You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી પુલ દુર્ઘટના : ‘મને વળતર નહીં, મારા દીકરાના મોતના ગુનેગારોને સજા આપતો ન્યાય જોઈએ છે’
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
“એ ન ભૂલાય સાહેબ..મારો છોકરો બાપ વગર મોટો થયો હતો..મેં એને મા-બાપ બંને બનીને મોટો કર્યો..પળ પળ હું એને યાદ કરું છું. એક દિવસ એવો નથી જઈ રહ્યો કે હું તેને યાદ નથી કરતી.”
“પહેલા પતિ જતા રહ્યા અને હવે દીકરો પણ નથી. એના પપ્પા કૅન્સરમાં ગુજરી ગયા હતા. 13-14 ઘરોનાં કામ કરીને એનો ઉછેર કરતી હતી.”
મોરબી પુલ દુર્ઘટનામાં 19 વર્ષનો જુવાન દીકરો ગુમવનારા માતા શબાના પઠાણ અતિશય પીડા સાથે આ વાત કહી રહ્યાં છે.
ગત વર્ષે 30 ઑક્ટોબરના દિવસે મોરબીના ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની કરુણાંતિકા સર્જાઈ હતી.
આ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાને એક વર્ષ થવા આવ્યું છે પણ છતાં સ્વજન ગુમવનાર પરિવારોના આંસુ સૂકાયા નથી અને તેઓ ન્યાય માટે રાહ જોઈ રહ્યાં છે.
શબાના પઠાણનો દીકરો અલ્તાફ મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હતો. મોરબી દુર્ઘટનામાં 135 લોકોનાં જો મોત થયા હતા તેમાં એક અલ્તાફ પણ હતો. ઘટનાને એક વર્ષ થયું છે અને તેમના માતાના આંસુ આજે પણ નથી સૂકાયાં.
ચંપલ ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી
બીબીસી સાથેની વાતચીતમાં શબાના પઠાણ કહે છે, “મારો અલ્તાફ મને જ્યારે પણ કંઈ માંગતો, હું તેની ઇચ્છા પૂરી કરી દેતી. મારી પાસે પૈસા ન હોય તો હું અન્ય પાસે પૈસા ઉધાર લઈને એની ઇચ્છા પૂરી કરતી. એ મને ખૂબ જ પ્રેમ કરતો અને મારી કાળજી રાખતો. તેને તહેવારો પસંદ હતા અને એમાં તે ભાગ પણ લેતો. જ્યારે પણ તહેવાર આવે ત્યારે મને એ ખૂબ જ યાદ આવે છે.”
કોર્ટની સુનાવણીમાં જવું, અધિકારીઓને મળવું આ બધું જ શબાના ખુલ્લા પગે ચાલીને કરે છે. ન્યાય માટે તેઓ સતત લડી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શબાના ન્યાય મળે એની રાહ જોઈ રહ્યાં છે અને તેમણે ન્યાય ન મળે ત્યાં સુધી ચંપલ નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધી છે.
“એક વર્ષ હોય, 5 વર્ષ કે 25 વર્ષ. જ્યાં સુધી દુર્ઘટનાના જવાબદાર લોકોને સજા નહીં થાય, ત્યાં સુધી હું ચંપલ પહેરીશ નહીં. મરી જઈશ પણ પ્રતિજ્ઞા નહીં તોડું. મને પીડા થાય છે, પણ મારો દીકરો મરી ગયો છે. એ ઊંચાઈ પરથી પડ્યો અને પ્રદૂષિત પાણીમાં પડ્યો. એ પાણી એના મોઢામાં ગયું હતું.”
પુલ દુર્ઘટનાનામાં દીકરો ગુમાવ્યા પછી આવી પીડા આપતી પ્રતિજ્ઞા તેમણે કેમ લીધી છે?
“જો હું પીડા વેઠીશ તો અલ્લાહ મારી વિનંતી સાંભળશે અને ગુનેગારોને સજા આપશે. જો કોઈ વ્યક્તિ કોઈનો જીવ લે છે, તો એને આજીવન કારાવાસની સજા આપવી જોઈએ. આથી 135 લોકોનાં મોત માટે જવાબદાર લોકોને કડક સજા આપવી જોઈએ.”
શબાના પઠાણે 20 વર્ષની વયે પતિ ગુમાવ્યા હતા. તેમણે તેમના બંને દીકરાઓને મોટા કર્યાં અને તેમની દેખરેખ રાખી.
જીવનના સંઘર્ષ વિશે જણાવતા તેઓ વધુમાં કહે છે કે, “મારો નાનો દીકરો અલ્તાફ છ મહિનાનો હતો ત્યારે તેના પિતા ગુજરી ગયા હતા. દિવસમાં એક જ વાર ખાવાનું મળતું હતું. મારો દીકરો ભૂખ્યો સૂઈ જતો. 5 હજાર રૂપિયાનું ભાડું ચૂકવતા અને 3-4 હજાર વીજબિલ. અલ્તાફને મહિને 15 હજાર રૂપિયા મળતા હતા. એ બધો જ પગાર મારા હાથમાં આપી દેતો હતો. એ પોતાની પાસે એક રૂપિયો પણ નહોતો રાખતો.”
“મારે ન્યાય જોઈએ છે. મારે વળતર નથી જોઈતું. મે મારો 19 વર્ષનો દીકરો ગુમાવ્યો છે. મેં મારા દીકરાને મોટો કરવા ખૂબ જ મહેનત કરી છે.”
135 લોકોનાં મોત માટે તપાસ રિપોર્ટમાં કોને જવાબદાર ઠેરવાયા?
એ નોંધપાત્ર છે કે ગુજરાત હાઈકોર્ટમાં મોરબી દુર્ઘટનાના આરોપીની જામીન અરજીની સુનાવણી ચાલી રહી છે. આરોપીઓ સામે આઈપીસીની કલમ 304 સહિતની કલમો લગાવાઈ છે.
મોરબી સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી છે. શબાના ખાન સહિત 100 પરિવારોએ ફરિયાદમાં કલમ 302 ઉમેરવા અરજી કરેલી છે.
શનાબા પઠાણે ન્યાય માટે કેટલી રાહ જોવી પડશે એ ન્યાયિક પ્રક્રિયા પર આધાર રાખે છે.
આ સમગ્ર ઘટનાને એક વર્ષ જેટલો સમય પૂરો થવા આવ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ માટે રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) 10 ઑક્ટોબર 2023, મંગળવારના દિવસે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પોતાનો અંતિમ અહેવાલ રજૂ કર્યો હતો.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અંતિમ અહેવાલમાં સ્પષ્ટ રીતે આ સમગ્ર હોનારત માટે ઓરેવા ગ્રૂપ અને તેના ડાયરેક્ટર જયસુખ પટેલ, મૅનેજર દીપક દવે અને દીપક પારેખને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
આ સાથે જ રિપોર્ટમાં ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ, તેમના બે મૅનેજર દીપક દવે અને દીપક પારેખની ગુનાહિત બેદરકારીના કારણે 135 નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા હોવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે.
મોરબી પુલની દુર્ઘટનાને ગુજરાતની સૌથી ગંભીર માનવસર્જિત દુર્ઘટનાઓ પૈકીની એક હોવાનો સ્પષ્ટ અભિપ્રાય પણ આ રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
મોરબીમાં શું બન્યું હતું?
મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ 30મી ઑક્ટોબર, 2022 રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને સરકારી આંકડા અનુસાર 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.
લગભગ દોઢસો વર્ષ જૂના ઝૂલતા પુલનું સમારકામ વર્ષોથી થયું નહોતું, જેને કારણે 'કાટ ખાઈ ગયેલા પુલના કૅબલ અને ઢીલા' પડી ગયેલા નટબોલ્ટ એ દિવસે પુલ જોવા પહોંચેલા લગભગ 'ત્રણ હજાર માણસની અવરજવર' સહન ન કરી શક્યા અને પુલ તૂટી પડ્યો.
સમગ્ર દેશ અને દુનિયાભરમાં સમાચાર બની ગયેલી આ દુર્ઘટના પાછળના જવાબદાર લોકોને છાવરવામાં આવ્યા હોવાની વાત અને પુલને યોગ્ય મેન્ટેનન્સ અને મંજૂરીઓ વિના જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો જેવા વિવાદો પણ થયા હતા.
આ પુલના મેન્ટનન્સ અને સંચાલનનો કૉન્ટ્રેક્ટ મોરબીના જાણીતા ઔદ્યોગિકગૃહ ઓરેવા ગ્રૂપને આપવામાં આવ્યો હતો.
દુર્ઘટના બાદ પોલીસે પગલાં ભરતાં નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ સિક્યૉરિટી ગાર્ડ, બે ટિકિટ આપનારા ક્લાર્ક, પુલનો કૉન્ટ્રેક્ટ લેનારા બે કૉન્ટ્રેક્ટર અને ઓરેવા ગ્રૂપના બે મૅનેજરનો સમાવેશ થયો હતો.
નોંધપાત્ર બાબત છે કે પુલને દુર્ઘટનાના છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને 26 ઑક્ટોબરે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ત્યારબાદ ઓરેવા ગ્રૂપના માલિક અને મોરબીમાં પુલ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલે મોરબીની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.
1,262 પાનાંની ચાર્જશીટમાં જયસુખ પટેલને મુખ્ય આરોપી અને 'ભાગેડુ' તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યા હતા.
કોણ છે જયસુખ પટેલ?
જયસુખ પટેલના પિતા અને ભારતના "દીવાલ ઘડિયાળના પિતા" ગણાતા ઓધવજી પટેલે વર્ષ 1971માં 1 લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે મળીને 'ઓરેવા ગ્રૂપ'ની સ્થાપના કરી હતી.
આ કંપનીનું નામ તે વખતે 'અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરર' હતું અને કંપનીમાં ઓધવજીની ભાગીદારી માત્ર 15 હજાર રૂપિયાની હતી.
જોકે, બાદમાં ભારતમાં અજંતાની દીવાલ ઘડિયાળ લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં 'અજંતા કંપની' ઓધવજીના નામે થઈ.
આ દાયકામાં ઓધવજીએ 'ક્વાટર્ઝ ઘડિયાળ' બનાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે અજંતા વિશ્વની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની બની, એટલું જ નહીં ઇલેટ્રૉનિક્સ કન્ઝ્યુમર કૅટેગરીમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કૉમર્સે અજંતા ગ્રૂપને સતત 12 વર્ષ સુધી હાઇએસ્ટ ઍક્સ્પોર્ટરનો ઍવૉર્ડ આપ્યો.
કંપનીનો કારોબાર 45 જેટલા દેશોમાં ફેલાયો. ઑક્ટોબર 2012માં ઓધવજી પટેલનું અવસાન થયું એ બાદ અજંતા કંપની ઓધવજીના પુત્રો વચ્ચે વહેંચાઈ ગઈ અને જયસુખ પટેલે તેમના ફાળે આવેલી કંપનીને નવું નામ આપ્યું 'ઓરેવા'.