મોરબી પુલ દુર્ઘટના : “જોઈને આપણો જીવ બળે કે તેમને સાંત્વના કેવી રીતે આપવી?” સાત-સાત સભ્યો ગુમાવી દેનારા બે પરિવારોની વ્યથા

મોરબીમાં ગયા વર્ષે 30 ઑક્ટોબર, 2022ના દિવસે સાંજે મચ્છુ નદી પરનો ઐતિહાસિક ઝુલતો પુલ તૂટી પડ્યો. એ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. એમાંથી એક છે શમદાર પરિવાર જેમણે પોતાના સાત-સાત સ્વજનો ગુમાવ્યાં હતાં. ઘટનાના એક વર્ષ પછી પણ તેઓ એ આઘાતમાંથી બહાર આવવા સંઘર્ષ કરી રહ્યાં છે.

મોરબી પુલ દુર્ઘટનાને એક વર્ષ થવા આવ્યું છે, પણ હાજી શમદારના પરિવારના આંસુ સુકાતાં નથી. હોનારત બાદ પરિવારના સાત સભ્યોની અંતિમયાત્રા એક સાથે નીકળી હતી. આ ગોઝારી દુર્ઘટનાનો ભોગ બનેલાં એ સાત પરિવારજનોમાં તેમની ૨૨ વર્ષની એક દીકરી મુસ્કાન પણ હતી.

બી.કૉમ.નો અભ્યાસ કર્યા બાદ મુસ્કાન UPSCની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. ઘટનાના દિવસે મુસ્કાન અને બીજા લોકો સાથે જમીલાબહેન પણ હાજર હતાં. તે ઘટનાને યાદ કરી તેઓ આજે પણ દુખી થઈ જાય છે.

પરિવારને ગુમાવી બેસનારા હાજી શમદાર કહે છે, “પરિવાર તો કંઈ પાછો બનવાનો નથી. નવો બનવાનો નથી. પરિવાર જતો રહ્યા પછી જીવનમાં શું ઉમંગ ઉત્સાહ હોય? આ જીવન તો આપણે આમ જ પસાર કરવું પડે. આપણી જિંદગી કેટલી છે એ તો આપણને ખબર નથી પણ જીવવું તો પડશે ને? ભલે ડિપ્રેશનમાં આવી જઈએ કે ગમે તે થાય.”

“જોઈને આપણો જીવ બળે કે તેમને સાંત્વના કેવી રીતે આપવી?”

હાજી શમદારનાં માતા હુસૈનાબહેન પણ આ ઘટનાનું દુખ સહન ન કરી શક્યાં અને અવસાન પામ્યાં. આ વિશે જણાવતા હાજી શમદાર કહે છે, “મારા મમ્મી દુર્ઘટના સમયે હતાં, પણ તે પછી તેઓ હતાશામાં ગરકાવ થઈ ગયાં. છ-સાત મહિના એમણે એમ ને એમ જીવન ગુજાર્યુ. એમની નજર સામે જ બધું વિખાઈ ગયું એટલે એમના જીવનમાં તો અંધકાર જ છવાઈ ગયો. દુખના આઘાતથી એક દિવસ તેમનું પણ અવસાન થઈ ગયું.”

જમીલાબહેન અને હાજીભાઈને સાંત્વના આપવા પરિવારના બીજા સભ્યો, સંબંધીઓ સતત પ્રયાસ કરે છે. હજી પણ આ પરિવારને દુખમાંથી બહાર લાવવા મથામણ કરે છે.

આ વિશે જણાવતાં શમદાર પરિવારનાં સંબંધી હમીદાબહેન કહે છે, “અમે સતત તેમના ખબરઅંતર પૂછતા રહીએ છે. અમે તેઓ શું કરે છે એ જોતા રહીએ છીએ. તેઓ હવે એકલાં થઈ ગયાં છે એટલે વધારે ચિંતા થાય. અલ્લાહ એમને 100 વર્ષના કરે."

તેમણે વધુમાં કહ્યું, "આખો પરિવાર જ વિખાઈ ગયો. ગમે તે વાત પર એમને પરિવારનાં સ્વજનો યાદ આવી જાય અને તેમની આંખો આંસુંઓથી ભરાઈ જાય છે. જોઈને આપણો જીવ બળે કે આપણે એમની સાથે શું વાત કરીએ? એમની પાસે કેવી રીતે જવું? તેમને સાંત્વના કેવી રીતે આપવી?”

મહેબુબભાઈએ દીકરીની સગાઈ માટે કરેલી તૈયારીઓ અધુરી રહી

હાજીભાઈના પરિવારની જેમ જ મહેબુબભાઈના પરિવારમાં પણ આવું જ કંઈક બન્યું હતું. તેમની ૨૦ વર્ષની દીકરી નફિસા પણ મુસ્કાનની જેમ જ આ દુર્ઘટનામાં મૃત્યુ પામી હતી. મહેબુબભાઈના પરિવારનાં ૩૫ સભ્યો તે દિવસે પુલ પર હાજર હતાં. તેમાંથી નફીસા સહિત 7 લોકો પાછા ફરી શક્યા નહોતા.

મહેબુબભાઈનું આ એક વર્ષ કેવું વીત્યું તે વિશે જણાવતાં મહેબુબભાઈ કહે છે, “એક સેકન્ડ એવી નથી ગઈ કે મારી દીકરી કે મારાં ભાણીયા યાદ ના આવ્યાં હોય. હજી પણ જ્યારે પુલ તરફ જઈએ અને એ બાજું ના જોવું હોય તો પણ મારી નજર એ બાજુ જતી રહે છે. મેં એક વર્ષથી નીચલા પુલ પર ચાલવાનું બંધ કરી દીધું છે.”

દુર્ઘટના પહેલાં દીકરીની સગાઈની તૈયારીઓ કરી રહેલા મહેબુબભાઈએ જ્યારથી દીકરી ગુમાવી ત્યારથી તેમના ઘર અને જીવનમાં એક ઉદાસી છવાઈ ગઈ છે. એ સમયે સગાઈને ધ્યાનમાં રાખીને ઘરમાં શરૂ કરવામાં આવેલું સમારકામ એક વર્ષ પછી હજી પણ અધુરું જ છે.

મહેબુબભાઈએ કહ્યું, “એ દુર્ઘટનાના 20 દિવસ પછી મારી દીકરીની સગાઈ હતી. આ બધું કલરકામ, ફર્નિચર બધું મારે કરાવવાનું હતું. બધું એમને એમ પડ્યું છે જોઈ લો. અત્યારે ખાલી પડદા લગાવી દીધા છે. એ તો ખુશ હતી એ મને બધું કહેતી કે પપ્પા મારે આ રીતે મંડપ શણગારવો છે, આ કરવું છે તે કરવું છે. ઘણું બધું મને કહ્યું હતું. મારી દીકરી બધી તમન્ના સાથે લઈને ગઈ.”

આટલું બોલતા મહેબુબભાઈનું ગળું ભરાઈ આવે છે. બસ એટલું જ માંડ બોલી શક્યા કે, “એ મારી એકની એક છોકરી હતી.”

આ ઘટનાના 6 મહિના બાદ તેમના ભાઈને ત્યાં દીકરીનો જન્મ થયો ત્યારે તેનું નામ નફિસા રાખવામાં આવ્યું.

મહેબુબભાઈ કહે છે, “જે મહિનામાં મારી નફિસાનો જન્મ થયો હતો, એ મહિનામાં જ આ નાની નફિસાનો જન્મ થયો છે એટલે અમે એનું નામ નફિસા જ રાખ્યું.”

નાની નફિસાની એક નાનકડી મુસ્કાન મહેબુબભાઈના ચહેરા પર સ્મિત તો લઈ આવે છે, પણ મનમાં ગમગીનીનાં વાદળો છવાયેલાં જ રહે છે.

ન્યાય માટે દાખલારૂપ સજાની જરૂરિયાત

સરકારે મૃતક વ્યક્તિના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાની સહાય તો ચૂકવી છે, પણ સ્વજનોને ગુમાવનારા આ પરિવારો ઇચ્છે છે કે તેમને ન્યાય મળે.

તમામનો સરકારને એક જ પ્રશ્ન છે કે મોરબીની આ ઘટના બાદ શું સરકાર હવે એવો કોઈ દાખલો બેસાડશે કે જેમ તેમના પરિવારો બરબાદ થયા છે, તેમ અન્ય કોઈ પરિવારો વિખેરાઈ ના જાય?

મહેબુબભાઈ કહે છે, “ન્યાય મળવો જોઈએ. જે ગુનેગાર છે જવાબદાર છે. નગરપાલિકાના અધિકારીઓ છે. જે કોઈ પણ હોય, એમની પણ ભૂલ છે જ ને. એમણે એમને એમ કંઈ કોઈ લોકલ કંપનીને આવી રીતે કામ ના આપી દેવાય.”

જ્યારે હાજીભાઈ જણાવે છે, “આ ઘટના બીજીવાર ના બને એ માટે એ લોકોને સજા કડકમાં કડક મળે તો બીજે ક્યાંય આવું બને નહીં.”

આ પુલ દુર્ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે એક એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટીની તપાસ પ્રમાણે ઝુલતા પુલ પર 75 થી 80 લોકોની ક્ષમતા જ હતી. પુલના કુલ 49 કેબલ તારમાંથી 22 તાર કાટ લાગી જતાં તૂટી ગયા હતા. તેથી તેની ભારવહન ક્ષમતામાં ઘટાડો કરવાની જરૂર હતી.

તેના બદલે પુલ પર જતા લોકોની સંખ્યા પર કોઈ અંકુશ જ નહોતો. મહેબૂબભાઈ અને હાજીભાઈ જેવા પરિવારો તેનું પરિણામ ભોગવી રહ્યા છે.