બાંગ્લાદેશ: દુનિયાના સૌથી મોટા શરણાર્થી કૅમ્પમાં રોહિંગ્યા કેવી પરિસ્થિતિમાં રહે છે?

કૉક્સ બજાર, શરણાર્થી કૅમ્પ, રોહિંગ્યા મુસ્લિમો, શરણાર્થી, બાંગ્લાદેશ, મ્યાનમાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઇસ્મત આરા એ અંદાજે દસ લાખ શરણાર્થીઓ પૈકીનાં એક છે જે કૉક્સ બાઝાર શરણાર્થી કૅમ્પમાં રહે છે
    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા, બાંગ્લાદેશના કૉક્સ બાઝારથી

"તે દિવસે અમારા ગામ પર ભારે બૉમ્બમારો થયો હતો. બૉમ્બના ટુકડા મારા ત્રણ વર્ષના દીકરાની જાંઘમાં વાગ્યા. તે બેભાન થઈ ગયો. અમે મ્યાનમારમાં તેને કોઈ ડૉક્ટર પાસે પણ નહોતાં લઈ જઈ શકતાં. તેથી અમે તેના ઘા પર કેટલાંક પાંદડાં રાખ્યાં, તેના પર કપડું બાંધ્યું અને સરહદ પાર કરીને બાંગ્લાદેશમાં પ્રવેશ્યાં; છેક ત્યારે તેને સારવાર મળી."

બાંગ્લાદેશના કૉક્સ બાઝાર વિસ્તારમાં વાંસ અને તાડપત્રીથી બનેલી હંગામી ઝૂંપડીમાં ઇસમત આરાએ ખૂબ જ મજબૂર અને અસહાય ભાવ સાથે બીબીસીની ટીમ સમક્ષ પોતાની વ્યથા કહી સંભળાવી.

તેમણે બૉમ્બના એ ટુકડાની તસવીર બતાવી જેણે તેમના પુત્રનો જીવ લઈ લીધો હોત. તેઓ સાત મહિના પહેલાં પોતાના પરિવારના સભ્યો સાથે મ્યાનમારના મૌગદાવ (રખાઇન પ્રાંત)માં આવેલું પોતાનું ઘર છોડીને બાંગ્લાદેશ આવવા મજબૂર થયાં હતાં. મ્યાનમાર બૌદ્ધ બહુમતી ધરાવતો દેશ છે.

ઇસમત આરા એવા સમુદાયનાં છે જેને સંયુક્ત રાષ્ટ્ર દુનિયાનો સૌથી વધુ પીડિત અલ્પસંખ્યક માને છે. તેઓ રોહિંગ્યા છે. મોટા ભાગના રોહિંગ્યા મુસલમાન છે. તેઓ બાંગ્લાદેશના કૉક્સ બાઝારમાં દસ લાખ કરતાં વધારે શરણાર્થીઓ માટે બનાવાયેલા 34 કૅમ્પમાંના એકમાં રહે છે. આ કૅમ્પ દુનિયાનો સૌથી મોટો રેફ્યુજી કૅમ્પ છે.

2021માં મ્યાનમારમાં સેનાએ સત્તા પર કબજો કરી લીધા પછી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે અને 2017માં મ્યાનમારના રખાઇન પ્રાંતમાંથી સાત લાખ રોહિંગ્યા લોકોનું પલાયન થયું હતું.

હકીકતમાં, રખાઇન પ્રાંતમાં રોહિંગ્યા સમુદાયના લોકોએ દાયકાઓથી ઉત્પીડન અને હિંસાનો સામનો કર્યો છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
કૉક્સ બજાર, શરણાર્થી કૅમ્પ, રોહિંગ્યા મુસ્લિમો, શરણાર્થી, બાંગ્લાદેશ, મ્યાનમાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ફાતિમા અખ્તર તેમનાં બાળક સાથે

ઑક્ટોબર 2016માં અરાકાન રોહિંગ્યા સાલ્વેશન આર્મી નામના એક ચરમપંથી સંગઠને પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં નવ પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર પછી મ્યાનમારની સેનાની કાર્યવાહી દરમિયાન સેના પર હત્યાઓ કરવાના, બળાત્કાર કરવાના અને યાતનાઓ આપવાના આરોપ થયા હતા. સેનાનો દાવો હતો કે, તેણે સામાન્ય નાગરિકોને નહીં, ચરમપંથીઓને નિશાન બનાવ્યા છે.

ઑગસ્ટ 2017માં મ્યાનમારમાં ભીષણ હિંસાનો સામનો કરી રહેલા લગભગ સાત લાખ રોહિંગ્યા મુસલમાનોએ ત્યાંથી બાંગ્લાદેશમાં પલાયન કર્યું અને હજુ સુધી આ પલાયન અટક્યું નથી.

ત્યારથી દર થોડા થોડા દિવસે હજારો લોકો મ્યાનમાર–બાંગ્લાદેશ સરહદને અડીને આવેલા રખાઇન પ્રાંતને છોડીને બાંગ્લાદેશમાં આવે છે. હિંસાપીડિત હેરાનપરેશાન લોકો બંને દેશની વચ્ચે વહેતી ઊંડી નાફ નદી અને સમુદ્રને નાની નાની હોડીઓમાં પાર કરીને તથા જંગલના દુર્ગમ રસ્તે પસાર થતાં જીવ બચાવવા માટે પડોશી દેશમાં પહોંચે છે.

સંયુક્ત રાષ્ટ્રએ રોહિંગ્યા લોકો વિરુદ્ધ થઈ રહેલી હિંસાને વંશીય સંહાર ગણાવ્યો છે. ગયા વર્ષે તપાસ પછી આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતમાં ફરિયાદીઓએ મ્યાનમારના જનરલ અને તત્કાલીન રાષ્ટ્રપતિ મિન અંગ હ્લાઇંગ વિરુદ્ધ એરેસ્ટ વૉરંટની માગ કરી હતી. તપાસમાં તેમને રોહિંગ્યા સમુદાય વિરુદ્ધ થયેલી હિંસા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશની સરકારના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે, ગયા વર્ષે જ ઓછામાં ઓછા 60 હજાર રોહિંગ્યા બાંગ્લાદેશમાં શરણ લેવા આવ્યા છે. જાણકારો કહે છે કે, આ કૅમ્પ્સમાં દર વર્ષે લગભગ 30 હજાર બાળકો જન્મે છે. તેથી કૉક્સ બાઝાર વિસ્તારમાં શરણાર્થીઓની સંખ્યા અને તેમના માટે બનાવાઈ રહેલા કૅમ્પ્સનો વિસ્તાર વધતો જ જાય છે.

ન નોકરી, ન કામ, ઘટતી રાહતસામગ્રી

કૉક્સ બજાર, શરણાર્થી કૅમ્પ, રોહિંગ્યા મુસ્લિમો, શરણાર્થી, બાંગ્લાદેશ, મ્યાનમાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કૅમ્પમાં રહેતા રોહિંગ્યા

સામાન્ય રીતે આ શરણાર્થીઓ બાંગ્લાદેશમાં નોકરી કે વ્યવસાય નથી કરી શકતા. શિક્ષણ અને સારવાર માટે પણ તેમના કૅમ્પની બહાર જવા સામે પ્રતિબંધ છે. ખાનપાનની વસ્તુઓ, કપડાં, ઘર બનાવવાની સામગ્રી, આરોગ્યસેવાઓ, સ્કૂલ્સ અને લગભગ બધી જ વસ્તુઓ માટે શરણાર્થીઓ દાન અને રાહત સંસ્થાઓ તરફથી આપવામાં આવેલી સુવિધાઓ પર નિર્ભર છે.

છેલ્લા થોડાક મહિનાઓમાં અને ખાસ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક નિર્ણયો પછી શરણાર્થીઓની સ્થિતિ ખરાબમાંથી અતિખરાબ થતી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રની બાળકો માટેની સંસ્થા અનુસાર, 2017 પછીથી, હવે કૉક્સ બાઝારના શરણાર્થી શિબિરોમાં બાળ કુપોષણનું સ્તર સૌથી ઊંચું છે.

ખાદ્ય સામગ્રીનો પુરવઠો પૂરો પાડનાર સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે કહ્યું છે કે, જો આ શરણાર્થીઓ માટે તેમને સત્વરે ફંડિંગ નહીં મળે, તો રોહિંગ્યા શરણાર્થીઓને અપાતા રાશનમાં પચાસ ટકા સુધીનો કાપ થઈ શકે છે.

અમે જોયું કે, આ કૅમ્પ્સમાં ઘણી સંસ્થાઓ, જે શરણાર્થીઓને મૂળભૂત સુવિધાઓ પ્રાપ્ત કરાવતી હતી, તેમણે હવે પોતાનું કામ બંધ કરી દીધું છે.

ક્લિનિક બંધ થયાં, દૂર જવા માટેના પૈસા નથી

કૉક્સ બજાર, શરણાર્થી કૅમ્પ, રોહિંગ્યા મુસ્લિમો, શરણાર્થી, બાંગ્લાદેશ, મ્યાનમાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેસના કૉક્સ બજારની ઝૂંપડપટ્ટી

કૉક્સ બાઝારથી દક્ષિણ દિશામાં 80 કિલોમીટર દૂર ટેકનાફ નામનો વિસ્તાર છે. ત્યાં એક કૅમ્પમાં અમારી મુલાકાત બાર વર્ષના અનવર સાદેક સાથે થઈ, જે સહારો લઈને પણ માંડ માંડ ચાલી શકે છે અને મૂકબધિર છે.

2017માં તેમનો નવ લોકોનો પરિવાર પણ મ્યાનમારથી બાંગ્લાદેશ આવેલો. તે બધા વાંસથી બનેલી ઝૂંપડીમાં રહે છે. અજવાળા માટે તેમના ઘરમાં બલ્બ તો છે, પરંતુ ન તો પંખો છે કે ન તો શૌચાલયની યોગ્ય વ્યવસ્થા છે.

ચાર ઘર વચ્ચે એક શૌચાલયની જોગવાઈ કરવામાં આવી છે.

અનવરનાં માતા ફાતિમા અખ્તરે કહ્યું, "ત્યાં મ્યાનમારમાં અમારા પર હુમલા થતા હતા. ત્યાં કોઈ ડૉક્ટર પાસે કે હૉસ્પિટલમાં જઈને દીકરાની સારવાર કરાવવાનું શક્ય જ નહોતું. આ શિબિરોમાં અમારી હાલત સારી હતી, કેમ કે, કમ સે કમ અહીં મારા દીકરાનો ઇલાજ તો થતો હતો. પરંતુ, થોડા દિવસ પહેલાં જ્યારે હું અનવરને લઈને ડૉક્ટર પાસે ગઈ, ત્યારે જોયું કે ક્લિનિક બંધ હતું. હવે એ વાતને એક મહિનો થઈ ગયો છે અને એ ક્લિનિક હજુ પણ બંધ છે."

કૉક્સ બજાર, શરણાર્થી કૅમ્પ, રોહિંગ્યા મુસ્લિમો, શરણાર્થી, બાંગ્લાદેશ, મ્યાનમાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અનવર સાદેક ટેકો લઈને માંડ ચાલી શકે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમના પુત્રની સારવાર અટકી ગઈ છે અને હવે શું કરવું તેની તેમને કશી સમજ નથી પડતી.

બીબીસીએ જોયું કે હૅન્ડીકૅપ્ડ ઇન્ટરનેશનલ નામની સંસ્થાના એ ક્લિનિકના દરવાજે તાળું લટકતું હતું. ત્યાં ચોંટાડવામાં આવેલી એક નોટિસમાં લખ્યું હતું કે, અમેરિકામાં સરકારની ફંડિંગની સમીક્ષા થતી હોવાના કારણે તેઓ પોતાની સેવાઓ નથી આપી શકતા.

અમે નજીકમાં જ આવેલા બીજા એક કૅમ્પમાં ગયા. ત્યાં અમારી મુલાકાત એક ગર્ભવતી મહિલા સિંવાર સાથે થઈ.

સિંવારે કહ્યું, "અહીં મારા જેવી ગર્ભવતી મહિલાઓને મળવા માટે અવારનવાર એક વૉલન્ટિયર આવતાં હતાં અને ઘણી વાર તો આરોગ્ય કેન્દ્ર પહોંચવામાં પણ મદદ કરતાં હતાં. પરંતુ, હવે એક મહિનાથી આ વ્યવસ્થા બંધ છે. મને જાણવા મળ્યું છે કે, ઘણાં બધાં સંગઠન પૈસાની તંગીના કારણે અહીંનું પોતાનું કામ બંધ કરી રહ્યાં છે. હવે અમારે એવી સહાય મેળવવા માટે ખૂબ દૂર જવું પડે છે અને એ મુશ્કેલ છે, કેમકે, અમારી પાસે પૈસા નથી. અમે આ દેશને બરાબર ઓળખતાં પણ નથી."

કૅમ્પના નેતા મોહમ્મદ નૂરે જણાવ્યું, કાપ તો સેવાઓમાં પણ મુકાયો છે અને ખાનપાનની વસ્તુઓમાં પણ. તેમના અનુસાર, "દર વર્ષે શિયાળામાં ગરમ કપડાં અને રમજાન દરમિયાન અમને ઇફ્તાર અને ખાવાનો સામાન મળતાં હતાં. પરંતુ, આ વખતે કશું નથી મળ્યું. પહેલાં પણ ખાવાનું સીમિત જ મળતું હતું, પરંતુ તેમાં પણ ઘટાડો થયો છે. લોકોને ઝાડા થઈ જવાની સ્થિતિમાં અમને દવા, હૅન્ડવૉશ અને માસ્ક મળતાં હતાં, પરંતુ, આ વર્ષે કશું આપવામાં નથી આવ્યું."

આ સ્થિતિને પહોંચી વળવાનો કોઈ ઉપાય છે?

કૉક્સ બજાર, શરણાર્થી કૅમ્પ, રોહિંગ્યા મુસ્લિમો, શરણાર્થી, બાંગ્લાદેશ, મ્યાનમાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ડેવિડ બગડન 'રોહિંગ્યા રેફ્યૂજી રિસ્પોન્સ બાંગ્લાદેશ' નામનું સંગઠન ચલાવે છે

આ પરિસ્થિતિનો શું ઉકેલ હોઈ શકે તેનો જવાબ જાણવા માટે અમે ડેવિડ બગડેને મળ્યા, જેઓ કૉક્સ બાઝાર વિસ્તારમાંના કૅમ્પ્સમાં સક્રિય 100થી વધારે સ્વયંસેવી સંગઠનો એટલે કે એનજીઓના સંયોજક છે અને તેમના સંગઠનનું નામ છે – રોહિંગ્યા રેફ્યુજી રિસ્પૉન્સ, બાંગ્લાદેશ.

તેમણે આ સમસ્યાઓનો ઇનકાર ન કર્યો.

તેમણે કહ્યું, "અમે ઘણી સેવાઓ પર ઓછા ફંડિંગની અસર જોઈ છે. આગામી વર્ષે અમને મળનારા ફંડમાં વધુ ઘટાડો થઈ શકે છે. અને આવું જ ચાલતું રહેશે, તો જરૂરિયાતો અને ફંડ વચ્ચેનું અંતર વધતું જ જશે."

આનું પરિણામ શું આવશે?

ડેવિડે કહ્યું, "હતાશ–નિરાશ લોકો ઘણી વાર એવા ઉપાયો અજમાવવા મજબૂર થઈ જાય છે જેને આશાહીન લોકો અપનાવે છે. તેઓ અહીંથી બીજે ક્યાંક પલાયન પણ કરી શકે છે. અહીં સુરક્ષા અને ગુનાની સ્થિતિ પણ બગડી શકે છે. આ જ કારણ છે કે અમે રોહિંગ્યા સંકટ પર ધ્યાન કેન્દ્રિત રાખવા અને શરણાર્થીઓ અને યજમાન સમુદાયો, બંનેનું સમર્થન કરવા માટે શક્ય તે દરેક પ્રયાસ કરી રહ્યા છીએ."

થોડા દિવસ પહેલાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ કૉક્સ બાઝાર ક્ષેત્રની મુલાકાતે આવેલા. રૅશનમાં કાપને મુદ્દે તેમણે કહેલું કે, "આ પરિસ્થિતિ અસ્વીકાર્ય છે."

ભવિષ્યના પ્રયાસો વિશે ડેવિડે કહ્યું, "આ કૅમ્પ્સમાં રહેતા લોકોની સહાય માટે અમે થોડાક જ દિવસોમાં આ વર્ષ માટે લગભગ 93 કરોડ અમેરિકન ડૉલરની ગ્લોબલ અપીલ કરીશું. સામાન્ય રીતે અમને અપીલના લગભગ 60 કે 70 ટકા સુધીનો હિસ્સો ફંડિંગ દ્વારા મળી જાય છે, પરંતુ આ વર્ષે એવું લાગે છે કે એટલું પણ નહીં મળી શકે."

2023માં ડેવિડની સંસ્થાએ 91.8 કરોડ અમેરિકન ડૉલરની અપીલ કરી હતી અને તેમને લગભગ 57 કરોડ ડૉલરની મદદ મળી હતી; અને તેની પહેલાં લગભગ 56 કરોડ ડૉલરની મદદ મળી હતી.

અમેરિકા સૌથી મોટું મદદગાર રહ્યું

કૉક્સ બજાર, શરણાર્થી કૅમ્પ, રોહિંગ્યા મુસ્લિમો, શરણાર્થી, બાંગ્લાદેશ, મ્યાનમાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મદદના અભાવે બંધ પડેલું એનજીઓનું કાર્યાલય

ઈ.સ. 2017 પછીથી અમેરિકા બાંગ્લાદેશમાં રહેતા રોહિંગ્યા સમુદાયનો સૌથી મોટો મદદગાર દેશ રહ્યો છે.

અમેરિકાની સરકારી સંસ્થા 'યુએસ એજન્સી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ' (યુએસ-એડ)ની મદદથી કૉક્સ બાઝારમાં અનેક રાહતકાર્ય કરવામાં આવતાં હતાં. આ સંસ્થાના ઘણા કાર્યક્રમોના ફંડિંગ પર ટ્રમ્પ સરકારે હવે પ્રતિબંધ મૂકી દીધો છે.

ઈ.સ. 2024માં રોહિંગ્યા સમુદાયની મદદ માટે અપાયેલા કુલ 54.5 કરોડ અમેરિકન ડૉલરમાંથી અમેરિકાએ 30 કરોડ ડૉલર આપ્યા હતા અને 2023માં 24 કરોડ ડૉલર આપ્યા હતા.

અત્યારે એ સ્પષ્ટ નથી કે ભવિષ્યમાં રોહિંગ્યા સમુદાય માટે અમેરિકાની મદદ મળતી રહેશે કે નહીં, અને જો મળશે તો અગાઉની સરખામણીમાં કેટલી હશે.

બાંગ્લાદેશ સરકારના પ્રેસ સચિવ શફીકૂલ આલમે બીબીસીને જણાવ્યું, "અમે આશા રાખીએ છીએ કે આ મામલે અમેરિકાનું સમર્થન ચાલુ રહેશે. અમે બીજા દેશોની સાથે પણ સંપર્કમાં છીએ, જેમકે, જાપાન, યૂરોપિયન સંઘના દેશો, વગેરે; અને તેમણે પણ આશ્વાસન આપ્યું છે કે તેઓ પોતાની મદદનો વ્યાપ વધારશે."

રોહિંગ્યા સમુદાય માટે સહાય આપનાર દેશોની યાદીમાં ભારતનું નામ ઘણું પાછળ છે. જોકે, 2017માં ભારતે ઑપરેશન ઇન્સાનિયત હેઠળ બાંગ્લાદેશને શરણાર્થીઓ માટે રાહત સામગ્રી મોકલી હતી. ત્યાર પછી 2019માં ભારતે મ્યાનમારના રખાઇન પ્રાંતમાં 250 મકાનોનું નિર્માણ કરાવ્યું હતું.

ભારતે શરણાર્થીઓને બાંગ્લાદેશમાંથી મ્યાનમાર પાછા મોકલવાની પ્રક્રિયાના મુદ્દા પર અનેક વાર ભાર મૂક્યો છે.

શરણાર્થીઓ મ્યાનમારમાં પાછા જઈ શકશે?

કૉક્સ બજાર, શરણાર્થી કૅમ્પ, રોહિંગ્યા મુસ્લિમો, શરણાર્થી, બાંગ્લાદેશ, મ્યાનમાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મ્યાનમાર-બાંગ્લાદેશ બૉર્ડર

બીબીસીએ જેટલા શરણાર્થીઓ સાથે વાતચીત કરી, તે બધાએ બાંગ્લાદેશમાંથી મ્યાનમાર પાછા જવાની ઇચ્છા વ્યક્ત કરી.

પરંતુ, બાંગ્લાદેશ સરકાર અનુસાર, 2017થી અત્યાર સુધી એક પણ શરણાર્થી પાછા નથી જઈ શક્યા.

બાંગ્લાદેશના શરણાર્થી રાહત કમિશનના અધિક કમિશનર મોહમ્મદ શમશૂદ ડોઝાએ જણાવ્યું કે, "આ વર્ષોમાં અમે વેરિફિકેશન કર્યા પછી મ્યાનમારને આઠ લાખથી વધારે શરણાર્થીઓનો ડેટા આપ્યો છે. તેમની સરકારના પ્રતિનિધિ પણ અહીં આવ્યા, રોહિંગ્યા નેતા ત્યાં ગયા. પરંતુ, હજી સુધી એક પણ શરણાર્થી પાછા જઈ શક્યા નથી. હકીકતમાં, તેમની બાબતમાં અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની સહમતી થઈ શકી નથી."

આગળ શું થશે એ કહેવું મુશ્કેલ છે.

શફીકૂલ આલમે બીબીસીને જણાવ્યું કે, "અમે રોહિંગ્યા લોકોને સ્વેચ્છાએ, સન્માનપૂર્વક સાથ અને સંમતિથી મ્યાનમાર પાછા મોકલવા માગીએ છીએ. પરંતુ, અત્યારે ત્યાં, ખાસ કરીને મ્યાનમારના રખાઇન વિસ્તારમાં, હિંસા અને ગૃહયુદ્ધની સ્થિતિ છે. તેથી, અમને નથી લાગતું કે તેમને પાછા મોકલવાનો આ યોગ્ય સમય છે."

રોહિંગ્યાનો ઇતિહાસ

કૉક્સ બજાર, શરણાર્થી કૅમ્પ, રોહિંગ્યા મુસ્લિમો, શરણાર્થી, બાંગ્લાદેશ, મ્યાનમાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રોહિંગ્યાનો દાવો છે કે તેઓ હંમેશથી મ્યાનમારમાં નાફ નદી પાસે રહેતા રોહેંગ સમુદાયથી છે

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, "રોહિંગ્યા એક અલ્પસંખ્યક સમૂહ છે, જે વર્ષોથી બૌદ્ધ બહુલ મ્યાનમારમાં રહે છે. ઘણી પેઢીઓથી મ્યાનમારમાં રહેતા હોવા છતાં, રોહિંગ્યાને સત્તાવાર વંશીય જૂથ તરીકેની માન્યતા આપવામાં નથી આવી અને 1982થી તેમને નાગરિકતાથી વંચિત રાખવામાં આવ્યા છે, જેનાથી તેઓ દુનિયાની સૌથી મોટી રાજ્યવિહોણી એટલે કે સ્ટેટલેસ વસ્તી બની ગયા છે."

ગૌતમ મુખોપાધ્યાય મ્યાનમારમાં ભારતના રાજદૂત રહી ચૂક્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "રોહિંગ્યાનો દાવો છે કે, તેઓ પહેલાંથી ત્યાં, નાફ નદીની નજીક રહેતા 'રોહેંગ' સમુદાય સાથે સંબંધ ધરાવે છે; અને કદાચ આ વાત સાચી પણ હોય. પરંતુ, આ વાત બધા માને છે, એવું નથી. તેમને જુદા જુદા સમયે પ્રવાસીઓ જેવા ગણવામાં આવતા રહ્યા છે. મ્યાનમારના લોકોનું માનવું છે કે, રોહિંગ્યા 'બંગાળી' છે, અને તેઓ બર્મામાં બ્રિટિશ હસ્તક્ષેપ પછી જ આવ્યા છે."

પરંતુ, શું આ વિસ્તારમાં પહેલાં ઇસ્લામનો પ્રભાવ હતો?

મુખોપાધ્યાયે જણાવ્યું કે, "ઐતિહાસિક રીતે, રખાઇન કોર્ટમાં ઇસ્લામિક પ્રભાવ હતો. પરંતુ, રોહિંગ્યા અને રખાઇનના અરાકાન સામ્રાજ્યની કોર્ટ સાથે સંબંધ ધરાવતા મુસલમાનો વચ્ચે એક અંતર છે. રોહિંગ્યા હકીકતમાં સૌથી ગરીબ લોકોમાંથી એક છે. એ સંભવ છે કે, અંગ્રેજોના શાસનમાં જે રીતે ભારતના ખેડૂતો બર્મા જતા રહ્યા હતા, રોહિંગ્યા લોકો પણ કોઈ બીજી બાજુથી આવ્યા હોય."

મુખોપાધ્યાયે જણાવ્યું કે, આઝાદી પછી બર્મામાં રોહિંગ્યા અને બામર સમુદાયો વચ્ચેનું અંતર વધ્યું છે.

"1947માં જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યારે, તે સમયના રોહિંગ્યા નેતૃત્વએ પૂર્વ પાકિસ્તાનમાં જોડાવાનો વિકલ્પ પસંદ કર્યો હતો અને આ વાત બર્માના લોકો અને ખાસ કરીને ત્યાંના બામર, જે આજે શાસકવર્ગ છે, ક્યારેય ભૂલ્યા નહીં."

* પૂરક માહિતી અબ્દુર રહમાન દ્વારા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.