You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી પુલ દુર્ઘટના : દુલહનના હાથે મેંદી મુકાતી હતી ને અચાનક ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા
- પુલ દુર્ઘટનાના મૃતકોમાં ઘણાં બાળકો પણ હતાં
- ઘણા પરિવારને બરબાદ કરનારી આ દુર્ઘટનાનો ભોગ મોરબીનાં નૂરજહાંનો પરિવાર પણ બન્યો
- તેમણે આ દુર્ઘટનામાં તેમનાં ભાઈ, ભાભી અને તેમનાં બાળકોને ગુમાવી દીધાં
- ઘટના બની તેના બીજા દિવસે તેમની સગાઈ હતી, પરંતુ અચાનક ઉલ્લાસનું વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું
30 ઑક્ટોબરે ગુજરાતના મોરબી જિલ્લા ખાતે મચ્છુ નદી પરનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ સ્વજનો ગુમાવવા પડ્યા છે. કેટલાક પરિવારોએ તો તેમની ત્રણ ત્રણ પેઢી ગુમાવી દીધી.
આ બનાવથી મોરબીના ઇતિહાસમાં વધુ એક હોનારતનું પાનું જોડાઈ ગયું છે.
બનાવ બન્યા બાદ આસપાસના વિસ્તારોમાં અનેક મરણના માંડવા જોવા મળ્યા. દુર્ઘટનામાં સ્વજનો ગુમાવનાર આવા જ પરિવારોમાંથી એક નૂરજહાંનો પરિવાર પણ છે.
સગાઈની તૈયારી કરી રહેલાં મોરબીના કાંતિનગરમાં રહેતાં નૂરજહાં અને તેમના પરિવારજનો શોકમગ્ન છે.
સગાઈ માટે રોપેલ માંડવો અચાનક ‘મરણના માંડવા’માં ફેરવાઈ ગયો.
આ ‘ગોઝારા અકસ્માત’માં પરિવાર આઠ સભ્યોનાં મૃત્યુ થઈ ગયાં છે.
સગાઈનો માહોલ અચાનક માતમમાં અને શુભપ્રસંગનાં ગીતો અચાનક ‘મરસિયા’માં ફેરવાઈ ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમગ્ર ઘટના બાદ આ શોકગ્રસ્ત પરિવારની કહાણી જાણવાનો બીબીસી ગુજરાતીના સંવાદદાતા તૈજસ વૈદ્યે પ્રયાસ કર્યો હતો.
‘બાળકો ચૉકલેટ લઈ આપવા જીદ કરી રહ્યાં હતાં’
ઝૂલતો પુલ જમીનદોસ્ત થયો એના બીજા દિવસે નૂરજહાંની સગાઈ થવાની હતી.
ઘર મહેમાનો અને સંબંધીઓના કોલાહલથી ભરેલો હતો.
આ જ ઉમંગમાં ઘરના સભ્યો ફરવા નીકળી પડ્યા. અને ક્યારેય પાછા ન આવ્યા.
નૂરજહાંએ આ અકસ્માતમાં તેમનાં ભાઈ-ભાભી અને ભત્રીજાઓને ગુમાવી દીધાં.
મોરબીનો ઝૂલતો પુલ ધરાશાયી થવાના બનાવ અને એ દિવસના અનુભવો વિશે વાત કરતાં નૂરજહાંએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યને જણાવ્યું હતું કે, “સ્વજનોને ગુમાવ્યા બાદનો અનુભવ, તેનું દુ:ખ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. મન બહુ ભારે છે.”
નૂરજહાંની રડમસ આંખોમાં તેમનું દુ:ખ જાણે પ્રતિબિંબિત થઈ રહ્યું છે.
તેઓ કહે છે કે, “ઝૂલતો પુલ પડી ગયો, તેના જે પણ જવાબદારો છે તેને સજા થાય. જેમના કારણે અમારા ઘરનો ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો તેમને સજા મળવી જ જોઈએ. જે પુલ અમારા આખા પરિવારને ગળી ગયો તે ફરી વાર ચાલુ થાય તે અમે નહીં જોઈ શકીએ”
નૂરજહાં બનાવ અગાઉની પળો યાદ કરતાં કહે છે કે, “ઝૂલતા પુલ પર જતા પહેલાં બાળકો મારી પાસે આવ્યાં, તેઓ જીદ કરી રહ્યાં હતાં કે હું તેમને ચૉકલેટ અપાવી આવું, પણ હાથમાં મેંદી હતી અને હું ના ગઈ. તેની થોડી વાર પછી આ સમાચાર મળ્યા. આ મારી તેમની સાથેની છેલ્લી મુલાકાત હતી.”
નૂરજહાંના પરિવારજન ઇબ્રાહિમ ઘટના અને તેમના ઘરના વાતાવરણ વિશે વાત કરતાં કહે છે, “સગાઈ માટે મહેમાનો એક દિવસ અગાઉ આવ્યા હતા. તેમણે વિચાર્યું હતું કે એક દિવસ રહીને અમે સાથે સારી આનંદની પળો માણીશું. ઘટનાની મિનિટો પહેલાં જ અમે તેમને મળ્યા પણ ખરા, ત્યારે મારી બહેને મને કહ્યું કે બાળકો જીદ કરે છે તેથી અમે ઝૂલતા પુલ પર આંટો મારી આવીએ.”
તેઓ ઘટના વિશે આગળ વાત કરતાં કહે છે કે, “હું આ બાદ ઑફિસે ગયો અને મને ખબર પડી કે આ અકસ્માત બન્યો છે, અમે વિચારી રહ્યા હતા કે લોકોની મદદ કરવા ઘટનાસ્થળે જઈએ, પરંતુ પછી બે મિનિટ બાદ જ ફોન આવ્યો કે અમારા સંબંધીઓ અને તેમનો આખો પરિવાર પણ ત્યાં જ હતો. આ સાંભળતાં જ મારી છાતી ચિરાઈ ગઈ.”
ઘરની શોકમગ્ન મહિલાઓના હૈયાફાટ રુદનના અવાજે શુભ પ્રસંગનાં ગીતોનું સ્થાન લઈ લીધું છે.