મોરબી બ્રિજ દુર્ઘટના: 135 લોકોનાં મોત માટે તપાસ રિપોર્ટમાં કોને જવાબદાર ઠેરવાયા?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

30 ઑક્ટોબર 2022ના દિવસે મોરબીના ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની ગંભીર દુર્ઘટના બની હતી અને આ દુર્ઘટનામાં 135 લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાને એક વર્ષ જેટલો સમય પૂરો થવા આવ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ માટે રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી)10 ઑક્ટોબર 2023, મંગળવારના દિવસે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોતાનો અંતિમ અહેવાલ રજૂ કર્યો હતો.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અંતિમ અહેવાલમાં સ્પષ્ટ રીતે આ સમગ્ર હોનારત માટે ઓરેવા ગ્રૂપ અને તેના ડાયરેક્ટર જયસુખ પટેલ, મૅનેજર દીપક દવે અને દીપક પારેખને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

આ સાથે જ રિપોર્ટમાં ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ, તેમના બે મૅનેજર દીપક દવે અને દીપક પારેખની ગુનાહિત બેદરકારીના કારણે 135 નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા હોવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. મોરબી પુલની દુર્ઘટનાને ગુજરાતની સૌથી ગંભીર માનવસર્જિત દુર્ઘટના પૈકીની એક હોવાનો સ્પષ્ટ અભિપ્રાય પણ આ રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસઆઈટી દ્વારા રજૂ કરવામાં આવેલા 2,000થી વધુ પાનાંના અંતિમ અહેવાલમાં આ ગંભીર હોનારત પાછળનાં કારણોની વિશેષ છણાવટ કરવામાં આવી છે.

રિપોર્ટમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે, 'મોરબી પુલનું સંચાલન કરનારી ઓરેવા કંપનીના ગેરવહીવટ, ટેકનિકલ ક્ષતિઓ, ગંભીર બેદરકારી, આપખુદશાહીભર્યા વલણ અને ગુનાહિત નિષ્કાળજીના કારણે મોરબીનો આ ઝૂલતો પુલ તૂટ્યો હતો જેમાં 135 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેથી આ સમગ્ર ગંભીર ઘટના માટે ઓરેવા ગ્રૂપ, ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ અને તેમના બે મૅનેજર દોષી છે.'

હાઇકોર્ટે શું સવાલો પૂછ્યા?

10 ઑક્ટોબર મંગળવારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીની ખંડપીઠ દ્વારા કરવામાં આવેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને એવો સીધો સવાલ કરવામાં આવ્યો હતો કે, "જો ઓરેવા ગ્રૂપ, તેના ડાયરેક્ટર અને મૅનેજર દ્વારા ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી હતી તો પછી આજદિન સુધી આ કંપનીને બ્લૅકલિસ્ટ કરવાની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?"

રાજ્ય સરકારનો પક્ષ મૂકતાં ઍડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, "રિપોર્ટમાં ઓરેવા ગ્રૂપના પુલના મેઇન્ટેનન્સ, મૅનેજમેન્ટ અને ઑપરેશનના સંદર્ભમાં વહીવટી અને ટેકનિકલ બાબતમાં ગંભીર પ્રકારના છીંડાં સામે આવ્યાં છે."

"મોરબી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચૅરમેન દ્વારા ઓરેવા કંપની અને નગરપાલિકા વચ્ચે થયેલાં એમઓયુ હેઠળ કંપનીને પુલનું કાયમી રિપેરિંગ વર્ક કરવાનું હતું."

"કંપની દ્વારા સંબંધિત ઑથોરિટી સમક્ષ પુલની જર્જરિત સ્થિતિ હોવા અંગેની જાણ કરવામાં આવી હતી અને તે સાથે જ યૂઝર્સ ચાર્જ વધારવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તે રજૂઆત રદ થઈ હતી."

તેમના જણાવ્યા અનુસાર, "ઑથોરિટીએ ઓરેવા કંપનીને જણાવી દીધું હતું કે, પહેલા મુજબના ચાર્જ ચાલુ રાખો અથવા તો પુલનું સંચાલન પરત સોંપી દો. ઓરેવા કંપની પુલનું સંચાલન ઑથોરિટીને પરત સોંપવામાં નિષ્ફળ રહી હતી."

"પુલની જર્જરિત હાલત સુધારવામાં પણ નિષ્ફળ રહી હતી. આ પછી કંપની સાથેના એમઓયુ રિન્યૂ થયા બાદ ઓરેવા કંપનીએ દેવપ્રકાશ સૉલ્યુશન નામની કંપનીને પુલના રિપેરિંગ માટેનો કૉન્ટ્રેક્ટ જાતે જ ફાળવી દીધો હતો."

