પાકિસ્તાનની જેલમાં મોતીકામ શીખીને પત્ની માટે પર્સ બનાવનારા ગુજરાતી માછીમારની કહાણી

પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારો, કરાચીની જેલમાં બંધ, મોતીકામ શીખનારા માછીમારો, ઇન્ટરનેશનલ વુમન્સ ડે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Mansinh Sosa/Getty Images

ઇમેજ કૅપ્શન, માનસિંહભાઈ અને અનિતાબહેન
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

"પાકિસ્તાનની જેલમાંથી છૂટીને હું મારા વતન આવ્યો ત્યારે જેલમાં મેં હાથે બનાવેલું મોતીનું પર્સ પત્નીને આપ્યું હતું. મેં પત્નીને આપેલી જીવનની સૌથી મૂલ્યવાન ભેટ એ આ પર્સ છે. મારી પત્નીને પણ એ વાતનો ખૂબ હરખ છે કે છેક પાકિસ્તાનમાં બેઠાબેઠા પણ મેં તેના માટે મોતીનું પર્સ બનાવ્યું."

આટલી વાત કહ્યા પછી માનસિંહ સોસાની આંખના ખૂણે પણ મોતીના બે દાણા જેવા આંસુ સરી પડે છે. માનસિંહ સોસા ગીરસોમનાથ જિલ્લાના નાનાવડા ગામમાં રહે છે.

'તમારાં પત્નીએ તમને શું કહ્યું?' એ સવાલના જવાબમાં માનસિંહભાઈ હસતાહસતા કહે છે કે, "તેની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી. તેણે મને એમ કહ્યું કે તમારી પાસે જે પૈસા હતા તેમાંથી આ બધું બનાવ્યું."

"એને બદલે કંઈ ખાવાનું ખાધું હોત, તો વધારે સારું થાત. મેં બનાવેલું પર્સ ઘરના કબાટમાં તેણે સાચવીને રાખ્યું છે."

ઓખા બંદરેથી નીકળેલી માનસિંહભાઈની બૉટ ઇન્ટરનૅશનલ મેરીટાઇમ બાઉન્ડ્રીલાઇન ઓળંગી જતાં પકડાઈ ગઈ હતી અને તેમને પાકિસ્તાનમાં કરાચીની મલીર જેલમાં લઈ જવામાં આવ્યા હતા.

માછીમારો માછલાં પકડવા જતા હોય છે અને ક્યારેક જાણ્યે-અજાણ્યે દરિયાઈ સીમા ઓળંગી જતાં પકડાઈ જતાં હોય છે.

માનસિંહભાઈ કહે છે કે, "દરિયાઈ સફર દરમ્યાન અમારી બોટનું એન્જિન ફેઈલ થઈ જતાં બોટ વહેતીવહેતી પાકિસ્તાની દરિયાઈ પટ્ટામાં પહોંચી ગઈ હતી. જેને લીધે જેલ જવું પડ્યું હતું."

માનસિંહભાઈની જેમ અન્ય માછીમારો પણ પકડાઈ ગયા હતા. જેમાં એક જીતુભાઈ બામણિયા પણ હતા.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના ભારતના આંતરરાષ્ટ્રીય સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાતના હવામાન સમાચાર, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

22 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાંથી છૂટયા

પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારો, ભારત પાકિસ્તાન વિવાદ, ભારત અને પાકિસ્તાન માછીમારી, કરાચીની જેલમાં બંધ, મોતીકામ શીખનારા માછીમારો, ઇન્ટરનેશનલ વુમન્સ ડે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Mansinh Sosa

ઇમેજ કૅપ્શન, બે વખત પાકિસ્તાનની જેલમાં જઈ આવેલા માનસિંહ સોસાએ હવે માછીમારી છોડીને ખેતી અપનાવી છે.

તાજેતરમાં પાકિસ્તાનની જેલમાંથી 22 માછીમારોને છોડવામાં આવ્યા છે.

ભારત અને પાકિસ્તાનની જેલમાં રહેલા બંદીવાનોની જે યાદીની પહેલી જાન્યુઆરીએ આપ-લે થઈ તે અનુસાર પાકિસ્તાને 217 માછીમાર બંદીવાન અને 49 નાગરિકો ભારતીય છે અથવા તો ભારતીય હોવાનું જણાવ્યું હતું.

ભારતે પોતાની જેલમાં બંદીવાન 381 નાગરિક અને 81 માછીમારો જે પાકિસ્તાની છે અથવા પાકિસ્તાની હોવાનું જણાવ્યું હતું.

ભારતીય માછીમારોમાં ઘણા માનસિંહ સોસા અને જીતુભાઈ જેવા ગુજરાતીઓ પણ હોય છે.

માનસિંહ સોસા 2012માં તેમજ 2019માં એમ બે વખત માછીમાર તરીકે પકડાયા હતા. 2012માં તેઓ નવ મહિના અને 2019માં સાડા ત્રણ વર્ષનો જેલવાસ ભોગવીને આવ્યા હતા.

જીતુભાઈ 2019માં પકડાયા હતા અને સાડા ત્રણ વર્ષનો જેલવાસ ભોગવ્યો હતો.

પાકિસ્તાનની જેલમાં હુન્નરકામ, જેલના અધિકારીઓ કદરદાન

પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારો, ભારત પાકિસ્તાન વિવાદ, ભારત અને પાકિસ્તાન માછીમારી, કરાચીની જેલમાં બંધ, મોતીકામ શીખનારા માછીમારો, ઇન્ટરનેશનલ વુમન્સ ડે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Jeetu Bamaniya

ઇમેજ કૅપ્શન, જીતુભાઈ બામણિયા

પાકિસ્તાનની જેલમાં બંદીવાનોએ વિવિધ પ્રકારનાં કામ કરવાના હોય છે. જેમ કે, કોઈ રસોઈઘરમાં રસોઈ કરે, કોઈ બાગકામ કરે તો કોઈ સફાઈકામ કરે.

આ ઉપરાંત ફાજલ સમયમાં હુન્નર પ્રવૃત્તિ તરીકે મોટે ભાગે મોતીકામના નમૂના બનાવતા હોય છે.

જેલમાં બંદીવાન મોતીમાંથી પર્સ, બ્રૅસલેટ, કીચેઇન, માળા, માદળિયાં વગેરે બનાવતા હોય છે. જેના તેમને પૈસા પણ મળે છે.

પાકિસ્તાની જેલ અધિકારીઓ પૈસા દઈને ભારતીય બંદીવાન પાસેથી મોતીના નમૂના ખરીદે છે.

માનસિંહભાઈ કહે છે કે, "ત્યાં જે બંદીવાન હોય છે તે મોતીકામ કરતા જ હોય છે. તેથી એકબીજાનું જોઈને તેઓ મોતીકામ શીખતા હોય છે. પાકિસ્તાની જેલના અધિકારીઓ પણ અમને મદદરૂપ થતા હતા. જેલના અધિકારીઓને જો કોઈ વસ્તુ પસંદ પડે, તો અમારી પાસેથી ખરીદીને લઈ જતા હતા."

જીતુભાઈ કહે છે કે, 'મેં જે મોતીકામના નમૂના તૈયાર કર્યા હતા તે ત્યાંના જેલ અધિકારીને પસંદ આવ્યા હતા અને તેમણે મારી પાસેથી ખરીદ્યા હતા. હું ત્યાં રોજનું બસ્સો – ત્રણસો રૂપિયાનું કામ કરી લેતો હતો.'

મોતીના નમૂના બનાવવા માટે મોતી કે દોરા વગેરે ક્યાંથી મળે?

પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારો, ભારત પાકિસ્તાન વિવાદ, ભારત અને પાકિસ્તાન માછીમારી, કરાચીની જેલમાં બંધ, મોતીકામ શીખનારા માછીમારો, ઇન્ટરનેશનલ વુમન્સ ડે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Jeetu Bamaniya

ઇમેજ કૅપ્શન, જીતુભાઈએ દીકરી માટે બનાવેલું મોતીનું ઘરેણું

આ સવાલના જવાબમાં માનસિંહભાઈ કહે છે, "જેલમાં દુકાન હોય છે. ત્યાંથી મોતી, તાર, દોરા વગેરે મળી રહે છે. જે અમારે ખરીદવાના હોય છે. અમે જેલની બહારથી પણ કેટલીક વસ્તુ મગાવી શકતા હતા."

જીતુભાઈ કહે છે કે, "આ ઉપરાંત જેલમાં એક ઠેકેદાર હોય જે અમારી પાસેથી મોતીકામની વસ્તુઓ ખરીદે અને એ બહાર વેચવા લઈ જાય. ક્યારેક એ ઠેકેદાર પણ અમને મોતી, તાર વગેરે સામાન લાવી આપતા."

પાકિસ્તાનની જેલમાં હોળી અને દિવાળી કેવી રીતે ઊજવાય છે?

પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારો, ભારત પાકિસ્તાન વિવાદ, ભારત અને પાકિસ્તાન માછીમારી, કરાચીની જેલમાં બંધ, મોતીકામ શીખનારા માછીમારો, ઇન્ટરનેશનલ વુમન્સ ડે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Mansinh Sosa

ઇમેજ કૅપ્શન, પત્ની અનિતાબહેન માટે માનસિંહભાઈએ પાકિસ્તાનની જેલમાં બેઠાબેઠા આ પર્સ બનાવ્યું હતું

ભારતીય તહેવારો હોય ત્યારે પાકિસ્તાની જેલમાં ભારતીય બંદીવાનોને મીઠાઈ પણ આપવામાં આવે છે.

માનસિંહભાઈ કહે છે, "પાકિસ્તાનની જેલમાં પણ અમે દિવાળી અને હોળી ઊજવી હતી. સામાન્ય રીતે બંદીવાનો જેલમાં ખુલ્લામાં કામ કરતા હોય અને સાંજે સાત વાગ્યે તેઓ બૅરેકમાં પરત ફરે છે અને તેને તાળું લગાવી દેવામાં આવતું હોય છે. હોળીમાં અમને મોડે સુધી બૅરેકની બહાર રહેવા દીધા હતા."

"જેલ પરિસરમાં અમે હોળી પ્રગટાવી હતી અને એ માટેની સગવડ પણ જેલ પ્રશાસને કરી આપી હતી. દિવાળી અને હોળી જેવા તહેવારમાં અમને મીઠાઈ પણ આપવામાં આવતી હતી."

'મોતીકામના પ્રદર્શનથી ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની પહેલ થઈ શકે'

પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારો, ભારત પાકિસ્તાન વિવાદ, ભારત અને પાકિસ્તાન માછીમારી, કરાચીની જેલમાં બંધ, મોતીકામ શીખનારા માછીમારો, ઇન્ટરનેશનલ વુમન્સ ડે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Jeetu Bamaniya

ઇમેજ કૅપ્શન, જીતુભાઈએ બનાવેલો મોતીકામનો નમૂનો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાનમાં જરૂરિયાતમંદો માટે સખાવતી કામ કરતું એધી ફાઉન્ડેશન બંદીવાનોને પણ મદદ કરે છે. એધી ફાઉન્ડેશનના પ્રણેતા અબ્દુલ સતાર એધી મૂળે જૂનાગઢ પાસેના બાંટવાના હતા.

પાકિસ્તાન – ઇન્ડિયા પીપલ્સ ફૉરમ ફૉર પીસ ઍન્ડ ડેમૉક્રેસીના ઇન્ડિયા ચૅપ્ટરના પૂર્વ જનરલ સેક્રેટરી તેમજ મુંબઈમાં રહેતા કર્મશીલ જતિન દેસાઈ કહે છે:

"પાકિસ્તાનમાંથી જે બંદીવાનો છૂટે છે તેમને કરાંચીની જેલથી વાઘા સરહદ સુધી બસમાં કે ટ્રેનમાં ઈધી ફાઉન્ડેશન લઈને આવે છે. ઉપરાંત સંસ્થા બંદીવાનોને રોકડ રકમ અને ભેટ- ઉપહાર પણ આપે છે."

જીતુભાઈના કહેવા પ્રમાણે તેઓ જ્યારે પાકિસ્તાનની છૂટીને આવ્યો ત્યારે એધી ફાઉન્ડેશને એમને પાંચ હજાર રૂપિયાની મદદ કરી હતી.

શાંતિ કર્મશીલ જતિન દેસાઈએ ઘણી વખત પાકિસ્તાનની મુલાકાત લીધી છે. તેઓ બીબીસી ગુજરાતીને કહે છે, "પાકિસ્તાનની જેલમાં જે ભારતીય બંદીવાન મોતીકામ વગેરે શીખીને આવે છે, એ કામ તેઓ ભારત આવ્યા પછી છોડી દે છે, કારણ કે પછી તેઓ ફરી માછીમારી કે અન્ય કામમાં પડી જાય છે."

"ખરેખર તો ફાજલ દિવસોમાં પુરુષો એ કામ ચાલુ રાખે તો તેમને બે પૈસા મળી શકે છે. એ માટે એક વ્યવસ્થિત મંચ તૈયાર થવો જોઈએ જે મોતીકામની સ્કિલવાળું કામ થતું રહે તે માટે તેમને પ્રેરણા પૂરી પાડે."

"બીજી વાત એ પણ છે કે તેઓ જે મોતીકામના નમૂના લઇને વતન આવે છે તેનું એક પ્રદર્શન યોજાય તો એ ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિની એક સરસ પહેલ બની શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.