You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું બીજી ઑગસ્ટે દુનિયાભરમાં અંધારું છવાઈ જશે, ક્યારે છે પૂર્ણ સૂર્યગ્રહણ, નાસાએ શું જણાવ્યું?
"તારીખ 2 ઑગસ્ટના રોજ છ મિનિટ માટે આખી દુનિયામાં અંધારું છવાઈ જશે. આ સદીમાં એકવાર જોવા મળતું પૂર્ણ સૂર્યગ્રહણ છે."
"આ એકવીસમી સદીમાં થનારું સૌથી લાંબુ પૂર્ણ સૂર્યગ્રહણ હશે. આકાશમાં અંધારું છવાઈ જશે. આ દુર્લભ દૃશ્ય પેઢીઓ સુધી જોવા નહીં મળે."
સોશિયલ મીડિયા પર પૂર્ણ સૂર્યગ્રહણને લઈને કરવામાં આવેલા આ પ્રકારના દાવાઓ ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.
જોકે આ દાવો અધૂરો છે. કારણ કે આ દાવા અનુસાર બીજી ઑગસ્ટ 2025ના રોજ પૂર્ણ સૂર્ય ગ્રહણ થવાનું છે.
જોકે, અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ 2025ના થનારા ગ્રહણની તારીખોમાં બીજી ઑગસ્ટ 2025નો ઉલ્લેખ નથી.
હવે ક્યારે થશે પૂર્ણ સૂર્યગ્રહણ?
સોશિયલ મીડિયા પર 2 ઑગસ્ટ,2025ના રોજ આખી દુનિયામાં પૂર્ણ સૂર્યગ્રહણને કારણે 6 મિનિટ માટે અંધારું છવાઈ જવાનો દાવો થઈ રહ્યો છે એ કેટલો સાચો છે?
નાસા આ દાવાને સમર્થન આપતી જણાતી નથી.
નાસાની ઑફિશિયલ વેબસાઇટ પર આ વર્ષે 2025ની બીજી ઑગસ્ટના રોજ કોઈ સૂર્યગ્રહણ થવાની જાણકારી આપવામાં આવી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે નાસા અનુસાર આ વર્ષે 21 સપ્ટેમ્બર,2025ના રોજ આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે એટલે કે પાર્શિયલ સોલાર ઍક્લિપ્સ જોવા મળશે.
જે ભારતમાં નહીં જોવા મળે. આ ગ્રહણ ઑસ્ટ્રેલિયા, ઍન્ટાર્કટિકા અને કેટલાક સમુદ્રી વિસ્તારોમાં જોવા મળશે.
21 સપ્ટેમ્બર બાદ 17 ફેબ્રુઆરી, 2026ના રોજ એન્યુલર સૂર્યગ્રહણ જોવા મળશે. જે આફ્રિકા, સાઉથ અમેરિકા, ઍન્ટાર્કટિકા જેવી જગ્યાએ નજરે જોવા મળશે. ઍન્યુલર સૂર્યગ્રહણ એટલે કે ચંદ્ર સૂર્ય કરતા નાનો દેખાય છે અને તેની પરતે પ્રકાશની એક રિંગ દેખાય છે.
12 ઑગસ્ટ, 2026ના રોજ પૂર્ણ સૂર્યગ્રહણ થશે. જે સ્પેન, ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ, રશિયા અને પોર્ટુગલના કેટલાક ભાગમાં જોવા મળશે.
પૂર્ણ સૂર્યગ્રહણ બે વર્ષ પછી એટલે કે 2027ના રોજ જોવા મળવાનું છે.
નાસાના જણાવ્યા પ્રમાણે પૂર્ણ સૂર્યગ્રહણ તારીખ 2 ઑગસ્ટ, 2027ના રોજ આફ્રિકા, યુરોપ, મિડલ-વેસ્ટ, દક્ષિણ એશિયામાં જોવા મળશે. આ ગ્રહણ 6 મિનિટ 23 સેકન્ડ જેટલું લાંબું ચાલશે.
એટલે 2 ઑગસ્ટ, 2025ના રોજ પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે એ વાઇરલ દાવામાં તથ્ય જણાતું નથી.
ગ્રહણ શું છે અને તેના કેટલા પ્રકાર છે?
ગ્રહણ એક ખગોળીય ઘટના છે. યુરોપિયન સ્પેસ એજન્સી પ્રમાણે પૃથ્વી પરથી બે મુખ્ય પ્રકારનાં ગ્રહણ જોઈ શકાય છે: ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ.
ચંદ્રગ્રહણમાં, પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે હોય છે.
જ્યારે સૂર્યગ્રહણમાં, ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે હોય છે.
યુરોપિયન સ્પેસ એજન્સી પ્રમાણે ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને ચંદ્રનો એક ભાગ પૃથ્વી દ્વારા ઢંકાઈ જાય છે.
ચંદ્રગ્રહણ પૃથ્વી પર કોઈપણ વ્યક્તિ જોઈ શકે છે જેમના માટે ચંદ્ર ક્ષિતિજની ઉપર હોય છે, અને તેથી તે સૂર્યગ્રહણ કરતાં વધુ સામાન્ય છે.
તે વર્ષમાં પાંચ વખત થાય છે અને સંપૂર્ણ 100 મિનિટ સુધી ટકી શકે છે.
જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સારી રીતે ગોઠવાયેલા હોય છે, ત્યારે ચંદ્ર પૃથ્વીના સંપૂર્ણ કેન્દ્રીય પડછાયાથી સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે - આ સમયે આપણે પૂર્ણ ચંદ્રગ્રહણ જોઈએ છીએ.
પૃથ્વીના વાતાવરણ દ્વારા સૂર્યપ્રકાશનો કેટલોક ભાગ ચંદ્ર પર રિફ્રેક્ટ થાય છે, જેનાથી ચંદ્ર લાલ રંગનો બને છે.
સૂર્યગ્રહણ શું છે? તેના કેટલા પ્રકાર છે?
પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર ગ્રહ છે જ્યાંથી પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાય છે.
દર 18 મહિનામાં પૃથ્વીના કોઈને કોઈ હિસ્સામાં સૂર્યગ્રહણ જોવા મળે છે.
ચંદ્ર સૂર્યની તુલનામાં પૃથ્વી કરતા 400 ગણો વધારે નજીક છે પરંતુ ચંદ્ર આકારમાં સૂર્ય કરતા 400 ગણો નાનો પણ છે.
સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી સંપૂર્ણ રીતે એક સાથે હોય છે.
ચંદ્ર સૂર્યના પ્રકાશને અવરોધે છે અને પૃથ્વી પર પડછાયો પાડે છે. આ પડછાયામાં કોઈપણ વ્યક્તિ ગ્રહણ જોઈ શકે છે.
સૂર્યગ્રહણ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે.
પૂર્ણ સૂર્યગ્રહણ:
સૂર્યગ્રહણનો પહેલો પ્રકાર પૂર્ણ સૂર્યગ્રહણ છે. આ એ સમયે હોય છે જ્યારે ચંદ્રમા પૃથ્વીની પાસે રહે છે અને સૂર્યની વચ્ચે આવે છે.
ચંદ્ર પૂરી રીતે પૃથ્વીને પોતાની છાયામાં લઈને ફળસ્વરૂપ સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોચાડતો નથી.
પૃથ્વી પર અંધકારની સ્થિતિ સર્જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે પૃથ્વી પર સૂર્ય જોવા મળતો નથી. આ પ્રકારનું ગ્રહણ પૂર્ણ સૂર્યગ્રહણ કહેવાય છે.
આંશિક સૂર્યગ્રહણ:
સૂર્યગ્રહણનો અન્ય પ્રકાર આંશિક સૂર્યગ્રહણ હોય છે. આ ગ્રહણમાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એ રીતે આવે છે કે સૂર્યનો કેટલોક ભાગ પૃથ્વીથી દેખાતો નથી.
એટલે કે ચંદ્ર, સૂર્યના ફક્ત કેટલાક ભાગ જ દેખાય છે અને તેને તે પોતાની છાયામાં લઈ લે છે. તેનાથી સૂર્યનો કેટલોક ભાગ ગ્રહણ ગ્રાસમાં ગ્રહણના પ્રભાવમાં આવતો નથી. પૃથ્વીના એ ભાગ વિશેષમાં લાગેલું ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ કહેવાય છે.
વલયાકાર સૂર્યગ્રહણ:
આ સૂર્યગ્રહણનો ત્રીજો પ્રકાર છે. તેમાં ચંદ્ર પૃથ્વીથી દૂર રહે છે અને પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે. એટલે કે સૂર્યને આ પ્રકારે ઢાંકે છે કે સૂર્યનો ફક્ત મધ્ય ભાગ જ છાયા ક્ષેત્રમાં આવે છે અને પૃથ્વીથી જોતાં ચદ્રમા પર સૂર્ય પૂરી રીતે ઢંકાયેલો દેખાતો નથી.
સૂર્યના બહારના વિસ્તારને પ્રકાશિત થવાના કારણે બંગડી કે વલયના રૂપમાં ચમકતો દેખાય છે આથી સૂર્યગ્રહણને વલયાકાર સૂર્યગ્રહણ કહેવાય છે.
ગ્રહણ સાથે કેવી કેવી માન્યતા જોડાયેલી છે?
દુનિયામાં એવા લોકો પણ છે જેમના માટે ગ્રહણ ખતરાનું પ્રતીક છે, જેમ કે દુનિયાના ખતમ થવાની કે પછી ભયંકર ઘટનાઓની ચેતવણી.
હિંદુ મિથકોમાં ગ્રહણને અમૃતમંથન અને રાહુ-કેતુ નામક દૈત્યોની કહાણી સાથે સાંકળી દેવામાં આવ્યું છે અને આનાથી જોડાયેલા અંધવિશ્વાસ પ્રચલિત છે.
ગ્રહણ હંમેશાં મનુષ્યને જેટલી નવાઈ પમાડે એટલું જ ડરાવતું પણ રહ્યું છે.
જ્યાં સુધી મનુષ્યને ગ્રહણનાં કારણોની માહિતી નહોતી, ત્યારે તેણે સૂર્યને ઘેરતી આ અંધારી છાયા મામલે કેટલીક કલ્પનાઓ કરી અને કેટલીય કહાણીઓ રચી.
હવે આપણે ગ્રહણનાં વૈજ્ઞાનિક કારણો જાણીએ છીએ તો પણ તેનાથી જોડાયેલી કહાણીઓ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ પર લોકોનો વિશ્વાસ જેમનો તેમ છે.
કૅલિફૉર્નિયાની ગ્રિફિથ સેન્ટરના નિદેશક ઍડવિન ક્રપ કહે છે, "17મી સદીનાં અંતિમ વર્ષો સુધી મોટા ભાગના લોકોને ખબર નહોતી કે ગ્રહણ કેવી રીતે થાય છે અથવા તારા તૂટે છે. જોકે આઠમી સદીથી જ ખગોળશાસ્ત્રીઓને તેના વૈજ્ઞાનિક કારણની જાણકારી હતી."
તેઓ કહે છે, "પ્રાચીન સમયમાં મનુષ્યની દિનચર્યા કુદરતના નિયમોને આધારે થતી હતી. આ નિયમોમાં કોઈ પણ ફેરફાર મનુષ્યને બેચેન કરી દેતો હતો."
ભૂતકાળમાં ગ્રહણ દરમિયાન કરેલા અભ્યાસને કારણે ઇતિહાસમાં કેટલીક મહત્ત્વપૂર્ણ શોધો થઈ છે.
આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો સામાન્ય સાપેક્ષતાનો સિદ્ધાંત 19 મે, 1919ના રોજ થયેલા પૂર્ણ સૂર્ય ગ્રહણ દરમિયાન આર્થર ઍડિન્ગટને લીધેલી એક તસવીરમાં સિદ્ધ થયો હતો.
હીલિયમની શોધ 1866માં સૂર્ય ગ્રહણના રેકૉર્ડિંગ દરમિયાન થઈ હતી.
ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વી પર પડતા ઘુમાવદાર પડછાયાને કારણે જ સાબિત થયું કે પૃથ્વી ગોળ છે અને ચપટી નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન