી. હવે અમે એક પક્ષકાર તરીકે સામેલ થવા કોર્ટમાં અરજી કરી દીધી છે.”

તેમણે પોતાના ઍસોસિયેશનનું નામ મોરબી ટ્રૅજેડી વિક્ટિમ ઍસોસિયેશ રાખ્યું છે. આ ઍસોસિયેશને પીડિત પરિવારોના જીવનમાં એક મોટા કુટુંબનું સ્થાન લઈ લીધું છે. ઍસોસિયેશનના સભ્યો ન્યાયાલયની પ્રક્રિયા અને કેસની દિશા અંગે અન્યોને વાકેફ કરાવવા માટે દર 15 દિવસે મિટિંગ યોજે છે.

પરમાર પોતે પણ આ કેસના સાક્ષી છે, તેઓ દુર્ઘટના સમયે પોતાનાં દીકરી-દીકરા સાથે બ્રિજ પર જ હતા, જેમાં તેઓ અને પુત્ર બચી ગયા પરંતુ પુત્રીનું મૃત્યુ થયું હતું.

નોંધનીય છે કે પીડિતોનું આ ઍસોસિયેશન પોલીસતપાસથી ખુશ નથી. પરમાર આ અંગે જણાવે છે કે, “ફરિયાદની નોંધણીથી માંડીને ચાર્જશીટ દાખલ કરવા સુધી પોલીસે આ કેસમાં જાણીજોઈને ઘણા છીંડાં રાખ્યાં, જેનાથી આરોપીઓને લાભ થઈ શકે છે. આનાથી આરોપીઓને કોર્ટમાં જામીન મળવામાં સહાય થઈ.”

જોકે, સામેની બાજુએ ભાવનગર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ અશોકકુમાર યાદવે બીબીસી સાથેની વાતચીતમાં આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “ઓરેવા કંપનીમાં જયસુખ પટેલની ભૂમિકા અંગે પુષ્ટિ થતાં જ લોકોની ધરપકડ કરાઈ હતી. અમે ન માત્ર તપાસમાં ઝડપ કરી પરંતુ ઘટના બાદ બચાવકાર્યમાં પણ આવી જ ઝડપથી કામ કર્યું હતું. અમે તમામ આરોપોને વધુ મજબૂત બનાવવા માટે એફએસએલ રિપોર્ટ સહિતના દસ્તાવેજી પુરાવા જોડ્યા છે.”

સરકારનું શું કહેવું છે?

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના થોડા સમય બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવનાર કાંતિ અમૃતિયાનો ઘટના બાદ નદીમાં કૂદીને લોકોને બચાવતો વીડિયો વાઇરલ થયો હતો. કહેવાય છે કે આના કારણે પણ ચૂંટણીમાં તેમને તેમના પ્રતિદ્વંદ્વીઓ સામે લાભ થયો હતો.

તેમણે બીબીસીને જણાવ્યું કે, “સરકારે મોરબીમાં 525 કરોડ રૂપિયાના ખર્ચે મેડિકલ કૉલેજના નિર્માણનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી બે હજાર વિદ્યાર્થીઓને લાભ થવાની સાથે વિસ્તારમાં મેડિકલ સુવિધાઓની ઉપલબ્ધતામાં વધારો થશે.”

આ સિવાય તેમણે દુર્ઘટનાના તમામ પીડિતોના પરિવારો સમયસર અને ગૌરવપૂર્ણ રીતે વળતર મળશે એવો વાયદો કર્યો હતો.

“આ પ્રકારની ઘટના ફરી ન બને એ માટે ઘણી યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે, જેની અમે ટૂંક સમયમાં જાહેરાત કરીશું.”

મૂળ મોરબીના ભાજપના વરિષ્ઠ નેતા મોહન કુંડારિયાએ જણાવ્યું કે, “આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારજનો સાથે પક્ષ અને સરકાર નિસબત છે. સરકાર લોકો માટે અમદાવાદની માફક અહીં પણ નદી પર રિવરફ્રન્ટ વિકસિત કરવાની યોજના વિકસાવી રહી છે.”

જોકે, ગત વિધાનસભા ચૂંટણીમાં બીજા ક્રમે રહેલા કૉંગ્રેસના નેતા જે. જે. પટેલ આ તમામ પ્રોજેક્ટોને જૂઠા અને ગેરમાર્ગે દોરનારા ગણાવીને વખોડે છે. તેઓ કહે છે કે, “આવી ભયાનક ઘટના બાદ પણ સરકારનું લોકોની સલામતી અંગે જાગૃત ન હોવું અને એ માટે નિર્ણય ન લેવો એ દુર્ભાગ્યપૂર્ણ છે.”

એસઆઇટી રિપોર્ટ

આ દુર્ઘટનાની તપાસ માટે સરકારે ખાસ તપાસ સમૂહ (એસઆઇટી)ની રચના કરી હતી. જેનું વડપણ આઇએએસ અધિકારી કરી રહ્યા હતા.

આ સમૂહે પોતાનો રિપોર્ટ 10 ઑક્ટોબર 2023ના રોજ ગુજરાત હાઇકોર્ટને સોંપ્યો હતો. આ રિપોર્ટ અનુસાર દરબારગઢવાળા છેડેથી બ્રિજ તૂટી પડતા ઘટના થઈ હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે બ્રિજ પર લોકોના પહોંચવા પર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે વધુ પડતા ભારને કારણે બ્રિજ તૂટી પડ્યં હતું. આ સિવાય રિપોર્ટમાં કહેવાયું છે કે બ્રિજના રિપેરિંગ અગાઉ કોઈ ટેકનિકલ નિષ્ણાતની સલાહ નહોતી લેવાઈ.

રિપોર્ટના કેટલાક મહત્ત્વપૂર્ણ પૉઇન્ટ

  • રિપોર્ટ અનુસાર બ્રિજની ક્ષમતા 75-80 લોકોનો ભાર ઝીલી શકવા પૂરતી હતી. જોકે બ્રિજના 49 પૈકીના 22 કેબલ કાટ લાગવાને કારણે તૂટી ગયા હતા અને તેનું રિપેરિંગ નહોતું કરાવાયું. આવી સ્થિતિમાં માન્ય ક્ષમતામાં ઘટાડો કરી દેવાની જરૂર હતી. પરંતુ આવું કરવાના સ્થાને ઊલટાનું બ્રિજ પર લોકોના પહોંચવા પર કોઈ પ્રતિબંધ નહોતો.
  • મુખ્ય કેબલ અને સસ્પેન્ડરોનું ટેકનિકલ મૂલ્યાંકન નહોતું કરાયું.
  • ગરગડીની સ્થિતિ અને તેના રૉલિંગનું મૂલ્યાંકન નહોતું કરાવાયું.
  • બ્રિજની સ્થિતિ અને તેની પુન:સ્થાપના અને રિપૅરિંગનું મૂલ્યાંકન નહોતું કરાયું.
  • રિપૅરકામ માટે કોઈ મૅથડૉલૉજી નહોતી અપનાવાઈ.
  • બ્રિજના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરતાં પહેલાં કોઈ મૂલ્યાંકન કરાયું નહોતું.
  • તળિયે લાગેલાં લાકડાંને સ્થાને ઍલ્યુમિનિયમ શીટ લગાવાયાને કારણે બ્રિજના કુલ વજનમાં વધારો થયો હતો, બ્રિજના ટેકા અને સસ્પેન્ડરોમાં કોઈ બદલાવ કરાયો નહોતો.
  • સસ્પેન્ડરો ડેક પરથી વજન કેબલ તરફ લઈ જવા માટે હતા, જે અલગ અલગ કામ કરતા હતા. જો તેને જોડવાની જરૂર પડે તો તેને લવચીક રાખવા જોઈએ. પરંતુ આ ઘટનામાં તેને એકની બાજુમાં બીજું એમ વેલ્ડિંગ કરી બેસાડી દેવાયા હતા. જેના કારણે બ્રિજની વજન વહેંચી લેવાની ક્ષમતા પર અસર પડી હતી.
  • બ્રિજને ખુલ્લો મૂકતા પહેલાં કોઈ પણ પ્રકારનો લૉડ ટેસ્ટ કે સ્ટ્રક્ચરલ ટેસ્ટ કરાયો નહોતો.
  • રિપૅરકામ લાયકાત વગરની કંપનીને સોંપી દેવાયું હતું.

ઐતિહાસિક બ્રિજની તવારીખ

1887 – મોરબીના રાજપરિવાર દ્વારા ઝૂલતા પુલનું નિર્માણ કરાવાયું હતું

1949-2008 – આ સમયગાળા સુધી બ્રિજના મેન્ટનન્સની જવાબદારી મોરબી નગરપાલિકાની હતી

29 મે 2007 – બ્રિજના મેન્ટનન્સ અને તેના ઑપરેશન માટેની તમામ સત્તા રાજકોટ કલેક્ટરને અપાઈ

16 ઑગસ્ટ 2008 – રાજકોટ કલેક્ટરે બ્રિજના ઑપરેશન અને મેન્ટનન્સ માટે ઓરેવા કંપની સાથે નવ વર્ષ સુધીના એમઓયુ કર્યા

2008-17 – આ સમયગાળા સુધી એમઓયુ અનુસાર મેન્ટનન્સ, સુરક્ષા, મૅનેજમૅન્ટ, ભાડાના કલેક્શનની જવાબદારી ઓરેવાને સોંપાઈ

2017-2019 – 15 જૂન 2017ના રોજ એમઓયુની સમયમર્યાદા સમાપ્ત થઈ. જોકે, ઓરેવા ગ્રૂપે તેનું સંચાલન કરવાનું ચાલુ રાખ્યું.

29 ડિસેમ્બર 2021 – ઓરેવાએ મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસરને જણાવ્યું કે બ્રિજની સ્થિતિ ખરાબ હોવાથી તેના રિપૅર માટે નિર્ણય લેવાય

8 માર્ચ 2022થી 25 ઑક્ટોબર 2022 – આ સમયગાળા દરમિયાન બ્રિજ સમારકામ માટે બંધ રખાયું

26 ઑક્ટોબર 2022 – નગરપાલિકાની પરવાનગી વિના જ બ્રિજ ખુલ્લું મૂકી દેવાયો

30 ઑક્ટોબર 2022 – બ્રિજ તૂટી પડતાં 135 લોકોનાં મૃત્યુ

મોરબી નગરપાલિકાની શું સ્થિતિ છે?

ગુજરાત હાઇકોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરતાં મોરબી મ્યુનિસિપાલિટી એપ્રિલ 2023માં સુપરસીડ કરી લેવાઈ હતી. તેમાં અગાઉ 52 સભ્યો હતા. નિવાસી અધિક કલેક્ટર એન. કે. મુચ્છરને સંચાલક નિયુક્ત કરાયા હતા.

ડિલિમિટેશન અને ઓબીસી અનામત અંગેના બાકી નિર્ણયોનો નીવેડો આવે ત્યારે મોરબી મ્યુનિસિપાલિટીની નવી ચૂંટણી યોજાઈ શકે છે. એક સરકારી અધિકારીના જણાવ્યાનુસાર ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવાશે.

એસઆઇટી રિપોર્ટ અનુસાર ઓરેવા ગ્રૂપની સાથોસાથ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ બોર્ડના ચૅરમૅન અને ચીફ ઑફિસર પણ આ ઘટના માટે જવાબદાર છે. તેમણે સામાન્ય બોર્ડની પરવાનગી વગર જ રિપૅરકામની પરવાનગી આપી દીધી હતી.

જોકે, મ્યુનિસિપાલિટીએ નટરાજ ક્રૉસિંગ ખાતે બ્રિજ, રોડ રિસરફેસિંગ અને ડ્રેનેજને પહોળું કરવા માટેનાં કામ સહિત ચોખ્ખા પાણીની અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનની પણ જાહેરાત કરી છે.

મ્યુનિસિપાલિટીનું અંતિમ મંજૂર બજેટ 120 કરોડ રૂપિયાનું હતું જે આગામી વર્ષે 20 ટકા સુધી વધી શકે એમ છે.

એસઆઇટી રિપોર્ટ અનુસાર ઓરેવા ગ્રૂપ સરકારી નિયમો અને માર્ગદર્શિકા અનુસરવામાં ઊણું ઊતર્યું છે. આ સિવાય જૂથ બ્રિજ પર પહોંચનારા લોકોની સંખ્યા નિયંત્રિત કરવામાં પણ નિષ્ફળ રહ્યું છે.

આ સિવાય ટિકિટના વેચાણ માટે કોઈ રજિસ્ટર નિભાવાતું નહોતું.

પીડિતોના ઍડ્વોકેટ ઉત્કર્ષ દવેએ બીબીસીને જણાવ્યું હું કે, “અમે ઇચ્છીએ છીએ કે તમામ આરોપીઓ સામે આઇપીસીની કલમ 302 અંતર્ગત ચાર્જ ફ્રેમ કરાય. કારણ કે તેમને ખ્યાલ હતો કે આટલી ભારે સંખ્યામાં લોકોનો ભાર વેઠવા માટે આ બ્રિજ ફિટ નહોતું.”