You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી દુર્ઘટના : ‘એકનો એક દીકરો અને દીકરી ગુમાવ્યાં, હવે પરિવારમાં કંઈ બચ્યું જ નથી’
- આ ઝૂલતા પુલને ઈજનેરી ભાષામાં કેબલ સ્ટેય્ડ બ્રિજ અથવા સસ્પેન્શન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મોરબીની મુલાકાતે આવ્યા છે
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી પુલ દુર્ઘટનાના પીડિતો સાથે હૉસ્પિટલની પણ મુલાકાત લીધી
- ગુજરાત સરકારે પણ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે
મોરબીની પુલ દુર્ઘટના બાદ કોઈના પણ ઘરે જઈએ છે, ત્યાં શોકનું વાતાવણ જોવા મળે છે, ત્યારે બીબીસી ગુજરાતીની ટીમ મોરબીમાં રહેતા મોહિતભાઈ કુંભારવાડિયાના ઘરે પહોંચી હતી.
તેમના પરિવારે ચાર બાળકો ગુમાવ્યાં છે. જેમાંથી બે બાળકો મોરબીમાં જ રહેતાં હતાં અને બે બાળકો વેકેશન માણવા માટે આવ્યાં હતાં.
તેમના પરિવારના 10થી 12 લોકો પુલ પર ફરવા ગયા હતા અને તેમાં મહિલાઓ અને બાળકો જ હતાં. આ બધામાંથી ચાર બાળકો મૃત્યુ પામ્યા છે અને અન્યને નાની-મોટી ઈજા થઈ છે. લોકોની આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યાં.
પરિવારના ચાર બાળકોનાં મૃત્યુ થયાં
મોહિતભાઈ કુંભરવાડિયાએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મારા પરિવારમાં મારો ભત્રીજો યશ 12 વર્ષનો હતો, કાકાનો દીકરો રાજ 13 વર્ષનો હતો અને મામાની દીકરી ભૂમિકા અને દીકરો ભૌતિક બન્ને 15થી 16 વર્ષનાં હતાં. આ ચારેચારનાં મૃત્યુ થઈ ગયાં છે.
રાજ અને યશ મોરબીમાં જ રહે છે અને ભૂમિકા અને ભૌતિક બન્ને રાજનાં માસીના દીકરા-દીકરી છે, તેઓ અહીં વેકેશન માણવા માટે આવ્યાં હતાં."
મોહિતભાઈ કહે છે કે "આ પુલનું થોડા મહિના પહેલાં જ રિનોવેશન થયું હતું, તેમ છતાં આવી ઘટના ઘટી એ જાણી અમને પણ આશ્ચર્ય થયું છે. આટલાં વર્ષો જૂના પુલને અમે કેટલાંય વર્ષોથી જોતા આવ્યા છીએ, આજ સુધી આટલી મોટી ઘટના ઘટી નથી. રિનોવેશન પછી જો આવી ઘટના બની, તો આમાં કોઈએ તો ભૂલ કરી જ હશે."
"મારા કાકાનો એકનો એક દીકરો હતો, એ મૃત્યુ પામ્યો છે. મારા મામાને પણ એક દીકરો અને દીકરી જ હતાં એ પણ મૃત્યુ પામ્યાં છે, એમનું તો બધું જ ખતમ થઈ ગયું, હવે કંઈ બચ્યું જ નથી."
તંત્રને સમજવું જોઈએ કે જે પણ જવાબદાર લોકો છે તેમને સજા થવી જ જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે આખી ઘટના
મોરબી પુલ દુર્ઘટનામાં એક પરિવારમાંથી 4 બાળકોનાં મૃત્યુ થયાં છે. આખા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પરિવારે એકના એક દીકરા અને દીકરીને ગુમાવ્યા છે હવે પરિવારમાં કંઈ જ બચ્યું નથી.
મોરબીના આ ઝૂલતા પુલનું નિર્માણ જ્યારે વર્ષ 1879માં પૂર્ણ થયું ત્યારે એ સમયે તે ઈજનેરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. જોકે 145 વર્ષ બાદ હવે આ પુલ 135 લોકોનાં મોતનું કારણ બન્યો છે.
આ ઝૂલતા પુલને ઈજનેરી ભાષામાં કેબલ સ્ટેયર્ડ બ્રિજ અથવા સસ્પેન્શન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે.
મોરબી પુલ દુર્ઘટનામાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામના પરિવારના લોકોએ પણ જીવ ગુમાવ્યો છે.
આ દુર્ઘટનામાં કોઈએ પોતાનાં માતા-પિતા, કોઈએ ભાઈ, કોઈએ બહેન તો કોઈએ પોતાનાં બાળકો ગુમાવ્યા છે, તો કોઈએ આખેઆખો પરિવાર ગુમાવ્યો છે.
વડા પ્રધાન મોદી મોરબીની મુલાકાતે આવ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મોરબીની મુલાકાતે આવ્યા છે.
વડા પ્રધાન મોદીએ મોરબી પુલ દુર્ઘટનાના પીડિતો સાથે હૉસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને પુલ દુર્ઘટનાનો ભોગ બનેલા ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને વડા પ્રધાન સહાય નિધિમાંથી બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા સહાય પેટે આપવાની જાહેરાત કરી છે.
આ સાથે જ ગુજરાત સરકારે પણ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો