ટાટા નેનો : સમય અને રાજકારણનો શિકાર બનેલી નાનકડી કાર હવે ઈવી સ્વરૂપે સફળ થશે?

    • લેેખક, ગુલશનકુમાર વનકર
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

આ કથા 2008ની 10 જાન્યુઆરીની છે.

દિલ્હીમાં કડકડતી ઠંડીનો દિવસ હતો અને દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેના ઑટો ઍક્સ્પોમાં દરેક વ્યક્તિ એ જોવા ઉત્સુક હતી કે ટાટા મોટર્સ આજે શું પ્રદર્શિત કરશે.

ટાટાના કાફલામાં સુમો, સિયારા તથા સફારી જેવી શક્તિશાળી એસયુવી અને ઇન્ડિકા-ઇન્ડિગો જેવી પૅસેન્જર કાર સામેલ હતી, પરંતુ એ આશાનો, અપેક્ષાનો દિવસ હતો.

તેનું કારણ હતું કંપનીના તત્કાલીન અધ્યક્ષ રતન ટાટાનો, સામાન્ય માણસ માટે સારી, એકાદ લાખ રૂપિયા કિંમત હોય તેવી કાર બનાવવાનો વિચાર. એ વિચાર હકીકત બનશે કે કેમ તેની સૌને પ્રતીક્ષા હતી.

આખરે રતન ટાટા મંચ પર આવ્યા – એક ખરેખર નાની, ટ્યુબ્યુલર, ગોકળગાય જેવી દેખાતી કારમાં. તેનું નામ સુંદર હતુ : નેનો. કિંમત? વચન આપ્યા પ્રમાણે – એક લાખ રૂપિયા. મથાળામાં ચમકવા માટે, લોકોનું ધ્યાન ખેંચવા માટે આ કિંમત જ પૂરતી હતી. ઘણા લોકોએ પોતાની પહેલી કારનું સ્વપ્ન સાકાર કરવા માટે નેનો બુક કરાવી હતી, જ્યારે કેટલાકે બીજી કાર તરીકે નેનો બુક કરાવી હતી.

જોકે, બુકિંગથી ગાડીની ડિલિવરી સુધીમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અને તેની સાથે નેનો પણ બદલાઈ ગઈ હતી.

ઓછી કિંમતની કાર તરીકે લોન્ચ કરાયેલ ટાટા નેનોનું ઇલેક્ટ્રિક કાર તરીકે પુનર્જન્મ થશે?

  • ગુજરાતના સાણંદમાં ટાટા નેનોનું આગમન એ સમયે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં મોટા સમાચાર હતા
  • અમુક વર્ષો પહેલાં ટાટા જૂથના સર્વેસર્વા રતન ટાટાએ સામાન્ય માણસને પરવડે તેવી માત્ર ‘એક લાખ કિંમતવાળી’ કાર બજારમાં ઉતારવાનું સ્વપ્ન જોયું હતું
  • તે પૂરું તો થયું પરંતુ સ્વપ્ન ‘ઝાઝું ટકી ન શક્યું’
  • કાચામાલની વધતી કિંમત અને ગુણવત્તાસંબંધી સવાલોના કારણે ટાટા નેનોની લોકપ્રિયતાને ફટકો પડ્યો હતો
  • પરંતુ હવે એવા સંકેતો મળી રહ્યા છે કે ટાટા નેનોનું ઇલેક્ટ્રિક કાર તરીકે બજારમાં પુનરાગમન થઈ શકે છે
  • વાંચો ટાટા નેનોની સ્વપ્નથી હકીકત બનવાની કહાણી

નેનો કેવી રીતે બની?

વાસ્તવમાં એક લાખ રૂપિયાની કાર લાવવાનો વિચાર રસપ્રદ, પડકારજનક અને અતિશયોક્તિપૂર્ણ લાગતો હતો, પરંતુ ટાટાએ જ થોડાં વર્ષો પહેલાં ટાટા એસ નામની મિની ટ્રક લૉન્ચ કરી હતી. ‘છોટા હાથી’ નામે તેનું જોરદાર માર્કેટિંગ કર્યા પછી ટાટાને તેમાં સફળતા મળી હતી.

ટાટાએ તે સફળતાનું પુનરાવર્તન કરવા માટે ટાટા એસના નિર્માતા ગિરીશ વાઘના નેતૃત્વ હેઠળ એક યુવા ટીમ બનાવી હતી અને રતન ટાટાના નેનોના વિચારને સાકાર કરવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું.

2018ના દિલ્હી ઑટો ઍક્સ્પોમાં બીબીસી સાથે વાત કરતાં ગિરીશ વાઘે કહ્યું હતું કે, “તે સમયે કંપનીમાં નેનો પ્રોજેક્ટનું કામ શરૂ થઈ ગયું હતું. પછી અમારા ચૅરમૅન રતન ટાટા અને ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર રવિ કાંત બંનેએ મને કહ્યું હતું કે હવે તમે નેનો પર કામ કરો. આ પ્રોજેક્ટ આપણા માટે સૌથી વધુ મહત્ત્વનો છે. તે પછી નેનો પર લગભગ પાંચ વર્ષ કામ ચાલ્યું હતું. કોરા કાગળ પર સંપૂર્ણ કાર ડિઝાઇન કરવાથી માંડીને ફેકટરી શરૂ કરવામાં ઘણો સમય લાગ્યો હતો.”

નેનોનો પ્રારંભિક દેખાવ ચાર પૈડાંવાળી રિક્ષા જેવો હતો. તેની બૉડી પ્લાસ્ટિક અથવા કાગળની બનેલી હશે, એવો વિચાર પણ લોકો કરતા હતા. આખરે ઓછા વજનદાર ઍલ્યુમિનિયમમાંથી નેનોની બૉડી અને ત્રણ સિલિન્ડરનું એંજિન બનાવવામાં આવ્યાં હતાં.

સિંગુરથી સાણંદ

નેનોનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળના સિંગુરમાં 2006માં તૈયાર કરવામાં આવ્યો હતો. એ માટે સ્થાનિક ખેડૂતો પાસેથી જમીન સંપાદિત કરવામાં આવી હતી. આખી ફેકટરીના નિર્માણ પછી ત્યાં નેનોના ઉત્પાદનનું કામ પણ શરૂ કરી દેવાયું હતું, પરંતુ ખેડૂતોના જોરદાર આંદોલન અને મમતા બેનર્જીએ કરેલા તેના નેતૃત્વને કારણે આ પ્રોજેક્ટ રખડી પડ્યો હતો.

તે વિરોધથી કંટાળીને અને કર્મચારીઓની સલામતી પરના જોખમને ધ્યાનમાં લઈને ટાટા મોટર્સે સપ્ટેમ્બર, 2008માં તે પ્લાન્ટ બંધ કર્યો હતો અને નવા સ્થળની શોધ શરૂ કરી હતી.

એ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ટાટાને નેનોની ફેકટરી ગુજરાતના સાણંદમાં લાવવાની ઑફર કરી હતી.

સિંગુરથી સાણંદ વચ્ચે અંદાજે 2,000 કિલોમિટરનું અંતર છે અને આખી ફેકટરી દેશના પૂર્વ ભાગમાંથી પશ્ચિમ ભાગમાં લાવવા માટે સમય, નાણાં અને આકરા પ્રયાસો જરૂરી હતા.

એ પછી ટાટા સમક્ષ એકને બદલે ત્રણ પ્રોજેક્ટ આવ્યા હતા. પહેલો પ્રોજેક્ટ કાચા માલ, એક-એક સ્ક્રૂ સહિતની અન્ય સામગ્રી સાથેનું આખું કારખાનું સિંગુરથી ઉપાડીને સાણંદ લાવવાનો હતો. બીજો પ્રોજેક્ટ ઉત્તરાખંડના પંતનગર તથા મહારાષ્ટ્રના પુણેમાં ટાટાની અન્ય ફેકટરીઓમાં કામચલાઉ ઉત્પાદન વ્યવસ્થા ગોઠવવાનો હતો, જેથી નેનોનું ઉત્પાદન ચાલુ રહે અને કાર બુકિંગ અનુસાર લોકોને ડિલીવરી મળતી રહે. ત્રીજો પ્રોજેક્ટ સાણંદમાં ફરી આખી ફેકટરી ઊભી કરવાનો અને ઉત્પાદન શરૂ કરવાનો હતો.

