ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે, ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, ક્યાં પડશે વધારે વરસાદ?

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચોમાસા અંગેનું પોતાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. એ મુજબ દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે.

સામાન્ય ચોમાસું એટલે કે ચાર મહિનાના લાંબાગાળામાં સરેરાશ વરસાદ સારો પડશે તેવી શક્યતા છે.

ગત વર્ષમાં ચોમાસામાં ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યા બાદ હવે 2024ના ચોમાસા પર સૌની નજર છે.

ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સહિત વિશ્વના હવામાન પર નજર રાખતી સંસ્થાઓ પોતાનું પૂર્વાનુમાન જારી કરતી હોય છે.

'સ્કાયમેટે' પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે લાંબાગાળાની સરેરાશ પ્રમાણે ભારતમાં 102 ટકા વરસાદ થવાની શક્યતા છે. જેમાં 5 ટકા એરર માર્જિન રાખવામાં આવ્યું છે. જેનો અર્થ એ કે 102 ટકા કરતાં 5 ટકા વધારે અથવા ઓછો વરસાદ થઈ શકે છે.

આ પહેલાં એશિયા પૅસિફિક ઇકૉનોમિક કૉઓપરેશન ક્લાઇમેટ (APECC) સેન્ટરે પણ ચોમાસાનું પૂર્વાનુમાન જારી કર્યું હતું, જે મુજબ ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે સામાન્ય કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા છે.

ભારતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન આશરે વર્ષના કુલ 70 ટકા જેટલો વરસાદ થતો હોય છે અને ખરીફ તથા રવી પાકની સિઝન ચોમાસાના આ ચાર મહિના પર આધારિત હોય છે.

ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે અને ક્યાં પડશે વધારે વરસાદ?

ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

સ્કાયમેટનું કહેવું છે કે જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીના ચોમાસાના ચાર મહિનાના લાંબાગાળાની સરેરાશ પ્રમાણે દેશમાં 886 મિલિમિટર વરસાદ થવાની શક્યતા છે. સામાન્ય રીતે ભારતમાં ચાર મહિનાના લાંબાગાળામાં 868.6 મિલિમિટર વરસાદ થાય તો ચોમાસું સારું કહેવાય.

સ્કામેટના પૂર્વાનુમાનને જોઈએ તો દેશમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. અન્ય એજન્સીઓ અને ઘણા નિષ્ણાતો પણ કહી ચૂક્યા છે કે ભારતમાં આગામી ચોમાસું સારું રહેશે.

સ્કાયમેટે આપેલી માહિતી પ્રમાણે ભારતના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થવાની આશા છે. ગુજરાત દેશના પશ્ચિમ વિસ્તારમાં આવે છે, જેથી રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું રહે તેવી સંભાવના દેખાઈ રહી છે.

મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ચોમાસા પર આધારિત વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચોમાસામાં જ્યારે સૌથી વધારે વરસાદ પડે છે તે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે.

ટકાવારી પ્રમાણે ચોમાસું કેવું રહેશે તે જોઈએ તો :

  • 10% એવી સંભાવના છે કે સરેરાશ કરતાં ખૂબ વધારે વરસાદ થશે, 110%થી વધારે.
  • 20% એવી સંભાવના છે સરેરાશ કરતાં વધારે વરસાદ થશે, 105% થી 110%ની વચ્ચે.
  • 45% એવી સંભાવના છે કે સામાન્ય એટલે કે સારો વરસાદ થશે, 96%થી 104%ની વચ્ચે.
  • 15% એવી સંભાવના છે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે. 90%થી 95%ની વચ્ચે.
  • 10% એવી સંભાવના છે કે દેશમાં ખૂબ ઓછો વરસાદ થાય. 90%થી ઓછો.

ભારતમાં ચાર મહિનાના લાંબાગાળા દરમિયાન સરેરાશ 96% વરસાદ થાય તો ચોમાસું સામાન્ય ગણાય છે. જો તેના કરતાં ઓછો વરસાદ થાય તો ચોમાસું નબળું ગણવામાં આવે છે. જોકે, આ દેશભરની સરેરાશ હોય છે એટલે વિવિધ વિસ્તારોમાં કે રાજ્યોમાં તે અલગ-અલગ હોઈ શકે છે.

કયા મહિનામાં વધારે વરસાદ થશે?

ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્કાયમેટ અનુસાર જૂન મહિનામાં કેરળ, કર્ણાટક અને કોકણ, ગોવામાં સરારેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે મધ્ય ભારતમાં સામાન્ય વરસાદ થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે એટલે આ મહિનામાં સરેરાશ ઓછો વરસાદ પડતો હોય છે.

