વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ: મોટી મૅચમાં કેમ સમેટાઈ જાય છે ભારતની ટીમ?

    • લેેખક, વિમલ કુમાર
    • પદ, વરિષ્ઠ પત્રકાર, લંડનના ઓવલ મેદાનથી

આખરે જેનો ડર હતો એવું જ થયું. એક અશક્ય જીતનું સપનું જોઈ રહેલી ભારતીય ટીમની બૅટિંગ મૅચના અંતિમ દિવસે એવી વિખેરાઈ ગઈ કે 1990ના દાયકાની નબળી ભારતીય ટીમની યાદો તાજી થઈ ગઈ.

જીતની વાત તો દૂર રહી, પણ ભારતની ટીમ મૅચને બીજી ઇનિંગ સુધી લઈ જવામાં પણ નિષ્ફળ રહી અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બૅટ્સમૅન ફરી એકવાર દુનિયાના સૌથી મોટા પ્લેટફૉર્મ પર નિષ્ફળ રહ્યા.

છેલ્લા એક દાયકામાં ભારતની ટીમનું કોઈ પણ આઈસીસી ટ્રૉફી ન જીતવા પાછળનું એક મોટું કારણ કોહલી જેવા બૅટ્સમૅનનું મહત્ત્વપૂર્ણ નૉકઆઉટ મૅચમાં નિષ્ફળ થવાનું છે.

જોકે ભારતીય ટીમના પૂર્વ વિકેટકિપર અને બીબીસી માટે કૉમેન્ટેટરની ભૂમિકા નિભાવનારા દીપદાસ ગુપ્તા સાથે ઓવલ મેદાનની બહાર અમારી મુલાકાત થઈ અને તેમને કોહલી અને રોહિત વિશે સવાલો કરવામાં આવ્યા ત્યારે તેમણે દિગ્ગજોનો બચાવ કર્યો હતો.

તેઓએ કહ્યું હતું કે, “હું પણ તમારી જેમ હાર પછી ખૂબ ભાવુક થઈ ગયો છું, નિરાશ છું અને ચાહકોની તકલીફ પણ સમજું છું, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ ખેલાડીઓએ મોટા ભાગની સિરીઝમાં લાંબા સમયથી શાનદાર પ્રદર્શન કર્યું છે, ત્યારે તેઓ આ મુકામે પહોંચ્યા છે. તેથી આપણે તેમની ટીકા કરવામાં સંયમ રાખવો જોઈએ.”

પ્રથમ દિવસની મૅચે ભારતનો ખેલ બગાડ્યો

દાસ ગુપ્તા સાથે વાતચીત કર્યા બાદ આ લેખક ભારતની ટીમના કપ્તાનની પ્રેસ કૉન્ફરન્સમાં જઈને સીધો સવાલ પૂછે છે કે શું મોટી મૅચમાં ભારતની ટીમ ખુલીને રમી નથી શકતી?

શું તેમના પર જરૂર કરતાં વધારે આશા રાખવામાં આવે છે. રોહિતે તેમના અંદાજમાં કહ્યું કે તેઓ પણ આ હારથી નિરાશ છે, પરંતુ તેમણે 444 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ખુલીને જ બેટિંગ કરી હતી.

રોહિતનું કહેવું હતું કે, તેમણે દરેક બૅટ્સમૅનોને કહ્યું હતું કે તેઓ ડર્યા વગર તેમના શૉટ્સ રમે.

ભારતની ટીમે પ્રથમ દિવસે ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું હતું, તેથી તેઓ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં હાર્યા છે.

મૅચના પાંચમાં દિવસે પણ ફરી એકવાર ભારતની ટીમ દ્વારા કોઈ શાનદાર વાપસીની ઝલક જોવા મળી ન હતી.

આ લેખકે ઑસ્ટ્રેલિયન કપ્તાન પૅટ કમિંસ સાથેની પ્રેસ કૉન્ફરન્સમાં પૂછ્યું હતું કે શું તેમને ક્યારેય એવું લાગ્યું હતું કે ભારતની ટીમ આ લક્ષ્યાંકનો પીછો કરી શકશે? જ્યારે કોહલી લયમાં બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને ચિંતા થઈ?

કમિંસે પણ રોહિતની જેમ જ આ સવાલ પર અચકાયા વગર કહ્યું કે, “ક્યારેય નહીં.”

કમિંસનું માનવું હતું કે તેમની ટીમને અંદાજ હતો કે જેવો નવો બૉલ લેવામાં આવશે, એવી ભારતની ટીમ માટે મુશ્કેલીઓ વધશે.

કોહલી, પુજારા...કોઈ પણ ન ચાલ્યું?

આ હારને કારણે ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટમાં ટૉપ ઑર્ડરની નિષ્ળતાએ ભારતની ટીમને ખરાબ રીતે ખુલ્લી પાડી દીધી છે. શું કોહલી, શું પુજારા અને અન્ય બૅટ્સમૅન સતત નિષ્ફળ થતા જોવા મળી રહ્યા છે.

આ ટીમના આઠ ખેલાડી 33 વર્ષના થયા છે અને એવામાં તમામને બે વર્ષ બાદ ફરીથી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં રમતા જોવા એ ખૂબ મુશ્કેલીભર્યુ છે.

આગામી બે વર્ષમાં આ આઠ સિનિયર્સમાંથી કેટલા રહેશે, આ વાતનો સંકેત કપ્તાન રોહિતે રવિવારે જ આપી દીધો હતો.

રોહિતનું કહેવું હતું કે ઘરેલું ક્રિકેટમાં ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને હવે એ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે કે આગામી વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની ટીમ કેવી રીતે રમશે અને ક્યાં રમવા માગે છે.

આનો અર્થ એ છે કે ફાઇનલ ક્યાં રમાશે અને એ મુજબ ટીમને આગામી બે વર્ષ તૈયારી કરવી પડશે.

હાર બાદ રોહિતે બહાના શોધવાના પ્રયાસ કર્યા નહીં, પરંતુ તેમણે કહ્યું કે આદર્શ સ્થિતિમાં આટલી મોટી મૅચનો નિર્ણય ત્રણ મૅચની સિરીઝથી થવો જોઈએ.

રોહિતે મૅચ પહેલાં પણ આ લેખકને આ વાત કહી હતી. રોહિતને અંદાજ હતો કે કદાચ તૈયારી પુરતી નહોતી થઈ.

આઈપીએલને બદલે વર્લ્ડ કપ પર ધ્યાન આપવાની જરૂર

હવે સમય આવી ગયો છે કે બીસીસીઆઈ પણ તેમની પ્રાથમિક યાદીમાં આઈપીએલના બદલે વર્લ્ડ કપ જીતવા પર ભાર મૂકે.

આઈપીએલ ફાઇનલના બરાબર એક અઠવાડિયા પછી આવી નિર્ણાયક મૅચમાં એક અલગ ફૉર્મેટમાં ઊતરવું અને એ પણ ઇંગ્લૅન્ડ જેવા દેશમાં જ્યાં ઓછામાં ઓછા 10-15 દિવસ પિચ અને વાતાવરણ સાથે પોતાને સેટ કરવામાં જતા રહે છે.

રોહિતે બૉર્ડર-ગાવસ્કર સિરીઝ સમયથી જ ઘણી સલાહ આપી હતી, પરંતુ તેમની વાતને નજરઅંદાજ કરવામાં આવી હતી.

એક કપ્તાન તરીકે અને સાર્વજનિક રીતે રોહિત જેટલું કહી શકતા હતા, તેટલું તેમણે કીધું, પરંતુ કોચ રાહુલ દ્રવિડ સતત મૌન રહ્યા હતા.

આગામી મહિનામાં દ્રવિડને પણ કડક સવાલો પૂછવામાં આવશે. સવાલ તો એ પણ થશે કે જો ટીમને તૈયારી માટે પૂરતો સમય જોઈતો હતો તો કોચે ખેલાડીઓની આ વાતને બોર્ડ સુધી કેમ ન પહોંચાડી?

કોહલી પર પણ ઊઠ્યાં સવાલો

હંમેશાં કહેવામાં આવે છે કે દરેક સફળતા પાછળ એક પિતા મળી જાય છે, પરંતુ નિષ્ફળતા અનાથ હોય છે.

જોકે લંડનના ઓવલમાં તેનાથી વિપરિત વાત થઈ. ભારતની ટીમની આ નિષ્ફળતામાં ભવિષ્યના સુપરસ્ટાર શુભમન ગિલનું બૅટ ખામોશ રહ્યું તો કપ્તાન અને ઓપનર તરીકે રોહિત પર પણ સવાલો ઊભા થશે.

પુજારા પણ એપ્રિલથી હાજર હતા, પરંતુ તેનું પરિણામ એજ રહ્યું. કોહલી અંગે એટલી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટની ચોથી ઇનિંગ્સમાં તેઓ કીમતી રન ન બનાવી શક્યા, તેથી તેમની મહાનતાની સંપૂર્ણતા પર સવાલો ઊઠી રહ્યા છે.

જોકે કોહલીના કોચ રાજકુમાર શર્મા સાથે આ લેખકની મુલાકાત ઓવલ મેદાનની બહાર થઈ ત્યારે તેમણે કહ્યું કે, “તમામે સમજવાની જરૂર છે કે મારાથી, તમારાથી કે પછી ચાહકો કરતાં વધારે કોહલી નિરાશ છે. કોહલી આ મૅચની બીજી ઇનિંગ્સમાં એક ભૂલ કરી બેઠા એ ઠીક છે, પરંતુ આ ક્રિકેટનો ભાગ છે.”

સુનીલ ગાવસ્કર પણ થયા નિરાશ

ભારતીય ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનને લઈને પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે લાઇવ ટીવી પર તેમની નિરાશા વ્યક્ત કરી છે.

ગાવસ્કરે લાઇવ દરમિયાન એક સવાલ પર કહ્યું કે, “ભારતની બેટિંગ ખૂબ જ નબળી હતી. છેલ્લા દિવસનું તે સાવ શરમજનક પ્રદર્શન હતું.”

કોહલી વિશે તેમણે કહ્યું કે, “તેમનો શૉટ ખૂબ જ એવરેજ હતો, તમે મને પૂછી રહ્યા છો કે કોહલીએ કેવો શૉટ રમ્યો. તમારે તેમને જ પૂછવું જોઈએ કે તેમણે આ શૉટ કેવી રીતે રમ્યો. જ્યારે તમે આવા શૉટ રમશો તો સદી કેવી રીતે ફટકારશો. જે પ્રકારના શૉટ અમારા બૅટ્સમૅનો રમ્યા છે, તેનાથી જો તેઓ એક સેશન પણ ટકી શક્યા હોત તો તે મોટી વાત હોત. કોહલી ઑફ સ્ટમ્પની બહાર જતા બૉલ રમી રહ્યા હતા.”

“એ હોઈ શકે છે કે તેમના મગજમાં તે તેમની અર્ધીસદીથી એક રન દૂર હતા. જ્યારે તમે કોઈ માઇલસ્ટોનની નજીક હોવ ત્યારે આવું થાય છે. પરંતુ આ પ્રકારની મૅચમાં તમારે સદી બનાવવા સુધી ટકી રહેવાની જરૂર હોય છે.”

તેમણે ભારતની ટીમની ખરાબ બેટિંગ પર કહ્યું કે, “ચેતેશ્વર પુજારાએ ખૂબ ખરાબ શૉટ રમ્યા છે. તેમની પાસેથી આવી આશા નહોતી. કદાચ તે તેમના મગજમાં સ્ટ્રાઇક રેટ, સ્ટ્રાઇક રેટની બુમો પાડી રહ્યા હશે. એક સેશનમાં જ 7-8 વિકેટ પડી ગઈ હતી. આવું કરશો તો તમે વર્લ્ડ ફાઇનલમાં કેવી રીતે જીતી શકશો.”

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પાંચમા દિવસે ભારતીય ટીમને જીતવા માટે 280 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને તેમની સાત વિકેટ બાકી હતી. પરંતુ 70 રનની અંદર જ સાતે સાત વિકેટ પડી ગઈ અને ઑસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવીને વિશ્વ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો.

હારને કારણે ભારતની ટીમ પર દબાણ વધ્યું

જોકે ચાહકો હોય કે પૂર્વ ખેલાડી કે પછી ટીકાકારો તેઓ ભારતની ટીમની આ નિષ્ફળતાને ક્રિકેટનો મહત્ત્વનો ભાગ માનીને ભૂલવાના નથી.

આ નિષ્ફળતાએ છ મહિના બાદ ભારતમાં જ થનારી વનડે વર્લ્ડ કપ પહેલા ભારતની ટીમના ખેલાડીઓ પર દબાણ વધારી દીધું છે.

જેમ-જેમ સમય જશે, આ દબાણ વધતું જશે અને દરેક લોકો તેમને યાદ અપાવશે કે મહેન્દ્રસિંહ ધોનીના સમયે આઈસીસી ટ્રૉફી જીતવી કેટલી સરળ હતી, પરંતુ તે પછી દરેક લોકો તરસતા જ જોવા મળી રહ્યા છે.

દુનિયાના સૌથી અમીર ક્રિકેટ બોર્ડને આઈસીસી ટ્રૉફીના મામલામાં આ તુલનાત્મક ગરીબી ખૂબ દુખ પહોંચાડશે.