નેપાળમાં ધર્માંતરણ ગેરકાયદે હોવા છતાં મિશનરીઓ કરી રહ્યા છે ખ્રિસ્તી ધર્મનો પ્રસાર


- નેપાળમાં નાગરિકોનું ધર્માંતરણ કરવું ગેરકાયદે છે, પરંતુ મિશનરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરવા કાયદેસરની કાર્યવાહીનો જોખમ વહોરવા પણ તૈયાર છે
- હિમાલયની તળેટીમાં આવેલા ઝારલંગ ગામમાં એક નવા ચર્ચને આશીર્વાદ આપતાં કોરિયન પાદરી પેંગ યાંગ-ઈન રડી પડે છે અને કહે છે કે “ઈસુનો વિજય થાઓ.”
- આ લોકો અગાઉ પ્રાચીન આધ્યાત્મિક પરંપરા લામામાં આસ્થા ધરાવતા હતા
- નેપાળમાં ઘણા ખ્રિસ્તી ધર્મપ્રચારકો (મિશનરી) પેંગ જેવા દક્ષિણ કોરિયન છે
- વિશ્વમાં સૌથી વધુ ઝડપે ખ્રિસ્તી સમુદાય વિકસતો હોય તેવા દેશોમાં નેપાળનો સમાવેશ થાય છે
- ભૂતકાળનું હિન્દુ સામ્રાજ્ય નેપાળ ભગવાન બુદ્ધનું જન્મસ્થળ છે
- પાદરી પેંગ નેપાળમાં છેલ્લા બે દાયકામાં લગભગ 70 ચર્ચના નિર્માણના કામ પર દેખરેખ રાખતા રહ્યા છે
- નેપાળ હવે બિનસાંપ્રદાયિક દેશ છે અને 2015માં બંધારણમાં ધાર્મિક સ્વાતંત્ર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે

નેપાળમાં નાગરિકોનું ધર્માંતરણ કરવું ગેરકાયદે છે, પરંતુ મિશનરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરવા કાયદેસરની કાર્યવાહીનો જોખમ વહોરવા પણ તૈયાર છે.
હિમાલયની તળેટીમાં આવેલા ઝારલંગ ગામમાં એક નવા ચર્ચને આશીર્વાદ આપતાં કોરિયન પાદરી પેંગ યાંગ-ઈન રડી પડે છે અને કહે છે કે “ઈસુનો વિજય થાઓ.”
મૂળ ધર્મ છોડીને તાજેતરમાં ખ્રિસ્તી બનેલા લોકો પ્રાર્થનામાં હાથ ઊંચા કરે છે. એ પૈકીના મોટા ભાગના તમાંગ સમુદાયના છે.
આ લોકો અગાઉ પ્રાચીન આધ્યાત્મિક પરંપરા લામામાં આસ્થા ધરાવતા હતા.
પાદરી પેંગ માને છે કે આ લોકો “આર્થિક તથા આધ્યાત્મિક રીતે ગરીબ છે. તેથી ચમત્કાર થયો અને આખા ગામે ધર્માંતરણ કર્યું.”
નેપાળમાં ઘણા ખ્રિસ્તી ધર્મપ્રચારકો (મિશનરી) પેંગ જેવા દક્ષિણ કોરિયન છે. વિશ્વમાં સૌથી વધુ ઝડપે ખ્રિસ્તી સમુદાય વિકસતો હોય તેવા દેશોમાં નેપાળનો સમાવેશ થાય છે અને આ લોકો તેમાં મદદ કરી રહ્યા છે. ભૂતકાળનું હિન્દુ સામ્રાજ્ય નેપાળ ભગવાન બુદ્ધનું જન્મસ્થળ છે.
નેપાળમાં ખ્રિસ્તીઓની સંખ્યામાં વધારો પોતાને દલિત ગણાવતા અથવા સ્થાનિક લોકોના ધર્માંતરણને લીધે થયો છે.
પેંગ સૂચવે છે તેમ આ લોકોને ચમત્કારમાં કદાચ ભરોસો હોઈ શકે, પરંતુ એમના માટે ધર્માંતરણ ગરીબી તથા ભેદભાવથી બચવાની મોટી તક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાદરી પેંગ નેપાળમાં છેલ્લા બે દાયકામાં લગભગ 70 ચર્ચના નિર્માણના કામ પર દેખરેખ રાખતા રહ્યા છે. એ પૈકીના મોટા ભાગના ધાડિંગ જિલ્લામાં નિર્માણ પામ્યા છે.
ધાડિંગ રાજધાની કાઠમડુંથી ઉત્તર-પશ્ચિમે બે કલાકના અંતરે આવેલું છે. પેંગના જણાવ્યા મુજબ, સમુદાય જમીનનું દાન કરે છે અને કોરિયન ચર્ચના નિર્માણમાં નાણાકીય મદદ પણ કરે છે.
પેંગ દાવો કરે છે કે “લગભગ દરેક પર્વતીય ખીણમાં ચર્ચનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.”
તે કદાચ અતિશયોક્તિ હોઈ શકે છે, પરંતુ તાજેતરનાં વર્ષોમાં સમગ્ર નેપાળમાં ચર્ચની સંખ્યામાં જંગી વધારો થયો છે તેમાં કોઈ શંકા નથી.
રાષ્ટ્રીય ખ્રિસ્તી સમુદાયના સર્વેક્ષણના તાજા આંકડા જણાવે છે કે હજુ પણ હિન્દુઓના બાહુલ્યવાળા આ દેશમાં 7,758 ચર્ચ આવેલાં છે અને આ બધાની પાછળ દક્ષિણ કોરિયા છે.

બિઝનસ કે સ્ટડી વિઝા પર નેપાળમાં

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોરિયન વર્લ્ડ મિશન ઍસોસિયેશનના જણાવ્યા મુજબ, દક્ષિણ કોરિયા વિશ્વના અન્ય દેશોમાં ખ્રિસ્તી ધર્મપ્રચારકો મોકલતા સૌથી મોટા રાષ્ટ્રો પૈકીનું એક બની ગયું છે. દક્ષિણ કોરિયાએ આવા લોકોને મોકલવાનું કામ થોડાં વર્ષો પહેલાં જ શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં તેણે 22,000થી વધુ મિશનરી પરદેશમાં મોકલ્યા છે.
નવજીવનના ઉત્સાહથી પ્રેરિત કોરિયન મિશનરીઓ વિશ્વના એવા ખૂણાઓ સુધી પહોંચ્યા છે, જ્યાં ધર્માંતરણ કરવું અત્યંત મુશ્કેલ હોય.
તેઓ આક્રમક રીતે ધર્મપ્રચાર કરવા માટે જાણીતા છે. કેટલાક દેશોમાંથી તો તેમને હાંકી પણ કાઢવામાં આવ્યા છે.
નેપાળ હવે બિનસાંપ્રદાયિક દેશ છે અને 2015માં બંધારણમાં ધાર્મિક સ્વાતંત્ર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, 2018થી અમલમાં આવેલા ધર્માંતરણ વિરોધી કાયદા મુજબ, કોઈ પણ નાગરિકને ધર્માંતરણ માટે પ્રોત્સાહિત કરવા બદલ દોષિત સાબિત થનારને પાંચ વર્ષ સુધીના કારાવાસની સજા થઈ શકે છે.
પેંગના પત્ની લી જેઓંગ-હી કહે છે કે “ધર્માંતરણવિરોધી કાયદાને કારણે અમે કાયમ ચિંતા તથા ગભરાટ અનુભવીએ છીએ, પરંતુ અમે આ ડરને કારણે ધર્મપ્રચાર રોકી શકીએ નહીં. અમે આત્માઓને બચાવવાનું બંધ કરીશું નહીં.”
પાદરી પેંગ અને તેમનાં પત્ની બૅન્કર તરીકે કામ કરતાં હતાં. લી જેઓંગ-હી કહે છે કે “મારા પતિને સૌપ્રથમ ભગવાનનો આદેશ મળ્યો હતો અને એ પછી ટૂંક સમયમાં ભગવાને અમને નેપાળ જવાનો સંકેત આપ્યો હતો.”
પેંગ દંપતી 2003માં નેપાળ આવ્યું ત્યારે અહીં હિન્દુ રાજવી પરિવાર સત્તાના સિંહાસન પર હતો.
પેંગ કહે છે કે “સંખ્યાબંધ મૂર્તિઓની પૂજા થતી જોઈને હું ચોંકી ઊઠ્યો હતો. મને લાગ્યું હતું કે નેપાળને ખ્રિસ્તી ધર્મોપદેશની તાતી જરૂર છે.”

240 વર્ષ જૂની રાજાશાહીને 2008માં એક દાયકાના આંતરવિગ્રહ બાદ નાબૂદ કરવામાં આવી હતી અને નેપાળના બિનસાંપ્રદાયિક દેશ જાહેર કરીને એક ગઠબંધન સરકાર સત્તા પર આવી હતી.
પેંગ કહે છે કે “તેની સાથે ખ્રિસ્તી ધર્મપ્રચારનો સુવર્ણયુગ શરૂ થયો હતો.”
પેંગ અને તેમનાં પત્ની હાલ નેપાળમાં વસતા લગભગ 300 કોરિયન મિશનરી પરિવારોને સમુદાયનો એક ભાગ છે.
આ સમુદાયના લોકો મોટા ભાગે ભૈસેપતિ ઉપનગરમાંના એક કોરિયન ચર્ચની આસપાસ રહે છે. તેમાંથી કોઈ સત્તાવાર રીતે મિશનરી નથી.
તેઓ બિઝનસ કે સ્ટડી વિઝા પર નેપાળમાં રહે છે. કેટલાક રેસ્ટોરાં ચલાવે છે, જ્યારે કેટલાક સખાવતી સંસ્થાઓ તરીકે નોંધાયેલા છે.
અમે કોરિયન મિશનરી સમુદાય સાથે અનેક સપ્તાહ વિતાવ્યા હતાં, પરંતુ માત્ર પેંગ અને તેમનાં પત્ની જ અમારી સાથે મોકળા મને વાત કરવા તૈયાર થયાં હતાં.
પેંગ કહે છે કે “ભગવાન નેપાળમાં શું કરી રહ્યા છે તેની વાત કરવા હું તૈયાર છું.”
તેઓ તેમના કામને કાયદાનું ઉલ્લંઘન ગણતા નથી, કારણ કે તેમના માનવા મુજબ, તેઓ ખુલ્લેઆમ ધર્મપરિવર્તન કરાવતા નથી કે ખ્રિસ્તી દીક્ષા આપતા નથી.
પેંગ કહે છે કે “ધર્મપ્રસારનું કામ અમારું નથી. ભગવાન તે કામ કરી રહ્યા છે. અમે એ દર્શાવવા ઇચ્છીએ છીએ કે નેપાળમાં ચમત્કાર કરવા માટે ભગવાન અમારા મારફત કેવી રીતે કામ કરી રહ્યા છે.”

“દેશની સાંસ્કૃતિક ઓળખ પરનો સંગઠિત હુમલો”
નેપાળની કુલ વસ્તીમાં ખ્રિસ્તી સમુદાયનો હિસ્સો બે ટકાથી પણ ઓછો છે.
નેપાળમાં 80 ટકા હિન્દુઓ તથા નવ ટકા બૌદ્ધો છે, પરંતુ વસ્તીગણતરીના આંકડા તેમાં વૃદ્ધિ દર્શાવે છે.
1951 સુધી નેપાળમાં એકેય ખ્રિસ્તી ધર્મી ન હતો અને 1961માં 458 ખ્રિસ્તીઓ હતા, પરંતુ 2011 સુધીમાં તેમની સંખ્યા વધીને 3,76,000ની નજીક પહોંચી ગઈ હતી અને તાજેતરની વસ્તીગણતરીના અંદાજ મુજબ, હવે તેમનું પ્રમાણ આશરે 5,45,000 છે.
નેપાળના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન કમલ થાપા કહે છે કે “અહીં ખ્રિસ્તી ધર્મ દાવાનળની જેમ ફેલાઈ રહ્યો છે. દેશની સાંસ્કૃતિક ઓળખ પર જોખમ સર્જાયું છે. રાષ્ટ્રીય એકતા દાવ પર લાગેલી છે.”
કમલ થાપા ખ્રિસ્તી મિશનરીઓના કામને “દેશની સાંસ્કૃતિક ઓળખ પરનો સંગઠિત હુમલો” માને છે.
તેઓ કહે છે કે “મિશનરીઓ પડદા પાછળ રહીને કામ કરી રહ્યા છે અને ગરીબ તથા ભોળા લોકોનું શોષણ કરી રહ્યા છે, તેમજ તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ મામલો ધાર્મિક સ્વાતંત્ર્યનો નથી, પણ ધર્મના નામે શોષણનો મામલો છે.”
તેઓ નેપાળને ફરી હિન્દુ દેશ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમણે ધર્માંતરણવિરોધી કાયદાને ટેકો આપ્યો હતો અને એ કાયદાનો અમલ થાય એવું તેઓ ઇચ્છે છે.
ખ્રિસ્તીઓ પર કાયદા હેઠળ આરોપ જરૂર મૂકવામાં આવ્યા છે, પરંતુ એમના પૈકીનો કોઈ દોષિત પુરવાર થયો નથી. મોટા ભાગના કેસ પુરાવાના અભાવે ફગાવી દેવામાં આવ્યા છે અથવા તો અપીલમાં પ્રતિવાદીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
નેપાળ ક્રિશ્ચિયન સોસાયટીના જણાવ્યા અનુસાર, હાલ પાંચ કેસ ચાલી રહ્યા છે. બે ખ્રિસ્તી સાધ્વી સહિતના ચાર કોરિયન સામેના કેસ ગત ડિસેમ્બરમાં રદ કરવામાં આવ્યા હતા.

ફરી સ્વીકાર

ધર્માંતરણવિરોધી કાયદા હેઠળ પૂછપરછ કરવામાં આવી હોય તેવા લોકો પૈકીના એક નેપાલ ક્રિશ્ચિયન સોસાયટીના વડા પાદરી દિલ્હી રામ પૌડેલ છે.
તેમના પર ધર્માંતરણ માટે લોકોને લાંચ આપવાનો આરોપ 2018માં મૂકવામાં આવ્યો હતો. પોતે એવું કશું કર્યાનો તેઓ ભારપૂર્વક ઇન્કાર કરે છે. બાદમાં તેમની સામેના આરોપ પડતા મૂકવામાં આવ્યા હતા.
તેઓ કહે છે કે “અમારા પર લોકોના ધર્માંતરણનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ એ સત્તા અમારા હાથમાં નથી. જો એવું હોત તો મેં મારા 92 વર્ષનાં માતાનું ધર્માંતરણ કરાવ્યું હોત. હું તેમને પૈસા આપી શકું, તેમના માટે પ્રાર્થના કરી શકું, પણ તેમનું ધર્માંતરણ કરી શકું નહીં, કારણ કે તેનો આદેશ ઈસુ તરફથી આવવો જોઈએ.”
તેઓ એક ધર્મનિષ્ઠ હિન્દુ પરિવારના સભ્ય છે અને તેમની નિમણૂક તેમના પહેલાંની 21 પેઢીની માફક પૂજારી તરીકે કરવામાં આવી હતી.
આયુષ્યની વીસીમાં તેઓ કોરિયા અભ્યાસ કરવા ગયા હતા અને ત્યાં તેમનો પરિચય ખ્રિસ્તી ધર્મ સાથે કરાવવામાં આવ્યો હતો.
તેઓ કહે છે કે “હું એકલો અને મિત્રવિહોણો હતો. પછી કેટલાક લોકોએ મારા હાથમાં નેપાળી ભાષામાં પ્રકાશિત બાઈબલ આપ્યું હતું. તે મેં એ આખી રાત બેસીને વાંચી નાખ્યું હતું અને મને મારા સર્જક મળી ગયા હતા. આ વાત રમૂજી અને અવિશ્વસનીય લાગે છે? વેલ, એવું મારી સાથે થયું હતું.”
તેઓ નેપાળ પાછા ફર્યા ત્યારે પરિવારે તેમનો બહિષ્કાર કર્યો હતો. દિલ્હી રામ પૌડેલના કહેવા મુજબ, “મારા પરિવારજનોએ કહ્યું હતું કે ખ્રિસ્તી ધર્મ વિદેશી ધર્મ છે. કેટલાક લોકોએ એવું કહ્યું હતું કે હું પાગલ થઈ ગયો છું અને સ્મૃતિ ગુમાવી ચૂક્યો છું.”
તેમને પરિવાર તથા સમુદાયે ફરી સ્વીકાર્યા તેમાં લાંબો સમય લાગ્યો હતો.

નેપાળ અને કોરિયા વચ્ચેનો સંબંધ

નેપાળથી દર વર્ષે 2,000થી વધુ વિદ્યાર્થીઓ ભણવા માટે કોરિયા જાય છે. પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે એક મિશનરીએ જણાવે છે કે એ વિદ્યાર્થીઓ કોરિયામાં સ્થાનિક ચર્ચ સાથે જોડાવાના પ્રયાસ કરે છે.
તેઓ કહે છે કે “નેપાળમાં ખ્રિસ્તી ધર્મના પ્રસાર-પ્રચારનું કામ કરવું તે એક પડકાર છે. તેથી અમારી પાસે વૈકલ્પિક માર્ગો છે. દિલ્હી રામ પૌડેલ યુવાન હતા ત્યારે હિન્દુ પૂજારી હતા તેમ અમારું કામ કોઈ પણ વ્યક્તિનું ધર્માંતરણ કરાવવાનું છે. તેથી અમારે ગુપચુપ કામ કરવું પડે છે.”
પેંગ અને તેમનાં પત્ની કાઠમંડુમાં એક સેમિનરી સ્કૂલ ચલાવવામાં મદદ કરે છે. તેમાં હાલ આશરે 50 વિદ્યાર્થી છે.
તેમના શિક્ષણના તથા સ્કૂલના સંચાલનના ખર્ચની મોટા ભાગની વ્યવસ્થા કોરિયાના ચર્ચ દાતાઓ કરે છે.
એ વિદ્યાર્થીઓ પૈકીની એક 22 વર્ષની સપના સિંગાગ જિલ્લાના અંતરિયાળ તમાંગ ગામની વતની છે.
સપના કહે છે કે “મારા પિતા ચર્ચમાં જતા લોકોને ધિક્કારતા હતા. તેઓ એવું માનતા હતા કે આપણે આપણી પરંપરાને ભૂલવી ન જોઈએ.”

સપના ગંભીર રીતે બીમાર હતાં ત્યારે તેમના કાકાએ તેમનો પરિચય ખ્રિસ્તી ધર્મ સાથે કરાવ્યો હતો.
ધર્મપરિવર્તન કર્યા પછી પોતે સાજાં થઈ ગયાંનો દાવો સપના કરે છે. સપના કહે છે કે “આખરે મને કોઈ પ્રેમ કરે છે. હું જીસસ માટે જ જીવવા ઇચ્છું છું.”
સપનાના ગામ જેવાં અંતરિયાળ ગામો પેંગ ચાંગ-ઈન જેવા કોરિયન મિશનરીઓ માટે નવી સીમા છે.
પેંગ કહે છે કે “શહેરી વિસ્તારોમાં ધર્માંતરણવિરોધી કાયદો વધુ વાસ્તવિક જણાય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં અમારા કામ પર બહુ ઓછા લોકોની નજર હોય છે.”
સપના ગયા વર્ષે સેમિનરીમાંથી સ્નાતક થયાં હતાં. “ધીમે-ધીમે વિકાસ કરવા અને યુવાનોને ચર્ચનો હિસ્સો બનાવવા માટે” સપના હવે તેમના પર્વતીય ગામમાં પાછા ફરવા ઇચ્છે છે.
સપના કહે છે કે “હું નવાં સ્થળોએ જઈશ અને જેમના સુધી ઈસુનો સંદેશ પહોંચ્યો નથી એમના સુધી તે પહોંચાડીશ.”
“ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારને લીધે વર્તમાન ધર્મ તથા સંસ્કૃતિ સાથે સંઘર્ષ થઈ શકે છે,” એવું પેંગ માને છે, પરંતુ તેમના મતાનુસાર “આવો સાંસ્કૃતિક આંચકો અનિવાર્ય છે.”
(પૂરક માહિતી – રાજન પુરાજુલી અને રામા પરાજુલી)














