એક એવી જેલ જ્યાં કોઈ ચોકીદાર જ નથી, કેદીઓ ઘરની જેમ રહે છે

ઇમેજ સ્રોત, GUSTAVO OLIVEIRA
- લેેખક, જો ગ્રિફિન
- પદ, ઈટોના, બ્રાઝિલ
જેલની જ્યારે વાત આવે ત્યારે આપણે સાબરમતી જેલ, તિહાર જેલ કે યરવડા જેલ જેવાં નામ યાદ આવવા લાગે છે.
જેલની આગળ મોટા દરવાજા, આગળ ચોકી પહેરો કરી રહેલા હથિયારધારી ચોકીદારો, કડક સુરક્ષા વ્યવસ્થા, મોટી અને ઊંચી દિવાલો.
પરંતુ આજે આપણે એવી જેલની વાત કરવી છે જેમાં કોઈ ચોકીદારો નથી અને હથિયારો પણ નથી.
જેમાં માત્ર માનવતા અને જેલની વચ્ચે ધીમે ધીમે બે પાત્રો વચ્ચે આકાર લેનારી પ્રેમ કહાણી વાત છે.

અનોખી જેલની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
જેલમાંની પોતાની નવી કોટડીમાં પહેલા દિવસે તાતિયાન કોરિઆ દ લિમા ખુદને ઓળખી શક્યાં ન હતાં.
26 વર્ષનાં લિમા બ્રાઝિલની એક જેલમાં 12 વર્ષની સજા કાપી રહ્યાં છે.
બે વર્ષનાં એક બાળકનાં માતા લિમાએ કહ્યું હતું, "ખુદને અરીસામાં ફરી જોવાનું વિચિત્ર હતું. પહેલાં તો હું ખુદને ઓળખી જ શકી ન હતી."
લિમાને અન્ય જેલમાંથી મિનાસ ગેરૈસ રાજ્યના ઇટોના ગામમાં એપીએસી નામના એક સંગઠન દ્વારા સંચાલિત નવી જેલમાં તાજેતરમાં જ લાવવામાં આવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવી જેલમાં લિમા તેમનાં પોતાનાં વસ્ત્રો પહેરી શકે છે અને તેમાં અરીસો પણ છે. તેથી તેઓ મેક-અપ તથા હેર ડાય પણ કરી શકે છે, પણ બે જેલ વચ્ચે બહુ મોટો તફાવત છે.

ચોકીદાર વિનાની જેલ

ઇમેજ સ્રોત, Getty Images
જેલમાં રહેલા કેદીઓની સંખ્યાના સંદર્ભમાં દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલનો ક્રમ વિશ્વમાં ચોથો છે.
ક્ષમતા કરતાં વધુ કેદીઓ, કેદીઓની ટોળકીઓ વચ્ચેની હિંસક અથડામણો અને જેલોની કંગાળ હાલત બાબતે બ્રાઝિલની વારંવાર ટીકા કરવામાં આવે છે.
બ્રાઝિલની અન્ય જેલોની કંગાળ હાલત સામે એપીએસીની જેલ સલામત, સસ્તી અને વધુ માનવીય વિકલ્પ તરીકે ઊભરી રહી છે.
કેથોલિક લોકોના એક જૂથે 1972માં સૌપ્રથમવાર એપીએસી જેલનું નિર્માણ કર્યું હતું.
તેના સંચાલનમાં ઇટાલીનું બિનસરકારી સંગઠન એવીએસઆઈ ફાઉન્ડેશન અને બ્રાઝિલિયન ફ્રેટર્નિટી ઑફ આસિસ્ટન્સ ટુ કન્વિક્ટ્સ મદદ કરે છે.
બ્રાઝિલની ઉત્તરે આવેલા રોન્ડોનિયામાં આ વર્ષની 20 માર્ચે એપીએસી સંચાલિત 49મી જેલ શરૂ કરવામાં આવી હતી.
એપીએસી સંચાલિત જેલોમાં કોઈ ચોકીદાર કે શસ્ત્રો હોતાં નથી અને મુલાકાતીઓનું સ્વાગત કેદીઓ કરે છે.

આકરા નિયમો

ઇમેજ સ્રોત, GUSTAVO OLIVEIRA
મુખ્ય જેલોમાં રહીને પશ્ચાતાપની લાગણી વ્યક્ત કરી ચૂકેલા અને કામ તથા અભ્યાસની આકરી નીતિને અનુસરવા તૈયાર હોય તેવા કેદીઓને જ આ જેલમાં સ્થાન મળે છે.
આ જેલમાં કેદીઓને 'સુધરી રહેલા લોકો' તરીકે ઓળખવામાં આવે છે.
એ કેદીઓ અહીં કામ તથા અભ્યાસ ન કરે અને ભાગી છૂટવાનો પ્રયાસ કરે તો તેમને સરકારી જેલોમાં ફરી મોકલી આપવામાં આવે છે.
બ્રાઝિલિયન ફ્રેટર્નિટી ઑફ આસિસ્ટન્સ ટુ કન્વિક્ટ્સના વાઇસ પ્રેસિડન્ટ સેબાટિલોના કહેવા મુજબ અહીં એક પણ ગાર્ડ ન હોવાથી કેદીઓનું ટેન્શન હળવું થાય છે.
તેઓ કહે છે, "ભયંકર ગુનાઓ આચરી ચૂકેલી અને આજીવન કારાવાસની સજા ભોગવતી કેટલીક મહિલાઓ પણ આ જેલમાં છે. તેમ છતાં અહીંનું વાતાવરણ ખૂબ શાંત છે."
અગત્યની વાત એ છે કે આ જેલમાં કેદીઓને તેના નંબરોથી નહીં પરંતુ તેમના નામથી ઓળખવામાં આવે છે.
આ જેલમાં ડબલ બેડ ધરાવતો એક રૂમ છે, જ્યાં મહિલા કેદીઓને જેલમાં તેમની મુલાકાતે આવેલા તેમના પાર્ટનર્સ સાથે અંગત સમય પસાર કરવાની છૂટ છે.

જેલમાં પ્રેમ

ઇમેજ સ્રોત, GUSTAVO OLIVEIRA
અહીં નવા આવનારા કેદીઓને જેલની નાની કોટડીમાં બંધ રહેવું પડે છે, જેમની વર્તણૂંકમાં સુધારો થાય તેમને ખુલ્લી જેલમાં રહેવાની પરવાનગી આપવામાં આવે છે, જ્યાં તેઓ અઠવાડિયામાં એકવાર જેલની બહાર જઈ શકે છે.
લિમાને અત્યારે આ જેલમાં બહુ ઓછી છૂટછાટ મળે છે. અર્ધ-ખુલ્લી જેલમાં જવાની છૂટછાટ મેળવવા માટે તેમણે તેમની લાયકાત પૂરવાર કરવી પડશે.
અલબત, લિમાએ જેલની દિવાલો વચ્ચે રહીને એક બોયફ્રેન્ડ શોધી કાઢ્યો છે.
જેલના સત્તાવાળાઓ મારફત પુરુષ કેદીઓની જેલમાં પત્રો મોકલીને લિમાએ બોયફ્રેન્ડ પસંદ કર્યો હતો.
આ જેલમાં યાર્ડની બહારની એક જાળીની નીચેની દિવાલ પર એપીએસીનો સંદેશો લખ્યો છે, જેમાં લખ્યું છેઃ પ્રેમના પ્રભાવમાંથી કોઈ છટકી શકતું નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















