solar eclipse 2022 : સૂર્યગ્રહણ 2022 : વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ક્યાં-ક્યાં દેખાશે?

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ શનિવારે મોડી રાત્રે થશે. જોકે સમયના કારણે ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે.

સૂર્યગ્રહણ 1 મે 2022ની રાત્રે 12 વાગ્યે 16 મિનિટથી શરૂ થશે અને સવારે ચાર વાગ્યે 7 મિનિટે ખતમ થશે.

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા અનુસાર આ ગ્રહણ ચિલી, આર્જેન્ટિના, ઉરુગ્વે, પશ્ચિમ પરાગ્વે, દક્ષિણ-પશ્ચિમ બોલીવિયા, દક્ષિણ-પૂર્વ પેરુ અને દક્ષિણ-પશ્ચિમ બ્રાઝિલમાં દેખાશે.

જ્યારે ચંદ્ર ધરતી અને સૂર્ય વચ્ચે આવી જાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે. ચંદ્રનો પડછાયો ધરતી પર પડે છે અને સૂર્યનો અમુક ભાગ કે સમગ્ર સૂર્ય ઢંકાઈ જાય છે.

પૂર્ણ સૂર્યગ્રહણ માટે ધરતી, ચંદ્ર અને સૂર્યને એક સીધી રેખામાં આવી જવાનું હોય છે.

ગ્રહણને લઈને શું છે માન્યતા?

વિશ્વમાં એવા પણ લોકો છે જેમના માટે ગ્રહણ અમુક ખતરાનું પ્રતીક છે - જેમ કે, વિશ્વના વિનાશ કે ભયાનક ઊથલપાથલની ચેતવણી.

હિંદુ માન્યતાઓમાં તેને અમૃતમંથન અને રાહુ-કેતુ નામક દૈત્યોની કહાણી સાથે જોડવામાં આવે છે અને તેની સાથે ઘણા અંધવિશ્વાસ પ્રચલિત છે. ગ્રહણ હંમેશાંથી જેટલું આશ્ચર્ય પમાડતું રહ્યું છે તેટલું ગભરાવનારું પણ છે.

ખરેખર તો, જ્યાં સુધી મનુષ્યને ગ્રહણનાં કારણોની જાણકારી નહોતી, તેમણે સૂર્યને ઘેરતી આ અંધારી છાયાને લઈને ઘણી કલ્પનાઓ કરી, ખૂબ કહાણીઓ ઘડી.

17મી સદીના યૂનાની કવિ આર્કિલકસે કહ્યું હતું કે બપોરે અંધારુ છવાઈ ગયું અને આ અનુભવ બાદ હવે તેમને કોઈ પણ વાતે કોઈ અચરજ નહીં થાય.

મજાની વાત એ છે કે આજે જ્યારે આપણે ગ્રહણ સાથે જોડાયેલાં વૈજ્ઞાનિક કારણો જાણીએ છીએ ત્યારે પણ ગ્રહણ સાથે જોડાયેલી કહાણીઓ અને એ અંધવિશ્વાસ બરકરાર છે.

કૅલિફોર્નિયાની ગ્રિફિથ વેધશાળાના નિદેશક એડવિન ક્રપ જણાવે છે કે, "સતરમી સદીનાં અંતિમ વર્ષો સુધી પણ મોટા ભાગના લોકોને એ વાતની ખબર નહોતી કે ગ્રહણ શું હોય છે કે તારા કેમ ખરે છે. જોકે, આઠમી સદીથી ખગોળશાસ્ત્રીઓને તેનાં વૈજ્ઞાનિક કારણોની જાણકારી હતી."

ક્રપ પ્રમાણે, "જાણકારના આ અભાવનું કારણ હતું - સંચાર અને શિક્ષણનો અભાવ. જાણકારીનો પ્રચાર-પ્રસાર મુશ્કેલ હતો જેના કારણે અંધવિશ્વાસ જળવાઈ રહ્યા."

તેઓ કહે છે કે, "પ્રાચીન સમયમાં મનુષ્યની દિનચર્યા કુદરતના નિયમો પ્રમાણે સંચાલિત થતી. આ નિયમોમાં કોઈ પણ ફેરફાર મનુષ્યને બેચેન કરી દેવા માટે પર્યાપ્ત હતો."

ગ્રહણ વિશે વિભિન્ન સભ્યતાઓનો દૃષ્ટિકોણ

પ્રકાશ અને જીવનના સ્રોત સૂર્યનું સંતાઈ જવું લોકોને ગભરાવતું હતું અને તેથી આની સાથે જોડાયેલી ભાતભાતની કહાણીઓ પ્રચલિત થતી ગઈ. સૌથી વ્યાપક રૂપક હતું સૂર્યને ખાઈ જનારા દાનવની.

એક તરફ પશ્ચિમ એશિયામાં એવી માન્યતા હતી કે ગ્રહણ દરમિયાન ડ્રેગન સૂર્યને ગળી જવાની કોશિશ કરે છે અને તેથી તે ડ્રેગનને ભગાડવા માટે ઢોલ-નગારાં વગાડવામાં આવે છે.

બીજી તરફ ચીનમાં એવી માન્યતા હતી કે સૂરજને ગળી જવાની કોશિશ કરનાર ખરેખર સ્વર્ગનું એક કૂતરું છે. પેરુવાસીઓ પ્રમાણે, તે એક વિશા પ્યૂમા હતું અને વાઇકિંગ માન્યતા એવી હતી કે ગ્રહણ સમયે આકાશી વરુની જોડી સૂર્ય પર હુમલો કરે છે.

ખગોળશાસ્ત્ર અને વેસ્ટર્ન કેપ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર જરીટા હૉલબ્રુક કહે છે કે, "ગ્રહણ વિશે વિભિન્ન સભ્યતાઓનો દૃષ્ટિકોણ એ વાત પર આધારિત છે કે ત્યાં પ્રકૃતિ કેટલી ઉદાર છે કે કેમ. જ્યાં જીવન મુશ્કેલ છે, ત્યાં દેવી-દેવતાઓ પણ ક્રૂર અને ડરાવનારા હોવાની કલ્પના કરાઈ અને તેથી ત્યાં ગ્રહણ સાથે જોડાયેલી કહાણીઓ પણ બિહામણી છે. જ્યાં જીવન સરળ છે, ભોજન અઢળક છે. ત્યાં ઈશ્વરથી માનવનો સંબંધ અત્યંત પ્રેમાળ હોય છે અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ પણ કંઈક એવી જ હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો