નેપાળમાં કોનું રાજ ચાલે છે, સામ્યવાદીઓનું કે બ્રાહ્મણોનું?

નેપાળમાં બ્રાહ્મણો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેપાળમાં બ્રાહ્મણોની વસતી 12.2 ટકા છે
    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

નેપાળના પોખરામાં ફરતી વખતે એક રેસ્ટોરાં પર નજર પડી હતી. લેક સાઇડ પર આવેલા તે રેસ્ટોરાંનું નામ છે – કાકાકો ચૂલો.

કાકાકો ચૂલોની બહાર મેનુ જેવું હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. તેમાં દરેક વાનગી કે થાળીને જે નામ આપવામાં આવ્યાં છે તે બહુ રસપ્રદ છે.

મેનુમાં પહેલા નંબરે પંડિત ભોજન, બીજા નંબરે લોકતાંત્રિક ભોજન, ત્રીજા નંબરે ગણતાંત્રિક ભોજન અને ચોથા નંબરે સહમતિ ભોજન લખેલું છે. નીચેની તસવીરમાં તે જોઈ શકાય છે.

નેપાળમાં આજ સુધી બ્રાહ્મણ અને ક્ષત્રિય જ્ઞાતિમાંથી જ વડા પ્રધાન બન્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેપાળમાં આજ સુધી બ્રાહ્મણ અને ક્ષત્રિય જ્ઞાતિમાંથી જ વડા પ્રધાન બન્યા છે

હું આ હોર્ડિંગને નિહાળી રહ્યો હતો ત્યારે મારા નેપાળી દોસ્તે કહ્યું હતું કે, "તમારા અહેવાલનું પ્રતિબિંબ આ મેનુમાં પણ જોવા મળી રહ્યું છે?"

"એ કેવી રીતે," એવો સવાલ મેં તેને કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે "મેનુ ધ્યાનથી વાંચો. તેમાં સૌથી ઉપર પંડિત છે, જ્યારે તેની નીચે લોકતાંત્રિક અને પછી ગણતાંત્રિક."

હું તેમને જણાવવા ઇચ્છતો હતો કે રાજાશાહી ગયા છતાં લોકતંત્ર કે ગણતંત્ર પંડિત એટલે કે બ્રાહ્મણોથી ઉપર આવી શક્યું નથી.

નેપાળમાં બ્રાહ્મણોને બાહુન કહેવામાં આવે છે. નેપાળની કુલ વસ્તીમાં માત્ર બ્રાહ્મણો 12.2 ટકા છે ત્યારે આવું જોવા મળે છે. તેઓ નેપાળના પહાડી બ્રાહ્મણો છે અને દરેક ક્ષેત્રમાં તેમનો દબદબો છે.

નેપાળમાં સૌથી મોટો જ્ઞાતિ સમૂહ છેત્રી, એટલે કે ભારતમાં જેમને ક્ષત્રિય કે રજપૂત કહેવામાં આવે છે, તેઓ છે.

બીબીસી ગુજરાતી

નેપાળની વસ્તીમાં 16.6 ટકા લોકો છેત્રી છે. બ્રાહ્મણ અને છેત્રીને જ નેપાળમાં ખસ આર્ય કહેવામાં આવે છે. નેપાળમાં ખસ આર્યની કુલ વસ્તી લગભગ 29 ટકા છે.

નેપાળની વર્તમાન સરકાર અને વ્યવસ્થા પર નજર કરીએ તો દરેક ક્ષેત્રમાં બ્રાહ્મણોનો દબદબો છે. ટોચનાં બધાં પદો પર બ્રાહ્મણો છે.

નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દાહાલ પ્રચંડ બ્રાહ્મણ છે, રાષ્ટ્રપતિ રામચંદ્ર પોડેલ બ્રાહ્મણ છે, સૈન્યના વડા પ્રભુરામ શર્મા બ્રાહ્મણ છે અને નેપાળી સંસદના સ્પીકર દેવરાજ ધિમિરે પણ બ્રાહ્મણ છે.

નેપાળની સુપ્રીમ કોર્ટમાં હાલ કોઈ સ્થાયી વડા ન્યાયમૂર્તિ નથી, પરંતુ જસ્ટિસ હરિકૃષ્ણ કાર્કીને કાર્યકારી વડા ન્યાયમૂર્તિ બનાવવામાં આવ્યા છે. તેઓ છત્રી એટલે કે ક્ષત્રિય છે.

નેપાળના પોલીસ વડા એટલે કે એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ બસંત બહાદુર કુંવર પણ છેત્રી છે.

વડા પ્રધાન પ્રચંડના આખા પ્રધાનમંડળ પર નજર કરીએ તો વિદેશમંત્રાલય હોય કે ગૃહમંત્રાલય, મહત્ત્વનાં તમામ મંત્રાલય બ્રાહ્મણો અને ક્ષત્રિયો પાસે છે.

ગ્રે લાઇન

સંસદમાં બ્રાહ્મણ, ક્ષત્રિયોનો દબદબો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રચંડ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેપાળની પ્રતિનિધિ સભા એટલે કે સંસદમાં પણ ખસ આર્ય લોકોનો દબદબો છે. પ્રતિનિધિ સભા માટે 164 સભ્યોની ચૂંટણીપ્રક્રિયા મારફત ચૂંટાય છે. એ પૈકીના 95 સભ્યો ખસ આર્ય છે. એટલે કે 57 ટકા સભ્યો બ્રાહ્મણ અને છેત્રી છે.

નેપાળની વસ્તીમાં ચાર ટકા મુસલમાનો છે, પરંતુ તેમની કોમનો એકેય સભ્ય ચૂંટાઈને પ્રતિનિધિ સભામાં પહોંચ્યો નથી.

કોઈ શેરપા પણ સંસદમાં પહોંચ્યો નથી અને નેપાળના 13 ટકા દલિતોમાંથી માત્ર એક સભ્ય પ્રતિનિધિ સભામાં ચૂંટાઈને પહોંચ્યો છે.

જનજાતિ સમુદાયના 41 સભ્ય (25 ટકા) પ્રતિનિધિ સભામાં પહોંચ્યા છે, જ્યારે કે કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 35 ટકા છે.

નેપાળમાં કોસી, મધેસ, બાગમતી, ગંડકી, લુંબિની, કર્ણાલી અને સુદૂર પશ્ચિમ એમ કુલ સાત પ્રાંત છે. તે સાત પૈકીના ચારમાં મુખ્ય મંત્રી બ્રાહ્મણ છે.

બાગમતીના મુખ્ય મંત્રી શાલિકરામ જમ્કટ્ટેલ, સુદૂર પશ્ચિમના કમલ બહાદુર શાહી, કર્ણાલીના રાજકુમાર શર્મા અને ગંડકીના મુખ્ય મંત્રી સુરેન્દ્રરાજ પાંડે. આ બધા બ્રાહ્મણ છે.

મધેસના મુખ્ય મંત્રી સરોજ કુમાર યાદવ છે, કોસીના હિક્મત કુમાર કાર્કી છેત્રી છે, જ્યારે લુંબિનીના મુખ્ય મંત્રી ડિલ્લીબહાદુર ચૌધરી થારુ છે.

કોસી, કર્ણાલી અને બાગમતીમાં સામ્યવાદીઓની સરકાર છે અને તમામના મુખ્ય મંત્રી ખસ આર્ય છે.

લોકશાહીના આગમન પછીનાં 15 વર્ષમાં નવ લોકો વડા પ્રધાન બન્યા છે. તેમાંથી આઠ બ્રાહ્મણ અને એક છેત્રી છે. 15 વર્ષમાં વડા પ્રધાન બનેલા નવ નેતાઓમાં ગિરિજાપ્રસાદ કોઈરાલા, ત્રીજી વખત વડા પ્રધાન બનેલા પ્રચંડ, માધવકુમાર નેપાલ, ઝલનાથ ખનાલ, બાબુરામ ભટ્ટરાય, ખિલરાજ રેગ્મી, સુશીલ કોઈરાલા, કેપી શર્મા ઓલી અને શેરબહાદુર દેઉવાનો સમાવેશ થાય છે. આ પૈકીના આઠ બ્રાહ્મણ છે, જ્યારે શેરબહાદુર દેઉવા છેત્રી છે.

નેપાળમાં લોકશાહીના આગમન પહેલાં પંચાયતી વ્યવસ્થામાં પણ તમામ વડા પ્રધાન બ્રાહ્મણો જ બન્યા હતા.

નેપાળના મધેસ વિસ્તારમાં પણ બ્રાહ્મણો છે, પરંતુ તેમની હેસિયત પડાહી બ્રાહ્મણો જેવી નથી.

નેપાળી કૉંગ્રેસના નેતા કંચન ઝાએ કહ્યું હતું કે,"બ્રાહ્મણો અને રજપૂતો મધેસમાં પણ છે, પરંતુ સરકાર તથા શાસનમાં પહાડી બ્રાહ્મણો અને છેત્રીઓનો જ દબદબો છે."

"પહાડી બ્રાહ્મણો મધેસના યાદવો અને દલિતો જેવા જ અહીંના બ્રાહ્મણોને ગણે છે. પહાડી બ્રાહ્મણો અને મધેસના બ્રાહ્મણો વચ્ચે પરંપરાગત રીતે રોટી-બેટીનો વ્યવહાર નથી."

"એમનામાં લગ્ન થાય તો પણ તેને આંતરજ્ઞાતીય વિવાહ ગણવામાં આવે છે."

કંચન ઝાએ ઉમેર્યું હતું કે, "નેપાળમાં 71 ટકા વસ્તી પર, 29 ટકા વસ્તી ધરાવતા ખસ આર્યોનું શાસન તથા દબદબો રાજાશાહી વખતે પણ હતો અને લોકશાહીની શરૂઆતથી પણ છે."

"મધેસીઓ, જનજાતિઓ અને દલિતો સાથેના ભેદભાવને હવે બંધારણીય બનાવી દેવામાં આવ્યા છે."

"નેપાળી ભાષા ખસ આર્યોની છે, પરંતુ તેને રાજાશાહી વ્યવસ્થામાં લોકો પર ઠોકી બેસાડવામાં આવી હતી. તે લોકશાહી નેપાળમાં પણ છે."

"હિમાલી જનજાતિઓની પોતાની ભાષા છે. મધેસિયોનું પણ એવું છે, પરંતુ નેપાળીને રાજકાજની ભાષા બનાવી દેવામાં આવી છે."

"30 ટકા વસ્તીની ભાષા 70 ટકા વસ્તી પર ઠોકી બેસાડવામાં આવી છે. તેથી નેપાળી ભાષામાં નિપુણતા હોય તેવા લોકોની સામે ખસ આર્ય ન હોય તેવા લોકો પાછળ રહી ગયા છે," એવું પણ તેમણે કહ્યું હતું.

નેપાળમાં રાજાશાહીના અંત પછી સામ્યવાદીઓ જ સરકાર બનાવતા રહ્યા છે. નેપાળી કૉંગ્રેસની સરકાર પણ સામ્યવાદીઓના સમર્થનને લીધે બની હતી.

નેપાળના સામ્યવાદી પક્ષનું નેતૃત્વ જેમના હાથમાં છે એ બધા બ્રાહ્મણ જ છે. ભલે તે પ્રચંડના અધ્યક્ષપદ હેઠળની કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાલ (માઓવાદી સેન્ટર) હોય કે પછી કેપી શર્મા ઓલીના અધ્યક્ષપદ હેઠળની કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાલ (એકીકૃત માર્ક્સવાદી-લેનિનવાદી) હોય.

નેપાળી કૉંગ્રેસનું નેતૃત્વ પણ બ્રાહ્મણોના હાથમાં જ રહ્યું છે. અત્યારે શેર બહાદુર દેઉવા પાસે છે, જેઓ છેત્રી છે.

ગ્રે લાઇન

નેપાળમાં કૉમ્યુનિસ્ટ રાજ છે કે બ્રાહ્મણ રાજ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

નેપાળના અનેક વિશ્લેષકો માને છે કે કૉમ્યુનિસ્ટ પાર્ટીઓ અને નેપાળી કૉંગ્રેસમાં ખસ આર્યોનું વર્ચસ્વ ખતમ નહીં થાય ત્યાં સુધી નેપાળની સત્તા સર્વસમાવેશક બની શકશે નહીં.

નેપાળમાં કૉમ્યુનિસ્ટ રાજ છે કે બ્રાહ્મણ રાજ? નેપાળની કૉમ્યુનિસ્ટ પાર્ટીઓ માત્ર બ્રાહ્મણોના પક્ષો છે? એવા સવાલ નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન બાબુરામ ભટ્ટરઈને પૂછ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, "મારો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો છે તે મારી ભૂલ નથી. મેં તો જ્ઞાતિ પણ છોડી દીધી છે."

તેમણે ઉમેર્યું હતું કે, "જેમનો જન્મ ઊંચી જ્ઞાતિમાં થાય છે તેમની પાસે શિક્ષણ મેળવવાની તક વધારે હોય છે એ વાત સમજવાની જરૂર છે. શિક્ષણ પછી તેમને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ મળે છે. કોઈ પણ ક્રાંતિકારી આંદોલનનું નેતૃત્વ પણ આ જ કરે છે."

ભટ્ટરઈએ કહ્યું હતું કે, "સમગ્ર વિશ્વના સામ્યવાદી કે રાષ્ટ્રવાદી આંદોલનના ઇતિહાસ પર નજર કરો તો સમજાશે કે તેનું નેતૃત્વ ઊંચી જ્ઞાતિના કે ઉચ્ચ વર્ગના લોકોએ જ કર્યું છે. માર્ક્સથી માંડીને મહાત્મા ગાંધી અને નહેરુ સુધી."

"હાંસિયા પરની જ્ઞાતિઓ માટે અમે બંધારણમાં અનેક પ્રકારની વ્યવસ્થા કરી છે. નેપાળમાં બ્રાહ્મણોની વિચારધારા પ્રગતિશીલ છે."

"નેપાળની રાજનીતિ વધુ સર્વસમાવેશક હોવી જોઈએ તે સાચી વાત છે, પરંતુ તેમાં સમય લાગશે."

તેમણે એમ પણ કહ્યું હતું કે, “નેપાળના રાજકીય પક્ષો વ્યક્તિકેન્દ્રી થઈ ગયા છે. ખાસ કરીને અહીંના સામ્યવાદી પક્ષોમાં એક જ વ્યક્તિનું રાજ ચાલે છે. તેથી સર્વસમાવેશક નિર્ણય થતા નથી. પ્રચંડ તેમના પક્ષનું નેતૃત્વ છેલ્લાં 30 વર્ષથી કરી રહ્યા છે. ઓલી અને દેઉવાનું પણ એવું જ છે. સામ્યવાદી પક્ષો જૂના રિવાજ છોડીને આગળ નીકળી શકતા નથી.”

બીબીસી ગુજરાતી

ભારતના કૉમ્યુનિસ્ટો વિરુદ્ધ નેપાળના કૉમ્યુનિસ્ટો

ભટ્ટરઇના કહેવા મુજબ, "નેપાળના સામ્યવાદી પક્ષો બહુ સેન્ટ્રલાઇઝ્ડ છે. બ્રાહ્મણોમાં પણ શ્રીમંત અને પુરુષો પાસે જ સત્તા છે. અહીં ગરીબો કે મહિલાઓ ક્યાંય દેખાતાં નથી."

"જૂની સામ્યવાદી વિચારધારા આખી દુનિયામાં વેરવિખેર થઈ રહી છે. ભારતમાં પણ આ કારણે જ સામ્યવાદી પક્ષો હાંસિયા પર ધકેલાઈ ગયા છે."

"તેમાં પણ જ્ઞાતિ એક મહત્ત્વનો મુદ્દો છે. હું માનું છું કે નેપાળના સામ્યવાદી પક્ષો, ભારતના સામ્યવાદી પક્ષોની તુલનાએ વધારે પ્રગતિશીલ છે.”

વિજયકાંત કર્ણ ડેન્માર્કમાં નેપાળના રાજદૂત તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓ કાઠમંડુમાં સેન્ટર ફૉર સોશિયલ ઇન્ક્લૂઝન ઍન્ડ ફેડરલિઝમ નામની એક થિંક ટૅન્ક ચલાવે છે. તેઓ બાબુરામ ભટ્ટરઇના વિચારો સાથે સહમત નથી.

તેમણે કહ્યું હતું કે, "નેપાળના બ્રાહ્મણો કે તેમના નેતૃત્વ હેઠળના સામ્યવાદી પક્ષો ભારતમાંના સામ્યવાદી પક્ષોની સરખામણીએ વધારે પ્રગતિશીલ છે એ વાત સાથે હું જરાય સહમત નથી."

"ભારતના સામ્યવાદી પક્ષો દલિતો, મુસલમાનો, પછાત જ્ઞાતિઓ અને ધર્મનિરપેક્ષતાની બાબતમાં અવાજ ઉઠાવતી રહી છે. નેપાળમાં આવું નથી."

"નેપાળના સામ્યવાદી પક્ષોનું નેતૃત્વ અમીર બ્રાહ્મણોના હાથમાં છે અને તેમનો એકમાત્ર હેતુ કોઈ પણ સંજોગમાં સત્તા પર ટકી રહેવાનો છે."

વિજયકાંત કર્ણે ઉમેર્યું હતું કે, "1990ના દાયકામાં નેપાળમાં માઓવાદી જનયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે આ જ નેતાઓ દલિતો, મધેસિઓ, મહિલાઓ અને ધર્મનિરપેક્ષતાની વાતો કરતા હતા, પરંતુ સત્તા પર આવ્યા પછી તેમણે એ મુદ્દાઓને બાજુ પર હડસેલી દીધા છે."

"પ્રચંડના પક્ષમાંથી કોઈ મધેસી કે જનજાતિની વ્યક્તિ વડા પ્રધાન કેમ ન બની શકે? પ્રચંડ કે બાબુરામ ભટ્ટરઈને એવું કરતા કોણે રોક્યા છે?"

બીબીસી ગુજરાતી

મહત્ત્વનાં મંત્રાલયો પર ખસ આર્યોનો કબજો

નેપાલના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ છે અને તેમના અગાઉ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પણ બ્રાહ્મણ હતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેપાલના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ છે અને તેમના અગાઉ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પણ બ્રાહ્મણ હતાં

કર્ણે એમ પણ કહ્યું હતું કે "પ્રચંડના પ્રધાનમંડળમાં મહેંદ્ર રાય કહેવા પૂરતા મધેસી પ્રધાન છે. પરંતુ તેમને મહત્ત્વનું મંત્રાલય આપવામાં આવ્યું નથી."

"નેપાળના એકેય સામ્યવાદી પક્ષે મધેસી આંદોલનને ટેકો આપ્યો ન હતો. એવું શા માટે? ભારતના સામ્યવાદી પક્ષો ગરીબોના અધિકાર માટેના કોઈ આંદોલનનો વિરોધ કરે છે?"

"મેં તો આવું ક્યારેય જોયું નથી. ભારતમાં પણ સામ્યવાદી પક્ષોનું નેતૃત્વ બ્રાહ્મણોના હાથમાં છે, પરંતુ તેઓ દલિતો, લઘુમતીઓ, મહિલાઓ અને ધર્મનિરપેક્ષતાની તરફેણ કાયમ કરે છે. નેપાળના સામ્યવાદી પક્ષોની બાબતમાં આવું નથી."

નેપાળમાં જ્ઞાતિવ્યવસ્થાની વાત કરતાં બાબુરામ ભટ્ટરઇએ કહ્યું હતું કે, "નેપાળ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સામાજિક રીતે બિલકુલ અલગ દેશ છે. મેં ભારતના ચંદીગઢ અને દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 13 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે."

"હું જાણું છું કે ભારતના લોકો નેપાળને બૃહદ ભારતવર્ષનો હિસ્સો માને છે. નેપાળની ભૌગૌલિક સ્થિતિ સંદર્ભે વસ્તીનો વિચાર કરીએ તો તે દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયામાં અડધી-અડધી વહેંચાયેલી છે, પરંતુ દિલ્હીવાળાઓને એવું લાગે છે કે નેપાળ ભારતનું જ છે."

તેમના કહેવા મુજબ, "નેપાળ બહુસાંસ્કૃતિક અને બહુધાર્મિક દેશ છે. અહીં માત્ર હિંદુઓ નથી રહેતા. અહીં હિંદુ ધર્મ તો ખસ આર્યોએ થોપ્યો છે. એ ખસ આર્યો ભારતથી ભાગીને નેપાળ આવ્યા હતા."

"તેમણે જ નેપાળમાં જ્ઞાતિ વ્યવસ્થાને મજબૂત કરી હતી. મારો જન્મ હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો છે અને મારા પિતા આજે પણ ધર્મપરાયણ હિંદુ છે, પરંતુ હું નાસ્તિક છું. હું એમ કહેવા ઇચ્છું છું કે નેપાળ બિલકુલ અલગ છે."

"નેપાળનો સમાજ ભારત જેવો નથી. નેપાળનો પોતાનો ઇતિહાસ છે. અહીંના બ્રાહ્મણો ભારતના બ્રાહ્મણોની જેમ છૂતઅછૂતના ભેદભાવ કરતા નથી."

બીબીસી ગુજરાતી

વૈચારિક અસ્પષ્ટતા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વૈજ્ઞાનિક સમાજવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના વડા આહુતિ નેપાળના વિખ્યાત કવિ અને દલિત ચિંતક છે. તેઓ માને છે કે નેપાળમાં બ્રાહ્મણોના વર્ચસ્વ માટે વૈચારિક જડતા સૌથી મહત્ત્વનું કારણ છે.

આહુતિએ કહ્યું હતું કે, "મૂડીવાદનો જન્મ થયો ત્યાં જ્ઞાતિ વ્યવસ્થા ન હતી. મૂડીવાદની શરૂઆત નોર્વેથી થઈ હોવાનું માનવામાં આવે છે. મૂડીવાદની આડશમાં જેટલા ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં જ્ઞાતિ વ્યવસ્થા બાબતે ક્યારેય વિચારવામાં આવ્યું નથી."

"ભારતમાં મૂડીવાદ પુનર્જાગરણના સ્વરૂપમાં નહીં, પરંતુ ઉપનિવેશના સ્વરૂપમાં આવ્યો હતો."

"ઉપનિવેશવાદને જ્ઞાતિ સામે કોઈ યુદ્ધ કરવું ન હતું. તેને ભારત લૂંટવામાં રસ હતો."

તેમણે ઉમેર્યું હતું કે, "ઉપનિવેશવાદના સ્વરૂપમાં ભારતમાં આવેલી મૂડીવાદી વિચારધારાએ જ્ઞાતિ વ્યવસ્થાનો ઉપયોગ પોતાનાં હિત સાધવા માટે કર્યો હતો."

"અંગ્રેજોએ જ્ઞાતિને વ્યવસ્થામાંથી પડતી મૂકી ન હતી, પરંતુ તેને વ્યવસ્થાનો એક હિસ્સો બનાવી દીધી હતી. મૂડીવાદીઓએ રૂઢીઓને અટકાવી ન હતી, પરંતુ તેનો ઉપયોગ કમાણી માટે કર્યો હતો."

"મૂડીવાદીઓ માટે જ્ઞાતિ વ્યવસ્થા પડકાર ન હતી, પરંતુ માર્ક્સવાદ માટે જ્ઞાતિ વ્યવસ્થા સૌથી મોટો પડકાર છે. માર્ક્સવાદને જીવંત રાખવો હોય તો તે કામ જ્ઞાતિ વ્યવસ્થાને જીવંત રાખીને કરી શકાય નહીં."

બીબીસી ગુજરાતી

મૂડીવાદ વિરુદ્ધ માર્ક્સવાદ

આહુતિના કહેવા મુજબ, “એ મૂડીવાદ નેપાળમાં આવ્યો. નેપાળમાં દલાલ મૂડીવાદ આવ્યો. નેપાળીઓ તો કોઈ મૂડીવાદી પણ નથી. નેપાળમાં બહુરાષ્ટ્રીય કંપનીઓની દલાલી સ્વરૂપે ભારતમાંથી મૂડીવાદ આવ્યો. ભારતમાં ઔદ્યોગિક અને પ્રગતિશીલ મૂડીવાદ ન હતો."

"એવી જ રીતે નેપાળમાં મૂડીવાદ દલાલી સ્વરૂપે આવ્યો હતો. એ મૂડીવાદ પાસે જ્ઞાતિ સામે લડવા માટે કોઈ ફિલસૂફી ન હતી. મને આ સંદર્ભે આંબેડકરની સમજ બાબતે પણ શંકા થાય છે."

"આંબેડકરને એમ હતું કે ધર્મ પરિવર્તનથી જાતીય ભેદભાવ ખતમ થઈ જશે. તેમની આ સમજ ભૂલભરેલી હતી. આંબેડકરની રાજકીય વિચારધારા તદ્દન નિષ્ફળ રહી હતી."

આહુતિએ એમ પણ કહ્યું હતું કે "મૂડીવાદ જન્મ્યો હતો ત્યાં જ્ઞાતિ વ્યવસ્થા ન હતી, તેવી જ રીતે જ્યાંથી માર્ક્સવાદ જન્મ્યો ત્યાં પણ જ્ઞાતિ વ્યવસ્થા ન હતી. માર્ક્સે પણ જ્ઞાતિ વ્યવસ્થા બાબતે કશું કહ્યું નથી."

"સોવિયેત સંઘમાં માર્ક્સવાદી વિચારધારાને આધારે ક્રાંતિ થઈ, પરંતુ ત્યાં જ્ઞાતિ ન હતી. ચીનમાં આ વિચારધારા મારફત ક્રાંતિ થઈ. ત્યાં જ્ઞાતિ વ્યવસ્થા ન હતી."

"રોમાનિયાથી માંડીને ચેકોસ્લોવેકિયા સુધી ક્રાંતિ થઈ, પરંતુ ત્યાં પણ જ્ઞાતિ વ્યવસ્થા ન હતી. નેપાળમાં માર્ક્સવાદ આવ્યો, પરંતુ તેની પાસે જ્ઞાતિ વ્યવસ્થાને હટાવવાની કોઈ દવા ન હતી."

"તેમણે ક્લાસને મહત્ત્વ આપ્યું હતું અને કાસ્ટની અવગણના કરી હતી. ક્લાસ કાસ્ટ સાથે જોડાયેલો છે એ તેઓ જાણતા હતા, છતાં તેમણે તેની ઉપેક્ષા કરી હતી," એવું આહુતિએ કહ્યું હતું.

બીબીસી ગુજરાતી

વૈચારિક પ્રતિબદ્ધતા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આહુતિના જણાવ્યા મુજબ, બ્રાહ્મણો પાસે નેતૃત્વ છે તેની સામે તેમને વાંધો નથી, પરંતુ પ્રગતિશીલ વિચારધારાવાળા બ્રાહ્મણોની ઓછપ સામે તેમને વાંધો છે.

નેપાળના ભૂતપૂર્વ વિદેશમંત્રી ઉપેન્દ્ર યાદવ હાલ સાંસદ છે. અમે તેમને સવાલ કર્યો હતો કે નેપાળમાં રાજાશાહીના અંત અને લોકશાહીના આરંભની દેશની શાસન વ્યવસ્થા પર કેવી અસર થઈ છે?

ઉપેન્દ્ર યાદવે કહ્યું હતું કે, "રાજાશાહી વ્યવસ્થામાં સત્તામાં ક્ષત્રિયોનો દબદબો હતો, જ્યારે લોકશાહીના આગમન પછી બ્રાહ્મણોનો દબદબો છે."

"આટલો ફરક પડ્યો છે. સત્તાની આવનજાવન એ બન્નેની વચ્ચે જ થઈ છે. નેપાળ સરકાર, સૈન્ય, પોલીસ, વહીવટી તંત્ર અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં બ્રાહ્મણોનો દબદબો છે."

તેમણે ઉમેર્યું હતું કે, "નેપાળમાં પહેલી વાર કોઈ બ્રાહ્મણ સૈન્ય પ્રમુખ બન્યો છે. રાજાશાહીમાં સૈન્ય પ્રમુખ છેત્રીઓ જ બનતા હતા. યાદવ, મહતો કે જનજાતિ સમુદાયની કોઈ વ્યક્તિ નેપાળના સૈન્યની પ્રમુખ બનશે તેની તો હવે કલ્પના કરવી પણ શક્ય નથી."

"બંધારણ પણ ચાર બ્રાહ્મણ અને એક છેત્રીએ મળીને બનાવ્યું છે. બંધારણ સર્વસમાવેશક હોવું જોઈતું હતું, પણ તેમણે એવું થવા દીધું નહીં. જે માઓવાદી જનયુદ્ધને કારણે રાજાશાહી ખતમ થઈ એ યુદ્ધમાં બંદૂક કોણે ઉઠાવી હતી?"

"એ બ્રાહ્મણો ન હતા એ તો સ્પષ્ટ છે. થારુ, મગર, શેરપા, યાદવ અને મહતોએ બંદૂક ઉઠાવી હતી. એ જનયુદ્ધમાં આ જ્ઞાતિઓના જ સૌથી વધુ લોકો માર્યા ગયા હતા, પરંતુ નેતૃત્વ ત્યારે પણ બ્રાહ્મણોના હાથમાં હતું, આજે પણ તેમની પાસે જ છે."

વિજયકાંત કર્ણનું કહેવું છે કે "નેપાળના જેટલા રાજદૂતો વિદેશમાં છે, એ પૈકીના 90 ટકા બ્રાહ્મણ છે."

"નેપાળમાં જાતીય વર્ચસ્વનાં મૂળ બહુ ઊંડાં છે અને જેમણે રાજાશાહીનો અંત આણવા પોતાના જીવની બાજી લગાવી હતી એ લોકોને આજે છેતરાયાની લાગણી થઈ રહી છે."

નિભા શાહ નેપાળનાં વિખ્યાત કવયિત્રી છે. તેમણે આ નિરાશા ‘આગ ધધક રહી હૈ મનસરા’ શીર્ષક ધરાવતી એક કવિતામાં સારી રીતે વ્યક્ત કરી છે. નેપાળી ભાષામાં લખાયેલી તે કવિતાનો હિન્દી અનુવાદ નેપાળના પત્રકાર નરેશ જ્ઞવાલીએ કર્યો છે.

પસીના બહાકર

દુનિયા બદલતી તો

કુલી કી દુનિયા

કબ કી બદલ ચૂકી હોતી મનસરા

ખૂન બહાકર

દુનિયા બદલતી તો

જનતા કી દુનિયા

કબ કી બદલ ચૂકી હોતી મનસરા

વૈસે તો મનસરા

ખૂન પસીને સે હી

બદલતી હૈ દુનિયા

બનતી હૈ દુનિયા

પર ખૂન પસીને સે નહીં બદલી દુનિયા

ક્યોં નહીં બદલી?

કભી

આગ કી ધધકન

સુના હૈ મનસરા

આગ તો ધધક રહી હૈ મનસરા

અપના કાટા હુઆ જલાવન

કોઈ ઓર જલા દે તો

આગ અપની નહીં હોતી મનસરા

ઉજાલા ભી ઉસકા અપના

નહીં હોતા મનસરા

ઉજાલા અપના ન હો તો

દુનિયા નહીં બદલતી મનસરા

રેડ લાઇન
રેડ લાઇન