કૉમેડિયન કુણાલ કામરાને એકનાથ શિંદેની શિવસેના જૂથની ધમકી, શું છે સમગ્ર મામલો?

બીબીસી ગુજરાતી કુણાલ કામરા કૉમેડિયન એકનાથ શિંદે સંજય રાઉત શિવસેના શિવસૈનિક મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, @kunalkamra88

ઇમેજ કૅપ્શન, કૉમેડિયન કુણાલ કામરાની ટિપ્પણી પછી સ્ટુડિયોમાં તોડફોડ કરવામાં આવી

શિવસેના (એકનાથ શિંદે જૂથ)એ રવિવારે સ્ટેન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાની ધરપકડની માંગ કરી હતી. કુણાલે પોતાના સ્ટેન્ડ-અપ શોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદેને કથિત રીતે ગદ્દાર અથવા દેશદ્રોહી કહ્યા તેનાથી વિવાદ થયો છે.

શિવસેનાના પ્રવક્તા કૃષ્ણ હેગડેએ કહ્યું કે કૉમેડિયનનો 'શિવસેનાની રીતે ઈલાજ' કરવામાં આવશે કારણ કે કોઈ પણ શિવસૈનિક આને સહન કરશે નહીં.

કૃષ્ણ હેગડેએ કહ્યું, "મુંબઈ પોલીસે કુણાલ કામરાની ધરપકડ કરવી જોઈએ. તેને જેલમાં પૂરીને તેની સામે કેસ ચલાવવો જોઈએ. કુણાલ કામરા દ્વારા અપશબ્દો અને અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેણે એકનાથ શિંદેજી વિશે જે પણ કહ્યું છે તે મહારાષ્ટ્રના લોકોનું અપમાન છે."

હેગડેએ કહ્યું, "એકનાથ શિંદે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અને શિવસેનાના નેતા છે. કોઈ પણ શિવસૈનિક આને સહન નહીં કરે અને કુણાલ કામરા શિવસેનાના જે ઈલાજને પાત્ર છે તે તેમને મળશે. આ પહેલાં પણ કુણાલ કામરાએ આવું કામ કર્યું હતું. ઍરલાઈન્સે પણ તેમને છ મહિના માટે પ્રતિબંધિત કર્યા હતા. તેમને આકરી સજા મળવી જોઈએ."

બીબીસી ન્યૂઝ ગુજરાતી વૉટ્સઍપ લિંક
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

કુણાલ કામરાની ટિપ્પણી પછી તોડફોડ

બીબીસી ગુજરાતી કુણાલ કામરા કૉમેડિયન એકનાથ શિંદે સંજય રાઉત શિવસેના શિવસૈનિક મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદે

કૉમેડિયન કુણાલ કામરાએ પોતાના એક શોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદે પર ટિપ્પણી કરી હતી. ત્યાર પછી શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના કાર્યકરોએ મુંબઈના ખારમાં આવેલી હેબિટેટ કૉમેડી ક્લબમાં તોડફોડ કરી હતી.

કુણાલ કામરાએ પોતાના એક શોમાં બૉલીવૂડના એક ગીતની પૅરોડી કરી હતી. તે દરમિયાન તેમણે એક એવી ટિપ્પણી કરી જે શિંદે જૂથના નેતાઓને પસંદ નથી પડી.

આ ઘટના પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે.

સંજય રાઉતે ઍક્સ પર લખ્યું કે "કુણાલ કામરા એક જાણીતા લેખક અને સ્ટેન્ડઅપ કૉમેડિયન છે. કુણાલે મહારાષ્ટ્રની રાજનીતિ પર વ્યંગાત્મક ગીત લખ્યું હતું, તો શિંદે ગૅંગને તે ગમ્યું નહીં. તેમણે કામરાનો સ્ટુડિયો તોડી નાખ્યો. દેવેન્દ્રજી, તમે બહુ નબળા છો."

