You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાઇડન પર ચૂંટણી મેદાન છોડવાનું દબાણ વધ્યું
યુએસમાં નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણી યોજાશે, એ પહેલાં જો બાઇડનની ઉમેદવારી વિશે નવા પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે અને રાષ્ટ્રપતિએ તેના જવાબ આપવા પડી રહ્યા છે.
તાજેતરમાં તેમનો કોવિડ-19 રિપૉર્ટ પૉઝિટિવ આવ્યો હતો, એટલે તેમનું પ્રચારઅભિયાન અટકી ગયું છે.
એવી ચર્ચા છે કે અમેરિકન ગૃહોના બે અગ્રણી નેતા ચક શૂમર તથા હકીમ જેફ્રિઝે બાઇડન સાથે વ્યક્તિગત મુલાકાતો કરી અને પોતાની ચિંતાઓ જણાવી હતી. ચક સૅનેટના નેતા છે, જ્યાં ડેમૉક્રૅટ્સની બહુમતી છે, જ્યારે જેફ્રિઝ નીચલા ગૃહના નેતા છે અને પાર્ટી અહીં લઘુમતીમાં છે.
સીએનએના રિપૉર્ટ મુજબ, ગૃહનાં પૂર્વ સ્પીકર નૅન્સી પૅલોસીએ અંગત રીતે પણ બાઇડનને કહ્યું હતું કે તેઓ નવેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણીમાં ટ્રમ્પને હરાવી શકે તેમ નથી.
ગત મહિને ટ્રમ્પ તથા બાઇડનની વચ્ચે પ્રત્યક્ષ ચર્ચા થઈ હતી, જેમાં બાઇડનના પ્રદર્શન બાદ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વમાં તેમના પ્રત્યે અસંતોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે ફરી એક વખત વ્હાઇટ-હાઉસમાં પ્રવેશવાના તેમના પ્રયાસોમાં અડચણ ઊભી થઈ શકે છે.
બુધવારે બાઇડનના પ્રેસ સચિવે પત્રકારોને જણાવ્યું હતું કે 81 વર્ષીય રાષ્ટ્રપતિનો કોવિડ રિપૉર્ટ પૉઝિટિવ આવ્યો છે, પરંતુ તેમાં ખાસ ચેપ નથી. સાથે જ જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ડેલાવેયરમાં તેમના નિવાસસ્થાને જ આઇસૉલૅશનમાં રહીને પોતાના દૈનિકકામ કરતા રહેશે.
વાહઇટ હાઉસનું કહેવું છે કે રાષ્ટ્રપતિને વૅક્સિન તથા તેના બે બૂસ્ટર ડૉઝ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેમને બે વખત કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.
બુધવારે બાઇડનમાં લાસ વૅગાસ ખાતે તેમના સમર્થકો સાથે મુલાકાત કરી હતી, પરંતુ ત્યારબાદ એક સિવિલ રાઇટ્સ સંસ્થામાં પોતાની સ્પીચ રદ કરવી પડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ઉપર જીવલેણ હુમલો થયો એ પછી બાઇડનનો પ્રચાર થોડો ધીમો પડ્યો હતો અને કોરોનાને કારણે અટકી જ ગયો છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી
બાઇડને લાસ વૅગાસના હિસ્પૈનિક મતદારોમાં પોતાના સમર્થનને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગત ચૂંટણી વખતે આ મતદારોનો બાઇડન તરફ ઓછો ઝુકાવ રહ્યો હતો.
બુધવારે એ કાર્યક્રમ પછી બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ માટેના વિશિષ્ટ વિમાન ઍરફૉર્સ વનમાં ધીમે-ધીમે દાદર ચઢતા જોવા મળ્યા હતા. એ સમયે તેમણે માસ્ક પહેર્યું ન હતું. વિમાનમાં જઈને તેમણે કહ્યું હતું કે 'હવે મને સારું લાગી રહ્યું છે.'
બાઇડનનું ચૂંટણી પ્રચારઅભિયાન અનિશ્ચિત અને અનાયોજિત રીતે આગળ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી બાઇડન ઉપર ચૂંટણીમાંથી ખસી જવા માટે દબાણ વધી રહ્યું છે.
શક્યતાઓ ઉપર સંશય
અનેક મીડિયા રિપૉર્ટ્સ મુજબ, ગત સપ્તાહે શૂમ તથા જેફરીઝે રાષ્ટ્રપતિ બાઇડન સાથે અલગ-અલગ અને અંગત બેઠકો કરી હતી, જેમાં તેમણે પોતાની આશંકાઓ રજૂ કરી હતી.
ડેમૉક્રૅટ્સને લાગે છે કે જો બાઇડન ઉમેદવાર તરીકે રહેશે તો સંસદનાં બંને ગૃહમાંથી કોઈપણ એકમાં પ્રભુત્વ જાળવી રાખવાની પાર્ટીની શક્યતાઓને નુકસાન પહોંચશે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા ઍન્ડ્રયૂ બૅટ્સે કહ્યું, "રાષ્ટ્રપતિએ બંને નેતાઓને કહ્યું કે તેઓ પાર્ટીના ઉમેદવાર છે, તેઓ ચૂંટણી જીતવા ચાહે છે, જેથી કરીને કામદાર પરિવારોને મદદ પહોંચાડી શકાય. રાષ્ટ્રપતિએ બંને નેતાઓ પાસે 100 દિવસમાં આ ઍજન્ડાને પાસ કરાવવામાં મદદ માગી હતી."
જેફ્રિઝના પ્રવક્તાએ કહ્યું હતું, "આ વાતચીત વ્યક્તિગત હતી અને અંગત જ રહેશે." શૂમરના કાર્યાલયે આ અહેવાલોને અટકળ ગણાવ્યા હતા અને ઉમેર્યું હતું, "સીધા જો બાઇડનને જ કૉકસના વિચાર જણાવવામાં આવ્યા હતા."
રાષ્ટ્રપતિની રેસમાંથી હઠી જવા માગ
સીએનએનના રિપૉર્ટ પ્રમાણે ગૃહના સ્પીકર નૅન્સી પૅલોસીએ તાજેતરની વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ બાઇડનને જણાવ્યું હતું કે જો તેઓ ઉમેદવાર તરીકે હશે તો આગામી ચૂંટણી જીતવી દરમિયાન ડેમૉક્રૅટિક પાર્ટી માટે કપરી બની રહેશે.
નૅન્સીના આકલન સાથે બાઇડને અસહમતિ દાખવી હતી, એ પછી પૂર્વ સ્પીકરે તેમના એક સલાહકાર પાસેથી કેટલાક આંકડા મંગાવ્યા હતા.
નૅન્સી પૅલોસીની કચેરીએ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે શુક્રવાર પછી તેમણે સીએનએન સાથે કોઈ વાતચીત નથી કરી.
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન બે ડઝનથી વધુ ડેમૉક્રૅટિક નેતાઓ સાર્વજનિક રીતે રાષ્ટ્રપતિની રેસ છોડી દેવા જૉ બાઇડનને આગ્રહ કરી ચૂક્યા છે. જેમાં કૅલિફૉર્નિયાના સભ્ય ઍડમ શિફનો પણ સમાવેશ થાય છે.
શિફે કહ્યું હતું કે જો બાઇડન રેસમાંથી હઠીને બીજા કોઈ નેતાને તક આપશે તો તેમનો વારસો સારી રીતે જાળવી શકશે.