"ઓરેવા કંપનીએ કોઈ એજન્સીના નિષ્ણાંતોનો ટેકનિકલ અભિપ્રાય લીધો ન હતો. મોરબી નગરપાલિકાના સભ્યો સાથે પણ કોઈ પરામર્શ કર્યો ન હતો."

ગુજરાત હાઇકોર્ટ દ્વારા એ પણ સવાલ કરવામાં આવ્યો હતો કે, "ઓરેવા કંપનીએ દેવપ્રકાશ સૉલ્યુશન નામની કંપનીને કૉન્ટ્રેક્ટ આપ્યો તે નગરપાલિકાએ નહોતો ફાળવ્યો? કોઈ પણ ટેકનિકલ રિપોર્ટ કે નગરપાલિકા સાથે કોઈ પરામર્શ પણ કર્યો ન હતો? તો તેણે પોતાની જાતે જ કેવી રીતે કૉન્ટ્રેક્ટ આપી દીધો?"

રાજ્ય સરકારે રિપોર્ટ મુજબ જણાવ્યું હતું કે, "મોરબી પુલના સંચાલન અને મેઇન્ટેનન્સમાં ઓરેવા કંપનીએ ગંભીર બેદરકારી દાખવી હતી. જો કંપનીએ પ્રોફેશનલ નિષ્ણાતો પાસે અભિપ્રાય લીધો હોત તો સારી રીતે પુલની મરામત કે રિનોવેશન થઈ શક્યું હોત."

"પુલની મરામત પૂર્ણ થયા બાદ પણ ઓરેવા કંપનીએ નગરપાલિકા સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરી ન હતી. મોરબીના ઝૂલતા પુલને ફરી ચાલુ કરતાં પહેલાં ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવામાં આવ્યું ન હતું."

"આ ઉપરાંત પુલની મુલાકાતે આવતા લોકોની ટિકિટોના વેચાણ ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ રાખવામાં આવ્યો ન હતો. આ પુલ ઉપર સેંકડો લોકોને જવા દઈને પણ બેદરકારી દાખવવામાં આવી હતી."

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુનાવણી દરમિયાન એવો પણ સવાલ કરવામાં આવ્યો હતો કે,"નગરપાલિકાને સુપરસીડ કર્યા બાદ તમે કંપની સામે કોઈ પગલાં લીધાં કે નહીં?"

રાજ્ય સરકારે એવો જવાબ આપ્યો હતો કે, "અમે એસઆઇટીના રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા અને હવે પછી પગલાં લેવામાં આવશે."

ઓરેવા કંપની તરફથી ઍડવોકેટ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, "ઓરેવા કંપનીએ તમામ પીડિતોને હાઇકોર્ટના આદેશ મુજબ 14 કરોડ જેટલું વળતર ચૂકવી દીધું છે તેમ છતાં અનેક પીડિતોએ ગ્રાહક કોર્ટમાં વધુ વળતર મેળવવા અરજી કરેલી છે. અનાથ થયેલાં બાળકો પુખ્તવયનાં થાય ત્યાં સુધીની જવાબદારી ઓરેવા કંપનીએ લીધી છે."

ગુજરાત હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, "વિધવા કે અસહાય બનેલી મહિલાઓને નોકરી આપવા માટે પણ કંપનીને સૂચના આપવામાં આવી છે."

હાઇકોર્ટે ભોગ બનેલી મહિલાઓ અને બાળકોની તમામ ઝીણવટભરી વિગતો કોર્ટમાં રજૂ કરવા સરકાર અને ઓરેવા કંપનીને આદેશ કર્યો હતો.

પીડિતોના વકીલે શું કહ્યું?

એસઆઈટીએ રજૂ કરેલા અંતિમ અહેવાલ અને ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુનાવણી અંગે મોરબી પુલ દુર્ઘટનાના પીડિતોના વકીલ ઉત્કર્ષ દવેએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આજે (મંગળવારે) ગુજરાત હાઇકોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે એસઆઈટી દ્વારા કોર્ટમાં રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવ્યો છે."

"એસઆઈટીના રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે, ઓરેવા કંપનીના બે મૅનેજિંગ ડાયરેક્ટર અને બે મૅનેજરની જવાબદારી નક્કી કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન કંપની દ્વારા મૂકવામાં આવ્યું ન હતું. જેના કારણે કેટલી ટિકિટ વેચવી અને કેટલી ટિકિટ ન વેચવી તેનું કોઈ ધારાધોરણ ન હતું."

"તેમજ જરૂરી સિક્યૉરિટી પર્સન પણ બ્રિજ પર ન હતા. જેના કારણે લોકોને નિયંત્રિત પણ કરી શકાય તેમ ન હતું."

