You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરારિબાપુએ મોરબી દુર્ઘટનાના આરોપીઓ મુદ્દે રામકથામાં એવું શું કહ્યું કે વિવાદ થયો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગત અઠવાડિયે મોરબીના કબીરધામમાં જાણીતા કથાકાર મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રામકથાનું નામ ‘માનસ શ્રદ્ધાંજલિ’ રાખવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે પ્રાર્થના કરવાનો અને શ્રદ્ધાંજલિ આપવાનો હતો.
આ કથામાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સહિત અનેક મોટા નેતાઓ અને મંત્રીઓએ પણ હાજરી આપી હતી.
આ કથામાં મોરારિબાપુએ પીડિતોના પરિવાર વતી રામકથામાં એક નિવેદન કર્યું હતું જેના કારણે એક નવો વિવાદ સર્જાયો છે.
આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોએ તેના પર આકરી પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે.
મોરારિબાપુએ શું નિવેદન કર્યું?
કથાના નવમા દિવસે એટલે કે 8 ઑક્ટોબરના રોજ મોરારિબાપુએ કથા દરમિયાન એક નિવેદન કર્યું હતું.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, “મોરબીની પુલ દુર્ઘટનાના પીડિત પરિવારોને મળવા જવાની મારી ઇચ્છા હતી. કથાસ્થળેથી 24 કિલોમીટર દૂર આવેલા ખાનપર ગામે જવાનું અમે નક્કી કર્યું હતું, કારણ કે ત્યાંના એક જ પરિવારના 13 લોકોના આ દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા.”
આગળ તેમણે જણાવ્યું હતું કે, “હું ત્યાં એ પરિવારના લોકોને મળવા ગયો હતો. મેં શ્રદ્ધાંજલિ આપી અને સંવેદના વ્યક્ત કરી હતી. ત્યાં એક ભાઈ બેઠો હતો અને તેની આંખોમાં આંસુ હતાં. તેણે ગળગળા અવાજે મને કહ્યું કે, બાપુજી જે થઈ ગયું તે થઈ ગયું. અમારી દીકરી-દીકરો ગયા, બધું જતું રહ્યું. અમારાં બાળકો તો જતા રહ્યા પણ જે લોકો જેલમાં છે અથવા તો જેના પર કેસ ચાલે છે એ બધાને પાછા દુ:ખી કરવા એ ખોટું છે. એમનાં બાળકો પણ દિવાળી ઊજવે એવું કંઈક થાય તો સારું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોરારિબાપુએ આ દાખલો ટાંકતા કહ્યું હતું કે, “આ ઘટનાનું જે કોઈ કારણ બન્યા હોય કે અદાલતમાં જે કંઈ ચાલતું હોય એમાં કોઈ કૉમેન્ટ ન કરી શકે, હું પણ કરી શકું. પણ મારે લોકોના આ બદલાતા વિચારોને વંદન કરવા છે. જેમના ઘરમાં આંસુડાં સિવાય કંઈ બચ્યું નથી એ એવું કહે કે દોષીઓને દંડ ન થાય એ મોટી વાત છે.”
ઉલ્લેખનીય છે કે આ વીડિયો બાદ મોરારિબાપુએ જે ઘટનાનો ઉલ્લેખ કર્યો એ પણ વીડિયો સોશિયલમાં મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
મોરબી ટ્રૅજેડી વિક્ટિમ ઍસોસિયેશને શું કહ્યું?
ટ્રેજેડી વિક્ટિમ ઍસોસિયેશન એ મોરબી ઝૂલતા પુલ દુર્ધટનામાં મૃત્યુ પામેલા લોકોના વાલીઓનું સંગઠન છે. તેમાં 112 જેટલા મૃતકોના પરિવારજનો જોડાયેલા છે.
આ સંગઠન આરોપીઓને સજા થાય અને પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે પ્રયત્નો કરે છે.
મોરારિબાપુએ કરેલા આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા ઍસોસિયેશને કહ્યું છે કે, “કોઈ એક વ્યક્તિના કહેવાથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. 135 જેટલા લોકો આ ઘટનામાં મોતને ભેટ્યા હતા, જેના કારણે તેમના પરિવારજનોના જીવનમાં કાયમ માટે અંધકાર છવાઈ ગયો છે. માતાના ગર્ભમાં રહેલા બાળકથી માંડીને 10 વર્ષનાં બાળકો પણ આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં છે.”
ઍસોસિયેશન અનુસાર, “કોઈ કથાકાર કે જેમનું કાર્ય સમાજમાં સદાચાર, નીતિમત્તા અને પ્રામાણિકતાની સુવાસ ફેલાવવાનું છે તેઓ આવા જઘન્ય અપરાધના આરોપીઓને દિવાળી મનાવવા માટે છોડી દેવા જોઈએ એવા વાહિયાત નિવેદન આપીને સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.”
“અમે સ્પષ્ટ જણાવીએ છીએ કે મૃતકોના પરિવારજનોને ન્યાય મળી રહે તે માટે અમે જીવનની અંતિમ ક્ષણો સુધી દેશના કાયદાઓની હદમાં રહીને લડતાં રહીશું.”
મોરબીમાં શું બન્યું હતું?
મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ 30મી ઑક્ટોબર, 2022 રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં.
સરકારી આંકડા અનુસાર, આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.
લગભગ દોઢસો વર્ષ જૂના ઝૂલતા પુલનું સમારકામ વર્ષોથી થયું નહોતું, જેને કારણે કાટ ખાઈ ગયેલા પુલના કૅબલ અને ઢીલા પડી ગયેલા નટબોલ્ટ એ દિવસે પુલ જોવા પહોંચેલા લગભગ 'ત્રણ હજાર માણસની અવરજવર' સહન ન કરી શક્યા અને પુલ તૂટી પડ્યો.
સમગ્ર દેશ અને દુનિયાભરમાં સમાચાર બની ગયેલી આ દુર્ઘટના પાછળના જવાબદાર લોકોને છાવરવામાં આવ્યા હોવાની વાત અને પુલને યોગ્ય મેન્ટનન્સ અને મંજૂરીઓ વિના જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો જેવા વિવાદો પણ થયા હતા.
આ પુલના મેન્ટનન્સ અને સંચાલનનો કૉન્ટ્રેક્ટ મોરબીના જાણીતા ઔદ્યોગિકગૃહ ઓરેવા ગ્રૂપને આપવામાં આવ્યો હતો.
દુર્ઘટના બાદ પોલીસે પગલાં ભરતાં નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ સિક્યૉરિટી ગાર્ડ, બે ટિકિટ આપનારા ક્લાર્ક, પુલનો કૉન્ટ્રેક્ટ લેનારા બે કૉન્ટ્રેક્ટર અને ઓરેવા ગ્રૂપના બે મૅનેજરનો સમાવેશ થયો હતો.
નોંધપાત્ર બાબત છે કે પુલને દુર્ઘટનાના છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને 26 ઑક્ટોબરે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ત્યારબાદ ઓરેવા ગ્રૂપના માલિક અને મોરબીમાં પુલ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલે મોરબીની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.
1,262 પાનાંની ચાર્જશીટમાં જયસુખ પટેલને મુખ્ય આરોપી અને 'ભાગેડુ' તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યા હતા.