Solar Eclipse : સૂર્યગ્રહણ ક્યારે છે, ક્યાં-ક્યાં દેખાશે?

29 માર્ચ શનિવારે દુનિયાના કેટલાક ભાગમાં આંશિક સૂર્યગ્રહણ દેખાશે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં.

આ સૂર્યગ્રહણ યુરોપ, પૂર્વ એશિયા, આફ્રિકાના ઉત્તર-પૂર્વ ભાગ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકાના કેટલાક વિસ્તાર, ઍટલાન્ટિક અને આર્કટિક વિસ્તારમાં દેખાશે.

આંશિક સૂર્યગ્રહણના ત્રણ તબક્કા હોય છે. શરૂઆત, મહત્તમ પૉઇન્ટ અને અંત.

ટાઇમ ઍન્ડ ડેટ વેબસાઇટ અનુસાર, "29 માર્ચ, 2025ના રોજ આંશિક સૂર્યગ્રહણ દેખાશે. અત્રે નોંધનીય છે કે વર્ષ 2025નો આ પ્રથમ સૂર્યગ્રહણ છે."

"શનિવારે બપારે 2 વાગ્યે અને 30 મિનિટે ગ્રહણની શરૂ થશે અને અંદાજિત ચાર કલાક સુધી ચાલશે."

સૂર્યગ્રહણ સમયે શું ધ્યાન રાખવું જોઈએ?

લોકોએ ખુલ્લી આંખે સૂર્યગ્રહણ ન જોવું જોઈએ.

સૂર્યગ્રહણને થોડા સમય માટે પણ ખુલ્લી આંખે ન જોવું જોઈએ. ચંદ્રમા સૂર્યના મોટા ભાગના હિસ્સાને ઢાંકી દે ત્યારે પણ ખુલ્લી આંખે ન જુઓ, કેમ કે તેનાથી આંખને કાયમી નુકસાન પહોંચી શકે છે, અંધાપો પણ આવી શકે છે.

સૂર્યગ્રહણ જોવાની સૌથી યોગ્ય ટેકનીક છે કે કાળા પૉલિમર કે ટેલિસ્કૉપના માધ્યમથી સફેદ પટ્ટા પર સૂર્યના છાયાનું પ્રક્ષેપણ કરીને જોઈ શકો છો.

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અનુસાર, "ભારતમાં આગામી સૂર્યગ્રહણ 2 ઑગસ્ટ, 2027માં જોવા મળશે, જે પૂર્ણ સૂર્યગ્રહણ હશે, પરંતુ દેશના બધા ભાગોમાંથી તે આંશિક સૂર્યગ્રહણના રૂપે જોવા મળશે."

ગ્રહણ મુદ્દે લોકોની માન્યતા અને અંધવિશ્વાસ

દુનિયામાં એવા લોકો પણ છે જેમના માટે ગ્રહણ ખતરાનું પ્રતીક છે, જેમ કે દુનિયાના ખતમ થવાની કે પછી ભયંકર ઘટનાઓની ચેતવણી.

હિંદુ મિથકોમાં ગ્રહણને અમૃતમંથન અને રાહુ-કેતુ નામક દૈત્યોની કહાણી સાથે સાંકળી દેવામાં આવ્યું છે અને આનાથી જોડાયેલા અંધવિશ્વાસ પ્રચલિત છે.

ગ્રહણ હંમેશાં મનુષ્યને જેટલી નવાઈ પમાડે એટલું જ ડરાવતું પણ રહ્યું છે.

જ્યાં સુધી મનુષ્યને ગ્રહણનાં કારણોની માહિતી નહોતી, ત્યારે તેણે સૂર્યને ઘેરતી આ અંધારી છાયા મામલે કેટલીક કલ્પનાઓ કરી અને કેટલીય કહાણીઓ રચી.

હવે આપણે ગ્રહણનાં વૈજ્ઞાનિક કારણો જાણીએ છીએ તો પણ તેનાથી જોડાયેલી કહાણીઓ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ પર લોકોનો વિશ્વાસ જેમનો તેમ છે.

કૅલિફૉર્નિયાની ગ્રિફિથ સેન્ટરના નિદેશક ઍડવિન ક્રપ કહે છે, "17મી સદીનાં અંતિમ વર્ષો સુધી મોટા ભાગના લોકોને ખબર નહોતી કે ગ્રહણ કેવી રીતે થાય છે અથવા તારા તૂટે છે. જોકે આઠમી સદીથી જ ખગોળશાસ્ત્રીઓને તેના વૈજ્ઞાનિક કારણની જાણકારી હતી."

તેઓ કહે છે, "પ્રાચીન સમયમાં મનુષ્યની દિનચર્યા કુદરતના નિયમોને આધારે થતી હતી. આ નિયમોમાં કોઈ પણ ફેરફાર મનુષ્યને બેચેન કરી દેતો હતો."

ભૂતકાળમાં ગ્રહણ દરમિયાન કરેલા અભ્યાસને કારણે ઇતિહાસમાં કેટલીક મહત્ત્વપૂર્ણ શોધો થઈ છે.

આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો સામાન્ય સાપેક્ષતાનો સિદ્ધાંત 19 મે, 1919ના રોજ થયેલા પૂર્ણ સૂર્ય ગ્રહણ દરમિયાન આર્થર ઍડિન્ગટને લીધેલી એક તસવીરમાં સિદ્ધ થયો હતો.

હીલિયમની શોધ 1866માં સૂર્ય ગ્રહણના રેકૉર્ડિંગ દરમિયાન થઈ હતી.

ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વી પર પડતા ઘુમાવદાર પડછાયાને કારણે જ સાબિત થયું કે પૃથ્વી ગોળ છે અને ચપટી નહીં.

ગ્રહણ સાથે જોડાયેલી વિભિન્ન સભ્યતાઓની માન્યતાઓ

પ્રકાશ અને જીવનના સ્રોત એવા સૂર્યનું છુપાઈ જવું લોકો માટે બિહામણું હતું અને એટલે તેનાથી જોડાયેલી કેટલીય કહાણીઓ પ્રચલિત થઈ. સૌથી વ્યાપક રૂપક હતું સૂર્યનો ગ્રાસ કરી જનાર દાનવનું.

એક તરફ પશ્ચિમી એશિયામાં માન્યતા હતી કે ગ્રહણ દરમિયાન ડ્રૅગન સૂર્યને ગળી જવાનો પ્રયત્ન કરે છે અને એટલે ત્યાં ડ્રૅગનને ભગાડવા માટે ઢોલ-નગારા વગાડવામાં આવતા.

ચીનમાં માન્યતા હતી કે સૂર્યને ગળવાનો પ્રયત્ન કરનાર ખરેખર સ્વર્ગનો એક શ્વાન છે. પેરુના લોકો માનતા હતા કે આ વિશાળ પ્યૂમા હતું અને વાઇકિંગ માનતા હતા કે ગ્રહણના સમયે આસમાની વરુઓની જોડી સૂર્ય પર હુમલો કરે છે.

ખગોળશાસ્ત્રી અને વેસ્ટર્ન કેપ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર જરિટા હૉલબ્રુક કહે છે, "ગ્રહણ વિશે વિભિન્ન સભ્યતાઓની માન્યતાઓ એ વાત પર નિર્ભર કરે છે કે ત્યાં પ્રકૃતિ કેટલી હદે ઉદાર છે. જ્યાં જીવન મુશ્કેલ છે, ત્યાં દેવીદેવતાઓ પણ ક્રૂર અને બિહામણા હોવાની કલ્પના કરવામાં આવી છે એટલે ગ્રહણથી જોડાયેલી કહાણીઓ પણ બિહામણી હોય છે."

"જ્યાં જીવન સરળ હોય છે, ભરપૂર ભોજન પાણી હોય છે ત્યાં ઈશ્વર અને પરાશક્તિઓ સાથે મનુષ્યનો સંબંધ અતિપ્રેમપૂર્ણ હોય છે અને તેમનાં મિથક પણ એવાં જ હોય છે."

મજાની વાત એ છે કે આજે જ્યારે આપણે ગ્રહણ સાથે જોડાયેલાં વૈજ્ઞાનિક કારણો જાણીએ છીએ ત્યારે પણ ગ્રહણ સાથે જોડાયેલી કહાણીઓ અને એ અંધવિશ્વાસ બરકરાર છે.

કૅલિફોર્નિયાની ગ્રિફિથ વેધશાળાના નિદેશક એડવિન ક્રપ જણાવે છે કે, "સતરમી સદીનાં અંતિમ વર્ષો સુધી પણ મોટા ભાગના લોકોને એ વાતની ખબર નહોતી કે ગ્રહણ શું હોય છે કે તારા કેમ ખરે છે. જોકે, આઠમી સદીથી ખગોળશાસ્ત્રીઓને તેનાં વૈજ્ઞાનિક કારણોની જાણકારી હતી."

ક્રપ પ્રમાણે, "જાણકારના આ અભાવનું કારણ હતું - સંચાર અને શિક્ષણનો અભાવ. જાણકારીનો પ્રચાર-પ્રસાર મુશ્કેલ હતો જેના કારણે અંધવિશ્વાસ જળવાઈ રહ્યા."

તેઓ કહે છે કે, "પ્રાચીન સમયમાં મનુષ્યની દિનચર્યા કુદરતના નિયમો પ્રમાણે સંચાલિત થતી. આ નિયમોમાં કોઈ પણ ફેરફાર મનુષ્યને બેચેન કરી દેવા માટે પર્યાપ્ત હતો."

મધ્યકાલીન યુરોપમાં લોકો પ્લેગ અને યુદ્ધોથી ત્રસ્ત રહેતા હતા, એવામાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ તેમને બાઇબલમાં પ્રલયના વર્ણનની યાદ અપાવતું હતું.

પ્રોફેસર ક્રિસ ફ્રેન્ચ કહે છે, લોકો ગ્રહણને પ્રલય સાથે કેમ જોડે છે, આ સમજવું મુશ્કેલ નથી.

બાઇબલમાં ઉલ્લેખ છે કે કયામતના દિવસે સૂર્ય બિલકુલ કાળો થઈ જશે અને ચંદ્ર લાલ રંગનો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.