'રાત્રે દુકાન કેમ ખુલ્લી નથી રાખતા?' - મહેસાણાનાં પિતા-પુત્રીની અમેરિકામાં હત્યા કેમ થઈ?

મૃતક પ્રદીપભાઈ પટેલ અને તેમની દીકરી ઉર્મિ પટેલ

ઇમેજ સ્રોત, KETAN PATEL

ઇમેજ કૅપ્શન, મૃતક પ્રદીપભાઈ પટેલ અને તેમની દીકરી ઉર્મિ પટેલ
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતના મહેસાણા જિલ્લાના કનોડા ગામના 54 પ્રદીપ પટેલ અને તેમની 24 વર્ષની દીકરીની અમેરિકાના વર્જિનિયામાં સ્ટોરમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.

જોકે પરિવારના કહેવા મુજબ 'હત્યારો આખી રાતથી સ્ટોરની બહાર જ બેઠો હતો. સવારે તે લીકર લેવા આવ્યો હતો. રાતે સ્ટોર કેમ ચાલુ નથી રાખતા કહીને ગોળી મારીને હત્યા કરી હતી.'

પ્રદીપ પટેલના પરિવારમાં તેમનાં પત્ની અને ત્રણ દિકરીઓ છે. તેમની એક દીકરી કૅનેડા અને એક દીકરી અમદાવાદમાં રહે છે.

પ્રદીપભાઈ તેમનાં પત્ની હંસાબહેન અને તેમની દીકરી ઉર્મી સાથે વર્ષ 2019માં અમેરિકામાં વિઝિટર વિઝા પર ગયા હતા અને બાદમાં અમેરિકામાં જ વસી ગયા હતા.

પ્રદીપ પટેલ અમેરિકા ગયા તે પહેલાં મહેસાણામાં તેમની દુકાન હતી. તેઓ પરિવાર સાથે મહેસાણામાં જ રહેતા હતા. પ્રદીપ પટેલના પિતા હયાત નથી જોકે તેમનાં માતા તેમના ભાઈ સાથે અમદાવાદમાં રહે છે.

વર્જિનિયાના ઓકોમેક કાઉન્ટીના સ્થાનિક અખબારોએ પ્રકાશિત કરેલા અહેવાલ અનુસાર પોલીસે હત્યાની ઘટનામાં શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

પરિવારનું શુ કહેવું છે?

મૃતક પ્રદીપભાઈના પિતૃક ગામ કનોડામાં સગા સંબધી ભેગા થયા હતા.

ઇમેજ સ્રોત, KETAN PATEL

ઇમેજ કૅપ્શન, મૃતક પ્રદીપભાઈના પૈતૃક ગામ કનોડામાં સગાં સંબધી ભેગાં થયાં હતાં.

પ્રદીપભાઈના નાના ભાઈ અશોક ખેડા જિલ્લામાં શિક્ષક છે અને પરિવાર સાથે અમદાવાદમાં રહે છે. તેમના ભાઈની હત્યા અંગેના સમચાર સાંભળ્યા બાદ તેઓ પોતાના પિતૃક ગામ કનોડા પહોંચ્યા હતા.

પ્રદીપભાઈની હત્યાના સમાચાર સંભાળીને તેમની માતા ખૂબ જ આઘાતમાં છે.

પ્રદીપભાઈના હત્યાના સમાચાર મળતાં જ કનોડામાં ગમગીન માહોલ હતો. ગામના લોકો શોક વ્યક્ત કરવા અશોકભાઈના ઘરે ભેગા થયા હતા. ગામના અને આસપાસના લોકો ખૂબ જ રડી રહ્યા હતા.

અશોકભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે "પ્રદીપભાઈ મારા મોટાભાઈ છે. પ્રદીપભાઈ, તેમનાં પત્ની હંસાબહેન અને દીકરી ઉર્મિ વર્ષ 2019માં વિઝિટર વિઝા પર અમેરિકા ગયા હતા. ત્યાર બાદ તે અમેરિકામાં જ રહેતા હતા. પ્રદીપભાઈ અને ઉર્મિ સ્ટોર પર નોકરી કરતાં હતાં."

ઘટના અંગે વાત કરતાં અશોકભાઈ કહે છે કે "મારા ભાઈની મોટી દીકરી કૅનેડામાં રહે છે.જે છેલ્લાં 10 દિવસથી અમેરિકા ફરવા આવી હતી. મારી ભત્રીજીએ એમને ફોન કરીને ઘટના અંગે જાણ કરી હતી."

વીડિયો કૅપ્શન, Gujarati In US : Mahesana નાં પિતા-પુત્રી સાથે અમેરિકામાં શું થયું હતું?

"ઘટના અંગે સાંભળતા જ હું ડઘાઈ ગયો હતો. અમારા ઘર પર તો દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મારા ભાઈ અને ભત્રીજીની દુનિયામાંથી જવાની ઉંમર ન હતી. કોઈ બીમાર હોય તો તમને સમજાય. આમ અચાનક જ આવી રીતે હત્યા થઈ એ અમારા માટે ખૂબ જ આઘાતજનક છે."

અશોકભાઈ ઘટના અંગે વાત કરતાં કહે છે કે "ગુરુવારે 20 તારીખે અમેરિકાના સમય મુજબ સવારે 5.30 વાગે મારા ભાઈ અને ભત્રીજીએ સ્ટોર ખોલ્યો હતો. સ્ટોર ખૂલ્યાની પાંચ મિનિટ બાદ જ એક યુવાન આવ્યો હતો. જે આખી રાતથી સ્ટોરની બહાર બેઠેલો હતો. આ ફાયરિંગ શરૂ કર્યું હતું. તેને મારા ભાઈને છાતીમાં બે ગોળી ધરબી દીધી હતી અને ત્યાર બાદ મારી ભત્રીજી ઉર્મિને માથામાં ગોળી મારી હતી."

"ગોળી વાગતા જ મારા ભાઈનું સ્થળ પર મોત થયું હતું. જયારે મારી ભત્રીજીમાં જીવ હતો. જેથી તેને તાત્કાલિક નજીકના શહેરમાં દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. મારી ભત્રીજી વેન્ટિલેટર પર હતી. સારવાર દરમિયાન તેનું પણ મોત થયું છે."

પ્રદીપભાઈ અને ઉર્મિના અંતિમવિધી અંગે પરિવારે શું કહ્યું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પિતા અને બહેનની હત્યા અંગેના સમાચાર સાંભળીને અમાદાવાદમાં રહેતી પ્રદીપભાઈની દીકરી અને જમાઈ અમેરિકા જવા નીકળી ગયા હતા.

અશોકભાઈ જણાવે છે કે, "પ્રદીપભાઈની અંતિમવિધિ અમેરિકામાં જ કરવામાં આવશે. મારી ભત્રીજી હાર્મી અને તેના પતિ અંતિમવિધિ માટે અમેરિકા પહોંચી ગયાં છે. તેમજ મારો દીકરો કલ્પિત જે કૅનેડામાં રહે છે. તે પણ અમેરિકા પહોંચી ગયો છે."

અશોકભાઈ જણાવે છે કે "મારાભાઈની અંતિમવિધિ મંગળવારે કરવામાં આવશે. તેમને દફનવિધિ માટે મંગળવારની અપોઇન્ટમેન્ટ મળી છે. મંગળવારે તેમની અંતિમક્રિયા બાદ ગુરુવારે અમારા ગામ કનોડામાં તેમનું બેસણું રાખવામાં આવ્યું છે."

પ્રદીપ પટેલના કાકા ચંદુભાઈ તેમના પૈતૃકગામ કનોડામાં રહે છે. ચંદુભાઈએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, "મીડિયાના અહેવાલોથી અમને જાણવા મળ્યું કે પ્રદીપભાઈ સાથે અણબનાવ બન્યો છે. આ અંગે જાણવા માટે અમે પ્રદીપભાઈની દીકરી જે કૅનેડામાં રહે છે તેને ફોન કરીને પૂછપરછ કરી હતી. દીકરીએ અમને વાત કરી કે મારા પિતા અને બહેનને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રદીપભાઈની દીકરી સારવાર હેઠળ હતી."

અશોકભાઈએ વધુમાં જણાવ્યું કે, "ઉર્મિનાં લગ્ન વર્ષ 2021માં જ કરવામાં આવ્યાં હતાં. ઉર્મીનાં લગ્ન ગાંધીનગર જિલ્લાના ચાંદીસર ગામમાં કરવામાં આવ્યાં હતાં. ઉર્મિ અને તેના પતિ અને મારા ભાઈ ભાભી વર્જિનિયામાં જ રહેતા હતા. ઉર્મિને કોઈ બાળક નથી."

ઘટના ક્યાં બની હતી

વર્જિનિયાના અખબાર WAVYએ પ્રકાશિત કરેલ સમાચાર અનુસાર ઘટનામાં પોલીસે 44 વર્ષના એક શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે. આરોપી હાલ જેલમાં છે. હજુ સુધી હત્યાનું કારણ બહાર આવ્યું નથી.

અખબાર અનુંસાર સ્ટોરના માલિક તરીકે ઓળખ આપનાર પરેશ પટેલે જણાવ્યું હતું કે, તેમના પિતરાઈ ભાઈનાં પત્ની અને તેમના પિતા સવારે સ્ટોરમાં કામ કરી રહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, "એક વ્યક્તિએ આવીને ગાળી મારીને હત્યા કરી છે. શુ કરવું તે મને સમજાતું નથી."

ઘટના અંગે વર્જિયાનાના સ્થાનિક અખબાર WBOCની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર ઘટના વર્જિનિયાના ઓકોમેક કાઉન્ટીના લૅન્કફોર્ડ હાઇવે સ્થિત સ્ટોર પર બની હતી. ઘટના અંગે જાણ થતા પોલીસ સ્ટોર પર પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં એક વ્યક્તિની ગોળી વાગેલી હાલતમાં તેમની લાશ મળી હતી. પોલીસે વધુ તપાસ કરતાં 24 વર્ષની યુવતી ગોળી વાગેલી હાલતમાં મળી આવી હતી અને તેની હાલત ગંભીર હતી. પછી તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.