ફેકટરીના સિંગુરથી સાણંદ સ્થળાંતર માટે કંપનીએ કુલ 3,340 ટ્રક તથા 495 કન્ટેનરોનો ઉપયોગ કરવો પડ્યો હતો અને એ કામ સાત મહિને પૂર્ણ થયું હતું. રૂ. 1,300 કરોડની એ ફેકટરી અહીંથી ત્યાં ગઈ અને નવેમ્બર, 2009માં એટલે સિંગુરમાં ઉત્પાદન બંધ થયાના 14 મહિના પછી ગુજરાતમાં ટાટા નેનોનું ઉત્પાદન ફરી શરૂ થયું હતું.

એ પછી 2009માં નેનોને ઇન્ડિયન કાર ઑફ ધ યરનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

જબરી ચર્ચા, નાની સફળતા

નેનોએ લોન્ચિંગ સમયે વિશ્વની સૌથી સસ્તી કાર તરીકે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મેળવી હતી. આવી જ ચર્ચા 1930ના દાયકામાં ફૉક્સવેગન બીટલ અને 1950ના દાયકામાં ફિયાટ-500 વિશે થઈ હતી.

માત્ર એક લાખ રૂપિયાની કાર ખરીદવા માટે સંખ્યાબંધ લોકોએ બુકિંગ કરાવ્યું હતું. પછી લકી ડ્રો નેનો લોકો સુધી પહોંચવા લાગી હતી, પરંતુ કેટલાક પ્રારંભિક મૉડલને બાદ કરતાં નેનોની એક લાખ રૂપિયાની કિંમત જાળવી રાખવાનું શક્ય નહોતું.

રતન ટાટાએ આપેલા વચન અને કારના લોન્ચિંગ વચ્ચેનાં ચાર-પાંચ વર્ષના સમયગાળામાં કાચા માલની કિંમતમાં વધારો થવાને કારણે ટાટાએ પણ કારની કિંમતમાં વધારો કર્યો હતો.

તે ભાવવધારાને કારણે નેનો અને મારુતિ-800 તથા અલ્ટોની કિંમત વચ્ચે મોટો ફરક રહ્યો ન હતો. તેથી અનેક લોકો ફરીથી મારુતિની યુઝ્ડ કાર તરફ વળ્યા હતા. એ ઉપરાંત ડિલિવરીમાં પ્રારંભિક વિલંબ પછી નેનોમાં ગુણવત્તાસંબંધી બાબતો પણ લોકોના ધ્યાનમાં આવી હતી. પ્રથમ મૉડલમાં ડિક્કી ન હતી. એંજિનનો અવાજ આવતો હતો અને ઇન્ટિરિયરનું પ્લાસ્ટિક હલકી ગુણવત્તાનું હતું. આ બધું ચર્ચાનો વિષય બન્યું હતું.

એ પછી કાર સેફટી રેટિંગનું કામ કરતા વૈશ્વિક સંગઠન એનસીએપીએ 2014માં નેનોને શૂન્ય રેટિંગ આપ્યું હતું. એ ઉપરાંત નવા વાઈટ કાર ફાઇબરને કારણે પણ તેની ઇમેજને ધક્કો લાગ્યો હતો અને લાખો લોકોએ તેમના બુકિંગ કૅન્સલ કરાવ્યાં હતાં.

એ દરમિયાન નેનોને નવજીવન આપવા માટે કંપનીએ નેનો ટ્વિસ્ટ અને નેનો જેન-એક્સ જેવાં નવીન મૉડલ રજૂ કર્યાં હતાં. તેમાં ડિક્કી હતી. નવી એએમટી ગિયર બૉક્સ ટેકનોલૉજી હતી. એ ઉપરાંત સીએનજીનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, પરંતુ એ પ્રયાસો નેનોનું વેચાણ વધારવા માટે પૂરતા ન હતા.

બાદમાં રતન ટાટાએ સ્વીકાર્યું હતું કે નેનોનું માર્કેટિંગ નિષ્ફળ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “નેનોને વિશ્વની સૌથી સસ્તી કારને બદલે સૌથી કિફાયતી કાર કહેવી જોઈતી હતી. મને નથી લાગતું કે આ કાર ફ્લોપ થઈ છે. અમે શરૂઆતમાં મળેલી સારી તક ગુમાવી દીધી હતી.”

2012માં આપેલી એક મુલાકાતમાં રતન ટાટાએ કહ્યું હતું કે, “નેનોનો ઉદ્દેશ વિશ્વની સૌથી સસ્તી કાર બનાવવાનો ન હતો. અમે લોકોને પરવડી શકે તેવી, લોકોને ગમે તેવી કાર બનાવવા ઇચ્છતા હતા.”

ટાટા નેનોનો અંત અને પુનર્જન્મ?

ટાટા મોટર્સે દર વર્ષે ત્રણ લાખ નેનો વેચવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, પરંતુ કંપની દર વર્ષે એ ટાર્ગેટને પહોંચી વળવાથી માઇલો દૂર રહેતી હતી.

ટાટા ગ્રૂપની ધુરા રતન ટાટાના હાથમાંથી સાઇરસ મિસ્ત્રીના હાથમાં આવ્યા બાદ તેમણે ટાટા ગ્રૂપના નુકસાનકારક પ્રકલ્પો બંધ કરવાની સલાહ સૌપ્રથમ આપી હતી. એ સલાહના કેન્દ્રમાં ટાટા નેનો પ્રોજેક્ટ હતો, જે રતન ટાટાનો સૌથી પ્રિય પ્રોજેક્ટ હતો.

એ સિવાય મિસ્ત્રી અને ટાટા વચ્ચે અનેક બાબતે વિવાદ સર્જાયા હતા. ત્યાર બાદ મિસ્ત્રીને સીઈઓના પદ પરથી હટાવી દેવાયા હતા. એ પછી છેલ્લી ટાટા નેનો ડિસેમ્બર, 2019માં ઍસેમ્બ્લી લાઇનમાંથી બહાર આવી હતી.

પોતાના દસ વર્ષના કાર્યકાળમાં માંડ ત્રણ લાખ નેનોનું વેચાણ થયુ હતું, પરંતુ હવે સમાચાર આવ્યા છે કે નેનોને ઇલેક્ટ્રિક અવતારમાં રજૂ કરવાની વિચારણા કંપની કરી રહી છે. અલબત્ત, કંપનીએ આ સમાચારને પુષ્ટિ નથી કરી કે તેને નકારી પણ કાઢ્યા નથી.

વાસ્તવમાં ટાટા મોટર્સે 2010ના જીનીવા મોટર શોમાં નેનોનો ઇલેક્ટ્રિક અવતાર રજૂ કર્યો હતો. ટાટા મોટર્સની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ઇલેક્ટ્રિક નેનોની રેન્જ 160 કિલોમિટર હશે અને તે 10 સેકન્ડમાં શૂન્યથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પકડવાની ક્ષમતા ધરાવતી હશે, પરંતુ એ વાતને તો હવે લગભગ 13 વર્ષ થઈ ગયાં.

ગયા મહિને રતન ટાટા પોતે ઇલેક્ટ્રિક નેનોમાં તાજ હોટેલમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. તેથી નેનો ઈવી અવતારમાં આવે તેવી શક્યતા આજે નકારી શકાય તેમ નથી.

હાલ ટાટા મોટર્સ દેશમાં ઇલેક્ટ્રિક ફોર-વ્હીલરના વેચાણમાં અગ્રેસર છે. ટાટા મોટર્સે નેકસોન, ટિગોર અને ટિયાગોસ કારના 50 હજારથી વધુ ઇલેક્ટ્રિક વેરિઅન્ટનું વેચાણ કર્યું છે. તેથી નેનોનું ઇલેક્ટ્રિક વર્ઝન આવે તો તેને પણ સારો પ્રતિસાદ મળી શકે છે.