જસ્ટિસ યશવંત વર્મા મામલે સુપ્રીમ કોર્ટે જાહેર કર્યો બળેલી નોટોનો વીડિયો, રિપોર્ટમાં શું છે?

ઇમેજ સ્રોત, allahabadhighcourt.in
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્મા પર લાગેલા આરોપો બાદ ગઈ કાલે રાત્રે 22 માર્ચે સુપ્રીમ કોર્ટે એક રિપોર્ટ સાર્વજનિક કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્મા પર દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાયનો રિપોર્ટ તથા યશવંત વર્માએ આપેલા જવાબને પણ જાહેરમાં રજૂ કર્યો છે.
આ રિપોર્ટમાં દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવેલા કેટલાક ફોટા અને વીડિયો પણ સામેલ છે જેમાં બળી ગયેલી નોટો દેખાઈ રહી છે. જોકે, રિપોર્ટના કેટલાક ભાગોને 'રિડેક્ટ' કરવામાં આવ્યા છે, એટલે કે કાળા રંગમાં છુપાવવામાં આવ્યા છે.
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા પર આરોપ છે કે નવી દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી મોટી રકમ મળી આવી છે. 14 માર્ચે તેમના નિવાસસ્થાનના સ્ટોરરૂમમાં આગ લાગી હતી, જ્યાંથી કથિતપણે મોટી રકમની રોકડ મળી આવી હતી.
આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાયને એક પ્રાથમિક પૂછપરછ કરવાનો આદેશ આપ્યો હતો.
ડી.કે. ઉપાધ્યાયે પોતાની ચિઠ્ઠીમાં મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને જણાવ્યું હતું કે આ મામલે સઘન તપાસની જરૂર છે.
વળી, યશવંત વર્માએ દાવો કર્યો છે કે સ્ટોરરૂમમાં તેમણે અથવા તેમના પરિવારજનોએ ક્યારેય રોકડ મૂકી નથી અને તેમની સામે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
રિપોર્ટમાં શું કહેવાયું છે?

