ધોની અને ગાવસ્કરની મેદાન પર મુલાકાતની એ ક્ષણ જેણે ચેન્નઈની ટીમની હાર ભૂલાવી દીધી

    • લેેખક, વાત્સલ્ય રાય
    • પદ, બીબીસી સંવાદદાતા

આ તસવીર શું દર્શાવે છે?

જાણે સુનીલ ગાવસ્કરની ફરમાઇશ પર મહેન્દ્રસિંહ ધોનીએ તેમના શર્ટ પર પોતાનું નામ લખી દીધું હોય.

આ માત્ર એક ‘ફૅન મોમેન્ટ’ નથી. આ સંપૂર્ણ કહાણી છે અને કદાચ આ બે ખેલાડીઓ જ તેને લખી શક્યા છે.

સુનીલ ગાવસ્કરે પોતાના બૅટથી અને મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના બૅટ અને કપ્તાની દ્વારા સફળતાની અગણિત ગાથાઓ લખી છે. તેમાંથી ઘણી બધી અમર છે.

જ્યારે આ બંને દિગ્ગજો રવિવારે રાત્રે એક ફ્રેમમાં આવ્યા હતા અને ક્ષણભરમાં જે કહાણી બની ગઈ હતી, તે પણ લાંબા સમય સુધી યાદ રહેશે.

આ યાદ રાખવું અને વારંવાર દોહરાવું ક્રિકેટ અને આઈપીએલ માટે પણ સારું છે.

આઈપીએલની 16મી સિઝનની ઈમેજને સમર્થન આપવા માટે આનાથી વધુ સારી તસવીર કોઈ હોઈ શકે નહીં, જે સ્ટાર ખેલાડીઓ વચ્ચે ઈગો ક્લૅશ, તુ તુ-મૈં મૈં, સ્લેજિંગ, ઝપાઝપી અને જૂતા બતાવવા જેવા આરોપો માટે બદનામ છે.

જોકે સુનીલ ગાવસ્કરે બીસીસીઆઈની ટી-20 લીગની છબી સુધારવા માટે મહેન્દ્રસિંહ ધોનીનો ઑટોગ્રાફ માગ્યો હોય તેવું લાગતું નથી.

ધોનીને કદાચ ખ્યાલ નહોતો કે ગાવસ્કર આવી કોઈ ફરમાઇશ કરશે. તેમની માટે અચાનક આવેલી આ ક્ષણ હતી, જેમાં તેઓ ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જ્યારે ગાવસ્કરે ધોની પાસે માગ્યો ઑટોગ્રાફ

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની રવિવારની મૅચ ચેન્નઈ સુપર કિંગ્સના ઘરઆંગણે છેલ્લી લીગ મૅચ હતી. આ મૅચમાં ચેન્નઈને છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

મૅચ બાદ કપ્તાન ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સની આખી ટીમ મેદાનની આસપાસ ચક્કર લગાવીને ચાહકોનો આભાર માની રહી હતી. પીળી જર્સીમાં ચેન્નઈની ટીમને સપોર્ટ કરવા માટે તમામ મૅચમાં સ્ટેડિયમ ભરતાં રહેલા ચાહકોનો ધોની અને તેમની ટીમ આભાર વ્યક્ત કરવા માગતી હતી.

એક પગના ઘૂંટણ પર ની-કૅપ બાંધેલા કપ્તાન મહેન્દ્રસિંહ ધોની ચાહકો તરફ ક્યારેક ટી-શર્ટ ફેંકી રહ્યા હતા, તો ક્યારેક ટેનિસનો બૉલ.

આ દરમિયાન મૅચની કૉમેન્ટરી ટીમમાં સામેલ ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કર મેદાન પર આવ્યા અને દોડીને મહેન્દ્રસિંહ ધોની પાસે પહોંચ્યા હતા.

ગાવસ્કરને જોઈને ધોની પણ અટકી ગયા હતા. બંને વચ્ચે થોડી વાતો થઈ અને પછી ધોની તરફ જોઈ ગાવસ્કરે પોતાના શર્ટ તરફ ઈશારો કર્યો હતો.

હસતાં હસતાં ધોનીએ તેમના શર્ટ પર 'માહી' લખી દીધું હતું. આ તે ઑટોગ્રાફ છે, જે ધોનીના કોઈપણ ચાહક માટે અમૂલ્ય છે.

ત્યારબાદ ધોની અને ગાવસ્કર ભેટી પડ્યા હતા. ત્યારપછી ગાવસ્કર જતા રહ્યા હતા અને ધોનીએ સ્ટેડિયમમાં હાજર દર્શકો તરફ ફરીથી સીએસકેની પીળી ટી-શર્ટ અને ટેનિસ બૉલ ઉછાળવા લાગ્યા હતા.

સોશિયલ મીડિયા પર છવાયા બંને ચૅમ્પિયન

ગાવસ્કર થોડીજ વાર ધોની સાથે રહ્યા હતા અને એટલી વારમાં બંને ખેલાડીઓનાં નામ સોશિયલ મીડિયા પર ટ્રૅન્ડ થવા લાગ્યા હતા.

ચેન્નઈ સુપર કિંગ્સે તેમના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર ધોનીની ગાવસ્કરના શર્ટ પર ઑટોગ્રાફ આપતી તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, "આ સીધું અમારા હૃદયને સ્પર્શી રહ્યું છે!"

ટ્વિટર પર કેટલાક લોકોએ તેને દિવસની તો અન્ય લોકોએ તેને આઈપીએલની 'સર્વશ્રેષ્ઠ ક્ષણ' ગણાવી હતી.

હર્ષ ચોપરા નામના એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે, "આ એમએસ ધોનીનો વારસો છે, સુનીલ ગાવસ્કર જે લિટલ માસ્ટર છે, તે એક ચાહકની જેમ તેમના શર્ટ પર ઑટોગ્રાફ માગી રહ્યા છે. આ આઈપીએલની સર્વશ્રેષ્ઠ ક્ષણ છે."

દેવેન્દ્ર કુમાર નામના ટ્વિટર યુઝરે લખ્યું છે કે, "સુનીલ ગાવસ્કરે મહેન્દ્રસિંહ ધોનીને તેમના શર્ટ પર ઑટોગ્રાફ આપવા કહ્યું. આજના સમયના ઘણા ક્રિકેટરોને ધોની જેટલો આદર મળ્યો નથી. એમએસડીના હસ્તાક્ષર ભારતીય ક્રિકેટની સુવર્ણ જનરેશનની વિદાયનું પ્રતીક છે.”

ઘણા યુઝર્સે ધોનીનો ગાવસ્કરના શર્ટ પર ઑટોગ્રાફ આપતો વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોને શેર કરતા રોમિયો નામના ટ્વિટર યુઝરે લખ્યું છે કે, "એમએસ ધોની જેવા ખેલાડી સદીમાં એકવાર આવે છે. સુનીલ ગાવસ્કર અને કપિલ દેવ હંમેશાં તેમને ભારતના સૌથી મહાન ક્રિકેટર ગણાવે છે."

વિવાદની અસર

આ બધું આઈપીએલની એ જ 16મી સિઝન વિશે લખવામાં આવી રહ્યું છે, જ્યાં અમુક મૅચ પહેલાં એક વર્તમાન અને એક પૂર્વ ખેલાડી વચ્ચેનો વિવાદ કૅમેરામાં કેદ થયો હતો અને બંનેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી હતી. તે વિવાદની અસર હજુ પણ જોવા મળી રહી છે અને તે ઘટના સાથે જોડાયેલા ખેલાડીઓ સોશિયલ મીડિયા પર એકબીજા પર ટિપ્પણી કરતા જોવા મળે છે.

એ સમયે એક કિસ્સો પણ ચર્ચાઈ રહ્યો હતો, જ્યારે એક મૅચ પછી ભારતીય ક્રિકેટના બે દિગ્ગજો એકબીજા સાથે હૅન્ડશેક કર્યા વિના જતા રહ્યા હતા. ત્યારબાદ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફૉલો કરવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. મીડિયા રિપોર્ટ્સમાં પણ તેની ચર્ચા થઈ હતી.

એ વાત અલગ છે કે ત્યારપછીની મૅચમાં બંનેની હૅન્ડશેક અને ભેટવાની તસવીરો પણ વાયરલ થઈ હતી, પરંતુ વિવાદની અસર ઓછી થઈ ન હતી.

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સ

  • કેકેઆર એ છ વિકેટે મૅચ જીતી
  • સીએસકે-144/6 (20 ઓવર), શિવમ દુબે અણનમ 48 રન, સુનિલ નરેન 2/15
  • કેકેઆર 147/4 (18.3 ઓવર), નીતીશ રાણા 57 રન, દીપક ચાહર 3/27
  • રિંકુ સિંહ પ્લેયર ઑફ ધ મૅચ રહ્યા હતા

ગાવસ્કર અને ધોની અલગ-અલગ

જોકે રવિવારે રાત્રે ગાવસ્કર અને ધોની વચ્ચેની મુલાકાતની તસવીર સુંદર હતી. જે લોકો આ બંને દિગ્ગજોને ફૉલો કરી રહ્યાં છે, તેમને આ બંનેની સ્ટાઈલ જોઈને નવાઈ નહીં લાગી હોય.

ગાવસ્કરને જૅન્ટલમૅન્સ ગેમ (ક્રિકેટ)ના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોવામાં આવે છે.

1970 અને 1980ના દાયકામાં પોતાના બૅટથી રનનો પહાડ બનાવનાર ગાવસ્કરને માત્ર ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રનનો પડાવ પાર કરનાર પ્રથમ બૅટ્સમૅન અને ટેસ્ટ સદીનો રેકૉર્ડ બનાવનાર ખેલાડી તરીકે યાદ કરવામાં આવે છે.

