અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફની ભારત પર કેવી અસર પડશે?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા ટેરિફ વોર રેસિપ્રોકલ ટૅક્સ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સુરભિ ગુપ્તા
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતથી લગભગ બે કલાક અગાઉ તમામ દેશો પર રેસિપ્રોકલ ટૅક્સ લગાવવાની જાહેરાત કરી હતી.

ટ્રમ્પે 13 ફેબ્રુઆરીએ એક ઑર્ડર પર સહી કરી. તેમાં રેસિપ્રોકલ ટેરિફ માટે એક પ્લાન ઘડવાનો આદેશ અપાયો છે.

વ્હાઇટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક તટસ્થ, મુક્ત, પારસ્પરિક વેપાર માટે એક યોજનાની જાહેરાત કરી છે.

તેમણે સ્પષ્ટ કહ્યું કે અમેરિકા હવે બીજા દેશો દ્વારા ઊંચી કિંમત વસૂલવામાં આવે તે સહન નહીં કરે. અમેરિકા દુનિયાનાં સૌથી મુક્ત અર્થતંત્રો પૈકી એક છે. તેમ છતાં આપણા વેપાર ભાગીદારો પોતાના બજારોમાં અમેરિકન નિકાસ માટે દ્વાર બંધ રાખે છે.

વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું કે રેસિપ્રોકલ ટ્રેડ એટલે કે પારસ્પરિક વેપાર આ અસંતુલનને ઠીક કરી દેશે.

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની સંયુક્ત પત્રકારપરિષદમાં પણ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફની વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત બહુ વધારે ટેરિફ લાદે છે.

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા ટેરિફ વોર રેસિપ્રોકલ ટૅક્સ

શું છે ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફ?

ટેરિફ અમુક દેશમાંથી આયાત કરાતાં ઉત્પાદનો પર લાગતો ટૅક્સ છે. તેની ચુકવણી સામાન આયાત કરતી કંપની પોતાના દેશની સરકારને કરે છે. સામાન્યપણે દેશો અમુક ક્ષેત્રોને વિદેશી સ્પર્ધાથી બચાવવાના આશયથી ટેરિફ લાદતા હોય છે.

ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે જો કોઈ દેશ અમેરિકન સામાન પર વધુ ઇમ્પૉર્ટ ડ્યૂટી લાદે, તો અમેરિકા પણ એ દેશમાંથી આવતી વસ્તુઓ પર વધુ ઇમ્પૉર્ટ ડ્યૂટી એટલે કે ટેરિફ લાદશે. આને જ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફ ગણાવી રહ્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વેપાર મામલાના વિશેષજ્ઞ બિસ્વજિત ધર જણાવે છે કે, "રેસિપ્રોકલ ટેરિફ એટલે એવી ટેરિફ જે બે દેશ એકબીજા સાથેના વેપાર પર લાદે છે. આ બંને દેશોની ટેરિફનો દર સમાન હોવો જોઈએ."

બિસ્વજિત ધર વ્હાઇટ હાઉસ તરફથી રેસિપ્રોકલ ટેરિફ પર જાહેર કરાયેલ એક ફૅક્ટ શીટનો ઉલ્લેખ કરે છે.

આ ફૅક્ટ શીટમાં લખાયું છે કે, "અમેરિકા જે દેશોને મોસ્ટ ફેવર્ડ નૅશન (એમએફએન)નો દરજ્જો આપે છે, તેમનાં કૃષિઉત્પાદનો પર પાંચ ટકા ટેરિફ લાદે છે, પરંતુ ભારત જે દેશોને મોસ્ટ ફેવર્ડ નૅશનનો દરજ્જો આપે છે, તેનાં કૃષિઉત્પાદનો પર 39 ટકા ટેરિફ લાદે છે. ભારત અમેરિકન મોટરસાઇકલો પર પણ 100 ટકા ટેરિફ લાદે છે, જ્યારે અમેરિકા ભારતીય મોટરસાઇકલો પર માત્ર 2.4 ટકા ટેરિફ લાદે છે."

રિસર્ચ ગ્રૂપ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (જીટીઆરઆઇ)ના સ્થાપક અજય શ્રીવાસ્તવ આ ફૅક્ટ શીટમાં કરાયેલી સરખામણીને અસંગત ગણાવે છે.

તેઓ કહે છે કે, "આ પ્રકારની સરખામણી યોગ્ય નથી, કારણ કે અમેરિકાનાં કૃષિઉત્પાદનો પર ભારતની અસલ ટેરિફ ઉત્પાદનો અનુસાર અલગ અલગ હોય છે. તેમજ મોટરસાઇકલના મામલામાં ફૅક્ટ શીટમાં સમગ્ર ઑટો સેક્ટરની સરખામણીને સ્થાને માત્ર એક ઉત્પાદનની સરખામણી કરાઈ છે."

અજય શ્રીવાસ્તવ એ વાત પર પણ ધ્યાન આપવાનું કહે છે કે ભારતે આ વખત બજેટમાં મોટરસાઇકલ પર ઇમ્પૉર્ટ ડ્યૂટીમાં કપાત કરી છે.

1800 સીસી કરતાં વધુ એન્જિનવાળી હેવીવેટ બાઇકો પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 30 ટકા અને નાની બાઇકો પર લાગતી ટેરિફને 50 ટકાથી ઘટાડીને 40 ટકા કર્યો છે. તેઓ કહે છે કે આવી રીતે ફૅક્ટ શીટમાં મોટરસાઇકલો પર જે 100 ટકા ટેરફિની વાત કરાઈ છે, એ પણ ખોટી છે.

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા ટેરિફ વોર રેસિપ્રોકલ ટૅક્સ

રેસિપ્રોકલ ટેરિફ પર પત્રકારપરિષદમાં ટ્રમ્પે ભારત પર અત્યંત વધુ ટેરિફ લાદવાનો આરોપ લગાવ્યો છે.

ખરેખર, પત્રકારપરિષદ દરમિયાન ટ્રમ્પને સવાલ કરાયો હતો કે તેઓ ભારત સાથે કેવા પ્રકારનો વેપાર અને ટેરિફ સંબંધ રાખવા માગશે. આના જવાબમાં ટ્રમ્પે ભારતને સૌથી વધુ ટેરિફ લાદનારો દેશ ગણાવ્યો. તેમણે કહ્યું કે ભારત અન્ય કોઈ પણ દેશની સરખામણીમાં વધુ ટેરિફ વસૂલે છે.

ટ્ર્મ્પે આગળ કહ્યું, "કેટલાક દેશો નાના છે, જેઓ આના કરતાં પણ વધુ ટેરિફ લાદે છે, પરંતુ ભારતની ટેરિફ ખૂબ વધારે છે. ભારત ખૂબ વધુ ટેરિફ વસૂલે છે. મને યાદ છે કે જ્યારે હાર્લે-ડેવિડસન ભારતમાં પોતાની મોટરબાઇક નહોતી વેચી શકી રહી, કારણ કે ભારતમાં ટૅક્સ ખૂબ વધુ હતો. મને લાગે છે કે હાર્લેએ ટેરિફ ચૂકવવાથી બચવા માટે ભારતમાં એક ફેકટરી સ્થાપી."

ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં પણ આવું જ કરી શકાય છે. તેમણે કહ્યું, "બીજા દેશો અમેરિકામાં ફેકટરી કે પ્લાન્ટ સ્થાપી શકે છે. જો તમે અહીં (અમેરિકામાં) ઉત્પાદન કરો છો, તો તમારે કોઈ ટેરિફ નહીં ચૂકવવી પડે. મને લાગે છે કે આવું થવાનું છે, આનાથી દેશમાં નોકરીઓ વધશે."

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા ટેરિફ વોર રેસિપ્રોકલ ટૅક્સ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક પત્રકાપરિષદ કરી. એ દરમિયાન પણ તેમણે ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો.

ટ્ર્મ્પે કહ્યું, "અમે વેપારી સંબંધોમાં બહેતર પારસ્પરિકતા લાવીશું. વડા પ્રધાન મોદીએ હાલમાં જ ભારતના અનુચિત અને અત્યંત મજબૂત ટેરિફમાં કપાત કરવાની જાહેરાત કરી છે. ભારત તરફથી લાદવામાં આવી રહેલ ટેરિફ ભારતીય બજારમાં અમારી પહોંચને સીમિત કરે છે. આ એક મોટી સમસ્યા છે. ભારત ઘણી વસ્તુઓ પર 30 ટકાથી માંડીને 60 ટકા અને ક્યારેક તો 70-80 ટકા ટેરિફ લાદે છે."

ટ્રમ્પે ભારત સાથે અમેરિકાની વેપારખાધનો ઉલ્લેખ કરતાં કહ્યું, "ભારત આવનારી અમેરિકન કારો પર 70 ટકા ટેરિફ છે, જે એ કારોનું વેચાણ લગભગ અશક્ય બનાવી દે છે. આજની ઘડીએ ભારત સાથે વેપારખાધ લગભગ 100 અબજ ડૉલર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મેં આ વાત અંગે સંમતિ વ્યક્ત કરી છે કે અમે લાંબા સમયથી ચાલતી આવી રહેલી આ અસમાનતાઓને દૂર કરવા માટે વાતચીત શરૂ કરીશું."

આ દરમિયાન ટ્રમ્પને પુછાયું કે શું તેઓ ભારતને રેસિપ્રોકલ ટેરિફમાં છૂટછાટ આપવા માટે તૈયાર છે.

આના જવાબમાં ટ્રમ્પે કહેલું, "ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતો દેશ છે. આના માટે હું તેમને દોષિત નથી ઠેરવતો, પરંતુ આ વેપાર કરવાની એક અલગ રીત છે. ખૂબ કડક ટેરિફના કારણે ભારતમાં સામાન વેચવાનું ખૂબ મુશ્કેલ છે. હવે અમે એક રેસિપ્રોકલ નૅશન છીએ. કોઈ પણ દેશ જેટલી ડ્યૂટી લાદેશ, અમે પણ એટલી જ ડ્યૂટી લાદીશું. મને લાગે છે કે આ ઠીક પણ છે."

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા ટેરિફ વોર રેસિપ્રોકલ ટૅક્સ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા ટેરિફ વોર રેસિપ્રોકલ ટૅક્સ

બિસ્વજિત ધર કહે છે કે વ્હાઇટ હાઉસે રેસિપ્રોકલ ટ્રેડ અંગે પોતાની ફૅક્ટ શીટમાં ખેતીનું ઉદાહરણ ટાંક્યું છે.

તેઓ કહે છે કે, "ટ્રમ્પ બંને તરફથી સમાન ટેરિફ ઇચ્છે છે. એનો અર્થ એ હોઈ શકે કે કાં તો અમેરિકા ભારતીય કૃષિ ઉત્પાદનો પર ટેરિફ વધારશે કે પછી ભારતને અમેરિકન કૃષિઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા કહેશે. ભારતે કૃષિઉત્પાદનો પર વધુ ટેરિફ એટલા માટે લાદી છે, કારણ કે ભારતમાં 50 ટકા કરતાં વધુ લોકો ખેતી પર આધારિત છે. મોટા ભાગના લોકો ખેડૂત છે. જ્યારે બીજી બાજુ અમેરિકા જેવા દેશોમાં મોટી મોટી કંપનીઓ છે, જે આ વ્યવસાયમાં જોતરાયેલી છે. આવી સ્થિતિમાં જો નાના ખેડૂતની કોઈ મોટી કંપની સાથે સ્પર્ધા હોય, તો નાના ખેડૂતને નુકસાન જ થવાનું."

બીજી બાજુ અજય શ્રીવાસ્તવ કહે છે કે ભારત પર આની શી અસર થશે એ હજુ સ્પષ્ટ નથી. એ વાત પણ સ્પષ્ટ નથી કે આ ટેરિફ ખાસ ઉત્પાદનો પર લાગુ પડશે કે સમગ્ર સેક્ટર પર.

અજય શ્રીવાસ્તવ કહે છે કે, "જો તેઓ પ્રોડક્ટ પર રેસિપ્રોકલ ટેરિફ લાદશે, તો ભારત પર વધુ અસર નહીં પડે, કારણ કે અમેરિકા જે પ્રોડક્ટ ભારત મોકલે છે, એ પ્રોડક્ટ ભારત અમેરિકા નથી મોકલતું. ભારત અમેરિકાને બીજી વસ્તુઓની નિકાસ કરે છે. પરંતુ જો અમેરિકા સેક્ટર અનુસાર ટેરિફ લાદે, તો બની શકે કે ભારતને અમુક ઉત્પાદનોની નિકાસમાં મુશ્કેલી પડે."

આનાથી ઊલટું, દિલ્હીની ફોર સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટમાં પ્રોફેસર અને ટ્રેડ મામલાના જાણકાર પ્રોફેસર ફૈસલ અહમદે કહ્યું કે અમેરિકાના રેસિપ્રોકલ ટૅક્સની ઘણી અસર પડી શકે છે.

તેઓ કહે છે કે, "ઘણાં બધાં ઉત્પાદનો, જેમ કે ટેક્સટાઇલ અને કૃષિ ઉત્પાદનોમાં ભારતની ઇમ્પૉર્ટ ડ્યૂટી વધુ છે. જો અમેરિકા પણ આવી જ ઇમ્પૉર્ટ ડ્યૂટી તેમના સેક્ટરની અલગ અલગ પેદાશોમાં લાદવા લાગે, તો ભારત માટે ઘણી મુશ્કેલી ઊભી થશે. રેસિપ્રોકલ ટેરિફથી ભારતની નિકાસને પણ અસર થશે."

પ્રોફેસર ફૈસલ અહમદ પ્રમાણે ભારતે આ અંગે અમેરિકા સાથે વાત કરવી જોઈએ, કારણ કે ભારત અમેરિકા પાસેથી આયાત વધારવાની તૈયારીમાં છે. તેમના પ્રમાણે ભારતે અમેરિકાને કહેવું જોઈએ કે એ રેસિપ્રોકલ ટેરિફ મામલે પુનર્વિચાર કરે.

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા ટેરિફ વોર રેસિપ્રોકલ ટૅક્સ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.