જુલાઈ મહિનામાં ગુજરાતમાં દર વર્ષે સૌથી વધારે વરસાદ થતો હોય છે. સ્કાયમેટ અનુસાર જુલાઈમાં સારો વરસાદ થવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે.

જ્યારે કેરળ, કર્ણાટક, કોકણ અને ગોવાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની આશા છે. પૂર્વોત્તરના રાજ્યોમાં ત્યાંની સરેરાશ કરતાં ઓછો વરસાદ થાય તેવી શક્યતા છે.

ઑગસ્ટ મહિનામાં દક્ષિણ, પૂર્વ અને મધ્ય ભારતમાં સારો વરસાદ થવાની સંભાવના છે. એટલે કે ગુજરાતમાં આ મહિનામાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે.

સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય રીતે ચોમાસું વિદાય લેતું હોય છે અને તેની શરૂઆત રાજસ્થાનથી થતી હોય છે. આ મહિનામાં રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. જ્યારે બીજા પ્રદેશોમાં સામાન્ય અથવા તેના કરતાં ઓછો વરસાદ થાય તેવી સંભાવના છે.

ચોમાસામાં સારા વરસાદના અનુમાન પાછળનું શું કારણ છે?

ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના ચોમાસા પર અનેક પરિબળો અસર કરતાં હોય છે અને તેમાં સૌથી વધારે અસર પ્રશાંત મહાસાગરમાં સર્જાતા અલ-નીનોની થાય છે.

સ્કાયમેટના મૅનેજિંગ ડિરેક્ટર જતિન સિંહના કહેવા પ્રમાણે, 'અલ નીનો ખૂબ ઝડપથી લા નીનામાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે. મજબૂત લા નીનાના વર્ષે ચોમાસાનું પ્રસરણ મજબૂત થતું હોય છે. એ ઉપરાંત સુપર અલ નીનોનું મજબૂત લા નીનામાં પરિવર્તિત થવું ઐતિહાસિક રીતે એક સારું ચોમાસું આપે તેવી શક્યતા છે.

જોકે, ભારતનું ચોમાસું માત્ર અલ નીનો અને લા નીનાથી જ પ્રભાવિત નથી થતું, તેનાં બીજાં કારણો પણ છે. તેમાનું એક હિંદ મહાસાગર ડાઇપોલ (IOD) પણ છે. કેટલીક વખત અલ નીનોની સ્થિતિમાં હિંદ મહાસાગર ડાઇપોલના કારણે ભારતનું ચોમાસું મજબૂત રહ્યું છે અને સારો વરસાદ થયો છે.

હાલ હિંદ મહાસાગર ડાઇપોલ શરૂઆતના સમયમાં સકારાત્મક રહેશે અને લા નીનાની સાથે જ ભારતના ચોમાસાને મદદ કરશે એવું અનુમાન છે.

ભારતનો હવામાન વિભાગ પણ ચોમાસાને લઈને પોતાનું પૂર્વાનુમાન રજૂ કરતો હોય છે, સામાન્ય રીતે તેનું વિગતવાર પૂર્વાનુમાન મે મહિના રજૂ થતું હોય છે.

વિશ્વની અન્ય સંસ્થાઓ ભારતના ચોમાસા વિશે શું કહે છે?

ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

એશિયા પૅસિફિક ઇકૉનોમિક કૉઓપરેશન ક્લાઇમેટ સેન્ટરે જે પૂર્વાનુમાન રજૂ કર્યું છે તે પ્રમાણે ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે સામાન્ય કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા છે.

એટલે કે જૂન મહિના બાદ બાકીના ત્રણ મહિનામાં ભારતના મોટા ભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને મધ્ય તથા પશ્ચિમ અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના છે.

એપીઈસીસીએ જુલાઈથી સપ્ટેમ્બર મહિનાના ગાળા માટેના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે પૂર્વ આફ્રિકાથી અરબી સમુદ્ર, ભારત, બંગાળની ખાડી અને ઇન્ડોનેશિયા, કેરેબિયન સમુદ્ર, ઉષ્ણકટિબંધીય ઉત્તર એટલાન્ટિક, દક્ષિણ ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ-દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની સંભાવના વધારે છે.

એપીઈસીસીએ પૂર્વાનુમાનનો એક નકશો પણ જારી કર્યો છે, તે મુજબ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવના છે. જ્યારે પશ્ચિમ ભારત અને અરબી સમુદ્રના વિસ્તારોમાં થોડા વધારે વરસાદની સંભાવના છે.

આ પૂર્વાનુમાન મુજબ અને નકશામાં આપેલી માહિતી પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં પણ આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)