"કેટલા લોકો બ્રિજ ઉપર જશે અને કેટલા લોકો બ્રિજ ઉપરથી કેટલા સમય બાદ નીચે ઊતરશે તેવું પણ કોઈ વ્યવસ્થાપન ન હતું. ઓરેવા કંપનીએ રિન્યુઅલ બાદ આ કામ આઉટસોર્સ કરવામાં આવ્યું હતું અને અન્ય પાર્ટીને સોંપવામાં આવ્યું હતું."

"એ વ્યક્તિએ પણ કોઈ પણ પ્રકારના ટેકનિકલ આસિસ્ટન્ટની સહાય વગર આ કામ કર્યું છે."

તેમણે જણાવ્યું હતું કે, "રિપોર્ટ ખૂબ દળદાર છે એટલે નગરપાલિકાના અધિકારીઓની શું ભૂમિકા છે તે અંગે અમે અભ્યાસ કર્યા બાદ આવતી મુદતમાં વાત કરીશું."

એસઆઈટીએ હાઇકોર્ટમાં શું તારણો રજૂ કર્યાં?

  • મોરબી પુલની દુર્ઘટના બની તે સમયના સીસીટીવી ફૂટેજ તપાસતા બ્રિજનો મુખ્ય કેબલ તૂટી પડ્યો હતો.જે ઉપરથી દરબારગઢ તરફ ઢળી પડયો હતો. તેના પરથી એ સ્પષ્ટ થાય છે કે પુલની યોગ્ય મરામત એ બ્રિજ તૂટી પડવાનું મુખ્ય કારણ છે.
  • બ્રિજની સલામતીનાં તમામ પગલાં અને ડિઝાઇન જોતા એ ખ્યાલ આવે છે કે જો બ્રિજના તમામ 49 તાર સંપૂર્ણ સારી હાલતમાં હોય તો પણ બ્રિજ પર વધુમાં વધુ 75થી 80 લોકોને એકસાથે જવાની મંજૂરી આપી શકાય તેમ હતી. પરંતુ સાઇટનું નિરીક્ષણ કરતા 49 પૈકી 22 વાયર કાટ ખાઈને તૂટી ગયા હતા. જેના કારણે બ્રિજની ક્ષમતામાં ભારે ઘટાડો થયો હશે તેવું અનુમાન છે.
  • આ બ્રિજ પર પ્રવેશવા અને બહાર જવા માટે કોઈ ચોક્કસ મિકેનિઝમ બનાવવામાં આવ્યું ન હતું. ટિકિટ માટે કોઈ રજિસ્ટર જાળવણી જેવું પણ થતું ન હતું. જેના કારણે ક્ષમતા કરતા વધુ લોકો બ્રિજ પર એક સાથે જતા હતા.
  • વર્ષ 1887માં બનાવેલા બ્રિજનું સ્ટ્રકચર જયારે દુર્ઘટના થઈ ત્યારે તૂટી પડ્યું હતું તેની પાછળનું કારણ મુલાકાતીઓની સંખ્યા હતી. તેના પર કોઈનું નિયંત્રણ ન હતું કે નિયંત્રણ કરવાની કોઈ સિસ્ટમ ન હતી.
  • 100 વર્ષ કરતાં જૂના બ્રિજના આયુષ્યને ધ્યાને લીધા વગર ક્ષમતા કરતાં વધુ લોકોની લાંબા સમય સુધી બ્રિજ પર અવરજવર થવા દેવામાં આવી હતી જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
  • રિપોર્ટ અનુસાર સીસીટીવી ફૂટેજમાં દુર્ઘટના થઈ એ પહેલાં મોટી સંખ્યામાં લોકો બ્રિજના ડૅક પર ઊભા હતા.

એસઆઇટીએ રિપોર્ટમાં શું ભલામણ કરી?

  • બ્રિજને ફરી શરૂ કરીને સમયાંતરે તેનું ઑડિટ થતું રહેવું જોઈએ. બ્રિજ પર મુલાકાતીઓના પ્રવેશવા અને બહાર નીકળવાનો સમય નક્કી કરીને તેનો રેકૉર્ડ રાખવો જોઈએ. તેના માટે એક એસ.ઓ.પી. પણ બનાવવી જોઇએ.
  • જાહેર જનતા જે પણ બિલ્ડિંગનો ઉપયોગ કરતી હોય તેનું સત્તાધીશો દ્વારા નિયમિત નિરીક્ષણ થવું જોઈએ.
  • સલામતી, સુરક્ષા, મરામત અને રિપેરિંગનાં કામો માટે માર્ગદર્શિકા તૈયાર કરીને તેનું કડક પાલન થવું જોઈએ.
  • બ્રિજની જાળવણી અને મરામત માટે સગવડો માટે ચોક્કસ સત્તાધીશો કે ખાનગી એજન્સીની જવાબદારી નક્કી કરવી જોઈએ.
  • દુર્ઘટના ઘટે તો ત્વરિત બચાવકાર્ય માટેનાં તમામ સાધનો નજીકની જગ્યાએ ઉપલબ્ધ હોવા જોઈએ.
  • જાહેર સંપત્તિને કોઈ ખાનગી કંપનીને સોંપતા પહેલાં તે કંપનીની ટેકનિકલ ક્ષમતા અને તાલીમબધ્ધતા ચકાસવી જોઈએ. ત્યાં કોઈ અનુભવી અધિકારીઓ છે કે નહીં એ પણ ઓછામાં ઓછું બે વખત તપાસવું જોઈએ.

મોરબીમાં શું બન્યું હતું?

મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ 30મી ઑક્ટોબર, 2022 રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં.

સરકારી આંકડા અનુસાર, આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.

લગભગ દોઢસો વર્ષ જૂના ઝૂલતા પુલનું સમારકામ વર્ષોથી થયું નહોતું, જેને કારણે 'કાટ ખાઈ ગયેલા પુલના કૅબલ અને ઢીલા' પડી ગયેલા નટબોલ્ટ એ દિવસે પુલ જોવા પહોંચેલા લગભગ 'ત્રણ હજાર માણસની અવરજવર' સહન ન કરી શક્યા અને પુલ તૂટી પડ્યો.

સમગ્ર દેશ અને દુનિયાભરમાં સમાચાર બની ગયેલી આ દુર્ઘટના પાછળના જવાબદાર લોકોને છાવરવામાં આવ્યા હોવાની વાત અને પુલને યોગ્ય મેન્ટનન્સ અને મંજૂરીઓ વિના જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો જેવા વિવાદો પણ થયા હતા.

આ પુલના મેન્ટનન્સ અને સંચાલનનો કૉન્ટ્રેક્ટ મોરબીના જાણીતા ઔદ્યોગિકગૃહ ઓરેવા ગ્રૂપને આપવામાં આવ્યો હતો.

દુર્ઘટના બાદ પોલીસે પગલાં ભરતાં નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ સિક્યૉરિટી ગાર્ડ, બે ટિકિટ આપનારા ક્લાર્ક, પુલનો કૉન્ટ્રેક્ટ લેનારા બે કૉન્ટ્રેક્ટર અને ઓરેવા ગ્રૂપના બે મૅનેજરનો સમાવેશ થયો હતો.

નોંધપાત્ર બાબત છે કે પુલને દુર્ઘટનાના છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને 26 ઑક્ટોબરે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

ત્યારબાદ ઓરેવા ગ્રૂપના માલિક અને મોરબીમાં પુલ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલે મોરબીની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.

1,262 પાનાંની ચાર્જશીટમાં જયસુખ પટેલને મુખ્ય આરોપી અને 'ભાગેડુ' તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યા હતા.

કોણ છે જયસુખ પટેલ?

જયસુખ પટેલના પિતા અને ભારતના "દીવાલ ઘડિયાળના પિતા" ગણાતા ઓધવજી પટેલે વર્ષ 1971માં 1 લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે મળીને 'ઓરેવા ગ્રૂપ'ની સ્થાપના કરી હતી.

આ કંપનીનું નામ તે વખતે 'અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરર' હતું અને કંપનીમાં ઓધવજીની ભાગીદારી માત્ર 15 હજાર રૂપિયાની હતી.

જોકે, બાદમાં ભારતમાં અજંતાની દીવાલ ઘડિયાળ લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં 'અજંતા કંપની' ઓધવજીના નામે થઈ.

આ દાયકામાં ઓધવજીએ 'ક્વાટર્ઝ ઘડિયાળ' બનાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે અજંતા વિશ્વની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની બની, એટલું જ નહીં ઇલેટ્રૉનિક્સ કન્ઝ્યુમર કૅટેગરીમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કૉમર્સે અજંતા ગ્રૂપને સતત 12 વર્ષ સુધી હાઇએસ્ટ ઍક્સ્પોર્ટરનો ઍવૉર્ડ આપ્યો.

કંપનીનો કારોબાર 45 જેટલા દેશોમાં ફેલાયો. ઑક્ટોબર 2012માં ઓધવજી પટેલનું અવસાન થયું એ બાદ અજંતા કંપની ઓધવજીના પુત્રો વચ્ચે વહેંચાઈ ગઈ અને જયસુખ પટેલે તેમના ફાળે આવેલી કંપનીને નવું નામ આપ્યું 'ઓરેવા'. નીચેની લિંક પર વાંચો તેમની સંપૂર્ણ કહાણી