You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'તો મારા પિતા અને ભાઈઓ આજે જીવતા હોત', મોરબી પુલ દુર્ધટનાનું એક વર્ષ પીડિતોએ કેવી રીતે વિતાવ્યું?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
"તેમણે એવો તો કેવો પુલ તૈયાર કર્યો હતો અને તેને જનતા માટે કેમ ખુલ્લો મૂક્યો હતો કે લોકો એના પરથી પડી ગયા." પિતા અને બે ભાઈઓને મોરબી પુલ દુર્ઘટનામાં ગુમાવનારાં વંદના મકવાણા હોનારત માટે જવાબદારો સામે રોષ વ્યક્ત કરતા આ સવાલ કરે છે.
30 ઑક્ટોબર-2022ના રોજ મોરબીમાં ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી ગયો હતો. તેમાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં વંદનાના બે ભાઈ અને પિતા પણ સામેલ હતા.
વંદના એ દિવસને યાદ કરતા બીબીસીને જણાવે છે, "મારા પિતા 29મી તારીખે પુલની મુલાકાત લેવા માગતા હતા પણ મેં ના કહ્યું એટલે તેમણે બીજા દિવસે જવાનું નક્કી કર્યું. મેં જો તેમને ના ન કહ્યું હોત તો મારા પિતા અને ભાઈઓ આજે જીવતા હોત."
"મારા પિતા ઇચ્છતા હતા કે હું ભણું અને બૅન્કમાં નોકરી મેળવું. અમે સાથે સ્કૂલે જતાં હતાં અને મારા ભાઈ સાથે હું ઘરે પરત આવતી હતી. અમે સાથે રમતાં હતાં અને વાંચતાલખતાં હતાં. સાંજે અમે ટ્યુશન જતાં અને ઘરે સાથે જ આવતાં."
દાદા-દાદી બન્યા સહારો
હાલ વંદના તેમનાં દાદા-દાદી સાથે રહે છે. તેમના દાદા વશરામભાઈ મકવાણા કહે છે, "અમે ખુદ અમારું ગુજરાન ચલાવીએ છીએ અમને કોઈનો ટેકો નથી. મેં મારો દીકરો અને બે પૌત્ર યુવરાજ અને ગિરીશ બંને ગુમાવ્યા. એક વર્ષમાં અમને ખૂબ જ મુશ્કેલી પડી છે."
તેમના જીવનમાં આટલી મોટી કરુણાંતિકા ઘટી છતાં વંદનાએ આ વર્ષે 10મા ધોરણની પરીક્ષા પાસ કરી છે અને હવે 11મા ધોરણમાં ભણે છે. તેમણે કૉમર્સ પ્રવાહમાં ઍડમિશન લીધું છે.
આ બનાવના એક વર્ષ પછી પણ વંદના દુર્ઘટનાથી સર્જાયેલા આઘાતમાંથી બહાર નથી આવી શક્યાં. તે તેમના પિતા સાથેના ગાળેલી સારી પળોને યાદ કરતાં રહે છે.
4 વર્ષનો જિયાંશ બચી ગયો પણ માબાપ.....
જોકે એક બીજા પીડિત પરિવારનું દુખ પણ કંઈક આવું જ છે. જિયાંશ 5 વર્ષનો છે અને તેમનાં ફોઈફુઆ સાથે રહે છે. હાર્દિક ફળદુ અને તેમનાં પત્ની મીરલ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં ત્યારે તેમનો પુત્ર જિયાંશ ત્યારે 4 વર્ષનો હતો. જિયાંશનો આ દુર્ઘટનામાં બચાવ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિયાંશના ફુઆ મહેશ માણવદરિયા બીબીસીને જણાવે છે કે, "જિયાંશ નાનો છે અને અમે તેની સંભાળી લઈએ છીએ. જો 10-12 વર્ષનો હોત તો, તેને સમજાવવું મુશ્કેલ હોત. જિયાંશને એ ઘટના વિશે વધુ યાદ નથી અને તે ક્યારેક-ક્યારેક રડે છે. જોકે, અમે એને સંભાળી લઈએ છીએ."
જિયાંશ તેનો મોટા ભાગનો સમય તેમનાં ફોઈ બિંટુબહેન સાથે વિતાવે છે તેઓ પોતાના દીકરાની જેમ જ તેમની કાળજી લે છે.
