ગુજરાત : નવરાત્રીમાં ગરબા રમતાં યુવાઓનાં હાર્ટઍટેકથી મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગરબા રમતા 6 લોકોનાં હાર્ટઍટેકથી મૃત્યુ થતાં એક વાર ફરી રાજ્યમાં યુવાઓમાં હાર્ટઍટેકથતાં મોતની ચર્ચા જાગી છે.
મિડિયા અહેવાલ અનુસાર એક મહિલા સહિત 12મા ધોરણની વિદ્યાર્થિની ઉપરાંત 6 વ્યક્તિનાં એક સપ્તાહમાં હાર્ટઍટેકના લીધે મૃત્યુ થયાં છે. ગરબા રમતી વખતે હાર્ટઍટેકના લીધે આ મૃત્યુ થયાં છે. ઉપરાંત રાજ્યમાં હાર્ટઍટેકના લીધે અન્ય 22 લોકોનાં પણ આ જ સમયગાળામાં મૃત્યુ થયાં છે.
15મી ઑક્ટોબરથી નવરાત્રીનો તહેવાર શરૂ થયો હતો. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગત સોમવારે બેઠક કરીને નિષ્ણાતો સાથે આ બનાવો વિશે વાતચીત કરી હતી. તેમને સંબંધિત ડેટા ભેગો કરવા અને આવાં મૃત્યુ પાછળનાં કારણો શોધવા રિસર્ચ કરવા માટે નિર્દેશ આપ્યા હતા.
અત્રે નોંધવું કે, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે રવિવારે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને આરોગ્યમંત્રીને આગ્રહ કર્યો હતો કે તેઓ રાજ્યમાં હાર્ટઍટેકથી વધી રહેલાં મૃત્યુનાં કારણો જાણવા માટે રિસર્ચ કરે.
તેમણે નિવેદન આપ્યું હતું કે, “ઘણા યુવાઓને હાર્ટઍટેક આવી રહ્યા છે અને તેઓ નવરાત્રીમાં ગરબા ગાતી વખતે મૃત્યુ પામી રહ્યા છે. આપણે આ પાછળનાં કારણો જાણવા માટે સંશોધન કરવું પડશે. આરોગ્ય મંત્રી ઋશિકેષ પણ અહીં છે તો હું તેમને છેલ્લા એક વર્ષમાં હાર્ટઍટેકથી કેટલા લોકો મર્યાં તેનો અભ્યાસ કરાવવા આગ્રહ કરીશ.”
જોકે, તેમણે કોવિડની રસીના લીધે આ મૃત્યુ થઈ રહ્યા હોવાની માન્યતાને ફગાવી દીધી હતી.

ગરબા રમતી વખતે હાર્ટઍટેકથી મૃત્યુના કેટલા બનાવ બન્યા?

ઇમેજ સ્રોત, Getty Images
ગરબા રમતી વખતે હાર્ટઍટેકથી મૃત્યુ પામેલા લોકોની વાત કરીએ તો ખેડા જિલ્લાના કપડવંજમાં 12મા ધોરણના વિદ્યાર્થી વીર શાહનું મૃત્યુ થયું. તેના પરિવારનું કહેવું છે કે શુક્રવારે રાત્રે તે ગરબા રમતી વખતે બેભાન થઈ ગયો હતો. તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ તેને બચાવી શકાયો નહોતો. 108 ઍમ્બ્યૂલન્સના રૅકોર્ડ અનુસાર 29 વર્ષીય રવિ પંચાલનું અમદાવાદમાં ગરબા સમયે હાર્ટઍટેકના લીધે મૃત્યુ થયું.
બીજા એક બનાવની વાત કરીએએ તો વડોદરાના 55 વર્ષીય શંકર રાણાને ગરબા ગાતી વખતે ઍટેક આવતાં હૉસ્પિટલ લઈ જવાયા હતા પણ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નવસારીમાં 31 વર્ષીય મૃણાલ શુક્લા તથા પોરબંદરના 46 વર્ષીય રાજુ આલાનું પણ અનુક્રમે શુક્રવાર અને શનિવારે ગરબા સમયે હાર્ટઍટેકથી જ મૃત્યુ થયું હતુ. રાજકોટમાં 47 વર્ષીય મહિલા કંચન સક્સેના શુક્રવારે ગરબા ગાતાં અચાનક ઢળી પડ્યાં હતાં. તેમને હૉસ્પિટલ લઈ જવાયાં હતાં પણ બચી શક્યાં નહોતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગરબા સમયે આવેલા હાર્ટઍટેકની સાથે સાથે રાજ્યમાં હાર્ટઍટેકથી અન્ય 22 લોકોનાં આ જ સમયગાળામાં મૃત્યુ થયાં છે. તેમાં 2 મહિલાઓ પણ સામેલ છે.
અહેવાલ અનુસાર 108 ઍમ્બ્લ્યૂલન્સ સેવાના આંકડા દર્શાવે છે કે તેમને 15 ઑક્ટોબરથી 22 ઑક્ટોબર દરમિયાન કાર્ડિયાક સંબંધિત ઇમર્જન્સીના 650 કૉલ મળ્યા છે. આ ફોન સાંજે 6 વાગ્યાથી સવારે 2 વાગ્યાના અરસામાં મળ્યા હતા. તેમને નવરાત્રી દરમિયાન 673 કૉલ મળ્યા હતા એટલે કે દરરોજ સરેરાશ 84 કૉલ મળ્યા હતા. જોકે સત્તાધિશોનું કહેવું છે કે સામાન્ય દિવસોમાં મળતા 88 કૉલ કરતા આ આંકડો ઓછો છે.
નવરાત્રી શરૂ થઈ એ પહેલાં આરોગ્ય સત્તાધિશોએ ગરબા આયોજકોને નિર્દેશ આપ્યા હતા કે તેમણે ત્વરિત મદદ માટે આયોજન સ્થળ પર ઍમ્બ્લ્યૂલન્સ અને મેડિકલ ટીમ સજ્જ રાખવી પડશે.

નવરાત્રી શરૂ થતાં પહેલાં જ બનાવો શરૂ થઈ ગયા?

ઇમેજ સ્રોત, Getty Images
નવરાત્રી પહેલાં જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતો 19 વર્ષનો યુવાન વિનીત કુંવરિયા અચાનક ઢળી પડ્યો. વિનીતને સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયા પણ ત્યા ડૉક્ટરે તેમને મૃત જાહેર કરાયા. ગરબાના આયોજકે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે ''યુવાનને કોઈ શારીરિક સમસ્યા હોય એવી કોઈ જાણ નહોતી. અગાઉ પણ તેઓ પ્રેક્સિસ કરતા જ હતા. પણ એ દિવસે ગરબાના માત્ર બે રાઉન્ડ માર્યા અને ઢળી પડ્યા. અમે તેમને હૉસ્પિટલ લઈને આવ્યા પણ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યા'.
વિનીત છેલ્લા બે મહિનાથી ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
બાર દિવસ પહેલાં જૂનાગઢમાં 24 વર્ષના ચિરાગ પરમાર નામના યુવાનનું પણ દાંડિયા રમતાં-રમતાં મૃત્યુ થયું. ચિરાગ અચાનક ઢળી પડ્યા હતા તેમને પણ સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા પણ ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
લગ્નપ્રસંગમાં ડાન્સ કરતા સમયે હાર્ટઍટેક આવવાથી મૃત્યુ થયાં હોય તેવા અનેક કિસ્સાઓ નોંધાયા છે. ગયા વર્ષે નવરાત્રિમાં પણ ગરબા રમતાં-રમતાં મૃત્યુ થયું હોવાના અનેક કેસ નોંધાયા હતા.

નવરાત્રી દરમિયાન હાર્ટઍટેકના બનાવો કેમ વધ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીએ આ બનાવો પાછળનાં કારણો સમજવાની કોશિશ કરી. બીબીસીએ આ મામલે સ્વાસ્થ્ય બાબતોના નિષ્ણાત સાથે વાત કરી.
અમદાવાદના વરિષ્ઠ ફિઝિશ્યન ડૉ. પ્રવીણ ગર્ગ બીબીસીને જણાવે છે કે, “છેલ્લે કેટલાસ સમયથી યુવાઓમાં હાર્ટ સંબંધિત બીમારીના મામલા જોવા મળી રહ્યાં છે એ હકીકત છે. નવરાત્રી દરમિયાન હાર્ટઍટેકથી મૃત્યુ થયાં છે અને આ વાસ્તવિકતા છે.”
આ સ્થિતિ પાછળનાં કારણો વિશે જણાવતા તેઓ કહે છે, “નવરાત્રીમાં ગરબા સમયે યુવાઓ શરીરને અત્યાધિક કષ્ટ આવે એટલી હદે જો શ્રમ કરે એટલે કે ગરબા ગાય તો એકાએક હાર્ટને અસર પહોંચવાથી પછી કૉલેપ્સ થઈ જતા હોય છે.”
“નવરાત્રીમાં ભીડ વધુ હોય છે, આસપાસનું વાતાવરણ ભેજવાળું વધુ હોય છે, ઘોંઘાટ પણ ચરમસીમાએ હોવાથી આ પરિબળો ગભરામણ સર્જે છે. ગરબા ગાતી વખતે વધારે કૂદવું અને તીવ્ર શારીરિક શ્રમથી હાર્ટને અસર થઈ જતી હોય છે. વળી એવી વ્યક્તિ કે જેને પહેલાથી જ હાર્ટ સંબંધિત સમસ્યા રહેલી હોય છે કે જેને વારસાગત કે અંદર થોડું બ્લૉકેજ હોય તો પછી એવી વ્યક્તિને જોખમ વધી જાય છે.”
“યુવાઓમાં આ રીતે હાર્ટઍટેકથી મૃત્યુના બનાવ માટે કોરોના રસીને પણ એક પરિબળ માનવમાં આવે છે, પરંતુ એ ગેરમાન્યતા છે. જોકે કોવિડ મહામારી તેનું કારણ હોઈ પણ શકે છે અને ન પણ હોઈ શકે.”
“બીજુ વસ્તુ એ છે કે જે લોકોને ગરબામાં લક્ષણો દેખાતાં હોય તેઓ એ ક્યાં તો અવગણી નાખે છે અથવા સમજી નથી શકતા. જેમ કે ઍસિડિટી થવી, દુખાવો થવો, અતિશય પરસેવો થવો. લોકોને લાગે છે કે ગરબાના લીધે બહાર ખાઈ લીધું એટલે ગભરામણ થવા લાગી છે. અને પછી તેઓ એકાએક કૉલેપ્સ થઇ જાય છે.”

શું ધ્યાનમાં રાખવું?

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રકારની સ્થિતિનો સામનો ન કરવો પડે એ વિશે શું કરી શકાય?
આ વિશે ડૉ. ગર્ગ કહે છે કે, “યુવાઓને રોજિંદા જીવનમાં ગરબાની જેમ એટલી શારીરિક પ્રવૃત્તિની ટેવ નથી હોતી. એટલે તેઓ હાર્ટ પર વધારે દબાણ આપી દેતા હોય છે. ખરેખર નિયમિત વ્યાયામ, પ્રાણાયમ અને જીનવશૈલી સમતોલ રાખવાથી સ્વાસ્થ્ય સારું રાખી શકાય છે.”
“સારો ખોરાક ખાવો, નિયમિત વ્યાયામ કરવો અને શક્ય હોય તો શરીરનું ચેકઅપ પણ કરાવતા રહેવું. હાલની સ્થિતિને જોતાં 25 વર્ષથી મોટી વયના યુવાએ તેનું બોડી ચેકઅપ જેમાં બ્લડ, સુગર, કૉલેસ્ટ્રોલ વગેરે ચેક કરાવવું જોઈએ. ઈસીજી કરાવવો જોઈએ. જો પરિવારમાં વારસાગત કોઈ બીમારી ચાલતી આવતી હોય તો ખાસ કરાવવું જોઈએ.”
“જીમમાં પણ જતાં પહેલા જો શક્ય હોય તો હાર્ટ સંબંધિત હિસ્ટ્રી હોય તો એ જણાવીને એને ધ્યાનમાં લઈને જ કસરત કરવી. જો શક્ય હોય તો ઈસીજી કરાવી લેવો જોઈએ. વધુ ધબકારા તેજ થઈ જાય તો એને અવગણવું ન જોઈએ. ક્ષમતાથી વધુ કસરત ન કરવી.”
“શારીરિકની સાથે સાથે માનસિક તણાવ પણ સ્વાસ્થ્યને અસર કરતો હોવાથી માનસિક સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી. એમાં યોગ-પ્રાણાયામથી લાભ થઈ શકે છે.”
CPRની તાલીમ જીવન બચાવવામાં સક્ષમ

ઇમેજ સ્રોત, PA
જો ગરબા રમતી વ્યક્તિ કે અન્ય વ્યક્તિને ઘરમાં પણ એકાએક હાર્ટઍટેક આવી જોય તો એવી સ્થિતિમાં તબીબી સહાય પહોંચે ત્યાં સુધી શું કરી શકાય એ વિશે જણાવતા ડૉ. ગર્ગ જણાવે છે કે, “સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસસિક્ટેશન) એ ખૂબ જ મહત્ત્વની રીત છે. એનામાં જીવ બચવાની શક્યતા રહેલી હોય છે. મદદ પહોંચે એ પહેલાં જો સીપીઆર આપવામાં આવે તો, બની શકે કે વ્યક્તિનો જીવ બચી પણ શકે છે.”
સીપીએરની ગંભીરતા વિશે તેઓ ઉમેરે છે, “સીપીઆર કેન્દ્ર સરકારે બાળકોના શિક્ષણમાં અભ્યાસક્રમમાં જ સામેલ કરવું જોઈએ. આ જીવનરક્ષક પદ્ધતિ છે. જોકે, આ વખતે ગરબા આયોજકોને આયોજનસ્થળે આ પ્રકારની તાલીમ આપવાના પ્રયાસ પણ થયા હતા.”
“ડૉક્ટર કે ઍમ્બ્લ્યૂલન્સ આવે ત્યાં સુધી જો વ્યક્તિને સીપીઆર આપતા આવડતું હોય તો તે પ્રયાસ કરી શકે છે.”
વ્યસનથી હાર્ટઍટેકનું જોખમ?

ઇમેજ સ્રોત, SCIENCE PHOTO LIBRARY
હાર્ટ સંબંધિત સમસ્યા અને એનાથી યુવાઓમાં થતાં મૃત્યુના કારણો વિશે જાણવા બીબીસીએ તાજેતરમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટનો પણ સંપર્ક કર્યોં હતો.
હાર્ટની કેટલીક કન્ડિશનો વિશે જણાવતાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજીસ્ટ ડૉક્ટર લાલ દાગાએ બીબીસીને જણાવ્યું હતું કે ''ગરબા એ એક પ્રકારની સઘન કસરત છે. જ્યારે તમે લાંબા સમય સુધી ગરબા રમો છો તો તમારા હૃદય પર શ્રમ પડે છે. રોજિંદા જીવનમાં તમારું હૃદય જે શ્રમ સહન કરવા માટે ટેવાયેલું ન હોય તેના કરતાં બેથી ત્રણ ગણો શ્રમ તેને પડે ત્યારે હૃદયનું વર્તન અને રિધમ બદલાઈ શકે છે. અને તે હાર્ટઍટેક જેવી ગંભીર સમસ્યાને નોતરી શકે છે.''
ડૉક્ટર લાલ દાગાએ એવા યુવાનોને ખાસ કરીને ચેતવે છે જેમને કોઈકને કોઈક વ્યસન છે.
તેમણે ઉમેર્યું ''જો તમારા પરિવારમાં હાર્ટઍટેકની ઘટના બની હોય. જો તમે તમાકુ, સિગારેટ, બીડી, દારૂનું વ્યસન હોય, જો તમારા શરીરમાં બ્લડ પ્રેશર, કિડની કૅન્સર જેવી બીમારી હોય તો આવા કિસ્સામાં હાર્ટઍટેકની બીમારીનું પ્રમાણ વધારે હોય છે.''
હાર્ટઍટેક માટે હૃદયમાં રહેલી અનેક સ્થિતિઓ જવાબદાર છે. કોરોના બાદ અચાનક હાર્ટઍટેક આવવાના અને આકસ્મિક મૃત્યુના કેસો વધી ગયા છે. આ અંગે ડૉક્ટર લાલ દાગાએ બીબીસીને વિસ્તારથી સમજાવ્યું કે ગરબા રમતાં કઈ સ્થિતિ સર્જાય તો હાર્ટઍટેક આવી શકે છે.
- જો કોઈ વ્યક્તિના હૃદયની નળીમાં પહેલેથી જ 60-70 ટકાનો બ્લૉક હોય. (કૉલેસ્ટ્રોલ અથવા લોહીનો ગઠ્ઠો હોય) ગરબા રમવાના કારણે હૃદય પર જે શ્રમ પડે તેના કારણે તે છૂટો પડે અને આખી નળી બ્લૉક કરી નાખે તેવી સ્થિતિમાં હાર્ટઍટેક આવી શકે છે.
- જો કોઈ વ્યક્તિને હૃદયની રિધમની સમસ્યા હોય તો એબનૉર્મલ રિધમના કારણે પણ સમસ્યા સર્જાઈ શકે છે.
- હૃદયના સ્નાયુ મસલ્સ નબળા હોવા જેને મેડિકલની ભાષામાં કાર્ડિયોમાયોપેથી કહેવાય છે. તેનાથી પણ ગરબા રમવાના કારણે હૃદય પર વધુ શ્રમ પડે તો સમસ્યા સર્જાઈ શકે છે.
- કેટલાક લોકોને હૃદયની દીવાલ જાડી હોય છે. જેને મેડિકલ ભાષામાં હાઇપરટ્રોફિક કાર્ડિયો માયોપેથી કહેવાય છે. આવા હાર્ટપેશન્ટ હૃદય પરનો વધુ શ્રમ સહન નથી કરી શકતા અને તેઓ અચાનક જ પડી જાય છે. ત્યાર બાદ તેમને રિવાઇવ ન કરી શકાય તો આવા કેસમાં મૃત્યુ પણ થઈ શકે છે.
ગરબા રમતા પહેલાં કયો ખોરાક લેવો જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
જો વ્યક્તિને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કૉલેસ્ટ્રોલની બીમારી નથી તેઓ પૂરતો ખોરાક લઈ શકે છે. પણ તેમના માટે સમયનું ધ્યાન રાખવું જરૂરી છે.
આ મુદ્દે તાજેતરમાં એમડી મેડિસન ડીએમ કાર્ડિયોલૉજીસ્ટ ડૉક્ટર ધવલ દોશીએ બીબીસીને જણાવ્યું હતું કે, "જેમને બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે તેઓ છે તેઓ જમ્યાના પંદર-વીસ મિનિટ, કે કલાકમાં ગરબા ચાલુ કરી દે તો હૃદય પર લૉડ પડવાનું શરૂ થઈ જાય છે. કારણ કે આપણે જે ખોરાક લીધો છે તેને પચાવવા માટે પણ હૃદયને જ કામ કરવું પડે છે. એટલે ભોજનને પચાવવા અને ગરબાથી હૃદય પર બમણો સ્ટ્રેસ પડે તો નળી બ્લૉક થવાની શક્યતા વધી જાય. જેનાથી હાર્ટઍટેક આવવાની શક્યતા વધી જાય છે."
ડૉક્ટર ધવલ દોશી ઉમેરે છે,"ભારે ખોરાક ખાઈને ગરબા ન રમવા જોઈએ. ખાધા પછી બે કલાક પછી ગરબા રમવા જોઈએ. ફ્રૂટ્સ અને શાકભાજી ખાઈને તમે ગરબા રમી શકો છો પણ તમે રોટલી-શાક, દાળ-ભાત, ખીચડી-કઢી જેવો ભારે ખોરાક ખાધા બાદ તુરંત જ ગરબા રમો તો હાર્ટઍટેક આવવાની શક્યતા વધી શકે છે.''
માત્ર ખોરાક પર જ નહીં પણ ખેલૈયાઓએ પાણી પીવા પર પણ પૂરતું ધ્યાન આપવુ જોઈએ. કારણ કે ગરબા રમવાથી પરસેવો થાય છે. જેનાથી શરીરમાં રહેલુ પાણી ઓછું થઈ શકે છે. તેથી યોગ્ય સમયે પાણી પીવું જરૂરી છે.
ક્યારે અને કેટલું પાણી પીવું તે અંગે ડૉક્ટર ધવલ દોશી કહે છે કે, "તમે ગરબા રમો કે કોઈ પણ કસરત કરો તેનાં પહેલાં એક કે બે ગ્લાસ જેટલું પાણી, જ્યૂસ અથવા પ્રવાહી લેવું જોઈએ."
"ત્યાર બાદ દર વીસથી ત્રીસ મિનિટના અંતરે પાણી પીતા રહેવું જોઈએ. જ્યારે પણ તમે ગરબા રમો તો અમુક સમય કરતા વધારે પ્રમાણમાં એક સાથે ગરબા ન રમવા જોઈએ. વીસ કે પચ્ચીસ મિનિટ બાદ આરામ જરૂરી છે."
"હૃદયને આરામ મળવો જરૂરી છે. ઊંડા શ્વાસ લો, દસ મિનિટ આરામ કર્યા બાદ ફરીથી વીસ મિનિટ ગરબા રમો. એક સાથે કલાક બે કલાક ગરબા રમ્યા કરવાથી પણ ઍટેક આવવાની શક્યતા વધી જશે.