ઇમેજ સ્રોત, Supreme Court
પોતાના રિપોર્ટમાં દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે કહ્યું છે કે 15 માર્ચે તેમને દિલ્હી પોલીસ કમિશનરનો ફોન આવ્યો હતો જેમાં તેમણે જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં આગ લાગવાની જાણકારી આપી હતી. કમિશનરે તેમને જે કહ્યું તેનો ભાગ છુપાવવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે 15 માર્ચે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને આ ઘટના વિશે જાણકારી આપી હતી.
જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે એમ પણ કહ્યું હતું કે જસ્ટિસ યશવંત વર્માના ઘરે તહેનાત સુરક્ષા ગાર્ડના જણાવ્યા અનુસાર 15 માર્ચની સવારે સ્ટોરરૂમમાંથી કેટલીક સળગેલી વસ્તુઓ કાઢી લેવામાં આવી હતી.
આ પછી તેમણે પોતાના સેક્રેટરીને જસ્ટિસ યશવંત વર્માના ઘરે તપાસ કરવા મોકલ્યા.
જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે તેમના રિપોર્ટમાં પોલીસ કમિશનર દ્વારા મોકલવામાં આવેલા કેટલાક અહેવાલોનો પણ સમાવેશ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સ્ટોરરૂમમાં 4-5 અડધા સળગેલા કોથળામાં રોકડ મળી આવી હતી.
જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે લખ્યું છે કે તેમની તપાસ અનુસાર, સ્ટોરરૂમમાં માત્ર ઘરમાં રહેતા લોકો, નોકરો અને માળીઓની પહોંચ હતી, તેથી આ મામલે વધુ તપાસની જરૂર છે.
પોલીસ કમિશનરે જસ્ટિસ ડીકે ઉપાધ્યાયને કેટલાક ફોટા અને એક વીડિયો પણ આપ્યો છે. જેમાં એક રૂમમાં નોટો સળગતી જોવા મળે છે.
જસ્ટિસ ડીકે ઉપાધ્યાયનું કહેવું છે કે તેમણે આ ફોટા અને વીડિયો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને મોકલ્યા હતા અને જસ્ટિસ યશવંત વર્માને પણ બતાવ્યા હતા.
યશવંત વર્માએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Supreme Court
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે યશવંત વર્માને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા: સ્ટોરરૂમમાં પૈસા કેવી રીતે આવ્યા, તે પૈસાનો સ્રોત શું હતો અને 15 માર્ચની સવારે આ પૈસા કઈ પ્રક્રિયા હેઠળ હઠાવવામાં આવ્યા?
પોતાના બચાવમાં જસ્ટિસ યશવંત વર્માએ કહ્યું છે કે, 'જ્યારે આગ લાગી ત્યારે તેઓ મધ્યપ્રદેશમાં હતા અને 15 માર્ચની સાંજે તેઓ દિલ્હી પરત ફર્યા હતા. આગ લાગી એ સમયે ઘરમાં તેમની પુત્રી અને સ્ટાફ હાજર હતો. પરંતુ આગ ઓલવ્યા બાદ તેમણે સ્ટોરરૂમમાં રોકડ રકમ જોઈ ન હતી."
યશવંત વર્માના કહેવા પ્રમાણે, તેમને સૌથી પહેલા સળગેલી રોકડ વિશે ત્યારે ખબર પડી જ્યારે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસે તેમને વીડિયો બતાવ્યો.
તેમણે કહ્યું હતું કે તેમણે અથવા તેમના પરિવારના સભ્યોએ આજ સુધી તે સ્ટોરરૂમમાં ક્યારેય રોકડ રાખી નથી, અને જે રોકડનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે એ તેમની નથી.
તેમણે પોતાના જવાબમાં લખ્યું છે કે, "કોઈ વ્યક્તિ એવા રૂમમાં રોકડ રાખશે જે રૂમ ઘરની બહાર હોય અને જ્યાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ શકે? આ વાત જ બિલકુલ અવિશ્વસનીય છે."
તેમણે કહ્યું હતું કે તેઓ બૅન્કમાંથી જ રોકડ ઉપાડે છે, અને તેમની પાસે તમામ વ્યવહારોના દસ્તાવેજો છે.
યશવંત વર્માના કહેવા પ્રમાણે તેમનો સ્ટોરરૂમ તેમના રહેવાની જગ્યાથી બિલકુલ અલગ છે, અને તેમના ઘર અને સ્ટોરરૂમની વચ્ચે એક દીવાલ છે.
તેમણે કહ્યું હતું કે આ કથિત રોકડ તેમને બતાવવામાં આવી નથી કે તેમને સોંપવામાં આવી નથી. તેમણે તેમના સ્ટાફની પણ પૂછપરછ કરી હતી. સ્ટાફે પણ એમ કહ્યું છે કે તેમણે કોઈ રોકડ હઠાવી નથી.
તેમનું કહેવું છે કે આ સમગ્ર મામલો તેમની વિરુદ્ધ એક ષડયંત્ર છે. તેમણે કહ્યું, "આ સમગ્ર ઘટનાએ મારી પ્રતિષ્ઠાને બરબાદ કરી છે, જે મેં એક દાયકાથી વધુ સમય સુધી હાઈકોર્ટના જજ તરીકે સેવા આપીને બનાવી હતી."
તેમણે પોતાનો બચાવ કરતાં એમ પણ કહ્યું હતું કે આજ સુધી તેમની સામે કોઈ આરોપો નથી લાગ્યા અને જો જસ્ટિસ ડીકે ઉપાધ્યાય ઈચ્છે તો તેઓ તેમના ન્યાયિક કાર્યકાળની તપાસ કરી શકે છે.
હવે આગળ શું થશે?

ઇમેજ સ્રોત, Supreme Court
હવે આ મામલો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ રચેલી કમિટીને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત જસ્ટિસ યશવંત વર્માના છેલ્લા છ મહિનાના કોલ રેકૉર્ડ્સ પણ પોલીસ પાસેથી માગવામાં આવ્યા છે અને જસ્ટિસ યશવંત વર્માને તેમના ફોનમાંથી કોઈ પણ ડેટા ડિલીટ કરવાની મનાઈ પણ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જીએસ સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટનાં જજ અનુ શિવરામનનો સમાવેશ થાય છે.
1999માં સુપ્રીમ કોર્ટમાં 'ઇન-હાઉસ' કમિટીની રચના કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણ જજોની કમિટી હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના જજ વિરુદ્ધ ફરિયાદની તપાસ કરશે.
આ સમિતિ તેમની કાર્યવાહી પછી ન્યાયાધીશને નિર્દોષ ઠેરવી શકે છે અથવા તો તેમને રાજીનામું આપવા માટે કહી શકે છે. જો ન્યાયાધીશ રાજીનામું આપવાનો ઇનકાર કરે છે, તો સમિતિ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને તેમને દૂર કરવા માટે પણ કહી શકે છે.
કેટલાક કિસ્સાઓમાં એવું બન્યું છે કે મુખ્ય ન્યાયાધીશે સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશનને જજ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હોય.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ નિર્ણય લીધો છે કે હાલ પૂરતું જસ્ટિસ યશવંત વર્માને કોઈ ન્યાયિક જવાબદારી ન સોંપવામાં આવે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












