નેપાળમાં હિન્દુત્વનું રાજકારણ કેવી રીતે વિસ્તરી રહ્યું છે, તેની મુસલમાનો પર થાય છે કેવી અસર?

નેપાળ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા, જનકપુરથી
બીબીસી ગુજરાતી
  • નેપાળમાં લગભગ 80 ટકા વસતી હિન્દુ છે.
  • બૌદ્ધ સૌથી મોટો લઘુમતી સંપ્રદાય છે.
  • નેપાળમાં મુસ્લિમોની વસતી પાંચ ટકા છે.
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નેપાળમાં હિન્દુ સ્વયંસેવક સંઘના નામે કામ કરે છે.
  • હિન્દુ સ્વયંસેવક સંઘનાં કુલ 12 સંગઠન નેપાળમાં સક્રિય છે.
  • વિવાહ પંચમીના તહેવારમાં યોગી આદિત્યનાથ અયોધ્યાથી જાન લઈને ગયા હતા.
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે શહેરની દીવાલોને ભગવા રંગે રંગવામાં આવી હતી.
બીબીસી ગુજરાતી

નેપાળના જનકપુરમાં જાનકીમંદિરની બરાબર પાછળ એક મસ્જિદ છે. કહેવાય છે કે જાનકીમંદિર બનાવનાર કારીગરો મુસ્લિમ હતા અને તેમણે જ ઇબાદત માટે આ મસ્જિદ બનાવી હતી.

એ મસ્જિદ આજે પણ છે. જનકપુરની કુસ વસતીમાં ત્રણથી ચાર ટકા લોકો મુસલમાન છે.

જનકપુરનું જાનકીમંદિર વૉર્ડ નંબર છમાં આવેલું છે. 1990ના દાયકામાં આ વૉર્ડમાંથી સઇદ મોમિન અધ્યક્ષ બનતા હતા. પછી મોહમ્મદ ઇદરિસ વૉર્ડના અધ્યક્ષ બન્યા હતા.

વિવાહ પંચમી વખતે સઇદ મોમિન અને પછી મોહમ્મદ ઇદરિસ જાનકીમંદિર અને રામમંદિર વચ્ચે વરરાજાની જાનનું નેતૃત્વ કરતા હતા.

જનકપુરના વરિષ્ઠ પત્રકાર રોશન જનકપુરીના જણાવ્યા મુજબ, "સઇદ મોમિન અને મોહમ્મદ ઇદરિસ વિવાહ પંચમી વખતે જાનકીમંદિરમાં કેવી રીતે બધું સંભાળતા હતા એ તેમણે બાળપણમાં સગી આંખે જોયું છે. મોહરમના તાજિયા પણ જાનકીમંદિર કૅમ્પસમાં જ બનાવવામાં આવતા હતા."

મુસલમાનો માટે જાનકીમંદિરના દરવાજા ક્યારેય બંધ થયા નથી અને એ અજાણ્યા ધર્મનું મંદિર છે એવું મુસ્લિમોને ક્યારેય લાગ્યું નથી.

એક સમય એ પણ હતો કે જ્યારે જાનકીમંદિરના સમૂહ ભોજનમાં મુસલમાનો કામ કરતા હતા અને એ માટેની તમામ શાકભાજી ઉગાડતા હતા, પરંતુ હવે જાનકીમંદિર અને મસ્જિદ વચ્ચેનું અંતર વધી ગયું છે. મંદિર અને મસ્જિદ વચ્ચે એક દીવાલ ઊભી કરવામાં આવી છે. સઇદ મોમિન અને મોહમ્મદ ઇદરિસની પેઢી હવે ખતમ થઈ ગઈ છે.

વિવાહ પંચમી વખતે જાન હવે અયોધ્યાથી આવે છે. જાન હવે સ્થાનિકમાંથી આંતરરાષ્ટ્રીય બની ગઈ છે અને તેમાં રાજકારણ પણ ભળ્યું છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ 2018માં જાન લઈને જનકપુર આવ્યા હતા.

રોશન જનકપુરી કહે છે કે, “યોગીજીની ઍન્ટ્રી પછી જાનકીવિવાહમાં સઇદ મોમિન તથા મોહમ્મદ ઇદરિસ માટે બહુ ઓછી જગ્યા રહી હતી. 2014માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા પછી નેપાળમાં ગંભીર પ્રભાવ પડ્યો છે. જનકપુરીની જ વાત કરું તો 2018માં નરેન્દ્ર મોદીની જનકપુર મુલાકાત પહેલાં અને પછી ઘણું બધું બદલાઈ ગયું છે.”

બીબીસી ગુજરાતી

શહેર અને વિચારધારા પર અસર

જનકપુરની મસ્જિદ

ઇમેજ સ્રોત, KIRANKARN

ઇમેજ કૅપ્શન, જનકપુરની મસ્જિદ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સવારના દસ વાગી રહ્યા છે. જાનકીમંદિરની અંદરથી ‘હરે રામ, સીતા રામ’નો મધુર અવાજ આવી રહ્યો છે. મંદિરના કૅમ્પસમાં એક માણસ હનુમાનજીનો મુખવટો પહેરીને આંટા મારી રહ્યો છે. બાળકો એ હનુમાનજી સાથે સેલ્ફી લઈ રહ્યાં છે.

અમારો કૅમેરા જોઈને 40 વર્ષના એક માણસે સવાલ કર્યો હતો કે, “તમે ક્યાંથી આવ્યા છો?” મેં કહ્યું, દિલ્હીથી. તેમણે કશું પૂછ્યા વિના જણાવ્યું હતું કે વડા પ્રધાન પણ આવ્યા હતા. મેં પૂછ્યુઃ કોણ, પ્રચંડ? તેમણે કહ્યું: “અરે નહીં ભાઈ, મોદીજી.”

મેં એ વ્યક્તિને કહ્યું: તમારા વડા પ્રધાન તો પ્રચંડ છે ને? તેમણે કહ્યું : હા, છે, પરંતુ મોદીજી પણ છે.

મારી સાથે એ વખતે નેપાળના પહાડી વિસ્તારના એક પત્રકાર હતા અને જનકપુરના મુસ્લિમ પત્રકાર પણ હતા. બન્ને હસી પડ્યા. બન્નેમાંથી એક જણે કહ્યું હતું કે મોદી આવ્યા પછી નેપાળ પર કેવો અને કેટલો પ્રભાવ પડ્યો છે એ સમજી લો.

મેં એ મુસ્લિમ પત્રકારને પૂછ્યું હતું કે મંદિરના મહંતજી સાથે વાત થઈ શકશે? તેમણે જણાવ્યું હતું કે મહંતજી તો હાલ અયોધ્યા ગયા છે. મુખ્ય પૂજારીને મળવું હોય તો ચાલો. મેં તેમને પૂછ્યું હતું કે તમે મંદિરમાં પ્રવેશી શકો છો? એમનો જવાબ હતોઃ “સર, આ જનકપુર છે. મોદીજીનો પ્રભાવ પડ્યો છે, પરંતુ નેપાળમાં હજુ પણ બધું સારું છે. ચાલો પૂજારીને મળીએ.”

તેમણે મંદિરના દરવાજા બહાર પગરખાં ઉતાર્યાં અને મુખ્ય પૂજારી પાસે લઈ ગયા હતા. જાનકીમંદિરના મુખ્ય પૂજારીએ બહુ જ સ્નેહપૂર્વક મુસ્લિમ પત્રકારના ખબર-અંતર પૂછ્યા અને પછી મારી સાથે વાત કરી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2018માં જનકપુર આવ્યા હતા. તેમના જનકપુર આવ્યા પહેલાં અને પછી શહેરમાં અનેક પ્રકારનું પરિવર્તન થયું છે.

જનકપુર ઉપ-મહાનગર પાલિકાના તત્કાલીન મેયર લાલકિશોર વડાપ્ર ધાન મોદીના સ્વાગત માટે શહેરની અનેક દીવાલો ભગવા રંગે રંગાવી દીધી હતી. સુધરાઈનું નામ બદલીને જનકપુર ધામ ઉપ-મહાનગર પાલિકા કરવામાં આવ્યું હતું.

જનકપુર ઉપ-મહાનગરપાલિકાના કર્મચારી નસીમ અખ્તરે ભગવા રંગનો યુનિફોર્મ પહેરવાનો ઇનકાર કર્યો હતો

ઇમેજ સ્રોત, HADIS KHUDDAR

ઇમેજ કૅપ્શન, જનકપુર ઉપ-મહાનગરપાલિકાના કર્મચારી નસીમ અખ્તરે ભગવા રંગનો યુનિફોર્મ પહેરવાનો ઇનકાર કર્યો હતો

નગરપાલિકાના તમામ કર્મચારીઓને ભગવા રંગનો યુનિફૉર્મ આપવામાં આવ્યો હતો.

તમામ કર્મચારીઓ ઑફિસ પહોંચીને ‘જય જનકપુર ધામ’ નામનું એક પ્રાર્થના ગીત ગાતા હતા.

એ વખતે નસીમ અખ્તર નામના એક મુસ્લિમ કર્મચારીએ તે નિર્ણયનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો.

વર્ષ 2018માં જનકપુરના તત્કાલીન મેયર લાલકિશોર સાહે ઘણા વિવાદિત નિર્ણયો કર્યા હતા
ઇમેજ કૅપ્શન, વર્ષ 2018માં જનકપુરના તત્કાલીન મેયર લાલકિશોર સાહે ઘણા વિવાદિત નિર્ણયો કર્યા હતા

લાલકિશોર સાહને પૂછ્યું કે તેમણે આ નિર્ણય શા માટે લીધો હતો?

તેમણે કહ્યું હતું કે, “અમે જનકપુરને કેસરિયાનગર બનાવવા ઇચ્છતા હતા. તેથી અમે સરકારી ખર્ચે લોકોનાં ઘર પણ ભગવા રંગે રંગાવ્યાં હતાં. સીતાજીને પણ ભગવો રંગ બહુ પસંદ હતો.”

લાલકિશોર સાહના આ નિર્ણયથી નરેન્દ્ર મોદી રાજી થયા હતા કે નહીં?

સાહ કહે છે કે, “ઍરપૉર્ટ પર વડા પ્રધાન મોદીનું સ્વાગત મેં કર્યું હતું. તેમને ઍરપૉર્ટથી જાનકીમંદિર લાવ્યો હતો. એ પછી રંગભૂમિ મેદાનમાં મેં જ મોદીજીનું નાગરિક સ્વાગત કરાવ્યું હતું.”

“મોદીજીને વિદાય કરવા ગયો ત્યારે તેમણે પોતે કહ્યું હતું કે મેયર સાહેબ તમે તો જનકપુરને એક અલગ પ્રકારનો રંગ આપ્યો છે. મેં તેમને કહેલું કે આ મારો નિર્ણય હતો. મોદીએ કહ્યું હતું કે બહુ સારો નિર્ણય છે.”

ગ્રે લાઇન

હિન્દુત્વના રાજકારણની અસર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેપાળ મુલાકાત દરમિયાન

ડેનમાર્કમાં નેપાળના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ કાઠમંડુમાં સેન્ટર ફૉર સોશિયલ ઇન્ક્લુઝન ઍન્ડ ફેડરલિઝમ નામના એક વિચારમંડળના સંચાલક વિજયકાંત કર્ણેના કહેવા મુજબ, "નરેન્દ્ર મોદીને નિહાળવા માટે જનકપુરમાં હજારો લોકો એકઠા થયા હતા."

વિજયકાંત કર્ણ કહે છે કે, "નરેન્દ્ર મોદીને વિદેશમાં જોવા અને સાંભળવા માટે આટલી મોટી સંખ્યામાં લોકો ક્યારેય આવ્યા ન હતા. આખું રંગભૂમિ મેદાન ભરાઈ ગયું હતું. તેઓ વિદેશની ધરતી પર ભાષણ કરતા હોય એવું લાગી જ નહોતું રહ્યું."

તેઓ કહે છે કે, "નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી નેપાળમાં હિન્દુત્વના રાજકારણને બળ મળ્યું છે. ધર્મનો રાજકીય ઉપયોગ શરૂ થશે તો પરિસ્થિતિ બગડશે."

તેમના કહેવા મુજબ, "18 લાખ મુસલમાનો પૈકીના 98 ટકા મધેસ વિસ્તારમાં છે. એ વિસ્તાર ભારત સાથે જોડાયેલો છે."

"માત્ર નેપાળની જ નહીં, પરંતુ ભારતની સલામતી પર પણ માઠી અસર થશે. નેપાળની સીમાને વાસ્તવિક નિયંત્રણ રેખા અને બાંગ્લાદેશ સાથેની સીમા જેવી બનાવવાની ભૂલ ભારત નહીં કરે."

"આ બન્ને સીમા પર સલામતી માટે ભારતે અબજો રૂપિયા ખર્ચવા પડે છે, પરંતુ નેપાળ સાથેની સરહદે આવું નથી."

ગ્રે લાઇન

નેપાળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

બીરગંજના રંજિત સાહ એચએસએસના જનકપુર પ્રભાગના કાર્યવાહ છે
ઇમેજ કૅપ્શન, બીરગંજના રંજિત સાહ એચએસએસના જનકપુર પ્રભાગના કાર્યવાહક છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નેપાળમાં હિન્દુ સ્વયંસેવક સંઘના નામે કામ કરે છે.

નેપાળમાં તેને એચએસએસ કહેવામાં આવે છે. બીરગંજના રંજિત સાહ એચએસએસના જનકપુર પ્રભાગના કાર્યવાહ છે.

બીરગંજ બિહારના રક્સૌલ સાથે જોડાયેલું છે. રંજિત સાહને મળવા માટે અમે બીરગંજ ખાતેની તેમની ઑફિસે ગયા હતા.

તેઓ જે ઓરડામાં બેસે છે તેમાં તેમની બેઠકની પાછળની દીવાલ પર આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેગડેની અને આરએસએસના બીજા સરસંઘચાલક એમ એસ ગોલવલકરની તસવીરો ટાંગવામાં આવી છે.

તમે હેડગેવાર અને ગોલવલકરનાં જીવનમાંથી પ્રેરણા લો છો, એવું મેં પૂછ્યું ત્યારે રંજિત સાહે હસતાં-હસતાં કહ્યું હતું કે, "આરએસએસનો સ્વયંસેવક છું. બીજા કોનામાંથી પ્રેરણા લઉં?"

રંજિત સાહે નેપાળમાં મધેસીઓ અને પહાડીઓ વચ્ચેની લડાઈ, ભારત તથા નેપાળ વચ્ચેના સીમા વિવાદ સહિતની તમામ સમસ્યાઓ માટે મુસલમાનોને જવાબદાર ગણાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, "નેપાળમાં મધેસ આંદોલન ઇસ્લામિક ષડ્યંત્ર હતું. પહાડીઓ અને મધેસીઓને જાણીજોઈને લડાવવામાં આવ્યા હતા અને તેનો લાભ મુસ્લિમ સમાજે લીધો."

નેપાળના તરાઈ વિસ્તારમાં છેલ્લાં દસ વર્ષમાં મુસ્લિમોની વસતીમાં 400 ટકા વધારો થયો છે એવું તમે ક્યા આધારે કહો છો એવો સવાલ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, "સંઘે ઇન્ટરનલ સરવે કર્યો હતો."

શું આરએસએસ નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર બનાવવા ઇચ્છે છે, એવા સવાલના જવાબમાં રંજિત સાહે કહ્યું હતું કે, "દરેક હિન્દુ એવું ઇચ્છે છે. દરેક હિન્દુના મનમાં એવી ઇચ્છા છે. એ માટેના પ્રયાસ ચાલુ છે. તેનું પરિણામ મળવા લાગ્યું છે. ભવિષ્યમાં એવું જરૂર થશે. એ માર્ગમાં કેટલાક રાજકારણીઓ અડચણ બન્યા છે. આપણા સમાજના જ કેટલાક લોકો અડચણ છે."

નેપાળ ફરીથી હિન્દુ રાષ્ટ્ર બની જશે તો તેનાથી શું સિદ્ધ થશે એવા સવાલના જવાબમાં રંજિત સાહે પ્રતિપ્રશ્ન કર્યો હતો કે, "પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્ર છે તેનાથી શું સિદ્ધ થયું?" મેં કહ્યુઃ "ઇસ્લામિક રાષ્ટ્ર બનવાને કારણે પાકિસ્તાને બહુ પ્રગતિ કરી હોય અને ત્યાંના મુસલમાનો ખુશ હોય એવું મને નથી લાગતું."

મારી વાત સાંભળીને રંજિત સાહ થોડા અસ્વસ્થ થઈ ગયા હતા. પછી તેમણે કહ્યું: ઑસ્ટ્રેલિયા ખ્રિસ્તી દેશ છે તો તેણે શું સિદ્ધિ મેળવી? હકીકત એ છે કે ઑસ્ટ્રેલિયા બિનસાંપ્રદાયિક દેશ છે.

રંજિત સાહ કોઈ યોગ્ય ઉદાહરણ આપી શક્યા ન હતા, પરંતુ પોતાના વિચારને સાચો ઠરાવવા માટે તેમણે કહ્યું હતું કે, "નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું ત્યાં સુધી કોઈ સામાજિક મતભેદ ન હતા. લઘુમતી સમાજ સૌથી વધારે સલામત હતો."

"નેપાળ બિનસાંપ્રદાયિક થયું છે ત્યારથી અહીં અસલામતી વધી છે."

"જે વિસ્તારમાં લઘુમતી સમાજ બહુમતીમાં આવ્યો છે એ તમામ વિસ્તારમાં તે ત્યાંના મૂળ લોકો પર ત્રાસ ગુજારી રહ્યો છે. બીરગંજમાં હિન્દુઓ બહુમતીમાં છે, પરંતુ સ્મશાન એક જ છે, જ્યારે મુઠ્ઠીભર લઘુમતી માટે છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ દસ કબ્રસ્તાન અને ઈદગાહ બન્યાં છે."

વડા પ્રધાન મોદી સાથે રંજિત સાહ
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મોદી સાથે રંજિત સાહ

બીરગંજમાં એક જ સ્મશાન હોવાને રંજિત સાહના દાવાને સ્થાનિક લોકોએ ફગાવી દીધો હતો અને જણાવ્યું હતું કે હિન્દુઓ અંતિમ સંસ્કાર કરતા હોય એવી અનેક જગ્યા ત્યાં છે.

ભારતમાં તો આરએસએસનો પક્ષ ભારતીય જનતા પાર્ટી છે, પણ નેપાળમાં કયો પક્ષ છે, એવા સવાલના જવાબમાં રંજિત સાહે કહ્યું હતું કે, "અહીં તમામ પક્ષના લોકો સાથે સારા સંબંધ છે. અયોધ્યામાં રામજીની મૂર્તિ બનાવવા માટે ગંડકી પ્રદેશની કાલાગંડકી નદીમાંથી જ પથ્થર મેળવવામાં આવ્યા છે. એ પથ્થર લઈને દેવશિલા યાત્રા નીકળી હતી અને તેની પરવાનગી ગંડકી પ્રદેશની સામ્યવાદી સરકારે જ આપી હતી."

ભારતમાં આરએસએસ દ્વારા ‘પાંચજન્ય’ માસિકનું પ્રકાશન કરવામાં આવે છે એ રીતે નેપાળમાં ‘હિમાલ દૃષ્ટિ’નું પ્રકાશન કરવામાં આવે છે.

ભારતમાં આરએસએસ સરસ્વતી શિશુમંદિર નામે સ્કૂલ ચલાવે છે, જ્યારે નેપાળમાં પશુપતિ શિક્ષામંદિર નામે શાળાઓ ચલાવવામાં આવે છે.

ભારતમાં આરએસએસનાં અનેક સંગઠન છે એવી રીતે નેપાળમાં પણ છે.

રંજિત સાહના જણાવ્યા મુજબ, નેપાળમાં આરએસએસનાં કુલ 12 સંગઠન કાર્યરત્ છે. તેમાં ધર્મક્ષેત્ર માટે વિશ્વ હિન્દુ પરિષદ, જનજાતિ કલ્યાણ આશ્રમ (સંસ્કાર કેન્દ્ર), પશુપતિ શિક્ષામંદિર, પ્રાજ્ઞિક વિદ્યાર્થી પરિષદ, નીતિ અનુસંધાન પ્રતિષ્ઠાન, વિશ્વ સંવાદ કેન્દ્ર, હિમાલ દૃષ્ટિ, એકલ વિદ્યાલય અભિયાન, હિન્દુ સ્વયંસેવક સંઘ-નેપાળ, રાષ્ટ્રીય શ્રમિક સંઘ, રાષ્ટ્ર સેવિકા-નેપાળ અને ધર્મ જાગરણ મંચ(ઘરવાપસી માટે)નો સમાવેશ થાય છે.

બીબીસી ગુજરાતી

ફરીથી હિન્દુ રાષ્ટ્ર તરફ વધી રહ્યું છે નેપાળ?

જનકપુરમાં જાનકીમંદિર

ઇમેજ સ્રોત, KIRANKARN

ઇમેજ કૅપ્શન, જનકપુરમાં જાનકીમંદિર

નેપાળે સપ્ટેમ્બર-2015માં તેનું નવું બંધારણ અમલી બનાવ્યું હતું. એ બંધારણમાં જાહેરાત કરવામાં આવી હતી કે નેપાળ હવે હિન્દુ રાષ્ટ્ર નથી.

નેપાળ બંધારણીય રીતે બિનસાંપ્રદાયિક દેશ બની ગયું છે.

ભારતમાં હિન્દુ રાષ્ટ્રની હિમાયત કરતી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર સત્તામાં હતી ત્યારે નેપાળમાં આવી ઘોષણા કરવામાં આવી હતી.

2006માં ભાજપના તત્કાલીન અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યું હતું કે નેપાળે માઓવાદીઓના દબાણમાં આવીને હિન્દુ રાષ્ટ્રની ઓળખ ગુમાવવી ન જોઈએ.

નેપાળ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બન્યું પછી અહીંના મુસલમાનોના જીવન પર શું અસર થઈ, એવા સવાલના જવાબમાં બીરગંજના 35 વર્ષના શેર મોહમ્મદ અંસારીએ કહ્યું હતું કે, "સાચું કહું તો હિન્દુ રાષ્ટ્રમાં અમે બહુ સલામત હતા. હિન્દુ રાષ્ટ્ર હોવા છતાં કોઈ ધર્મ વિશે વાત કરતું ન હતું. અમને તો ત્યારે પણ કશું નુકસાન ન હતું."

"હિન્દુ રાષ્ટ્ર ખતમ થયા બાદ અમને કેટલાક અધિકાર મળ્યા છે. ઈદ તથા બકરી ઈદ વખતે અહીંના મુસલમાનોને રજા મળે છે. હિન્દુ રાષ્ટ્રમાં એ રજા મળતી ન હતી."

તેમણે ઉમેર્યું હતું કે, "ભારતમાં હિન્દુવાદી રાજકારણની અસર નેપાળના મુસલમાનો પર થઈ છે. તે રાજકીય રીતે ભલે દેખાતું ન હોય, પરંતુ મુસલમાનો વચ્ચે હલચલ જરૂર થઈ રહી છે."

"નેપાળના મુસલમાનોમાં 2014 પહેલાં ઓવૈસી લોકપ્રિય ન હતા, પરંતુ હવે તેમનાં ભાષણ અહીંના મુસ્લિમ યુવાનો બહુ ધ્યાનથી સાંભળે છે."

"લોકશાહી આવ્યા પછી આવા મુદ્દે અહીંના મુસલમાનો એક થઈ રહ્યા છે."

નેપાળમાં આવાં પોસ્ટર અને બેનર ઘણાં જોવા મળે છે, જેમાં રાજાશાહીની માગ કરાઈ હોય છે
ઇમેજ કૅપ્શન, નેપાળમાં આવાં પોસ્ટર અને બેનર ઘણાં જોવા મળે છે, જેમાં રાજાશાહીની માગ કરાઈ હોય છે

શેર મોહમ્મદ આ વાતો બીરગંજની મસ્જિદ પાસે કહી રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં ઊભેલા જૈમુનીદ્દીન અંસારીએ કહ્યું હતું કે, "અમારા મુસલમાન ભાઈની કારણ વિના હત્યા થાય તો તેની અસર અમારા પર થાય છે. નેપાળમાં આવું થતું નથી. હિન્દુસ્તાનમાં મુસલમાનોને કંઈક વધારે જ સતાવવામાં આવે છે."

નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું ત્યારે મુસલમાનો ખરેખર વધારે સલામત હતા, એવા સવાલના જવાબમાં વિખ્યાત પત્રકાર અને લેખક સી કે લાલે કહ્યું હતું કે, "રાજા લઘુમતીને સલામતી આપીને તેમાં પોતાનું કાયદેસરપણું શોધતા હોય છે, પરંતુ લોકતંત્રમાં બહુમતીવાદ લાગુ થઈ જતો હોય છે."

"તેનું કારણ એ છે કે જેના મત વધારે હોય તેને વધારે મહત્ત્વ મળવા લાગે છે. એ કારણસર જ નેપાળના કેટલાક મુસલમાનો કહે છે કે તેમના માટે રાજાશાહી વધારે યોગ્ય હતી. આ લઘુમતીની મન:સ્થિતિ છે."

મધેસમાં આરએસએસ અને હિન્દુત્વના રાજકારણને 2014 પછી વધારે બળ મળ્યું હોવાનું જણાવતાં સી કે લાલે ઉમેર્યું હતું કે, "બીરગંજમાં વાણિયાઓની સારી એવી વસતી છે અને હિન્દુત્વના રાજકારણ સાથેનું તેમનું જોડાણ ભારત તરફે જ છે."

"હું માનું છું કે આરએસએસ અને હિન્દુત્વનું રાજકારણ નેપાળમાં આ જ રીતે વેગ પકડશે તો આગામી સમયમાં ટકરાવ વધશે. તેની નેપાળ ઉપરાંત ભારતમાં પણ માઠી અસર થશે."

"નેપાળના રાજનેતાઓ પોતે હિન્દુત્વનું રાજકારણ નહીં રમે, પરંતુ ચીનને આગળ કરશે. હાલ ભારતમાં હિન્દુત્વનું રાજકારણ સત્તા પર છે અને નેપાળનો કોઈ રાજનેતા આ રાજકારણ સાથે ટક્કર લેવા ઇચ્છતો નથી. તેથી નેપાળમાં ચીનની પ્રાસંગિકતામાં હજુ વધારો થશે."

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી તેની નેપાળના રાજકારણ અને સમાજ પર થતી અસરને નજીકથી નિહાળી રહેલા બીરજંગના વરિષ્ઠ પત્રકાર ચંદ્રકિશોર ઝાએ આ પરિવર્તન બાબતે કહ્યું હતું કે, "નેપાળમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચેના સંબંધનું વ્યાકરણ બદલાઈ રહ્યું છે."

"નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ભારતનું મીડિયા પણ બદલાયું છે. ભારતની હિન્દી ન્યૂઝ ચેનલો નેપાળમાં જોવામાં આવે છે. એ ચેનલો પર મુસલમાનોને જે સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે તેની અસર આશ્ચર્યજનક નથી."

તેમણે ઉમેર્યું હતું કે, "હિન્દુઓમાં અતિવાદ વધી રહ્યો છે. તેથી નેપાળના મુસલમાનો પણ તેના રિઍક્શનમાં અતિવાદ તરફ જઈ રહ્યા છે. ભારતમાં હિન્દુત્વની તરફેણમાં જે પ્રચારતંત્ર કામ કરી રહ્યું છે તેનાથી નેપાળને પણ અસર થઈ છે."

"યુવા પેઢી આ બાબતે કંઈક વધારે પડતી આક્રમક છે. નેપાળમાં આરએસએસ નેપાળની પ્રકૃતિ અનુસાર કામ કરી રહ્યું છે. ભારતના રાજકારણમાં જે રીતે હિન્દુ-મુસ્લિમ કાર્ડ ખેલવામાં આવે છે તેનાથી નેપાળના મુસલમાનોમાં પણ હલચલ છે."

"તેમનામાં અસલામતીની ભાવના વધી રહી છે અને તેઓ પોતાની ઓળખ બાબતે વધારે આક્રમક થઈ રહ્યા છે."

ચંદ્રકિશોર ઝાએ એમ પણ કહ્યુ હતું કે, "લાલબાબુ રાઉત મધેસ પ્રદેશના મુખ્ય મંત્રી હતા. તેમના પિતાનું નામ દશરથ રાઉત અને માતાનું નામ રાધા રાઉત છે."

"નામ વાંચીએ તો લાગે કે તેમનો પરિવાર હિન્દુ છે, પરંતુ હકીકતમાં લાલબાબુનો પરિવાર મુસ્લિમ છે."

"તેમના ઘરમાં છઠ પૂજા થતી હતી અને દિવાળીની ઉજવણી પણ થતી હતી, પરંતુ મુસ્લિમ તરીકેની ઓળખથી રાજ્યમાં પ્રતિનિધિત્વ મળશે એવું તેમને લાગ્યું ત્યારે તેમણે તેનો સહારો લીધો હતો."

"અહીંના મુસલમાનો પોતાને નવેસરથી પરિભાષિત કરી રહ્યા છે. અગાઉ અહીંના મુસલમાનો ભોજપુરી, હિન્દી, મૈથિલી અને નેપાળી ભાષા બોલવાનો આગ્રહ રાખતા હતા, પણ હવે પોતાના ભાષા ઉર્દૂ હોવાનું જણાવી રહ્યા છે."

"નેપાળના મુસલમાનો પોતાના તહેવારોનું જાહેર પ્રદર્શન કરી રહ્યા છે. તેમના ગમછાનો રંગ બદલાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર જોઈએ તો મુસ્લિમ યુવાનો ઓવૈસી અને ઝાકિર નાઇકને બહુ પસંદ કરી રહ્યા છે.”

નેપાળના ભૂતપૂર્વ સરકારી અધિકારી પ્રદીપ જ્ઞવાલીએ કહ્યું હતું કે, "નેપાળમાં રાજાશાહી અને હિન્દુત્વના રાજકારણની વકીલાત કરતા લોકો એક જ છે."

"નેપાળની સંસદમાં રાષ્ટ્રીય પ્રજાતાંત્રિક પાર્ટી રાજાશાહીની વકીલાત પણ કરે છે અને હિન્દુત્વની રાજકારણની તરફેણ પણ કરે છે. નેપાળણાં હિન્દુત્વનું રાજકારણ મજબૂત થશે તો તે નેપાળની સંપ્રભુતા માટે ખતરનાક સાબિત થશે એવું મને લાગે છે."

બીબીસી ગુજરાતી

નેપાળની રાજાશાહીનો આરએસએસ સાથે જૂનો સંબંધ

નેપાળ

ઇમેજ સ્રોત, KIRANKARN

આરએસએસે નાગપુરમાં મકરસંક્રાંતિની જાહેર સભાને સંબોધન કરવા માટે 1964માં રાજા મહેન્દ્રને આમંત્રણ આપ્યું હતું.

તે આમંત્રણ રાજા મહેન્દ્રએ સ્વીકાર્યું હતું. ભારતની તત્કાલીન કૉંગ્રેસ સરકાર સાથે રાજા મહેન્દ્રનો સંબંધ બહુ સારો ન હતો.

એ સમયે આરએસએસનું વડપણ ગોલવલકર સંભાળતા હતા અને તેમણે રાજા મહેન્દ્રના આવવાની જાહેરાત કરી હતી.

રાજા મહેન્દ્રે આરએસએસનું આમંત્રણ સ્વીકારતા પહેલાં ભારત સરકારનો સંપર્ક કર્યો હતો કે નહીં તે સ્પષ્ટ થયું ન હતું.

1960ના દાયકામાં નેપાળમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા શ્રીમન્ન નારાયણે ‘ઇન્ડિયા ઍન્ડ નેપાલ : એન ઍક્સરસાઇઝ ઇન ઓપન ડેમૉક્રસી’ નામના પુસ્તકમાં લખ્યું છે કે, "નવી દિલ્હી સરકાર સાથે બહુ સારો સંબંધ ન હતો ત્યારે રાજા મહેન્દ્રે આરએસએસના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. "

"બીજી તરફ આરએસએસ નેપાળ અને ત્યાંના રાજાને હિન્દુ રાષ્ટ્ર ગણતા હતા. આરએસએસ નેપાળને રામરાજ્યનું એવું ઉદાહરણ ગણતું હતું, જે મુસ્લિમ શાસકોના હુમલાઓથી અશુદ્ધ થયું ન હતું. આરએસએસના સપનામાં નેપાળ અખંડ ભારતનો હિસ્સો બની રહ્યું છે."

નેપાળના પ્રશાંત ઝા હિન્દુસ્તાન ટાઇમ્સ અખબારના અમેરિકાસ્થિત સંવાદદાતા છે. તેમણે તેમના પુસ્તક ‘બેટલ્સ ઑફ ધ ન્યૂ રિપબ્લિક’માં લખ્યું છે કે "રાજા બીરેન્દ્ર પંચાયતી વ્યવસ્થા સામેના વિરોધપ્રદર્શનનો સામનો કરી રહ્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે કાઠમંડુમાં રાજા બીરેન્દ્રને ટેકો આપ્યો હતો અને તેમને વિશ્વ હિન્દુ સમ્રાટ ઘોષિત કર્યા હતા."

"શાહી કતલેઆમ બાદ રાજા જ્ઞાનેન્દ્રને પણ વિશ્વ હિન્દુ પરિષદે આવી પદવી આપી હતી. નેપાળના શાહ વંશને ગોરખપુરના ગોરખનાથ મઠ સાથે ઐતિહાસિક સંબંધ છે. નેપાળમાં ગોરખનાથ મંદિરની અનેક પ્રૉપર્ટી છે. તેમાં શાળાઓ અને હૉસ્પિટલોનો પણ સમાવેશ થાય છે."

નેપાળના બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બનવાના નિર્ણયથી યોગી આદિત્યનાથ ખુશ ન હતા.

કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકારની નેપાળ નીતિ બાબતે પ્રશાંત ઝાએ 2006માં યોગી આદિત્યનાથને સવાલ કર્યો ત્યારે યોગીજીએ કહ્યું હતું કે, "માત્ર નહેરુ ભારતને સમજતા હતા. નહેરુને ખબર હતી કે નેપાળમાં રાજાશાહી જરૂરી છે. તેથી રાણાશાહી પછી તેમણે રાજાને સિંહાસને બેસાડ્યા હતા. નેપાળમાં ગમે તે થાય તેની અસર આપણને થાય છે."

"નેપાળમાં માઓવાદીઓ અને ભારતમાં નકસલવાદીઓ સાથે મળીને કામ કરે છે. નેપાળમાં માઓવાદીઓના હાથમાં સત્તા આવશે ત્યારે ભારતના નક્સલીઓની હિંમત પણ વધશે. એ વખતે ભાજપ સત્તા પર હોત તો એવું ક્યારેય થયું ન હોત."

નેપાળમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા રંજિત રાયે તેમના પુસ્તક ‘કાઠમંડુ ડિલેમા રીસેટિંગ ઇન્ડિયા-નેપાલ ટાઇઝ’માં લખ્યું છે કે "પંચાયતી વ્યવસ્થામાં તુલસી ગિરિ નેપાળના પ્રથમ વડા પ્રધાન હતા અને તેઓ આરએસએસના સભ્ય હતા."

" તેમણે મને કહેલું કે નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો વિચાર તેમનો જ હતો. તુલસી ગિરિના કાર્યકાળ દરમિયાન ભારતનાં હિન્દુવાદી સંગઠનો અને નેપાળના રૉયલ પૅલેસ વચ્ચે ગાઢ સંબંધ બંધાયો હતો."

"નેપાળ 1962ના બંધારણ હેઠળ હિન્દુ રાષ્ટ્ર બન્યું હતું અને તેને હિન્દુ રાષ્ટ્ર કિંગ મહેન્દ્રે બનાવ્યું હતું."

પ્રશાંત ઝા માને છે કે ભારતના દરેક પક્ષ અને વિચારધારાનો નેપાળ પર ગાઢ પ્રભાવ રહ્યો છે. હિન્દુત્વનો પ્રભાવ પણ તેમાં અપવાદ નથી.

ભારતના ડાબેરીઓને નેપાળના ડાબેરીઓ તથા માઓવાદીઓ તેમજ સમાજવાદીઓ સાથે ગાઢ સંબંધ છે. હવે હિન્દુત્વનું રાજકારણ સત્તા પર છે ત્યારે તેમનો પ્રભાવ વધારે છે.

ત્રિપુરાના તત્કાલીન મુખ્ય મંત્રી બિપ્લબ કુમાર દેબે ફેબ્રુઆરી, 2021માં ભાજપના એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટાંકીને જણાવ્યું હતું કે ભાજપ માત્ર ભારતના બધાં રાજ્યોમાં જ નહીં, પરંતુ નેપાળ અને શ્રીલંકામાં પણ પોતાની સરકાર બનાવવા ઇચ્છે છે.

બિપ્લબ કુમાર દેબે કહ્યું હતું કે, “ગૃહમંત્રીજી એ વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. મેં એક બેઠકમાં કહ્યું હતું કે અધ્યક્ષજી, ઘણાં રાજ્યોમાં આપણી સરકાર છે. હવે તો સારું થઈ ગયું. એ વખતે અધ્યક્ષજીએ કહ્યું હતું કે અરે, ક્યાંથી સારું થઈ ગયું. હજુ શ્રીલંકા બાકી છે, નેપાળ બાકી છે. એ માણસનું કહેવું હતું કે દેશ તો જીતી જ લઈશું. શ્રીલંકા અને નેપાળમાં પણ ભાજપને લઈ જવાનો છે. ત્યાં પણ જીતવાનું છે.”

રેડ લાઇન
રેડ લાઇન