આયુર્વેદિક ઉપચારથી ટાલમાં વાળ ઉગાડવાનો દાવો કરનાર કોણ છે, 70 જેટલા લોકોની આંખો પર દવાની કેવી અસર થઈ?

ઇમેજ સ્રોત, Charanjeev Kaushal/BBC
- લેેખક, હરમનદીપ સિંહ
- પદ, .
હાલમાં સંગરુરના કાલી માતા મંદિરમાં આયોજિત ટાલમાં વાળ ઉગાડવાના એક મફત શિબિરમાં લગભગ 70 દર્દીઓને આંખને નુકશાન પહોંચ્યું હતું.
આ કેસમાં પંજાબ પોલીસે ખન્ના શહેરના રહેવાસી અમનદીપ સિંહ અને સંગરુરના રહેવાસી તેજિન્દરપાલ સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
દર્દીઓના મતે અમનદીપ સિંહ ટાલમાં વાળ ઉગાળ મટાડવાનો દાવો કરે છે અને તેમણે પોતે એક આયુર્વેદિક દવા તૈયાર કરી છે. તેઓ તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પણ આવા દાવા કરે છે.
સંગરુર પહેલાં લુધિયાણા જિલ્લાના ખન્ના શહેરમાં પણ લોકોનાં માથાં પર દવા લગાવવા માટે કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોપીના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ પર પોસ્ટ કરાયેલો વીડિયો રોજ હજારો લોકો જુએ છે.
પંજાબી સંગીત અને સિનેમા જગતની કેટલીક પ્રખ્યાત હસ્તીઓએ પણ આરોપી અને તેનાં ઉત્પાદનોનો પ્રચાર કર્યો હતો.

આરોપી અમનદીપ કોણ છે?

ઇમેજ સ્રોત, 9xostyle/insta
પોલીસ એફઆઈઆર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અનુસાર આરોપી અમનદીપ સિંહ ખન્નાના શહેરના રહેવાસી છે અને અહીં 9XU સ્ટાઇલ નામનું સલૂન ચલાવતો હતો.
દર અઠવાડિયે સેંકડો લોકો તેમની પાસે ટાલથી છુટકારો મેળવવાની આશા સાથે આવતા હતા. ખન્ના શહેરમાં આવેલા સલૂનમાં જ તે લોકોને દવાઓ આપતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉ. રમણ ખન્નાએ જણાવ્યું હતું કે, "આરોપી છેલ્લા સાત મહિનાથી ટાલમાં વાળ ઉગાડવાનો દાવો કરી રહ્યો છે. લોકોના માથા પર તેલ લગાવવા ઉપરાંત તે તેમને શૅમ્પૂ પણ આપે છે."
તેમનો દાવો છે કે તેઓ જાતે જ આ મલમ, શૅમ્પૂ અને તેલ બનાવે છે. તેમનો સલૂન યુનિસેક્સ હતો. જેમાં દુલ્હનોના વાળ કાપવાથી લઈને મેકઅપ સુધીની બધી જ સુવિધા હતી.
આરોપીના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર અપલોડ કરાયેલા વીડિયો પ્રમાણે શરૂઆતમાં તેઓ ફક્ત મૂછ અને દાઢીની જાળવણી માટે તેલ વેચતા હતા. પછી તેમણે માથામાં પડેલી જૂની સારવારનો પણ દાવો કરવાનું શરૂ કર્યું હતું.
800થી 1300 રૂપિયા વસૂલ કર્યા

જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉ. રમણ ખન્નાએ જણાવ્યું હતું કે આરોપીએ પોતે તૈયાર કરેલાં ઉત્પાદનોથી ટાલમાં વાળ ઉગાડવાનો દાવો કર્યો હતો.
"તે અઠવાડિયામાં ત્રણ દિવસ દર્દીઓને દવા આપતા. તેમનાં ઉત્પાદનોમાં ક્રીમ, શેમ્પૂ અને તેલનો સમાવેશ થતો હતો."
"તેઓ ટાલવાળા લોકોનાં માથાં પર પેસ્ટ લગાવતા અને પછી તેમને શૅમ્પૂ કરવાની અને માથાની ચામડીમાં તેલ લગાવવાની સલાહ આપતા. તેઓ મંગળવાર, ગુરુવાર અને શનિવારે દવા લગાવતા."
ડૉ. ખન્નાએ જણાવ્યું હતું કે આરોપીઓ દર્દીઓને તેમના ટાલ પર વાળ ઉગાડવા માટે ઉત્પાદનો વેચતા હતા અને તેમની પાસેથી 800 થી 1,300 રૂપિયા વસૂલતા હતા.
તેમણે કહ્યું કે ખન્નામાં તેઓ દર્દીઓ પાસેથી 800 રૂપિયા સુધી વસૂલતા હતા. પરંતુ સંગરુરમાં આયોજિત કૅમ્પ દરમિયાન તેમણે 1300 રૂપિયા સુધી વસૂલ્યા હતા.
સોશિયલ મીડિયા પર કેવી રીતે પ્રચાર કર્યો?

ઇમેજ સ્રોત, Charanjeev Kushal
આરોપીએ પોતાનાં ઉત્પાદનો વેચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર તેના સલૂનના ઍકાઉન્ટને હાલમાં 87,400 લોકો ફૉલો કરે છે.
દરરોજ હજારો લોકો તેના વીડિયો જોતા હતા. સલૂનના પેજ ઍકાઉન્ટ પરથી અપલોડ કરાયેલા ઘણા વીડિયો લાખો લોકો સુધી પહોંચ્યા છે.
તેના વીડિયોમાં હંમેશાં એવા લોકો દર્શાવવામાં આવતા હતા જેઓ દાવો કરતા હતા કે આરોપીનાં ઉત્પાદનોનો ઉપયોગ કર્યા પછી તેમના માથા પર વાળ ઊગી ગયા છે. તેઓએ તેમનાં ઉત્પાદનોના ઉપયોગ પહેલાં અને પછીના ફોટો બતાવ્યા.
સેલિબ્રિટી કનેક્શન શું છે?

સામાન્ય લોકો ઉપરાંત 9XU સલૂન પંજાબી સંગીત અને સિનેમા જગતની ઘણી હસ્તીઓમાં પણ ચર્ચામાં હતું.
આરોપીના સલૂનના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પ્રમાણે સેલિબ્રિટીઓ ઘણીવાર તેમનાં ઉત્પાદનોની પ્રશંસા કરતા હતા. આ પ્રશંસાના વીડિયો પણ અપલોડ કરતા હતા.
અનેક સેલિબ્રિટીઓએ આરોપીનાં ઉત્પાદનોનો ઉપયોગ કરીને ફાયદો થયો હોવાનો દાવો પણ કર્યો છે. સલૂનના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર આ વિશેના વીડિયો છે.
સંગરુરમાં આ સલૂન દ્વારા આયોજિત શિબિરનો પ્રચાર પંજાબી સંગીત અને સિનેમા જગતની પ્રખ્યાત હસ્તીઓ દ્વારા પણ કરવામાં આવ્યો હતો.
મામલો શું હતો?
16 માર્ચે સંગરુરના કાલી માતા મંદિરમાં ટાલ પડતી અટકાવવાનો અને ફરી વાળ ઉગાડવાનો દાવો કરતા એક મફત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંજાબના વિવિધ ભાગોમાંથી લોકોએ હાજરી આપી હતી.
આ લોકો ટાલથી છુટકારો મેળવવાની આશા સાથે કૅમ્પમાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દવા માથા પર લગાડવાથી લગભગ 70 દર્દીઓની આંખોને નુકસાન થયું હતું.
આ પછી આંખોને નુકશાન થયેલા દર્દીઓ સંગરુર સિવિલ હૉસ્પિટલ પહોંચવા લાગ્યા.
દર્દીઓના જણાવ્યા મુજબ તેઓ આંખમાં નુકશાન થયું હતું અને તેમને ભારે દુખાવો થઈ રહ્યો હતો.
સંગરુરના સિવિલ સર્જન સંજય કામરાએ બીબીસી સંવાદદાતા ચરણજીવ કૌશલને જણાવ્યું હતું કે જ્યારે કોઈએ કાલી માતા મંદિરમાં ટાલ મટાડવાની દવા આપી ત્યારે લોકો પર તેની આવી અસર થઇ.
તેમણે વધુમાં કહ્યું, "અમને ખબર નથી કે આ કૅમ્પનું કોણે આયોજન કર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ તેનું આયોજન પરવાનગી વિના કરવામાં આવ્યું હતું. રવિવાર રાતથી અમને ઇમરજન્સીમાં દર્દીઓ આવી રહ્યા છે."
પીડિતોએ શું કહ્યું

ઇમેજ સ્રોત, Charanjeev Kaushal/BBC
પંજાબી કૉમેડી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવતા સંગરુરના ભવાનીગઢના રહેવાસી ધર્મવીર સિંહે બીબીસી સંવાદદાતા ચરણજીવ કૌશલને કહ્યું, "મેં લગભગ મારી આંખો પણ ગુમાવી દીધી હતી. ખૂબ બળતરા અને તીવ્ર દુખાવો થતો હતો. જેના કારણે મને સારવાર માટે હૉસ્પિટલમાં જવું પડ્યું."
તેમણે કહ્યું, "મારો પરિવાર પણ ડરી ગયો હતો. સોશિયલ મીડિયાના વીડિયો જોયા પછી હું તેમની જાળમાં ફસાઈ ગયો. તેમણે લોકોને અપીલ કરી કે આવા સોશિયલ મીડિયા વાયરલ વીડિયો પર વિશ્વાસ કરીને ક્યારેય પોતાને નુકસાન ન પહોંચાડે."
અન્ય એક પીડિતાએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર આરોપીના વીડિયો અને જાહેરાતોથી પ્રભાવિત થઈને તે કૅમ્પમાં ગયો હતો.
પોલીસે શું કાર્યવાહી કરી?
પીડિતાની ફરિયાદના આધારે સંગરુર પોલીસે કેસ નોંધ્યો છે.
પોલીસે અમનદીપ સિંહ અને તજિન્દર પાલ વિરુદ્ધ કલમ 124 હેઠળ એફઆઈઆર નોંધી છે. તજિન્દર પાલ સિંહ આ શિબિરના પ્રાયોજક હતા અને પોલીસે તેમની પણ ધરપકડ કરી છે. પરંતુ મુખ્ય આરોપી અમનદીપ હજુ પણ ફરાર છે.
આર્યુવેદિક વિભાગે શું પગલાં લીધાં?
આર્યુવેદિક વિભાગે ખન્ના શહેરમાં સ્થિત આરોપીના સલૂનને સીલ કરી દીધું છે.
જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉ. રમણ ખન્નાએ જણાવ્યું હતું કે આરોપીએ આયુર્વેદિક દવાથી ટાલની સારવાર કરવાનો દાવો કર્યો હતો. તેથી આ મામલો આયુર્વેદિક વિભાગના અધિકારક્ષેત્રમાં આવે છે.
"અમે ખન્નામાં આરોપીના સલૂનમાં બે વાર જઈને તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે અમે તેનો સંપર્ક કરી શક્યા નહીં ત્યારે અમે તેના સલૂનને સીલ કરી દીધું અને ત્યાં નોટિસ પણ ચોંટાડી દીધી."
તેમણે કહ્યું, "અત્યાર સુધી મળેલી માહિતી પરથી જાણવા મળ્યું છે કે આરોપી સલૂન ચલાવે છે. તે ડૉક્ટર નથી. તે આયુર્વેદિક ઉત્પાદનોનો ઉપયોગ કરતો હતો."
તેમણે કહ્યું કે આરોપીએ ડ્રગ્સ, કૉસ્મેટિક્સ એક્ટ અને મેડિસિનલ મેજિક હીલિંગ ઍક્ટનો દુરુપયોગ કર્યો છે.
શું એવી કોઈ દેશી કે આયુર્વેદિક દવા છે જે ટાલ પડવાની સમસ્યા મટાડી શકે?
ડૉ. રમણ ખન્નાએ જણાવ્યું કે ટાલ પડવાની સારવાર દર્દીનાં ઘણાં કારણો પર આધાર રાખે છે. ટાલ પડવાના વિવિધ કારણો હોઈ શકે છે.
"એટલે જ સૌથી પહેલાં ટાલ પડવાનાં કારણોને ઓળખવા જરૂરી છે. ટાલ પડવાનો ઉકેલ તે કારણો પર જ આધારિત છે. ઉપરાંત એક દવા દરેક દર્દી પર એકસરખી રીતે કામ કરતી નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












