You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રવીન્દ્ર જાડેજા : ચેન્નાઈ સુપરકિંગ્સના કપ્તાનપદ પરથી જાડેજાનું રાજીનામું, ધોનીને મળી કમાન - પ્રેસ રિવ્યૂ
રવીન્દ્ર જાડેજાએ શનિવારે ચેન્નાઈ સુપરકિંગ્સના કપ્તાનપદ પરથી રાજીનામું આપી દીધું છે.
જોકે રવીન્દ્ર જાડેજા બાદ મહેન્દ્રસિંહ ધોની ટીમની કમાન સંભાળશે.
રવીન્દ્ર જાડેજાએ કપ્તાની છોડવાનો નિર્ણય એવા સમયમાં લીધો છે જ્યારે આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમે સતત ખરાબ પ્રદર્શન કર્યું છે. ટીમ આઠમાંથી છ મૅચ હારી ગઈ છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે કપ્તાનીના દબાણમાં જાડેજાના વ્યક્તિગત પ્રદર્શન પર અસર પડી રહી છે. છેલ્લી આઠ મૅચોમાં જાડેજા માત્ર 112 રન બનાવી શક્યા અને પાંચ વિકેટ લઈ શક્યા હતા.
બોલીવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત
ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મનીલૉન્ડરિંગ કેસમાં બોલીવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ઈડીએ જેકલીનની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
સુકેશ ચંદ્રશેખર અને અન્યો વિરુદ્ધ ચાલી રહેલા અપરાધિક કેસોમાં જેકલીન ફર્નાન્ડીસનું પણ નામ સામે આવ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ મામલામાં ઈડી દ્વારા શ્રીલંકાના નાગરિક જેકલીન ફર્નાન્ડિસની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે.
એવો આરોપ છે કે ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝને ભેટ આપવા માટે ગેરકાયદેસર રીતે એકઠા કરેલા અવૈધ નાણાંનો ઉપયોગ કર્યો હતો.
સુકેશ ચંદ્રશેખર પર ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહનસિંહની પત્ની અદિતિસિંહ સહિત ઘણા હાઈપ્રોફાઇલ લોકો સાથે છેતરપિંડીનો આરોપ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેકલીન ફર્નાન્ડીસે ગયા વર્ષે ઓગસ્ટ અને ઑક્ટોબરમાં ઈડીને આપેલા પોતાના નિવેદનમાં કબૂલ્યું હતું કે તેંમને સુકેશ ચંદ્રશેખર પાસેથી મોંઘી બેગ, કાનની વીંટી, શૂઝ, બ્રેસલેટ સહિત અનેક ભેટ મળી છે.
ઈડીને જાણવા મળ્યું હતું કે જેકલીન ગયા વર્ષે ફેબ્રુઆરીથી ઓગસ્ટમાં તેમની ધરપકડ સુધી સુકેશના સતત સંપર્કમાં હતા.
બધા પોતાની 'લક્ષ્મણરેખા'નું ધ્યાન રાખે, મોદી અને મુખ્ય મંત્રીઓ સામે બોલ્યા ચીફ જસ્ટિસ રમન્ના
ભારતના ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ કહ્યું છે કે ઘણી વખત કોર્ટના નિર્ણય સરકાર વર્ષો સુધી લાગુ નથી કરતી. જાણીજોઈને કોર્ટના ઑર્ડર પર કાર્યવાહી ન કરવી એ દેશના હિત માટે ઠીક નથી. ઘણી વાર કાયદા વિભાગનાં સલાહ અને સૂચન વહીવટીતંત્ર દ્વારા ધ્યાનમાં લેવાતાં નહોતાં.
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત 11મી મુખ્ય મંત્રી અને મુખ્ય ન્યાયાધીશોની કૉન્ફરન્સમાં દેશના ચીફ જસ્ટિસે આ વાત કહી.
આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કાયદામંત્રી કિરેન રિજીજુ, રાજ્યોના મુખ્ય મંત્રી, સુપ્રીમ કોર્ટ- હાઇકોર્ટના જસ્ટિસ, ટ્રિબ્યૂનલના પ્રમુખ અને તમામ ન્યાયિક અધિકારી સામેલ થયા.
મંચ પરથી પોતાની વાત મૂકતાં જસ્ટિસ રમન્નાએ કહ્યું, "બંધારણમાં ધારાસભા, ન્યાયતંત્ર અને વહીવટીતંત્રની જવાબદારીઓને વિભાજિત કરાઈ છે. આપણે આપણી 'લક્ષ્મણરેખા'નું ધ્યાન રાખવું જોઈએ. જો શાસનનું કામકાજ કાયદા પ્રમાણે થાય તો ન્યાયતંત્ર ક્યારે તેમના રસ્તામાં નહીં આવે. જો નગરપાલિકા, ગ્રામપંયાચત પોતાનાં કર્તવ્યનું સારી રીતે વહન કરે. પોલીસ ઉચિત પ્રકારે કેસની તપાસ કરે અને ગેરકાયદેસર કસ્ટોડિયલ યાતના કે મોત ન થાય તો લોકોને કોર્ટ આવવાની જરૂરિયાત જ નહીં પડે."
'ગુજરાત ભાજપની શાસન માટેની પ્રયોગશાળા છે' : જે. પી. નડ્ડા
ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાએ પોતાના ગુજરાતપ્રવાસ દરમિયાન શુક્રવારે ગુજરાતને ભાજપની શાસન માટેની પ્રયોગશાળા ગણાવી હતી.
એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે આ મુલાકાત દરમિયાન નડ્ડાએ કહ્યું હતું કે, "ભાજપ જ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે. કૉંગ્રેસ એ ભાઈ-બહેનની પાર્ટી છે તેમજ અન્ય પ્રાદેશિક પક્ષો પરિવારવાદના ગઢ બની ચૂક્યા છે."
તેમણે એક પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે, "અમે ગુજરાત મૉડલ સમગ્ર દેશમાં લાગુ કરીશું. પાર્ટીના પ્રમુખ તરીકે મારી એ ફરજ છે કે હું આ મૉડલને આગળ ધપાવું."
જે. પી. નડ્ડાએ આ અંગે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, "પાર્ટી વ્યૂહરચના અનુસાર ગત વર્ષે રૂપાણી અને તેમના મંત્રીમંડળનાં રાજીનામાં બાદ નવી સરકાર બનાવવું એ પણ એક પ્રયોગ હતો."
નોંધનીય છે કે આગામી અમુક મહિનામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ગુજરાતમાં ગરમી વધતાં વીજળી માગ રેકર્ડ સ્તરે
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર પાછલા ત્રણ દિવસથી અમદાવાદમાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ રહ્યું છે. આટલું જ નહીં રાજ્યનાં 11 શહેરોમાં શુક્રવારે 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ સાથે જ ગરમીની આ સિઝન પાછલા અમુક સમયમાં સૌથી ગરમ સિઝન બનતી જોવા મળી રહી છે.
ગરમીથી બચવા માટે લોકો એસી અને કૂલરની શરણે જઈ રહ્યા છે. જેના કારણે વીજળીની માગમાં અભૂતપૂર્વ વધારો થયો છે.
વેસ્ટર્ન રિજન લોડ ડિસ્પેચ સેન્ટર (WRLDC)ના ડેટા પ્રમાણે શુક્રવારે બપોરના ત્રણ વાગ્યે વીજળીની માંગ 21,632 મેગાવૉટ હતી. જે અત્યાર સુધી સૌથી વધુ છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે અમદાવાદ શહેરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાવાનું છે.
શુક્રવારે અમદાવાદમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જે એપ્રિલ માસમાં પાછલા એક દાયકા દરમિયાન નોંધાયેલ સૌથી વધુ તાપમાન હતું.
કોલસાની અછત અંગે ચિદંબરમનો કટાક્ષ 'મોદી નહીં, કૉંગ્રેસના કારણે સર્જાઈ અછત'
દેશના પાટનગર દિલ્હી સહિત ઘણાં રાજ્યોમાં વીજળીનું સંકટ સર્જાયું છે. કોલસાના ઓછા પુરવઠાના કારણે થયેલી આ સમસ્યા અંગે વિભિન્ન રાજ્યોએ ચિંતા વ્યક્ત કરી છે.
આ દરમિયાન કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમે એક ટ્વીટ કરીને મોદી સરકાર પર 'કટાક્ષ' કર્યો છે.
તેમણે ટ્વીટ કરીને વીજળીના સંકટ પર કહ્યું છે કે, "ભારે જથ્થામાં ઉપલબ્ધ કોલસો, વિશાળ રેલવે નેટવર્ક, થર્મલ પ્લાન્ટની ક્ષમતા જેનો સંપૂર્ણ ઉપયોગ નથી થઈ રહ્યો... તેમ છતાં વીજળીની ભારે અછત છે. મોદી સરકારને આ બાબતે દોષ ન આપી શકાય. આ તો કૉંગ્રેસનાં 60 વર્ષના શાસનને કારણે થયું છે."
"કોલસા મંત્રાલય, રેલવે મંત્રાલય, ઊર્જા મંત્રાલય, ત્યાં કોઈ અછત નથી. સંપૂર્ણ દોષ આ મંત્રાલયોના ભૂતપૂર્વ કૉંગ્રેસી મંત્રીઓનો છે."
પી. ચિદંબરમને આ મામલે પોતાના અંતિમ ટ્વીટમાં લખ્યું છે - મોદી છે તો શક્ય છે.
દેશના ઘણા ભાગોમાં વીજળી ઉત્પાદન પ્લાન્ટ કોલસા સંકટનો સામનો કરી રહ્યા છે. રેલવેએ આનો સામનો કરવા માટે કોલસાના પુરવઠા માટે ઘણી પેસેન્જર ટ્રેનોને રદ કરી દીધી છે, જેથી કોલસો લઈ જઈ રહેલ માલગાડીઓની ટ્રિપમાં વધારો કરી શકાય.
એક દિવસ પહેલાં દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે દેશમાં કોલસાની ભારે અછત છે. અમારી પાસે 21 દિવસ માટે કોલસાનો પુરવઠો હોવો જોઈએ પરંતુ ઘણા પાવર પ્લાન્ટમાં માત્ર એક જ દિવસ ચાલે તેટલો કોલસો વધ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો