યરવડા હૉસ્પિટલમાંથી '11 લાખ રૂપિયાનાં અન્ડરવેર ગાયબ', તપાસ રિપોર્ટમાં શું ખુલાસો થયો?

ઇમેજ સ્રોત, Facebook/RegionalMentalHospialYerwada pun
- લેેખક, યશ વાડેકર
- પદ, બીબીસી સંવાદદાતા
પુણેની યરવડા મનોચિકિત્સા હૉસ્પિટલના તપાસ અહેવાલમાં ઘણી ગંભીર બાબતોનો ખુલાસો થયો છે. હૉસ્પિટલના વડા ડૉ. સુનીલ પાટીલ પર લાખો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ છે.
આરોગ્ય વિભાગના તપાસ અહેવાલમાં ખુલાસો થયો છે કે મનોરુગ્ણ દર્દીઓ માટેનાં અન્ડરવેર, ખોરાક અને ગરમ પાણીનાં હીટર જેવી વસ્તુઓના નકલી બિલ બનાવીને લાખો રૂપિયાના સરકારી ભંડોળની ઉચાપત કરવામાં આવી હતી.
માનવાધિકાર સંગઠનના અધિકારી શરદ રમન્ના શેટ્ટીએ માહિતી અધિકારના કાયદા (આરટીઆઇ) હેઠળ યરવડા મનોચિકિત્સા હૉસ્પિટલના અસ્તવ્યસ્ત સંચાલન બાબતે માહિતી મેળવી હતી.
એ વખતથી યરવડા મનોચિકિત્સા હૉસ્પિટલમાં મનોરુગ્ણ દર્દીના માનવાધિકારના ઉલ્લંઘન બાબતે ચર્ચા શરૂ થઈ હતી. એ પછી ગત ત્રીજી જાન્યુઆરીએ આરોગ્યમંત્રી પ્રકાશ આબિતકરે યરવડા મનોચિકિત્સા હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.
તપાસ સમિતિના અહેવાલ મુજબ, યરવડા મનોચિકિત્સા હૉસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં બેડ્સ તથા કર્મચારીઓ ઉપલબ્ધ હોવા છતાં ડૉ. સુનીલ પાટીલના કાર્યકાળ દરમિયાન ડિસેમ્બર 2023થી ડિસેમ્બર 2024 દરમિયાન 361 દર્દીઓને ખાનગી પુનર્વસન કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા હતા. એ ખાનગી પુનર્વસન કેન્દ્રોમાં 18 દર્દીઓનાં મોત થયાં હોવાનું બહાર આવ્યું છે.
દર્દીઓ માટે લિનન અન્ડરવેર ખરીદવા રૂ. 11 લાખ ખર્ચવામાં આવ્યા હતા. જોકે, વાસ્તવમાં કોઈ પણ દર્દીના શરીર પર કોઈ અન્ડરવેર જોવા મળ્યું ન હતું. એ ઉપરાંત માનસિક રીતે બીમાર લોકોના માનવાધિકારોની અવગણના કરીને તેમને કડકડતી ઠંડીમાં પણ ઠંડા પાણી વડે સ્નાન કરવાની ફરજ પાડવામાં આવતી હતી.
તપાસ રિપોર્ટમાં આવા ગંભીર ઘટસ્ફોટ બાદ ખળભળાટ મચી ગયો છે. આ બધું આપણે વિગતવાર જાણીશું, પણ પહેલાં યરવડા મનોચિકિત્સા હૉસ્પિટલ વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈએ.
આરોગ્યમંત્રીની નારાજગી બાદ તપાસ
યરવડા મનોચિકિત્સા હૉસ્પિટલ ભારતની સૌથી મોટી મનોચિકિત્સા હૉસ્પિટલો પૈકીની એક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બ્રિટિશ શાસનકાળ દરમિયાન 1889માં મનોરુગ્ણ લોકોની સારવાર માટે યરવડા મનોચિકિત્સા હૉસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં 2450 પથારીની ક્ષમતા છે.
મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી પ્રકાશ આબિતકરે ગત ત્રીજી જાન્યુઆરીએ આ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે આ હૉસ્પિટલમાં સ્વચ્છતા અને એકંદર સ્થિતિ બાબતે સખત નારાજગી વ્યક્ત કરી હતી.
એ પછી આરોગ્ય વિભાગે યરવડા મનોચિકિત્સા હૉસ્પિટલના અસ્તવ્યસ્ત અને ભ્રષ્ટ કારભારની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ડૉ. પ્રશાંત વાડીકરના અધ્યક્ષપદે ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી.
આ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના અહેવાલમાં યરવડા મનોચિકિત્સા હૉસ્પિટલના ભ્રષ્ટ કારભારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મનોચિકિત્સા હૉસ્પિટલના વડા ડૉ. સુનીલ પાટીલ પર ઉચાપત કરવાનો આરોપ આ અહેવાલમાં મૂકવામાં આવ્યો છે.
તપાસ સમિતિએ જણાવ્યું હતું કે "મનોચિકિત્સા હૉસ્પિટલના અધીક્ષકના જવાબદાર પદ પર કામ કરતી વખતે ડૉ. સુનીલ પાટીલે માનસિક રીતે બીમાર લોકોને ન્યાય કર્યા વિના, પોતાના ફાયદા માટે બધા નિર્ણયો લીધા હતા અને માનસિક રીતે બીમાર લોકોને અન્યાય કરીને મેન્ટલ હેલ્થકેર કાયદા – 2017નું સંપૂર્ણ ઉલ્લંઘન કર્યું છે. એ ઉપરાંત માનવાધિકારોનું ઉલ્લંઘન પણ થયું છે."

ઇમેજ સ્રોત, Getty Images
કડકડતી ઠંડીમાં ઠંડા પાણી વડે સ્નાનની ફરજ પાડવાના અને રૂ. 11 લાખના અન્ડરવેર ગાયબ થવા બાબતે આરોગ્યમંત્રીની નારાજગી બાદ હાથ ધરવામાં આવેલી આ તપાસમાં ખૂબ જ ચોંકાવનારી બાબતો બહાર આવી છે.
તપાસ સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે યરવડા હૉસ્પિટલમાં દર્દીઓએ ચોમાસા અને કડકડતી ઠંડીમાં પણ ઠંડા પાણીએ નાહવું પડતું હતું.
હીટર અંગે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે "આ હૉસ્પિટલમાં સોલાર હીટર બંધ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, કૉન્ટ્રાક્ટમાં ઇલેક્ટ્રિક હીટરના ઉપયોગનો ઉલ્લેખ ન હોવા છતાં કૉન્ટ્રાક્ટરે છેલ્લાં ઘણાં વર્ષોથી હૉસ્પિટલના લાખો રૂપિયાના વીજ પુરવઠાનો ઉપયોગ કરીને સરકારને આર્થિક નુકસાન કર્યું છે."
"સંપૂર્ણ પ્રક્રિયામાં એવી વાત પણ બહાર આવી છે કે કોઈ પણ વહીવટી પ્રક્રિયા કર્યા વિના રૂ. 73 લાખની ઉચાપત કરવામાં આવી હતી."
સમિતિએ રૂ. 18.55 લાખની ભલામણ કરી હોવા છતાં ડૉ. સુનીલ પાટીલે રૂ. 38.71 લાખનો ખર્ચ કરીને સરકારી ભંડોળની ઉચાપત કરી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
એ નાણાં ડૉ. સુનીલ પાટીલ પાસેથી વસૂલવાની ભલામણ તપાસ સમિતિએ કરી છે.
તપાસ સમિતિએ જણાવ્યું છે કે આ ગેરવહીવટને લીધે મેન્ટલ હેલ્થકેર કાયદાનું ઉલ્લંઘન થયું છે.
તપાસ સમિતિના રિપોર્ટનું બીજું એક ચોંકાવનારું પાસું અંડરવેરની ખરીદી છે.
ડૉ. સુનીલ પાટીલે રૂ. 11 લાખના અંડરવેર અને અન્ય સામગ્રીની ખરીદી કરી હતી, પણ એકેય મનોરોગીએ અંડરવેર પહેર્યાં ન હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.
વ્યસનમુક્તિ કેન્દ્ર ફક્ત કાગળ પર

ઇમેજ સ્રોત, Getty Images
વ્યસનમુક્તિ કેન્દ્ર માટેના રૂ. 11 લાખના ભંડોળનો પણ ડૉ. સુનીલ પાટીલે ગેરવહીવટ કર્યો હોવાનું તપાસ સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
હૉસ્પિટલમાં વ્યસનમુક્તિ કેન્દ્રની સ્થાપના માટે તે ભંડોળ આપવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં વ્યસનમુક્તિ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું ન હતું.
વ્યસનમુક્તિ કેન્દ્ર માટે મળતા ભંડોળ, ખરીદી અને ખર્ચના આંકડામાં કોઈ સુસંગતતા નથી. ખરીદી કરવામાં આવી છે, પરંતુ એ માટે જરૂરી વહીવટી પ્રક્રિયા કરવામાં આવી નથી.
'દર્દીઓને ખાનગી કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા'
યરવડા મનોચિકિત્સા હૉસ્પિટલમાં હાલ 900થી 1000 દર્દીઓ છે અને હૉસ્પિટલની બેડ ક્ષમતા 2540ની છે. આટલી ક્ષમતા હોવા છતાં ડૉ. સુનીલ પાટીલે ડિસેમ્બર 2023 અને ડિસેમ્બર 2024 દરમિયાન 361 દર્દીઓને ખાનગી કેન્દ્રોમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.
સરકારી મનોચિકિત્સા હૉસ્પિટલમાંથી કોઈ દર્દીને ખાનગી પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવે તો આવા ખાનગી પુનર્વસન કેન્દ્રોને સરકાર તરફથી પ્રત્યેક દર્દી માટે રૂ. 12,000 આપવામાં આવે છે. આ સરકારી ભંડોળનો ખર્ચ ડૉ. સુનીલ પાટીલના નિર્ણયના પરિણામે થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આવા ખાનગી પુનર્વસન કેન્દ્રોમાં મોકલવામાં આવેલા દર્દીઓ પૈકીના 18 લોકો મૃત્યુ પામ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. આ ખાનગી પુનર્વસન કેન્દ્રો અને ખાનગી માનસિક આરોગ્ય કેન્દ્રોની ચકાસણી અને નોંધણી સંબંધે કોઈ પણ પ્રકારની વહીવટી પ્રક્રિયા કર્યા વિના ડૉ. સુનીલ પાટીલે સંબંધિત વ્યક્તિઓને પ્રમાણપત્રો આપ્યાં હોવાનો આરોપ પણ અહેવાલમાં મૂકવામાં આવ્યો છે.
ખોરાકમાં કાચું દૂધ
બધા દર્દીઓને પેશ્ચરાઇઝ્ડ અને સારી ઘનતાવાળું દૂધ પીવા માટે આપવું જોઈએ, એવો મનોચિકિત્સા હૉસ્પિટલનો નિયમ છે. તેમ છતાં ઑગસ્ટ 2024 સુધી બધા દર્દીઓને પાતળું અને કાચું દૂધ આહાર માટે આપવામાં આવ્યું હતું.
દૂધના કુલ બિલમાં 33 ટકા ઘટાડા બાબતે સંબંધિત કૉન્ટ્રાક્ટરને એક ઑફિસ મેમો આપવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં આવું કશું બન્યું જ ન હતું.
એ ઉપરાંત સેન્ટર ઑફ એક્સેલન્સમાં પણ રૂ. આઠથી દસ લાખની ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું છે.
સેન્ટર ઑફ એક્સેલન્સ માટે કરવામાં આવેલી ખરીદી માટે કોઈ વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી. સંબંધિત કારકૂનો, ઑફિસ અધીક્ષક, વહીવટી અધિકારીઓ અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટની સંપૂર્ણ અવગણના કરીને ખરીદીની સમગ્ર પ્રક્રિયા ટેકનિકલ લોકો દ્વારા કરવામાં આવી હતી.
આમાં કોઈ પણ પ્રકારનાં ખરીદી ક્વૉટેશન્શ જોવાં મળ્યાં નથી. આ પ્રક્રિયામાં ડૉ. સુનીલ પાટીલે અંદાજે રૂ. આઠથી દસ લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સમિતિના ધ્યાનમાં આવ્યું છે.
ડૉ. સુનીલ પાટીલ 13 વર્ષ સુધી ગેરકાયદેસર ગેરહાજર રહ્યા હોવા છતાં સરકારી સેવામાં કેવી રીતે જોડાયેલા રહ્યા અને એ પછી બાળરોગ નિષ્ણાત તરીકે ક્લાસવનમાં તેમને બઢતી કેવી રીતે મળી તેની તપાસ ઉચ્ચ કચેરી દ્વારા કરાવવાની માગણી આ સમિતિ દ્વારા કરવામાં આવી છે.
આ તપાસ અહેવાલ બાદ માહિતી અધિકાર કાર્યકર્તા વિજય કુંભારેએ મહારાષ્ટ્ર સરકાર અને આરોગ્ય મંત્રાલયના કારભારની ટીકા કરી હતી.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "એક પણ અધિકારી વિરુદ્ધ વહેલી તપાસ શરૂ થતી નથી અને થાય તો પણ રિપોર્ટ વહેલો મળતો નથી. આ કિસ્સામાં અહેવાલ આવ્યો છે અને સંબંધિત અધિકારીને દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમના પર બહુ ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે."