બિંટુ માણવાદરીયા જિયાંશ વિશે કહે છે કે, "શરૂઆતમાં અમને ખબર નહોતી કે અમે સ્થિતિને કેવી રીતે સંભાળીશું. અમને હતું કે એ પૂછશે તો અમે તેને શું કહીશું, પણ સમય જતા એણે આવી સ્થિતિમાં રહેવાનું શીખી લીધું છે. તે મારા દીકરા સાથે રમે છે. આજે તેને એનાં માબાપ વિશે વધુ યાદ નથી અને ક્યારેક જ રડે છે. જિયાંશ અને મારો દીકરો સાથે ભણે છે."
કોર્ટ અને તપાસ
મોરબી દુર્ઘટનાના કેસમાં 10 લોકોની ધરપકડ થઈ હતી જેમાંથી 5 લોકોને જામીન મળી ગયા છે. જ્યારે એક આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બીબીસી ગુજરાતીએ ઓરેવા ગ્રૂપ સાથે વાત કરવાની કોશિશ કરી પણ વાતચીત ન થઈ શકી.
રાજ્ય સરકારનો દાવો છે કે મોરબી દુર્ઘટનાથી પ્રશાસને શીખ લીધી છે અને તે મોરબીમાં વિકાસનાં વિવિધ કામો કરશે. રાજ્ય સરકારે એમ પણ કહ્યું કે અને ભવિષ્યમાં આવી ઘટના ઘટે તેનું પણ ધ્યાન રખાશે.
રાજ્ય સરકારે રચેલી વિશેષ તપાસ સમિતિ(એસઆઈટી)એ તાજેતરમાં જ પોતાનો રિપોર્ટ જમા કરાવ્યો છે. આ રિપોર્ટમાં એસઆઈટીએ કહ્યું છે કે, દુર્ઘટના માટે ઓરેવા ગ્રૂપ કંપનીની સાથે સાથે મોરબી નગરપાલિકા પણ એટલી જ જવાબદાર છે. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું છે કે, જે નિયમો બનાવાયા હતા તેનું પાલન નહોતું થયું અને બ્રિજના રિપેરિંગ સમયે કોઈ નિષ્ણાતનો મત પણ નહોતો લેવાયો, જેથી આ દુર્ઘટના ઘટી હતી.
મોરબીમાં શું બન્યું હતું?
મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ 30મી ઑક્ટોબર, 2022 રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડી ગયા હતા અને સરકારી આંકડા અનુસાર 135નાં મૃત્યુ થયાં હતાં.
આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવા ગ્રૂપને સોંપવામાં આવ્યું હતું.
લગભગ દોઢસો વર્ષ જૂના ઝૂલતા પુલનું સમારકામ વર્ષોથી થયું નહોતું, જેને કારણે 'કાટ ખાઈ ગયેલા પુલના કૅબલ અને ઢીલા' પડી ગયેલા નટબૉલ્ટ એ દિવસે પુલ જોવા પહોંચેલા લગભગ 'ત્રણ હજાર માણસની અવરજવર' સહન ન કરી શક્યા અને પુલ તૂટી પડ્યો.
સમગ્ર દેશ અને દુનિયાભરમાં સમાચાર બની ગયેલી આ દુર્ઘટના પાછળના જવાબદાર લોકોને છાવરવામાં આવ્યા હોવાની વાત અને પુલને યોગ્ય મૅન્ટેનન્સ અને મંજૂરીઓ વિના જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો જેવા વિવાદો પણ થયા હતા. આ પુલનાં સમારકામ અને સંચાલનનો કૉન્ટ્રેક્ટ ઓરેવા ગ્રૂપને આપવામાં આવ્યો હતો.
દુર્ઘટના બાદ પોલીસે પગલાં ભરતાં નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ સિક્યૉરિટી ગાર્ડ, બે ટિકિટ આપનારા ક્લાર્ક, પુલનો કૉન્ટ્રેક્ટ લેનારા બે કૉન્ટ્રેક્ટર અને ઓરેવા ગ્રૂપના બે મૅનેજરનો સમાવેશ થયો હતો.
નોંધપાત્ર બાબત છે કે પુલને દુર્ઘટનાના છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને 26 ઑક્ટોબરે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓરેવા ગ્રૂપના માલિક અને મોરબીમાં પુલ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલે મોરબીની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.
1,262 પાનાંની ચાર્જશીટમાં જયસુખ પટેલને મુખ્ય આરોપી અને 'ભાગેડુ' તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યા હતા.