એક વર્ષના બાળકે સાપને બચકું ભર્યું અને સાપ મરી ગયો, આખો મામલો શું છે?

    • લેેખક, સીટૂ તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા

બિહારના બેતિયામાં એક અનોખો મામલો સામે આવ્યો છે. ત્યાં એક વર્ષના બાળકે કથિતપણે એક સાપને બચકું ભરી લીધું, જે બાદ સાપનું મૃત્યુ થઈ ગયું.

બાળકોના પરિવારજનોનો દાવો છે કે આ સાપ ઝેરી કોબરા હતો.

ગત ગુરુવારે થયેલી આ ઘટના બાદ આ બાળક સ્થાનિકો માટે આકર્ષણનો વિષય બન્યો છે. બાળક હાલ સ્વસ્થ છે.

આ મામલો બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાનો છે, જેનું મુખ્યાલય બેતિયા છે.

બેતિયાના મૌઝલિયા ખાતે મોહછી બનકટવા નામનું ગામ છે. આ ગામમાં સુનીલ સાહ નામની વ્યક્તિ આઇસક્રીમ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

સુનીલ સાહનો એક વર્ષનો દીકરો છે - ગોવિંદકુમાર. ગોવિંદકુમારે જ કથિતપણે સાપને બચકું ભર્યું છે.

ગોવિંદુકુમારનાં દાદી મતિસરીદેવી જણાવે છે કે, "આની મા ઘરની પાછળ કામ કરી રહી હતી. એ લાકડીને વ્યવસ્થિત ગોઠવી રહી હતી. ત્યારે જ સાપ નીકળ્યો. ગોવિંદ ત્યાં જ બેસીને રમી રહ્યો હતો. આણે સાપને પકડીને બચકું ભરી લીધું. અમારી નજર ત્યારે પડી. એ કોબરા સાપ હતો."

"સાપને બચકું ભર્યાની અમુક વાર બાદ એ બેહોશ થઈ ગયો, ત્યારે અમે લોકો તેને મઝૌલિયા પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રમાં લઈ ગયા, જ્યાં તેને બેતિયા હૉસ્પિટલ (ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ, જીએમસીએચ) રેફર કરી દેવાયો. હાલ બાળક સ્વસ્થ છે."

મઝૌલિયાના સ્થાનિક પત્રકાર નેયાઝ જણાવે છે કે, "બાળક શનિવારે સાંજે ઘરે આવી ગયું હતું. તેના વિશે સતત ચર્ચા થઈ રહી છે. શ્રાવણ માસમાં સાપ નીકળવાની વાત સામાન્ય છે. પરંતુ આ પ્રકારની ઘટના અમારા વિસ્તારમાં પ્રથમ વખત બની છે."

શું છે કારણ?

ગોવિંદકુમારને ગુરુવારે સાંજે બેતિયાની ગવર્નમેન્ટ કૉલેજમાં દાખલ કર્યો. તેનો ઇલાજ કરનાર ડૉ. કુમાર સૌરભ બાળરોગ વિભાગમાં સહાયક પ્રાધ્યાપક છે.

તેઓ જણાવે છે કે, "બાળકને જ્યારે દાખલ કરવા લવાયું ત્યારે તેના ચહેરા પર સોજો હતો. ખાસ કરીને મોંની આસપાસ. પરિવારજનોએ જણાવ્યું કે તેણે સાપને મોંની આસપાસ બચકું ભર્યું અને તેનો કેટલોક ભાગ ગળી ગયો."

"મારી પાસે એક જ સમયે બે પ્રકારના કેસ હતા. એક બાળક જેણે કોબરાને બચકું ભર્યું અને એક બીજું બાળક જેને કોબરાએ ડંખ માર્યો. આ બંને બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ છે."

ડૉ. કુમાર સૌરભે બીબીસીને જણાવ્યું કે, "કોબરા જ્યારે મનુષ્યને ડંખ મારે છે તો તેનું ઝેર આપણા લોહીમાં ભળી જાય છે. લોહીમાં ઝેર જવાને કારણે ન્યૂરોટૉક્સિસિટી થાય છે, જે આપણી નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરે છે અને મૃત્યુ થવાની આશંકા વધી જાય છે."

ડૉ. સૌરભ જણાવે છે કે, "તો બીજી તરફ જ્યારે કોઈ મનુષ્ય કોબરાને બચકું ભરે છે તો મોં મારફતે ઝેર આપણા પાચનતંત્ર સુધી પહોંચે છે. મનુષ્યનું શરીર આ ઝેરને નિષ્ક્રિય બનાવી દે છે અને ઝેર બહાર નીકળી જાય છે. એટલે કે ઝેર બંનેમાં કામ કરે છે. પરંતુ એક કેસમાં ઝેરની અસર નર્વસ સિસ્ટમ પર થાય છે, જ્યારે બીજા કેસમાં મનુષ્યનું શરીર ઝેરને નિષ્ક્રિય બનાવી દે છે."

જોકે, ડૉ. કુમાર સૌરભ કહે છે કે મનુષ્ય જ્યારે સાપને બચકું ભરે છે ત્યારે તેની ખરાબ અસર પડી શકે છે.

ડૉ. કુમાર સૌરભ કહે છે કે, "માણસ જ્યારે સાપને બચકું ભરે છે તો સ્થિતિ બગડી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે અન્નનળીમાં કોઈ પ્રકારનું બ્લીડિંગ પૉઇન્ટ હોય - જેમ કે, ચાંદું."

'સ્નેક બાઇટ કૅપિટલ'

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા પ્રમામે દર વર્ષે સાપના ડંખ મારવાથી સમગ્ર વિશ્વમાં 80 હજારથી એક લાખ 30 હજાર લોકોનાં મૃત્યુ થાય છે.

તેમાંથી દર વર્ષે ભારતમાં સરેરાશ 58 હજાર લોકોનાં મૃત્યુ થાય છે. આ કારણે ભારતને વિશ્વનું 'સ્નેકબાઇટ કૅપિટલ ઑફ ધ વર્લ્ડ'નું ટૅગ મળ્યું છે.

બિહાર રાજ્યના હેલ્થ મૅનેજમેન્ટ ઇન્ફૉર્મેશન સિસ્ટમ (એચએમઆઇએસ) મારફતે મળેલા આંકડા પ્રમાણે, એપ્રિલ 2023થી માર્ચ 2024 વચ્ચે રાજ્યમાં 934 મૃત્યુ સાપના ડંખ મારવાના કારણે થયાં છે.

આ દરમિયાન સાપના ડંખ મારવાના કારણે સરકારી હૉસ્પિટલોમાં 17,859 દર્દી ઇલાજ માટે પહોંચ્યા.

પરંતુ કેન્દ્ર સરકારનો જ એક રિપોર્ટ જણાવે છે કે સમગ્ર દેશમાં સાપના ડંખ મારવાની ઘટનાઓમાં થયેલાં મૃત્યુનો આંકડો 'અંડર રિપોર્ટેડ' છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એક રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ છે કે સાપના ડંખ મારવાના મોટા ભાગના મામલામાં ખૂબ ઓછા લોકો હૉસ્પિટલ પહોંચી શકે છે, જે કારણે આ પ્રકારની ઘટનાઓમાં થતાં મૃત્યુના આંકડા ઓછા રિપોર્ટ થાય છે.

સાથે જ સાપના ડંખ મારવાથી થતાં 70 મૃત્યુ બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને ગુજરાતમાં થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન