ભારતમાં બેઠા બેઠા છેક અમેરિકાના શૅરબજારમાં રોકાણ કેવી રીતે કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
ઍપલ, એમેઝોન, મેટા, ગૂગલ, નૅટફ્લિક્સ, એનવીડિયા... આ બધાં નામોમાં શું સામ્ય છે?
આ બધી ટેકનોલૉજી જગતની ટોચની કંપનીઓ છે જે અમેરિકન શૅરબજારમાં લિસ્ટેડ છે, છતાં ભારતમાં પણ લોકો ઓળખે છે.
એટલું જ નહીં, આ કંપનીઓએ લાંબા ગાળે રોકાણકારોની સંપત્તિ અનેક ગણી વધારી દીધી છે.
ઉદાહરણ તરીકે નાસ્ડેક પર લિસ્ટેડ એનવીડિયા કોર્પના શૅરમાં ઈન્વેસ્ટરોને 25 વર્ષમાં 3.12 લાખ ટકા કરતાં વધુ રિટર્ન મળ્યું છે. જાન્યુઆરી 1999માં એનવીડિયાનો આઈપીઓ આવ્યો ત્યારે શૅરનો ભાવ 12 ડૉલર હતો. ત્યાર પછી અનેક વખત શૅર સ્પ્લિટ અને ડિવિડન્ડ આપ્યા પછી અત્યારે શૅર 125 ડૉલર નજીક પહોંચ્યો છે. તાજેતરમાં આ શૅર 153 ડૉલરને પણ પાર કરી ગયો હતો.
આ ઉપરાંત રોકાણકારો ટેસ્લા, વોલ્ડ ડિઝની, ઉબર કે વૉટ્સઍપ જેવી યુએસમાં લિસ્ટેડ કંપનીઓમાં પણ ઇન્વેસ્ટ કરતા હોય છે.
હાલમાં ભારતીય શૅરબજાર રોકાણકારોને મોટા આંચકા આપી રહ્યું છે. 30 શૅરનો સેન્સેક્સ સપ્ટેમ્બર 2024માં એક સમયે 85,978.25 હતો તો અત્યારે ઘટીને 72880 પર આવી ગયો છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય માર્કેટમાં મોટી વેચવાલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઘટી રહ્યા છે.
તેના કારણે ઘણા રોકાણકારોની નજર અમેરિકન શૅરબજાર પર ગઈ છે અને ત્યાં કમાણી કેવી રીતે કરવી તેના વિકલ્પો અજમાવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય માર્કેટનો ધબડકો અને યુએસ સાથે સરખામણી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં જે રીતે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ છે તે રીતે અમેરિકામાં એસ ઍન્ડ પી 500, નાસ્ડેક, ડાઉ જોન્સ વગેરે મોટા ઇન્ડેક્સ છે.
તાજેતરમાં એફઆઈઆઈના વેચાણ અને કંપનીઓના નબળા દેખાવના કારણે ભારતીય શૅરમાર્કેટ પર દબાણ વધ્યું છે. શૅરોના ભાવ વધારે પડતા વધી ગયા હતા તેથી આવું કરેક્શન આવવાનું જ હતું તેવું માનવામાં આવે છે.
1 જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં સેન્સેક્સ 7 ટકા કરતાં વધુ ઘટ્યો છે જ્યારે છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સમાં દોઢ ટકાનો ઘટાડો થયો છે.
છેલ્લાં પાંચ વર્ષમાં સેન્સેક્સે 94 ટકા વળતર આપ્યું છે. એટલે કે પાંચ વર્ષમાં સેન્સેક્સ બમણો નથી થયો.
તેની તુલનામાં અમેરિકાનો ડાઉ જૉન્સ ઇન્ડેક્સ 1 જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં ત્રણ ટકા વધ્યો છે, છેલ્લા એક વર્ષમાં 12 ટકા કરતા વધુ વધ્યો છે અને પાંચ વર્ષમાં આશરે 64 ટકા રિટર્ન આપ્યું છે.
રોકાણકારો ઍપલ, ફેસબુક જેવી કંપનીઓમાં મળેલા વળતરથી અંજાઈ જાય છે. જેમ કે ઍપલના શૅરમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ત્રણ ટકાથી વધુ ઘટાડો થયો છે જ્યારે છેલ્લા એક વર્ષમાં ઍપલના સ્ટૉકે 34 ટકા રિટર્ન આપ્યું છે અને છેલ્લાં 10 વર્ષમાં ઍપલનો શૅર 738 ટકા કરતાં વધુ વધ્યો છે. 20 વર્ષની અંદર ઍપલે લગભગ 18 હજાર ટકા વળતર આપ્યું છે.
અન્ય એક મોટી ટેકનોલૉજી કંપની ફેસબુકનો શૅર છેલ્લા ત્રણ મહિનામાં 11 ટકા વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં 34 ટકાથી વધારે અને છેલ્લાં પાંચ વર્ષમાં 270 ટકા જેટલું વળતર આપ્યું છે.
પહેલી જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં નાસ્ડેક ઇન્ડેક્સ 2.25 ટકા ઘટ્યો છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં 16 ટકાથી વધારે, છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ 120 ટકા વળતર આપ્યું છે.
અમેરિકાના ત્રીજા મહત્ત્વના ઇન્ડેક્સ એસ ઍન્ડ પી 500ની વાત કરીએ તો પહેલી જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં આ ઇન્ડેક્સે 1.45 ટકા વળતર આપ્યું છે, છેલ્લા એક વર્ષમાં 16 ટકા વધ્યો છે, અને પાંચ વર્ષમાં 100 ટકા રિટર્ન આપ્યું છે એટલે કે મૂડી ડબલ થઈ ગઈ છે.
અમેરિકન શૅરબજારમાં ભારતીયો કઈ રીતે શૅર ખરીદી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકન શૅરબજારનું નામ આવે એટલે લોકોના મોઢે ઍપલ, મેટા, એમેઝોન જેવી મોટી કંપનીઓનાં નામ આવતાં હોય છે.
ભારતીય રોકાણકારો પણ ચોક્કસ નિયમો અને મર્યાદાઓને આધીન રહીને અમેરિકન બજારમાં શૅર, મ્યુચ્યુઅલ ફંડ અથવા ઈટીએફ (ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ) ખરીદી શકે છે.
અમેરિકાના શૅરબજારમાં મૂડી રોકવા માટે જુદા જુદા રસ્તા છે. તેમાંથી એક રસ્તો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો છે.
સૌથી પહેલા તમારે એવા શૅરબ્રોકરમાં એકાઉન્ટ ખોલાવવું પડે જેની પાસે યુએસ માર્કેટમાં રોકાણ કરવાની મંજૂરી હોય. ઘણા શૅરબ્રોકરોએ અમેરિકન બ્રોકરેજ કંપનીઓ સાથે ભાગીદારી કરેલી હોય છે. તેઓ રોકાણ માટે બ્રોકરેજ ફી અથવા દલાલી વસૂલ કરશે અને કેટલીક વખત કરન્સી કન્વર્ઝન ફી પણ ચાર્જ કરશે.
બીજો એક વિકલ્પ અમેરિકાસ્થિત બ્રોકરેજ હાઉસમાં એકાઉન્ટ ખોલાવવાનો છે. તેમાં ટ્રાન્ઝેક્શન ખર્ચ નીચો આવે છે. જોકે, વિદેશી બ્રોકરેજ પાસે એકાઉન્ટ ખોલાવવાનું કામ જટિલ હોય છે, કેવાયસીની પ્રક્રિયા થોડી મુશ્કેલ હોય છે અને મિનિમમ બેલેન્સ તરીકે પણ મોટી રકમ રાખવી પડે.
જો તમે અમેરિકાના શૅરબજારમાં શૅરોને ડાયરેક્ટ ખરીદવા ઇચ્છતા ન હોવ તો તમારી પાસે ઈટીએફનો રસ્તો પણ છે. તમે નૅશનલ સ્ટૉક ઍક્સચેન્જ અથવા બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જ (બીએસઈ) મારફત એવા ઈટીએફ (ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ) ખરીદી શકો છો જેઓ અમેરિકન શૅરોમાં રોકાણ કરતા હોય.
તેવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડથી પણ અમેરિકન બજારમાં રોકાણ કરી શકાય છે. કેટલાક ભારતીય મ્યુચ્યુઅલ ફંડ અમેરિકન શૅરો ખરીદતા હોય છે. તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ બ્રોકર પ્લૅટફૉર્મ મારફત અથવા કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા પણ યુએસ સ્ટૉકમાર્કેટમાં રોકાણ કરી શકો છો.
આ ઉપરાંત અમેરિકન માર્કેટમાં રોકાણ કરવા માટે કેટલીક ઍપ્સ પણ ઉપલબ્ધ છે. પરંતુ તેમાં સાવધાની રાખવી અને પૂરતો અભ્યાસ કરીને પછી જ મૂડી લગાવવામાં આવે તે જરૂરી છે.
યુએસમાં શૅર ખરીદવા કઈ કઈ ચીજોની જરૂર પડે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં કેટલીક શૅર બ્રોકરેજ કંપનીઓમાં ઇન્ટરનેશનલ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવીને અમેરિકન શૅરબજારોમાં લિસ્ટેડ કંપનીઓના શૅર ખરીદી શકાય છે.
તમે કોઈ બ્રોકરેજ કંપનીમાં એકાઉન્ટ ખોલાવશો ત્યારે નામ, સરનામું, જન્મતારીખ સહિતની ચીજોનું કેવાયસી વેરિફિકેશન કરવામાં આવશે. ઇન્ટરનૅશનલ ટ્રેડિંગ એકાઉન્ટ માટે તમારે આધાર, પાન, પાસપૉર્ટ, મતદાન કાર્ડ વગેરે ડૉક્યુમેન્ટ આપવા પડશે.
ત્યાર બાદ અમુક કલાકોની અંદર જ શૅરની ખરીદી શરૂ કરી શકાય છે.
આ ઉપરાંત તમે શૅરમાં ફ્રેક્શનલ ખરીદી પણ કરી શકો છો. એટલે કે કોઈ શૅર ભારતીય રૂપિયામાં હજારો રૂપિયાનો હોય પરંતુ તમે ડૉલરના ગુણાંકમાં તેની આંશિક ખરીદી પણ કરી શકો છો. એટલે કે તમે કોઈ કંપનીનો અડધો અથવા પા શૅર પણ ખરીદી શકો અને દોઢ શૅર પણ ખરીદી શકો છો.
યુએસ માર્કેટમાં રોકાણ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં લિસ્ટેડ શૅરો ખરીદતી વખતે ભારતીય રોકાણકારોએ કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
પહેલી વાત, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે ભારતીય રોકાણકાર એક વર્ષમાં વધુમાં વધુ 2.50 લાખ ડૉલર રોકાણ માટે વિદેશ મોકલી શકે છે.
બીજું, અમેરિકન શૅરબજારમાં તમને કમાણી થાય ત્યારે તમારે અમેરિકા અને ભારત બંને જગ્યાએ ટૅક્સ ભરવો પડશે. તમે કેટલા સમય માટે શૅર જાળવી રાખ્યા છે તેના આધારે કેપિટલ ગેઈન ટૅક્સ ભરવો પડશે અને ભારતના બીજા ટૅક્સ કાયદા પણ લાગુ થશે.
અહીં એ યાદ રાખવું જરૂરી છે કે તમે ખરીદી કે વેચાણના કેટલા ઑર્ડર મૂકી શકો તેના પર નિયંત્રણો હોઈ શકે છે.
આ ઉપરાંત તમે અમેરિકન શૅર ખરીદવા માટે વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરવાના હોવ તે અગાઉ એલઆરએસ એટલે કે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કિમના પૂરતા ડૉક્યુમેન્ટ હોવા જરૂરી છે.
તમે તમારા બૅન્ક ખાતામાં રહેલા રૂપિયા દ્વારા અમેરિકામાં શૅર ખરીદો ત્યારે ઍક્સચેન્જ રેટને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. બૅન્કો તમારી પાસેથી ફોરેન ઍક્સચેન્જ કન્વર્ઝન ફી અને ટ્રાન્સફર ફી વસૂલ કરશે.
અમેરિકન શૅરબજારમાં રોકાણની કેવી સ્ટ્રેટેજી હોવી જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
શૅરમાર્કેટ ઍક્સપર્ટ પાર્થિવ શાહે બીબીસીને જણાવ્યું કે ગુજરાતમાંથી ઘણા લોકો અમેરિકન બજારમાં લિસ્ટેડ શૅરોમાં રોકાણ કરતા હોય છે. પરંતુ તેમાં કરન્સી રિસ્કનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે.
"આ ઉપરાંત ટૅક્સ કૉમ્પ્લાયન્સના નિયમોને પણ ધ્યાનમાં રાખીને સોદા કરવા જોઈએ, કારણ કે અહીં બે અલગ દેશોના ટૅક્સ અનુપાલનની વાત છે, " તેમ તેઓ કહે છે.
અમદાવાદસ્થિત એક સ્ટૉક બ્રોકિંગ કંપનીના વડા ગુંજન ચોકસીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, અમેરિકા અથવા બીજા માર્કેટમાં મૂડી રોકો ત્યારે સૌથી પહેલાં તો અઢી લાખ ડૉલરની વાર્ષિક રેમિટન્સ મર્યાદા છે તેને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
યુએસમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં જે કંપનીઓએ આશ્ચર્યજનક વળતર આપ્યું તે બધી એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અથવા આઈટી બેઝ્ડ કંપનીઓ છે.
તેઓ કહે છે કે, "અમેરિકન બજારમાં ડાયરેક્ટ રોકાણ કરવાના બદલે મ્યુચ્યુઅલ ફંડ અથવા ઈટીએફ (ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ)નો વિકલ્પ અપનાવવો વધુ યોગ્ય છે, કારણ કે તે ખર્ચની બાબતમાં વધુ અસરકારક છે."
ગુંજન ચોક્સીએ જણાવ્યું કે, "યુએસના શૅરો સીધા ખરીદવા હોય તો તેના માટે એકાઉન્ટ ખોલાવવાનો મોટો ખર્ચ આવે છે, આ ઉપરાંત પાંચથી 10 લાખ રૂપિયાની રકમ બેલેન્સમાં રાખવી પડે છે. તેમાં ટૅક્સ અને બીજા ખર્ચ પણ લાગુ પડે છે. તેથી મ્યુચ્યુઅલ ફંડ કે ઈટીએફનો રસ્તો વધુ અનુકૂળ રહે છે."
તેમના કહેવા મુજબ, "રોકાણની રકમ નાની હોય ત્યારે બંને સાઇડના ટૅક્સ અને બીજી ફીને ધ્યાનમાં લેવામાં આવે તો ડાયરેક્ટ સ્ટૉકમાં રોકાણ બહુ ફાયદાકારક નથી, સિવાય કે 10 ટકાથી વધારે રિટર્ન મળતું હોય."
ટૅક્સ અને બીજા ખર્ચને સમજો
સ્ટૉક બ્રોકિંગ પ્લૅટફૉર્મ ગ્રોની વેબસાઈટ પર આપેલી માહિતી પ્રમાણે ભારતીય શૅરમાં જે રીતે સમયાંતરે ડિવિડન્ડ મળે છે તેવી જ રીતે અમેરિકન શૅરોમાં પણ ડિવિડન્ડની કમાણી થઈ શકે છે.
પરંતુ ડિવિડન્ડની કમાણી પર 25 ટકાનો ટૅક્સ લાગશે. ઉદાહરણ તરીકે અમેરિકન કંપની 200 ડૉલર ડિવિડન્ડ જાહેર કરે તો તમારી ચોખ્ખી આવક 150 ડૉલર હશે, બાકીની રકમ ટૅક્સ તરીકે કપાઈ જશે.
આ ઉપરાંત શૅર ખરીદ્યાની તારીખથી બે વર્ષ પછી તેનું વેચાણ કરવામાં આવે તો તેમાં જે વળતર મળે તેના પર 20 ટકા લૉંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડે છે.
પરંતુ તમે બે વર્ષની અંદર શૅર વેચશો તો તમારા ઇન્કમટેક્સના સ્લેબ મુજબ ટૅક્સ લાગશે.
અમેરિકન બજારમાં લોકો શા માટે રોકાણ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય શૅરબજાર કરતાં અમેરિકન બજાર વધારે પુખ્ત અને જૂનું છે. તેથી અમેરિકન બજારમાં અસ્થિરતા પ્રમાણમાં ઓછી હોય છે.
દુનિયાની મોટા ભાગની મોટી કંપનીઓના અમેરિકામાં હેડક્વાર્ટર હોય છે તેથી ઘણા લોકોને યુએસ શૅરમાર્કેટ માફક આવે છે.
આ ઉપરાંત યુએસ ડૉલર વધારે મજબૂત છે અને ડૉલરની સામે રૂપિયો ઘસાતો હોય છે. તેથી વળતરની ટકાવારી સરખી હોય તો પણ ડૉલરની મજબૂતીના કારણે અમેરિકન શૅરો વધુ રિટર્ન આપતા હોય છે.
(સ્પષ્ટતાઃ શૅરબજારમાં રોકાણમાં નાણાકીય નુકસાનનું જોખમ રહેલું છે. આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે અને તેને નાણાકીય સલાહ ગણવી ન જોઈએ. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ જાતે સંશોધન કરે અને રોકાણના કોઈ પણ નિર્ણયો લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લે. બીબીસી ગુજરાતી આ માહિતીના આધારે થયેલા રોકાણથી થતા કોઈ પણ નાણાકીય નુકસાન માટે જવાબદાર નથી.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













