You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ફોટોશૂટમાં કોઈ કમી ના રહી જાય', મોદીની મુલાકાત પહેલાં મોરબીની હૉસ્પિટલમાં રંગરોગાન
- પ્રોફેસર અશોક સ્વેને લખ્યું છે કે, "વડા પ્રધાન મોદીની તૈયારી માટે હૉસ્પિટલમાં રિનોવેશન થઈ રહ્યું છે"
- દેવાંશ ભટ્ટાચાર્યએ લખ્યું છે કે, "વડા પ્રધાનના ફોટોશૂટમાં કોઈ કમી ના રહી જાય તે માટે હૉસ્પિટલનું રિનોવેશન થઈ રહ્યું છે"
- મોરબી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં રવિવારે સાંજે થયેલી પુલ દુર્ઘટનામાં લગભગ 135 લોકોનાં મૃત્યુ થયા છે અને કેટલાંય ઈજાગ્રસ્ત થયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મૂલાકાત પહેલાં એક અન્ય મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેની ઘણી ચર્ચા થઈ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રાને લઈને સોમવારથી મોરબીની હૉસ્પિટલમાં રંગરોગાન કરાયું છે.
આ ચર્ચાને લઈને માત્ર વિપક્ષ પાર્ટી જ નહીં સામાન્ય લોકો પણ સવાલો કરી રહ્યા છે.
કૉંગ્રેસ પાર્ટીએ તેને દુર્ઘટના ગણાવી છે. પાર્ટીએ લખ્યું છે કે, "મોદીની યાત્રા પહેલાં ત્યાં રંગરોગાનનું કામ ચાલી રહ્યું છે અને ટાઇલ્સ પણ લગાવવામાં આવી રહી છે."
આમ આદમી પાર્ટીએ પણ હૉસ્પિટલનો વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે, "અસલી દોષીઓ પર કોઈ પણ કાર્યવાહી થતી નથી, પરંતુ ભાજપને તો ફોટોશૂટ કરીને વાહવાહીની પડી છે."
રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ ટ્વીટ કરીને લખ્યું છે કે, "આજે એ જ હૉસ્પિટલનું રિનોવેશન કરાઈ રહ્યું છે, જ્યાં તેઓ ખાનાપૂર્તિ કરવા જઈ રહ્યા છે. હૉસ્પિટલમાં સેંકડો મૃતદેહોના ઢગલા છે. આખો દેશ ગુજરાતની ઘટનાથી હચમચી ગયો છે, પરંતુ એક વિશેષ શખ્સ ડ્રેસ બદલવા અને ફોટો પડાવવામાં મસ્ત અને વ્યસ્ત છે. જ્યાં મૃતદેહો પડ્યા હોય ત્યાં કોઈ રંગરોગાન કેવી રીતે કરાવી શકે?"
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ટ્વીટ કર્યુ કે, "કોઈના ઘરમાં મૃત્યુ થાય તો શું તેઓ રંગરોગાન કરાવે છે? હૉસ્પિટલની અંદર 135 મૃતદેહ પડ્યાં છે અને હૉસ્પિટલના રંગરોગાનનું કામ ચાલી રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરજેડી એ વધુ એક વીડિયો ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, "જ્યારે મોરબી દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં ત્યારે ગુજરાતના સ્વાસ્થ્યમંત્રી કેક કાપી રહ્યા હતા અને ફટાકડા ફોડાઈ રહ્યા હતા."
પાર્ટીએ કહ્યું છે કે, "ભાજપ આટલો અસંવેદનશીલ કેવી રીતે થઈ શકે?"
પ્રોફેસર અશોક સ્વેને લખ્યું છે કે, "વડા પ્રધાન મોદીની તૈયારી માટે હૉસ્પિટલમાં રિનોવેશન થઈ રહ્યું છે. આ નવું ભારત છે."
દેવાંશ ભટ્ટાચાર્યએ લખ્યું છે કે, "વડા પ્રધાનના ફોટોશૂટમાં કોઈ કમી ના રહી જાય તે માટે હૉસ્પિટલનું રિનોવેશન થઈ રહ્યું છે."
શું થયું હતું મોરબીમાં
રવિવારે સાંજે મોરબીમાં લગભગ 150 વર્ષ જૂનો પુલ તૂટી ગયો હતો. એ સમયે પુલ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
અધિકારીક આંકડા અનુસાર આ ઘટનામાં 137 લોકો લાપતા છે અને કેટલાંક લોકો ઈજાગ્રસ્ત છે, જેમની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવે સોમવારે સાંજે યોજેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં જાણકારી આપી હતી કે, આ ઘટનામાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અશોક યાદવે સોમવારે જણાવ્યું હતું કે, "અમે જે એફઆઈઆર કરી હતી એમાં આઈપીસીની ધારા 304, 308 અને 114ની ધારા લગાવવામાં આવી છે. આ ઘટનામાં હજુ સુધી નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે."
સોમવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી, જેમાં મોરબીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર વડા પ્રધાન મોદીએ અધિકારીઓને પીડિતોની મદદ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા કહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા 'વડા પ્રધાન રાહત ફંડ'માંથી આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ ગુજરાત સરકારે આર્થિક મદદની પણ જાહેરાત કરી છે.
રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે SITની રચના કરી છે. આ પુલની માલિકી હાલ મોરબી નગરપાલિકા પાસે છે.
નગરપાલિકાએ હાલમાં જ ઓરેવા ગ્રૂપ સાથે એક સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા હતા અને 15 વર્ષ માટે પુલની જાળવણી અને સંચાલનનું કામ તેમને સોંપ્યું હતું.
પુલના તાજેતરના સમારકામ બાદ 26 ઑક્ટોબરે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે નગરપાલિકાનું કહેવું છે કે આ વિશેની જાણકારી તેને આપવામાં આવી નહોતી.
મોરબી નગરપાલિકાના મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, "આ પુલ મોરબી નગરપાલિકાની સંપત્તિ છે, પરંતુ અમે તેને 15 વર્ષ પહેલાં મેન્ટનન્સ અને મૅનેજમૅન્ટ માટે ઓરેવા ગ્રૂપને સોંપવામાં આવ્યો હતો. જોકે ખાનગી પેઢીએ અમને જાણ કર્યા વગર જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો. તેથી અમે સુરક્ષા ઑડિટ કરી શક્યા નહીં."
ઓરેવા ગ્રૂપ ઘડિયાળથી લઈને ઈ-બાઇક જેવા ઘણા પ્રકારની ઇલેક્ટ્રીકલ પ્રોડક્ટ બનાવે છે. કંપનીની વેબસાઈટ મુજબ, દુનિયાની સૌથી મોટી ઘડિયાળ બનાવતી કંપની છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો