ભારત-ઑસ્ટ્રેલિયા : અમદાવાદ ટેસ્ટમાં 2013માં બનેલો એ રેકૉર્ડ જે તૂટી શકે છે

  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમૅચ ગુરુવારે યોજાશે
  • આ ટેસ્ટમૅચમાં ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ પ્રેક્ષકો હાજર રહેશે તેવું કહેવાઈ રહ્યું છે
  • ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બેનિઝ ટેસ્ટમૅચના પ્રથમ દિવસે મૅચ જોવા હાજર રહેશે
  • આ મૅચમાં ભારતની જીત માત્ર શ્રેણી નહીં પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પણ ભારતનું સ્થાન પાકું બનશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુરુવારે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી અને અંતિમ ટેસ્ટમૅચ યોજાવાની છે.

ચાર ટેસ્ટમૅચોની સિરીઝમાં ભારત 2-1થી આગળ છે.

જો ભારત આ ટેસ્ટ જીતે તો તે જૂન માસમાં લંડનના ઓવલ ખાતે રમાનાર આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાનો સામનો કરશે.

આ સાથે જ અમદાવાદ ખાતેની ટેસ્ટમૅચ અન્ય કારણોને લીધે પણ ખાસ બનવા જઈ રહી છે.

આ ટેસ્ટમૅચમાં વર્ષ 2013-14માં એશિઝ સિરીઝમાં ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નોંધાયેલ ટેસ્ટમૅચમાં સૌથી વધુ પ્રેક્ષકોની હાજરીનો રેકૉર્ડ પણ તૂટી શકે છે.

નોંધનીય છે કે વર્ષ 2013-14ની એશિઝ શ્રેણીની ટેસ્ટમૅચમાં 91,112 પ્રેક્ષકોની હાજરી નોંધાઈ હતી. જે અત્યાર સુધી એક રેકૉર્ડ છે.

પરંતુ ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયાની ટેસ્ટમૅચમાં એક લાખ પ્રેક્ષકોની હાજરી સાથે આ રેકૉર્ડ ધરાશાયી થઈ શકે છે.

ધ ગાર્ડિયન ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બેનિઝ હાજર રહેવાના છે.

અહેવાલ અનુસાર ટેસ્ટમૅચના પ્રથમ દિવસે 1,32,000 પ્રેક્ષકોની ક્ષમતાવાળા આ મેદાનમાં 85 હજાર ટિકિટો સ્થાનિક પરિવારો અને વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી છે.

પહેલાં એવો ભય હતો કે ઑસ્ટ્રેલિયાના પ્રશંસકો મૅચના પ્રથમ દિવસે કદાચ ગ્રાઉન્ડ પર ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે વધુ સંખ્યામાં નહીં પહોંચી શકે, કારણ કે અગાઉ ઑનલાઇન માધ્યમથી પ્રથમ દિવસની ટિકિટો મળી રહી નહોતી. પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં કોનું કેવું રહ્યું પ્રદર્શન?

નોંધનીય છે કે ભારત-ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પ્રથમ મૅચ નાગપુર ખાતે રમાઈ હતી.

આ મૅચમાં પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ 63.5 ઓવરમાં માત્ર 177 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.

ઑસ્ટ્રેલિયા તરફથી માર્નસ લાબુશાન અને સ્ટીવન સ્મિથે અનુક્રમે 49 અને 37 રન બનાવ્યા હતા.

મૅચના પ્રથમ દિવસે જ ભારતની પ્રથમ ઇનિંગની શરૂઆત થઈ હતી.

ભારતે પ્રથમ ઇનિંગમાં 400 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમ તરફથી કપ્તાન રોહિત શર્માએ 120 રન ફટકાર્યા હતા.

જ્યારે અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ અનુક્રમે 84, 70 અને 37 રન બનાવ્યા હતા.

મૅચના ત્રીજા દિવસે બેટિંગ કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ 32 ઓવરમાં 91 રન બનાવી ઑલઆઉટ થતાં ભારત એક ઇનિંગ અને 132 રને આ મૅચ જીતી ગયું હતું.

બૉલિંગની વાત કરીએ તો બંને ઇનિંગમાં રવીન્દ્ર જાડેજાએ કુલ સાત વિકેટ ખેરવી હતી જ્યારે રવીચંદ્રન અશ્વિને ત્રણ આઠ વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયા તરફથી ટોડ મર્ફીએ સાત વિકેટ ઝડપી હતી.

નવી દિલ્હી ખાતે યોજાયેલ બીજી મૅચનું પરિણામ પણ પ્રથમ મૅચની જેમ ભારતના પક્ષે રહ્યું હતું.

આ મૅચમાં ભારતે છ વિકેટ જીત હાંસલ કરી હતી.

ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને પ્રથમ ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 262 રન કર્યા હતા.

પરંતુ બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ભારતને મોટું લક્ષ્ય આપવામાં નિષ્ફળ નીવડી હતી અને 113 રને ઑલઆઉટ થઈ ગઈ હતી. આ ઇનિંગમાં રવીન્દ્ર જાડેજાએ સાત વિકેટ ઝડપી હતી.

