વડોદરાના યુવાનને કતારમાં ત્રણ મહિનાથી કેદ કરવામાં આવ્યો, સમગ્ર મામલો શું છે?

ઇમેજ સ્રોત, HARDIK DIXIT
વડોદરાના યુવાન અમિત ગુપ્તાની કતારના દોહામાં 1 જાન્યુઆરી, 2025ના રોજ અટકાયત થઈ હોવાનું સામે આવ્યું છે. વડોદરાથી બીબીસીના સહયોગી હાર્દિક દીક્ષિતે આપેલી પ્રાથમિક માહિતી અનુસાર, અમિત ગુપ્તાને કતારની સ્ટેટ સિક્યૉરિટી એજન્સીએ પકડી લીધા છે અને તેમની સામે ડેટા સાથે ચેડાંનો મામલો છે.
જોકે, કતાર તરફથી કેસ વિશે અન્ય કોઈ માહિતી તેમના પરિવારને આપવામાં આવી નથી.
45 વર્ષીય અમિત ગુપ્તા કતારના દોહામાં ટૅક મહિન્દ્રા કંપનીના કન્ટ્રી હેડ તરીકે ફરજ બજાવતા હતા.
છેલ્લા ત્રણ મહિનાથી કતારમાં પુત્ર ફસાયેલો હોવાથી તેમનાં માતાપિતાએ કતારમાં ભારતીય દૂતાવાસ, ભારતના વિદેશમંત્રાલય અને વડા પ્રધાન પાસે મદદ માટે માગણી કરી છે.
ટૅક મહિન્દ્રાના એક પ્રવક્તાએ એનડીટીવી સાથેની વાતચીતમાં આ સમગ્ર મામલા અંગે કહ્યું હતું કે, "અમે પરિવાર સાથે સતત સંપર્કમાં છીએ અને તેમને જરૂરી તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ. અમે બંને દેશોની ઑથૉરિટીઓ સાથે પણ સંકલનમાં છીએ અને જરૂરી પ્રક્રિયાને અનુસરી રહ્યા છીએ. અમારા સહકર્મીનું કલ્યાણ એ અમારી ટોચની પ્રાથમિકતા છે."

સમગ્ર મામલો શું છે?
અમિત ગુપ્તાના પરિવારે આપેલી માહિતી અનુસાર તેમની 1 જાન્યુઆરી, 2025ના રોજ કતારની સ્ટેટ સિક્યૉરિટી એજન્સીએ અટકાયત કરી હતી.
અમિતના પિતા જગદીશપ્રસાદ ગુપ્તા કહે છે, "મારા દીકરાને હોટલમાંથી જ લઈ જવામાં આવ્યો હતો અને પહેલી 48 કલાક સુધી તેને કંઈ જ કહેવામાં આવ્યું નહોતું અને બેસાડી રાખવામાં આવ્યો હતો."
તેઓ કહે છે, "તેને કહેવામાં આવ્યું છે કે તમારી કંપનીએ ડેટામાં કંઇક ગરબડ કરી છે અને તમે કંપનીના હેડ હોવાને કારણે તમને પકડવામાં આવ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી અમને કોઈ માહિતી મળી નથી. અમે પીએમ ઑફિસ અને વિદેશમંત્રીની ઑફિસમાં રજૂઆત કરી છે. અમને ત્યાંથી કોઈ જવાબ મળ્યો નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, તેમનું કહેવું છે કે દોહામાં આવેલો ભારતીય દૂતાવાસ તેમને મદદ કરી રહ્યો છે, પરંતુ તેમને પણ સફળતા મળી નથી.
યુવાનનાં માતા પુષ્પાબહેન ગુપ્તા કહે છે, "અમારી હાલત બહુ ખરાબ છે. મારો દીકરો ફોન પર કહે છે કે હું તમારા કારણે જીવું છું, નહીંતર હું આપઘાત કરી લેત. આ બધું સાંભળીને અમને ભોજન પણ ગળે ઊતરતું નથી."
તેઓ કહે છે, "અમે ત્યાંના ભારતીય દૂતાવાસમાં પણ ગયાં હતાં. બે કલાક રાજદૂત સાથે વાત કરી હતી. તેમનું કહેવું છે કે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી. અમે કંપનીના માલિક આનંદ મહિન્દ્રાને મળવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ કોઈ સફળતા મળી નથી. અમિતની પત્નીએ પીએમઓમાં લેટર લખ્યો છે, તેને પણ જવાબ મળ્યો નથી."
વડા પ્રધાનને અને આનંદ મહિન્દ્રાને લખ્યો પત્ર

ઇમેજ સ્રોત, HARDIK DIXIT
અમિત ગુપ્તાનાં પત્ની આકાંક્ષાએ પણ પીએમ ઑફિસમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં તેમણે લખ્યું છે કે, "મારા પતિને પહેલી જાન્યુઆરી, 2025ના રોજ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા. ઘણી વિનંતીઓ પછી માતાપિતાને તેમને એક વાર મળવા દેવાયાં હતાં. મારા પતિએ કહ્યું છે કે તેમને નાનકડી અંધારી ઓરડીમાં રાખવામાં આવ્યા છે અને તેઓ અતિશય માનસિક દબાણમાં છે. 50 દિવસ વીતી ગયા છે અને તેમને હજુ પણ છોડવામાં આવ્યા નથી."
તેમણે પત્રમાં લખ્યું છે કે, "મારાં બે બાળકો કે જેમની ઉંમર 6 અને 11 વર્ષની છે, તેમના સહિત આખો પરિવાર માનસિક દબાણ હેઠળ પસાર થઈ રહ્યો છે. મારા પતિ નિર્દોષ છે અને તેઓ કંપની માટે રાતદિવસ કામ કરી રહ્યા હતા."

ઇમેજ સ્રોત, HARDIK DIXIT
પિતા જગદીશપ્રસાદ ગુપ્તાએ મહિન્દ્રા કંપનીના વડા આનંદ મહિન્દ્રાને પણ પત્ર લખ્યો છે.
તેમાં તેમણે લખ્યું છે કે, "તેમનો પુત્ર અમિત ગુપ્તા ટૅક મહિન્દ્રા કંપનીમાં કામ કરે છે અને હાલમાં કતાર અને કુવૈતના કન્ટ્રી હેડ તરીકે કાર્યરત છે. તેને ત્રણ મહિનાથી એકાંત કેદમાં રાખવામાં આવ્યો છે."
"તમને ખ્યાલ છે એ પ્રમાણે અમિતે અંગતપણે કોઈ ખોટું કામ કર્યું નથી અને તેમની કરામા કંપની બાબતમાં પૂછપરછ થઈ રહી છે, જે કતારની સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કંપની છે અને ટૅક મહિન્દ્રાની મુખ્ય ગ્રાહક કંપની છે. છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી કોઈ પૂછપરછ પણ નથી થઈ એવું અમને અમિત સાથેની સાપ્તાહિક ટેલિફોનિક વાતચીતથી જાણવા મળ્યું છે. તેમનું ડિટેન્શન કોઈ કારણ વગર ત્રણ વાર લંબાવી દેવામાં આવ્યું છે."
વડોદરાના સંસદસભ્યે મદદની ખાતરી આપી

ઇમેજ સ્રોત, HARDIK DIXIT
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડોદરાના સંસદસભ્ય હેમાંગ જોશીએ કહ્યું હતું કે, "અમિત ગુપ્તા કતારમાં છેલ્લાં 10 વર્ષથી કામ કરી રહ્યાં છે. કોઈ કારણોસર તેમને અચાનક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા ત્યારથી તેઓ સંપર્કવિહોણા છે. તેમનાં માતાપિતા કતાર જઈને તેમને એક વાર મળીને પણ આવ્યાં હતાં. જે અધિકારીનો સંપર્ક આપવામાં આવ્યો છે તે પણ ઘણી વાર કતારમાં ફોન ઉપાડતા નથી."
"પરંતુ આ કાયદાકીય કાર્યવાહી વિશે પછી આગળ કોઈ ઇન્ક્વાયરી થઈ નથી. કયાં કારણોસર આવું થઈ રહ્યું છે તેનું સ્પષ્ટીકરણ આપવામાં આવે તેવી રજૂઆત ભારત ખાતે આવેલી કતાર ઍમ્બેસીમાં કરવામાં આવશે અને હું પણ રજૂઆત કરીશ. માતાપિતાની ચિંતા વાજબી છે અને આગળ જે કંઈ મારાથી ઘટતું થશે તેનો હું પ્રયત્ન કરીશ."
હેમાંગ જોશીએ કહ્યું છે કે, "મેં આ મામલે વિદેશમંત્રી સાથે પણ વાત કરી છે અને વિનંતી કરી છે. આવતા અઠવાડિયે હું દિલ્હી જઈશ ત્યારે પણ આ બાબતને પ્રાધાન્ય આપીશ અને પૂરતા પ્રયાસો કરીશ."
નોંધનીય છે કે આ પહેલાં પણ કતારમાં ભારતના આઠ પૂર્વ નેવીના અધિકારીઓની અટકાયત કરાયાનો મામલો સામે આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