ગાવસ્કરની જેટલી પ્રસિદ્ધિ વેસ્ટ ઈન્ડિઝ સહિત વિશ્વભરના તોફાની બૉલરોની ધારને બરબાદ કરવા માટે છે, એટલી જ ચર્ચા એ વાતની પણ થાય છે કે આઉટ થયા બાદ તેમણે ક્યારેય અમ્પાયરની આંગળી ઊંચી કરવાની રાહ જોઈ નથી. જ્યારે તેમને લાગે કે તે આઉટ છે, ત્યારે તે પોતે જ ક્રિઝ છોડીને ચાલ્યા ગયા હતા.

બીજી તરફ કપ્તાન તરીકે દરેક આઈસીસી ટ્રૉફી જીતનાર મહેન્દ્રસિંહ ધોનીએ સફળતા બાદ પણ મેદાન પર પોતાનું વલણ સંતુલિત રાખ્યું હતું. તે મેદાન પર ક્યારેય ગુસ્સામાં કે લાગણીવશ થતા જોવા મળ્યા નથી. તેથી જ તેમને 'કેપ્ટન કૂલ' જેવું ઉપનામ પણ મળ્યું છે.

જ્યારે ગાવસ્કરે વર્ષ 1987માં તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મૅચ રમી હતી, ત્યારે ધોની માત્ર છ વર્ષના હતા. ગાવસ્કરને રમતા જોયાની ભાગ્યે જ કોઈ યાદ તેમના મગજમાં હશે, પરંતુ ગાવસ્કરે ધોનીની આખી કારકિર્દી નજીકથી જોઈ છે.

તેઓ ધોનીની સ્કિલના મોટા પ્રશંસક છે અને ઘણીવાર તેમને કહી પણ ચૂક્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાવસ્કરે એકવાર ધોનીને કહ્યું હતું કે, "જો મારી પાસે આ દુનિયામાં માત્ર થોડી જ મિનિટો બાકી હોય, ત્યારે હું કોઈને કહીશ કે એ શૉટ (2011 વર્લ્ડ કપની ફાઇનલમાં ધોનીનો વિનિંગ સિક્સનો વીડિયો) બતાવે. કારણ કે હું ઇચ્છું છું કે હું તે શૉટ જોતા જોતા આ દુનિયાને ગુડબાય કહું. આ એક ખૂબ સારી રીત હશે કે હું હસતાં હસતાં વિદાય લઈશ."

ત્યારબાદ હવે ગાવસ્કરે પોતાના શર્ટ પર ધોનીનો ઑટોગ્રાફ લીધા પછી ચેન્નઈ સુપર કિંગ્સ માટે તે મૅચ યાદગાર બની ગઈ, જેને તેઓ પરિણામની દૃષ્ટિએ ભાગ્યે જ યાદ રાખવા માગે છે.

કેકેઆરની જીતના હીરો રિંકુ સિંહ

કોલકાતા નાઈટ રાઈડર્સ સ્ટાર રિંકુ સિંહ ફરી એકવાર પોતાની ટીમની જીતના હીરો રહ્યા હતા.

ચેન્નઈ તરફથી મળેલા 145 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વિજયી ચોગ્ગો કપ્તાન નીતિશ રાણાએ ફટકાર્યો હતો. રાણા પણ અણનમ 57 રન બનાવીને મૅચના ટૉપ સ્કોરર પણ રહ્યા હતા, પરંતુ રિંકુ સિંહને પ્લેયર ઑફ ધ મૅચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

રિંકુએ 43 બૉલમાં 54 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જ્યારે કેકેઆરની ટીમ માત્ર 33 રનમાં ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી. રિંકુએ રાણા સાથે 99 રનની ભાગીદારી કરીને ચેન્નઈને મૅચમાંથી બહાર કરી દીધું હતું.

પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં છ વિકેટે 144 રન બનાવ્યા હતા.

ચેન્નઈના કપ્તાન ધોનીએ પોતાની ટીમની હારનું કારણ રાત્રે મેદાન પર પડેલા ઝાકળને ગણાવ્યું હતું.

આ સાથે રિંકુએ કહ્યું હતું કે તેઓ ઘણી મહેનત પછી આ સ્થાને પહોંચ્યા છે. સતત "સારી બેટિંગ મારો આત્મવિશ્વાસ વધારી રહી છે."

રવિવારે મળેલી હાર બાદ પણ ચેન્નઈની ટીમ 15 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. સાથે કેકેઆર 12 પૉઈન્ટ સાથે સાતમાં સ્થાને છે.

કેકેઆરને હવે વધુ એક મૅચ રમવાની છે. આવી સ્થિતિમાં તેમના ખાતામાં વધુમાં વધુ 14 પૉઈન્ટ હોઈ શકે છે અને આ સ્થિતિમાં તેમનું પ્લેઑફમાં પહોંચવું અન્ય ટીમોના પ્રદર્શનના આધારે નક્કી કરવામાં આવશે.