પોતાનાં ગાયબ થઈ ગયેલાં સ્વજનોને શોધતી બલૂચ મહિલાઓની ત્રણ પેઢીઓની કહાણી

- લેેખક, ફરહાત જાવેદ
- પદ, બીબીસી ઉર્દૂ
- દ્વારા રિપોર્ટિંગ, બલૂચિસ્તાન
સાયરા બલોચ 15 વર્ષનાં હતાં જ્યારે તે પહેલી વાર શબઘરમાં પ્રવેશ્યાં હતાં.
ઝાંખા પ્રકાશવાળા રૂમમાં તેમણે ફક્ત રડવાનો અવાજ, પ્રાર્થનાઓ અને ચાલવાનો અવાજ સાંભળ્યો. તેમણે પહેલો જે મૃતદેહ જોયો તે એક માણસ હતો જેને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો હોય તેવું લાગતું હતું.
તેની આંખો ગાયબ હતી, તેના દાંત ખેંચી કાઢવામાં આવ્યા હતા અને તેની છાતી પર બળવાના નિશાન હતા.
"હું બીજા મૃતદેહો તરફ જોઈ શકી નહીં અને હું બહાર નીકળી ગઈ," તેણે યાદ કર્યું.
પરંતુ તેમને રાહત થઈ હતી. તે તેમનો ભાઈ નહોતો - એક પોલીસ અધિકારી જે 2018 માં પાકિસ્તાનના સૌથી અશાંત પ્રદેશોમાંના એકમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં ધરપકડ થયા બાદ લગભગ એક વર્ષથી ગુમ હતો.
શબઘરની અંદર અન્ય લોકોએ તેમની ભયાવહ શોધ ચાલુ રાખી હતી. ન ઓળખાયેલી કે ન દાવો કરાયેલી લાશોની હરોળને તેઓ જોઈ રહ્યાં હતા. સાયરા ટૂંક સમયમાં જ આ ભયાનક દિનચર્યા અપનાવવાની હતી. તે એક પછી એક શબઘરની મુલાકાત લેશે. બધા એક જેવા જ હતા: ટ્યુબલાઈટ ઝબકતી હતી, હવામાં સડાની દુર્ગંધ અને એન્ટિસેપ્ટિકની ગંધ હતી.
દરેક મુલાકાત વખતે તેને એવી આશા હતી કે તે જે શોધી રહી હતી તે અહીં નહીં મળે. સાત વર્ષની તેની શોધખોળ પછી પણ તેને મળી નથી.
કાર્યકરો કહે છે કે છેલ્લા બે દાયકામાં પાકિસ્તાનના સુરક્ષા દળો દ્વારા હજારો બલૂચ લોકોને ગુમ કરી દેવામાં આવ્યા છે. કથિત રીતે તેમને યોગ્ય કાનૂની પ્રક્રિયા વિના અટકાયતમાં લેવામાં આવ્યા છે, અથવા બલુચિસ્તાન પ્રાંતમાં દાયકાઓ જૂના અલગતાવાદી બળવા સામેના ઓપરેશનમાં અપહરણ કે હત્યા કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાન સરકાર આ આરોપોને નકારે છે. તે ભારપૂર્વક કહે છે કે ગુમ થયેલા ઘણા લોકો અલગતાવાદી જૂથોમાં જોડાઈ ગયા છે અથવા તો દેશ છોડીને ભાગી ગયા છે.
કેટલાક તો વર્ષો પછી પાછા ફરે છે, આઘાત પામેલા અને ભાંગી પડેલી હાલતમાં. પરંતુ ઘણા તો ક્યારેય પાછા ફરતા નથી. પ્રાંતભરમાં દેખાતી નિશાની વગરની કબરોમાં તેઓ મળી આવે છે, તેમના શરીર એટલા વિકૃત છે કે તેમને ઓળખી શકાતા નથી.
બચી જાય છે એવી મહિલાઓ છે કે જેમનું જીવન રાહ જોવામાં જ વીતી જાય છે.
યુવાન અને વૃદ્ધ, તેઓ વિરોધ પ્રદર્શનમાં ભાગ લે છે, તેમના ચહેરા શોકથી ભરેલા હોય છે. તેમના જીવનમાં હવે નથી રહ્યા તેવા પુરુષોના ઝાંખા ફોટોગ્રાફ્સને તેઓ પકડી રાખે છે.
સ્વજનો નિર્દોષ હોવાનું રટણ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે બીબીસીએ તેમના ઘરે તેમની મુલાકાત લીધી, ત્યારે તેમણે અમને કાળી ચા - સુલેમાની ચાઈ – પીરસી. તેઓ દુઃખથી થાકેલા અવાજમાં વાત કરી રહ્યા હતા. તેમાંના ઘણા એવું માને છે કે તેમના પિતા, ભાઈઓ અને પુત્રો નિર્દોષ છે અને રાજ્યની નીતિઓ વિરુદ્ધ બોલવા બદલ તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમને સામૂહિક સજા આપવામાં આવી છે.
સાયરા આમાંનાં એક છે.
તેઓ કહે છે કે પોલીસને પૂછ્યા બાદ અને રાજકારણીઓ પાસે વિનંતી કર્યા પછી તેમણે વિરોધ પ્રદર્શનોમાં જવાનું શરૂ કર્યું, પરંતુ હજુ તેમના ભાઈના ઠેકાણા વિશે કોઈ જવાબ મળ્યો નથી.
મોહમ્મદ આસિફ બલોચની ઑગસ્ટ 2018 માં અફઘાનિસ્તાનની સરહદ પર આવેલા શહેર નુશ્કીમાં અન્ય દસ લોકોની સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેમના પરિવારે બીજા દિવસે ટીવી પર તેમને જોયા ત્યારે ખબર પડી. તેઓ ભયભીત દેખાતા હતા.
અધિકારીઓએ કહ્યું કે આ લોકો "અફઘાનિસ્તાન તરફ ભાગી રહેલા આતંકવાદી" હતા. મોહમ્મદના પરિવારે કહ્યું કે તેઓ મિત્રો સાથે પિકનિક મનાવવા ગયા હતા.
અટકાયત કરાયેલામાંથી ત્રણને 2021માં મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે શું થયું તે વિશે ક્યારેય કોઈ વાત કરી નથી.
મોહમ્મદ ક્યારેય ઘરે પાછા ફર્યા નહીં.
બલૂચિસ્તાનની સ્થિતિ કેવી છે?

ઇમેજ સ્રોત, Getty Images
તે વિશાળ પ્રદેશ છે જે દેશના લગભગ 44 ટકા ભાગને આવરી લે છે, જે પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંતોમાંનો એક છે - અને તેની જમીન ગેસ, કોલસો, તાંબા અને સોનાથી સમૃદ્ધ છે. બલૂચિસ્તાન અરબી સમુદ્રના કિનારે ફેલાયેલું છે.
પરંતુ બલૂચિસ્તાન હજુ પણ સમયનો માર પડી રહ્યો છે. સુરક્ષા કારણોસર તેના ઘણા ભાગોમાં પ્રવેશ પ્રતિબંધિત છે અને વિદેશી પત્રકારોને ઘણીવાર પ્રવેશ નથી અપાતો.
આસપાસ મુસાફરી કરવી પણ મુશ્કેલ છે.
રસ્તાઓ લાંબા અને અટુલા છે. તે ઉજ્જડ ટેકરીઓ અને રણમાંથી પસાર થાય છે. જેમ જેમ તમે આગળ મુસાફરી કરો છો તેમ તેમ માળખાકીય સુવિધાઓ ઓછી થતી જાય છે. રસ્તાઓ વાહનોનાં બનાવેલા ધૂળના ચીલાથી જ બદલવામાં આવે છે.
વીજળી છૂટાછવાયી છે, પાણી પણ દુર્લભ છે. શાળાઓ અને હૉસ્પિટલોની સ્થિતિ નિરાશાજનક છે.
બજારોમાં પુરુષો માટીની બનેલી દુકાનોની બહાર એવા ગ્રાહકોની રાહ જોતા બેસે છે જે ભાગ્યે જ આવતા હોય છે. છોકરાઓ જે પાકિસ્તાનમાં અન્યત્ર જઈ કારકિર્દીનું બનાવવાનાં સ્વપ્ન જોઈ શકે છે તેઓ અહીંથી ભાગી જવાની વાત કરે છે: કરાચીનાં અખાતમાં, જે આ ધીમી ગૂંગળામણમાંથી બહાર નીકળવાનો માર્ગ આપે છે.
1948માં બ્રિટિશ ભારતના વિભાજન પછી થયેલા ઊથલપાથલમાં બલૂચિસ્તાન પાકિસ્તાનનો ભાગ બન્યું - અને કેટલાક પ્રભાવશાળી આદિવાસી નેતાઓના વિરોધ છતાં, જેઓ સ્વતંત્ર રાજ્ય ઇચ્છતા હતા.
કેટલાક પ્રતિકાર કરનારાઓ આતંકવાદી બન્યા અને વર્ષોથી પાકિસ્તાને તેના વિકાસમાં કોઈ પણ જાતનું રોકાણ કર્યા વિના સંસાધનોથી સમૃદ્ધ પ્રદેશનું શોષણ કર્યું હોવાના આરોપોથી તેઓ ઉશ્કેરાયા.
પાકિસ્તાન અને અન્ય દેશો દ્વારા આતંકવાદી જૂથ તરીકે જાહેર થયેલા બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) જેવા આતંકવાદી જૂથોએ તેમના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે: સુરક્ષા દળો સામે બૉમ્બમારો, હત્યાઓ અને ઓચિંતા હુમલાઓની ઘટના વારંવાર બન્યા કરે છે.
આ મહિનાની શરૂઆતમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ બોલાન પાસમાં એક આખી ટ્રેનનું અપહરણ કર્યું હતું. તેના સેંકડો મુસાફરોને બાનમાં રાખ્યા હતા. તેમણે બંધકોને મુક્ત કરવાના બદલામાં બલૂચિસ્તાનમાંથી ગુમ થયેલા લોકોની મુક્તિની માંગ કરી હતી.
ઘેરો 30 કલાકથી વધુ ચાલ્યો.
અધિકારીઓના મતે બલૂચિસ્તાન લિબરેશન આર્મીના 33 આતંકવાદીઓ, 21 નાગરિક બંધકો અને ચાર લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા હતા. પરંતુ આ આંકડાઓ વિરોધાભાસી છે કારણ કે હજુ ઘણા મુસાફરો ગુમ છે.
પ્રાંતમાં ગુમ થવાનાં બનાવોને બળવાખોરોને કચડી નાખવાની ઇસ્લામાબાદની વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવે છે.
ગુમ થયેલા ઘણા લોકો બલૂચ રાષ્ટ્રવાદી જૂથોના શંકાસ્પદ સભ્યો અથવા સહાનુભૂતિ ધરાવતા હોય છે જે વધુ સ્વાયત્તતા અથવા સ્વતંત્રતાની માંગ કરે છે. પરંતુ નોંધપાત્ર સંખ્યામાં સામાન્ય લોકો છે જેમના કોઈ રાજકીય જોડાણો નથી.
"મૌન કોઈ વિકલ્પ નથી"

બલૂચિસ્તાનના મુખ્ય મંત્રી સરફરાઝ બુગતીએ બીબીસીને જણાવ્યું હતું કે બળજબરીથી લોકોને ગુમ કરવા એ એક મુદ્દો છે. પરંતુ આમ મોટા પાયે થઈ રહ્યું છે તેવા આરોપને નકારી દીધો હતો.
"બલૂચિસ્તાનમાં દરેક બાળકને 'વ્યક્તિઓ ગુમ થાય છે' એમ સાંભળવા માટે મજબૂર કરવામાં આવે છે. પરંતુ કોણ નક્કી કરશે કે કોણ કોને ગુમ કરે છે?"
"જાતે જ ગુમ થવાના કિસ્સાઓ પણ ઘણાં છે. "હું કેવી રીતે સાબિત કરી શકું કે કોઈને ગુપ્તચર એજન્સીઓ, પોલીસ, એફસી, અથવા બીજા કોઈએ અથવા મારા કે તમારા દ્વારા ગુમ કરવામાં આવ્યા છે?"
પાકિસ્તાનના લશ્કરી પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, "રાજ્ય ગુમ થયેલા લોકોના મુદ્દાને વ્યવસ્થિત રીતે ઉકેલી રહ્યું છે."
અને તેમણે સરકાર દ્વારા વારંવાર જાહેર કરાયેલા સત્તાવાર આંકડાને પુનરાવર્તિત કર્યા કે 2011થી બલૂચિસ્તાનમાંથી બળજબરીથી ગુમ થવાના 2,900 થી વધુ કેસોમાંથી 80 ટકા ઉકેલાઈ ગયા છે.
કાર્યકર્તાઓ આ આંકડો વધારે જણાવે છે. લગભગ 7,000 જેટલો. પરંતુ આ ડેટાનો કોઈ એક પણ વિશ્વસનીય સ્ત્રોત નથી અને બંને પક્ષના દાવાઓને ચકાસવાનો કોઈ રસ્તો પણ નથી.
જન્નત બીબી જેવી મહિલાઓ સત્તાવાર આંકડાને સ્વીકારવાનો ઇનકાર કરે છે.
તેઓ તેમના પુત્ર નજર મુહમ્મદને શોધવાનું ચાલુ રાખે છે. તેઓ દાવો કરે છે કે 2012 માં હોટલમાં નાસ્તો કરતી વખતે તેને ઉઠાવી લેવામાં આવ્યો હતો.
"હું તેને શોધવા ઘણી જગ્યાએ ગઈ હતી. "હું ઇસ્લામાબાદ પણ ગઈ," તેઓ કહે છે. "મને ફક્ત માર અને તિરસ્કાર જ મળ્યો."
70 વર્ષીય વૃદ્ધા પ્રાંતીય રાજધાની ક્વેટાની બહાર એક નાના માટીના ઘરમાં રહે છે, જે ગુમ થયેલા લોકોને સમર્પિત પ્રતીકાત્મક કબ્રસ્તાનથી દૂર નથી.
બિસ્કિટ અને દૂધના ડબ્બા વેચતી એક નાની દુકાન ચલાવતાં જન્નતને ઘણીવાર ગુમ થયેલા લોકો વિશે માહિતી માંગતા વિરોધ પ્રદર્શનોમાં હાજરી આપવા માટેનું બસ ભાડું પણ પરવડતું નથી. પરંતુ તે શોધખોળ ચાલુ રાખવા માટે શક્ય તેટલો ઉધાર લે છે.
તેઓ કહે છે,"મૌન એ કોઈ વિકલ્પ નથી."
બળવો વધુ તીવ્ર બન્યો અને 'દમન વધુ તાકતવર'

આમાંના મોટાભાગના પુરુષો - જેમના પરિવારો સાથે અમે વાત કરી હતી તેઓ 2006 પછી ગાયબ થઈ ગયા હતા.
તે વર્ષ હતું જ્યારે મુખ્ય બલૂચ નેતા નવાબ અકબર બુગતી લશ્કરી કાર્યવાહીમાં માર્યા ગયા હતા. જેના કારણે રાજ્ય વિરોધી વિરોધપ્રદર્શનો અને સશસ્ત્ર બળવાખોર પ્રવૃત્તિઓમાં વધારો થયો હતો.
સરકારે પ્રતિક્રિયામાં કડક કાર્યવાહી કરી - બળજબરીથી ગુમ થવાના બનાવોમાં વધારો થયો, જેમ કે શેરીઓમાં મૃતદેહો મળી આવ્યા.
2014 માં ગુમ થયેલા લોકોની સામૂહિક કબરો ટૂટક શહેરની નજીક મળી આવી હતી. ખુઝદાર, જ્યાં સાયરા રહે છે તે ક્વેટાથી 275 કિમી (170 માઇલ) દક્ષિણમાં.
મૃતદેહો ઓળખી ના શકાય તેટલા વિકૃત હતા. ટૂટકમાં જે મળી આવ્યું તેણે દેશને હચમચાવી નાંખ્યો. પરંતુ બલુચિસ્તાનનાં લોકો માટે આ અજાણ્યું નહોતું.
મહરાંગ બલોચના પિતા એક પ્રખ્યાત રાષ્ટ્રવાદી નેતા હતા. જેમણે બલૂચિસ્તાનમાં હિંસાનો વિરોધ કર્યો હતો. તેઓ 2009 ની શરૂઆતમાં ગાયબ થઈ ગયા હતા. ત્રણ વર્ષ પછી તેમને ફોન આવ્યો કે તેમના પિતાનો મૃતદેહ પ્રાંતના દક્ષિણમાં આવેલા લાસબેલા જિલ્લામાં મળી આવ્યો છે.
તેઓ કહે છે, "જ્યારે મારા પિતાનો મૃતદેહ આવ્યો, ત્યારે તેમનાં કપડાં ફાટેલાં હતાં. તેમને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો."
તેઓ પાકિસ્તાન સરકારમાં કામ કરતા હતા. પરંતુ બલૂચિસ્તાન વધુ સુરક્ષિત રાખવાની હિમાયત કરવા માટે તેમણે નોકરી છોડી દીધી હતી.
મહરાંગ કહે છે, "તેમના મૃત્યુ પછી, અમારી દુનિયા તૂટી પડી."
"તેઓ વિચારે છે કે મૃતદેહોને ફેંકી દેવાથી આનો અંત આવશે"

તેમના ભાઈને 2017 માં સુરક્ષા દળો દ્વારા ઉપાડી લેવામાં આવ્યો હતો અને લગભગ ત્રણ મહિના સુધી અટકાયતમાં રાખ્યો હતો. આ સમય દરમિયાન મહરાંગે બળજબરીથી ગુમ થવા અને અન્યાયી હત્યાઓ સામે લડવાનો નિર્ણય લીધો હતો.
આજે તેઓ મોતની ધમકીઓ, કાનૂની કેસ અને મુસાફરી પરના પ્રતિબંધો છતાં વિરોધ આંદોલનનું નેતૃત્વ કરે છે.
મહરાંગ કહે છે કે, "અમે અમારી પોતાની જમીન પર સતામણી વિના રહેવાનો અધિકાર ઇચ્છીએ છીએ. અમે અમારાં સંસાધનો, અમારા અધિકારો ઇચ્છીએ છીએ. અમે ભય અને હિંસાના આ શાસનનો અંત ઇચ્છીએ છીએ."
મહરાંગ ચેતવણી આપે છે કે બળજબરીથી ગુમ કરવાથી વધુ પ્રતિકાર થાય છે, તેને શાંત નહીં કરી શકાય.
"તેઓ વિચારે છે કે મૃતદેહોને ફેંકી દેવાથી આનો અંત આવશે. પરંતુ કોઈ પણ વ્યક્તિ આ રીતે પોતાના પ્રિયજનને ગુમાવવાનું કેવી રીતે ભૂલી શકે? કોઈ પણ માનવી આ સહન કરી શકે નહીં."
તેઓ કહે છે, "અમે નથી ઇચ્છતા કે અમારાં બાળકો વિરોધ શિબિરોમાં ઉછરે"
તેઓ ભવિષ્ય માટે લડતાં હોવા છતાં ઇચ્છે છે કે એક નવી પેઢી પહેલેથી જ શેરીઓમાં હોય.
"હું હંમેશા વિચારું છું કે શું મારા પિતા આજે ઘરે આવશે"

માસૂમા, 10, તેમની સ્કૂલ બૅગને ચુસ્તપણે પકડી રાખે છે જ્યારે તેઓ વિરોધીઓની ભીડમાંથી પસાર થાય છે. તેમની આંખો દરેક ચહેરાને સ્કેન કરે છે અને તેના પિતા જેવો દેખાતી વ્યક્તિને શોધે છે.
માસૂમા કહે છે, "એકવાર મેં એક માણસને જોયો અને મને લાગ્યું કે તે મારા પિતા છે. હું તેની પાસે દોડી ગઈ અને પછી ખ્યાલ આવ્યો કે તે કોઈ બીજું છે."
"દરેકના પિતા કામ પછી ઘરે આવે છે. મને ક્યારેય મારા પિતા મળ્યા નથી."
માસૂમા માત્ર ત્રણ મહિનાનાં હતાં જ્યારે સુરક્ષા દળો ક્વેટામાં મોડી રાત્રે દરોડા દરમિયાન તેમના પિતાને કથિત રીતે લઈ ગયા હતા. માસૂમાનાં માતાને કહેવામાં આવ્યું હતું કે તેઓ થોડા કલાકોમાં પાછા આવશે. તેઓ ક્યારેય પાછા ફર્યા નહીં.
આજે માસૂમા વર્ગખંડ કરતાં વિરોધ પ્રદર્શનોમાં વધુ સમય વિતાવે છે. તેમના પિતાનો ફોટો હંમેશાં તેમની સાથે હોય છે. જે તેમણે તેમની સ્કૂલ બૅગમાં સુરક્ષિત રીતે મૂક્યો છે.
દરેક વર્ગ શરૂ થાય તે પહેલાં માસૂમા ફોટો બહાર કાઢે છે અને તેને જુએ છે.
"હું હંમેશાં વિચારું છું કે શું મારા પિતા આજે ઘરે આવશે."

માસૂમા વિરોધ છાવણીની બહાર ઊભી રહે છે અને અન્ય લોકો સાથે સૂત્રોચ્ચાર કરે છે. શોકગ્રસ્ત પરિવારોની ભીડમાં તેમનો નાનો ફોટો ખોવાઈ જાય છે.
વિરોધનો અંત આવતાં માસૂમા શાંત ખૂણામાં પાતળા સાદડી પર બેસે છે. સૂત્રોચ્ચાર અને ટ્રાફિકનો અવાજ ઓછો થઈ જાય છે કારણ કે તેઓ તેમના ફોલ્ડ કરેલા પત્રો - જે તેમણે લખ્યા છે પરંતુ ક્યારેય મોકલી શક્યાં નથી - બહાર કાઢે છે.
જ્યારે તે પત્રની હાથમાં પકડે છે ત્યારે તેની આંગળીઓ ધ્રૂજે છે અને અસ્પષ્ટ, અનિશ્ચિત અવાજમાં તે તેમને વાંચવાનું શરૂ કરે છે.
"પ્રિય બાબા જાન, તમે ક્યારે પાછા આવશો ? જ્યારે પણ હું ખાઉં છું કે પાણી પીઉં છું, ત્યારે મને તમારી યાદ આવે છે. બાબા, તમે ક્યાં છો ? મને તમારી ખૂબ યાદ આવે છે. હું એકલી છું. તમારા વિના હું ઊંઘી શકતી નથી. હું તમને મળવા અને તમારો ચહેરો જોવા માંગુ છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