તેમણે ઉમેર્યું હતું, "મનોરુગ્ણ લોકોના માનવાધિકારોનું ઉલ્લંઘન થયું હોવાનું પણ તેમાં બહાર આવ્યું છે. આ એક આર્થિક ગુનો છે. આ બધું બહાર આવ્યાને દસ દિવસ થઈ ગયા, પરંતુ સરકાર આ બાબતે બહુ ગંભીર હોય એવું લાગતું નથી. હકીકતમાં સરકાર કોઈ પણ બાબતમાં ગંભીર નથી. અહેવાલ બહાર આવ્યા પછી પણ સરકાર ચૂપ છે."
તપાસનો અહેવાલ બહાર આવ્યાને દસ દિવસ થઈ ગયા હોવા છતાં ડૉ. સુનીલ પાટીલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે બીબીસીએ આરોગ્યમંત્રી પ્રકાશ આબિતકર સાથે વાત કરી હતી.

ઇમેજ સ્રોત, Facebook/PrakashAbitkar
પ્રકાશ આબિતકરે કહ્યું હતું, "યરવડા મનોચિકિત્સા હૉસ્પિટલ વિશેનો રિપોર્ટ મને મળ્યો નથી. તે મળ્યા પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે."
તેમણે ઉમેર્યું હતું, "કમનસીબે, મનોરુગ્ણ લોકોની અવગણનાના પ્રયાસ થઈ રહ્યા છે. યરવડા હૉસ્પિટલમાં 1,000 દર્દીઓ માટે પૂરતા કર્મચારીઓ છે અને ભંડોળની પણ કોઈ અછત નથી. તેથી મનોરુગ્ણ લોકોની યોગ્ય સારવાર થવી જ જોઈએ. અમે આ સંદર્ભે કડક કાર્યવાહી કરીશું. આ પ્રકરણમાં દરેકને અપેક્ષિત કડક કાર્યવાહી કરવામાં આવશે."
યરવડા હૉસ્પિટલમાંની પરિસ્થિતિ, દર્દીઓ પ્રત્યેના અભિગમ કે સ્વચ્છતા વ્યવસ્થાની વાત કરતાં હમીદ દાભોલકરે કહ્યું હતું, "આમાં આમૂલ પરિવર્તન લાવવાની જરૂર છે. આ વ્યવસ્થા ઘણાં વર્ષોથી ચાલી રહી છે, પરંતુ દુઃખની વાત એ છે કે સરકાર તેના પર યોગ્ય ધ્યાન આપતી નથી."
તેમણે કહ્યું હતું, "દર્દીની સ્વચ્છતા, સંભાળ, કાળજી, ઉપચાર અને ઓક્યુપેશનલ થૅરપી જેવા ઘણા સ્તરે પરિવર્તનની જરૂર છે. ત્યાંના કર્મચારીઓને વર્ષોથી કોઈ તાલીમ મળી નથી. તેમને આધુનિક મનોવૈજ્ઞાનિક તાલીમ આપવી અને તેમના પર સતત નજર રાખવી જરૂરી છે."
તેમણે ઉમેર્યું હતું, "ઘણી વાર મુલાકાતના થોડા દિવસ પછી તપાસ સમિતિની રચના કરવામાં આવે છે અને થોડા સમય પછી બધું ભૂલી જવાય છે. માનસિક રીતે બીમાર લોકો તેમના અધિકારો માટે લડી શકતા નથી. તેથી સમાજે આવા દર્દીઓની માનસિક સ્થિતિ સમજીને તેમના માટે કામ કરવાની જરૂર છે."
તેમણે એમ પણ કહ્યું હતું, "અમે તાજેતરમાં મેલઘાટ વિસ્તારમાં 'ડંભા' નામની પ્રથા બાબતે અનિંસના માધ્યમથી જનજાગૃતિ યાત્રા શરૂ કરી છે. અઘોરીઓ દ્વારા કરવામાં આવતી સારવારની પ્રતિકૂળ અસરો વિશે, તબીબી સારવાર વિશે, જાદુટોણાં વિરોધી કાયદા વગેરે વિશે લોકોને સમજાવવાનું કામ અમે આ જનજાગૃતિ યાત્રા દ્વારા કરી રહ્યા છીએ."
આરોગ્યમંત્રી પ્રકાશ આબિતકરની નારાજગી પછી હાથ ધરવામાં આવેલી તપાસને પગલે સનસનાટીભર્યો અહેવાલ બહાર આવ્યો છે, પણ દોષિતો સામે શું કાર્યવાહી થાય છે અને મનોચિકિત્સા હૉસ્પિટલ બાબતે શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું મહત્ત્વનું બની રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