આ પ્રદર્શન સાથે ઑસ્ટ્રેલિયા ભારતને 115 રનનો જ ટાર્ગેટ આપી શકી હતી જે ભારતીય ટીમે ચોથી ઇનિંગમાં 26.4 ઓવરમાં છ વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.

ઇન્દોર ખાતે યોજાયેલી ત્રીજી ટેસ્ટમૅચમાં પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમ 33.2 ઓવરમાં માત્ર 109 રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી.

ઑસ્ટ્રેલિયાએ જવાબમાં પોતાની પ્રથમ ઇનિંગમાં 197 રન બનાવીને લીડ લીધી હતી.

મોટો સ્કોર કરવાના ઇરાદા સાથે બીજી ઇનિંગમાં ઊતરેલી ભારતીય ટીમ ફરી આશા અનુસાર પ્રદર્શન નહોતું કરી શકી અને 163 રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી.

ઑસ્ટ્રેલિયા સામે માત્ર 76 રનનો ટાર્ગેટ હતો, જે તેણે મૅચના ત્રીજા દિવસે માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.

આમ, ઑસ્ટ્રેલિયા-ભારતની આ શ્રેણીમાં હાલ ભારત 2-1થી આગળ છે.

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનું ગણિત

ઇન્દોરમાં યોજાયેલી ત્રીજી ટેસ્ટમૅચમાં ભારતીય ટીમને હરાવી ઑસ્ટ્રેલિયાએ જૂનમાં લંડનના ઓવલ ખાતે યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહેલાંથી પોતાનું સ્થાન બનાવી લીધું છે.

જો અમદાવાદ ખાતે યોજાનારી મૅચનું પરિણામ ભારતના પક્ષમાં રહે તો આગામી સમયમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમશે.

ઑસ્ટ્રેલિયા હાલ પૉઇન્ટ ટેબલમાં નવ ટીમો પૈકી 148 પૉઇન્ટ સાથે ટોચ પર છે. જ્યારે ભારત 123 પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે.

જો ભારત આ મૅચમાં જીત હાંસલ કરી લે તો આગામી સમયમાં શ્રીલંકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે યોજાનાર બે ટેસ્ટમેચોની સિરીઝના પરિણામની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ પર કોઈ અસર નહીં થાય.

શ્રીલંકા-ન્યૂઝીલૅન્ડ વચ્ચેની શ્રેણીમાં જો શ્રીલંકા ન્યૂઝીલૅન્ડને બે-શૂન્યથી હરાવે અને ભારત ચોથી ટેસ્ટમૅચમાં હારનો સામનો કરે તો શ્રીલંકા ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ઊતરી શકે છે.

નોંધનીય છે કે શ્રીલંકા પૉઇન્ટ્સ ટેબલમાં ભારત પછી ત્રીજા સ્થાને છે.

ભારત વિ. ઑસ્ટ્રેલિયાની મૅચોમાં બનેલા રેકૉર્ડ

નોંધનીય છે કે ભારતના ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલી કરતાં ઑસ્ટ્રેલિયા સામે ચેતેશ્વર પૂજારાનો રેકૉર્ડ સારો છે.

વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ ટેસ્ટમૅચોમાં 48.06ની સરેરાશ સાથે 1682 રન ફટકાર્યા હતા, જેમાં સાત સદી અને પાંચ અર્ધ સદી સામેલ છે.

જ્યારે ચેતેશ્વર પૂજારાએ ઑસ્ટ્રેલિયા સામે 20 મૅચોમાં 54.08ની સરેરાશ સાથે 1893 રન ફટકાર્યા છે. જેમાં પાંચ સદી અને દસ અર્ધ સદી સામેલ છે.

તેમજ ઑસ્ટ્રેલિયા અને ભારત વિરુદ્ધના મુકાબલાઓમાં વધુ એક અચરજ પમાડે એવો રેકૉર્ડ સર્જાયો છે.

શેન વૉર્ને બંને દેશો વચ્ચે મૅચમાં રોહિત શર્મા જેટલી જ સિક્સરો ફટકારી છે.

વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પિનરો પૈકી એક મનાતા શેન વોર્ને પણ ભારતીય કપ્તાન રોહિત શર્માની જેમ ત્રણ છગ્ગા ફટકાર્યા છે.

આ સિવાય ટેસ્ટમૅચમાં ઑસ્ટ્રેલિયા સામે બેવડી સદી મામલે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને મહેન્દ્રસિંહ ધોનીની પાછળ છે.

વર્ષ 2013માં ધોનીએ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી. પૂર્વ ભારતીય કપ્તાને 86.70ના સ્ટ્રાઇક રેટ સાથે છ ઇનિંગમાં 326 રન ફટકાર્યા હતા. પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ હજુ સુધી ઑસ્ટ્રેલિયા સામે ક્યારેય બેવડી સદી નથી ફટકારી.

નોંધનીય છે કે પાછલી ત્રણ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી ભારતીય ટીમ જીતી રહી છે.

ઑસ્ટ્રેલિયા વર્ષ 2014-15 છેલ્લે આ સિરીઝ જીત્યું હતું.