આ અગાઉ શિવસેના (એકનાથ શિંદે)ની યુવા સેનાએ વાગલે ઍસ્ટેટ પોલીસ સ્ટેશન બહાર કૉમેડિયન કામરા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને તેના ફોટો પણ સળગાવ્યા હતા.

સંજય રાઉતે કૉમેડિયન કુણાલ કામરાની વીડિયો પોસ્ટ કરીને એક્સ પર લખ્યું હતું કે, "કુણાલની કમાલ, જય મહારાષ્ટ્ર."

'કામરા માટે બહાર નીકળવું મુશ્કેલ બનાવી દઈશું'

બીબીસી ગુજરાતી કુણાલ કામરા કૉમેડિયન એકનાથ શિંદે સંજય રાઉત શિવસેના શિવસૈનિક મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંજય રાઉતના મત પ્રમાણે કુણાણનું ગીત 'કમાલ'નું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે કુણાલ કામરા વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરાવી છે.

રવિવારે મીડિયા સાથે વાત કરતા મુરજી પટેલે કહ્યું હતું કે, "કુણાલ કામરા બે દિવસમાં માફી નહીં માંગે તો મુંબઈમાં શિવસૈનિકો તેને રસ્તા પર ફરવા નહીં દે. તે જ્યાં પણ દેખાશે ત્યાં અમે તેનો ચહેરો કાળો કરવાનો પ્રયાસ કરીશું. અમે આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવીશું. કુણાલ પોતાની પ્રસિદ્ધિ માટે આવું કરી રહ્યો છે. અમે પોલીસને બધી માહિતી આપી છે અને પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાનો ભરોસો આપ્યો છે."

કુણાલ કામરાના વિવાદાસ્પદ વીડિયો પર શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે ઍક્સ પર લખ્યું છે - કુણાલની કમાલ.

શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ પણ એક વીડિયો સંદેશ દ્વારા કુણાલ કામરાને ધમકી આપી છે.

નરેશ મ્હસ્કેએ કહ્યું કે, "તમને માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ ભારતમાં પણ ઘૂમવા નહીં દઈએ. શિવસૈનિકો તમારી પાછળ જશે તો તમારે ભારત છોડીને ભાગવું પડશે. સંજય રાઉત, તમારી પાસે હવે કાર્યકરો બચ્યા નથી. એટલા માટે તમે કુણાલ કામરાને પૈસા આપીને આવી ટિપ્પણી કરાવો છો. તમારી ઉપર શરમ આવે છે. કુણાલ કામરા યાદ રાખો હિંદુસ્તાનમાં પણ તમારા માટે ઘૂમવાનું મુશ્કેલ બનાવી દઈશું."

'ગદ્દાર' શબ્દના ઉપયોગથી વિવાદ

બીબીસી ગુજરાતી કુણાલ કામરા કૉમેડિયન એકનાથ શિંદે સંજય રાઉત શિવસેના શિવસૈનિક મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, @kunalkamra88

ઇમેજ કૅપ્શન, કુણાલ કામરા અગાઉ પણ વિવાદમાં રહ્યા છે

શિવસેના (યુબીટી)ના નેતા અને ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ સ્ટુડિયો પર થયેલા હુમલાની ઘટનાને કાયરતાપૂર્ણ ગણાવી છે.

આદિત્ય ઠાકરેએ ઍક્સ પોસ્ટ પર લખ્યું છે, મિંધે (શિંદે)ની કાયર ગૅંગે કૉમેડી સ્ટેજ પર તોડફોડ કરી છે. અહીં કુણાલ કામરાએ એકનાથ શિંદે પર એક ગીત ગાયું હતું, જે 100 ટકા સાચું હતું. માત્ર અસુરક્ષિત કાયરો ગીત પર આવી પ્રતિક્રિયા આપી શકે છે. શું રાજ્યમાં આવો જ કાયદો અને વ્યવસ્થા છે? એકનાથ શિંદેએ ફરી એક વાર મુખ્ય મંત્રી અને ગૃહમંત્રીને નીચા દેખાડ્યા છે."

ઠાકરે હંમેશાં શિંદે માટે મરાઠી શબ્દ 'મિંધે' વાપરે છે. મિંધેનો અર્થ વફાદાર થાય છે.

વાસ્તવમાં કુણાલ કામરાએ પોતાના શોમાં ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'નું એક પૅરોડી ગીત ગાયું હતું. જેમાં 2022માં શિવસેનામાં ભંગાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કામરાએ ગીતમાં ગદ્દાર શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેને એકનાથ શિંદે માટે એક ગાળ તરીકે જોવામાં આવ્યો. જોકે, કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ નહોતું લીધું.

વિવાદો માટે જાણીતા કુણાલ કામરા કોણ છે?

બીબીસી ગુજરાતી કુણાલ કામરા કૉમેડિયન એકનાથ શિંદે સંજય રાઉત શિવસેના શિવસૈનિક મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Facebook/kunal Kamra

ઇમેજ કૅપ્શન, કુણાલ કામરા પોતાના એક સ્ટેન્ડ અપ કોમેડી શો દરમિયાન

મૂળ મુંબઈના કુણાલ કામરા આજે જાણીતા સ્ટેન્ડ-અપ કૉમેડિયન છે, પરંતુ તેમના કૅરિયરની શરૂઆત એક ઍડવર્ટાઇઝમેન્ટ એજન્સીમાં પ્રોડક્ટ આસિસટન્ટ તરીકે થઈ હતી.

ઍડવર્ટાઇઝમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે 11 વર્ષ સુધી કામ કર્યા પછી, કુણાલે સ્ટેન્ડ અપ કૉમેડિયન તરીકે પોતાના કૅરિયરની શરૂઆત કરી. 2013માં તેમણે પહેલો શો કર્યો.

2017માં તેમણે રોહિત વર્માની સાથે મળીને 'શટ અપ યા કુણાલ' નામના પૉડકાસ્ટ શોની શરૂઆત કરી. આ કાર્યક્રમમાં કુણાલ રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો અને અન્ય ક્ષેત્રોની પ્રખ્યાત હસ્તીઓ સાથે અનૌપચારિક ચર્ચા કરવામાં આવતી.

'શટ અપ યા કુણાલ'ની પહેલી સિઝનની શરૂઆત ભાજપના યુથ વિંગના તત્કાલીન ઉપ-પ્રમુખ મધુકિશ્વર દેસાઈના ઇન્ટરવ્યૂથી થઈ હતી.

પહેલી સિઝનમાં રવીશ કુમાર, લેખક અને ગીતકાર જાવેદ અખતર, અસદુદ્દીન ઔવેસી, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદીયા, મિલિંદ દેવરા, જિજ્ઞેશ મેવાણી, સચિન પાયલટ, પ્રિયંકા ચતુર્વેદી, કન્હૈયા કુમાર અને ઉમર ખાલિદે ભાગ લીધો હતો.

બીજી સિઝનમાં કુણાલ કામરાએ સંજય રાઉતને આમંત્રણ આપતા પહેલાં રાજ ઠાકરેને આમંત્રણ આપ્યું હતું.

એક સમયે તેમણે રાજ ઠાકરેને હાથેથી લખેલાં પત્રને ટ્વીટ કર્યો હતો, "મેં શોધખોળ કરી છે અને મને જાણવા મળ્યું છે કે તમે કીર્તિ કૉલેજની બહારના વડાપાઉના શોખીન છો, અહીં હું તમને તમારી પસંદગીની વસ્તુની લાંચ આપું છું જેથી કરીને તમે થોડો સમય કાઢીને મારા પોડકાસ્ટ 'શટ અપ યા કુણાલ' પર આવો."

કુણાલ કામરા પોતાના રાજકીય સ્ટેન્ડ માટે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. તેમની કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે વિવાદ ઊભો થયો છે.

વર્ષ 2018માં તેમણે ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કર્યું હતું. કારણ કે તેમના મુસ્લિમ, શીખ અને મધર ટેરેસા અંગે કરેલાં કેટલાંક ટ્વીટ વાઇરલ થઈ ગયા હતા. આ સમયે તેમને પોતાનું મુંબઈનું ઘર પણ છોડી દેવું પડ્યું હતું.

વર્ષ 2019માં કુણાલ કામરાના કાર્યક્રમના બે શો રદ્દ કરવામાં આવ્યા હતા. કેટલાંક લોકોએ ધમકી આપી હતી કે જો કાર્યક્રમ યોજ્યો તો તે સ્થળે તોડફોડ કરવામાં આવશે.

કુણાલ કામરા અને અર્ણવ ગોસ્વામી વિવાદ

બીબીસી ગુજરાતી કુણાલ કામરા કૉમેડિયન એકનાથ શિંદે સંજય રાઉત શિવસેના શિવસૈનિક મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અર્ણવ ગોસ્વામી

જાન્યુઆરી 2020માં પણ એક વિવાદાસ્પદ ઘટના બની હતી. કુણાલ કામરા અને પત્રકાર અર્ણવ ગોસ્વામી એક જ વિમાનમાં સાથે મુસાફરી કરતા હતા.

આ મુસાફરીમાં કુણાલ કામરાએ અર્ણવ ગોસ્વામીને કેટલાંક પ્રશ્નો પૂછ્યાં. પરંતુ ગોસ્વામીએ તેમની સામે ન જોયું અને પોતાના લૅપટૉપમાં જોતા રહ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો.

એ વીડિયોમાં, કુણાલે અર્ણવને બીકણ કહ્યા હતા.

"હું અર્ણવ ગોસ્વામીને તેમના પત્રકારત્વ વિશે પ્રશ્ન કરવા માંગુ છું. પરંતુ, તેમણે મારી ધારણા પ્રમાણે જવાબ ન આપ્યા. તેઓ મારા સવાલોના જવાબ આપવા પણ માગતા ન હતા. દર્શકો જાણવા માગે છે કે અર્ણવ ગોસ્વામી બીકણ છે કે રાષ્ટ્રવાદી છે."

કુણાલે પોતે પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી આ વીડિયો શેર કર્યો અને કહ્યું કે તેમણે આ તેના હીરો રોહિત વેમુલા માટે કર્યું.

આ વીડિયો પછી અનેક ચર્ચાઓ ચાલી. આ ઘટના પછી ઇન્ડિગો ઍરલાઇન્સે કુણાલ કામરા પર છ મહિના માટે પ્રતિબંધ મૂક્યો.

જાહેર સેક્ટર કંપની ઍર ઇન્ડિયા અને બીજી ખાનગી કંપની સ્પાઇસ જેટે પણ કુણાલ કામરા પર તેમની ફ્લાઇટમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

શશી થરૂરને આપ્યું કૉમેડીનું શિક્ષણ

બીબીસી ગુજરાતી કુણાલ કામરા કૉમેડિયન એકનાથ શિંદે સંજય રાઉત શિવસેના શિવસૈનિક મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, FACEBOOK/KUNAL KAMRA

વર્ષ 2019માં કુણાલ કામરાએ કૉંગ્રેસ નેતા શશી થરૂરને કૉમેડીના કાર્યક્રમ કરવા માટે શિક્ષણ આપ્યું હતું. તેમને ઍમેઝોન પ્રાઇમના શો વન માઇક સ્ટેન્ડમાં પર્ફોમ કરવા માટે કેટલીક ટિપ્સ આપી હતી.

ઍક્ટ્રેસ તાપસી પન્નુ અને રીચા ચડ્ઢાએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.