You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલીપ ગોહિલઃ પૂર્તિથી ન્યૂઝ ઍપ સુધીના વાચકોના દિલમાં સ્થાન અને માન પામનાર પત્રકાર
- લેેખક, દીપક સોલિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
ફેફસાંની ટૂંકી અને જીવલેણ બીમારીનો ભોગ બનીને ગઈ 27 જાન્યુઆરીએ અચાનક અને અણધારી વિદાય લેનાર શાનદાર પત્રકાર અને મજબૂત મિત્ર દિલીપ ગોહિલ વિશે એવું કહી શકાય કે ગુજરાતી પત્રકારત્વનું સૌથી વ્યાપક સ્તરે ખેડાણ કરવામાં એનાથી આગળ કોઈ નહોતું.
દિલીપ ગોહિલની કારકિર્દીનો સમયખંડ -1980ના દાયકાના ઉત્તરાર્ધથી 2020ના દાયકાનો પૂર્વાધ- માત્ર ગુજરાતી જ નહીં, વૈશ્વિક પત્રકારત્વ માટે અત્યંત ઝડપી પરિવર્તનનો ઝંઝાવાતી યુગ રહ્યો. આ કાળનાં તમામ પરિવર્તનો સાથે કદમ મિલાવવામાં દિલીપ સૌથી મોખરે રહ્યો.
સામયિક, સવારનું છાપું, સાંધ્ય દૈનિક, વેબસાઈટ, ટીવી, ન્યૂઝ ઍપ વગેરે તમામ પ્રકારનાં પત્રકારત્વમાં એ ગોઠવાયો, ઝળક્યો અને એમાં મૌલિક પ્રયોગો કરીને એણે નવા-નવા રસ્તા કંડાર્યા.
એકડે એકથી વાત કરીએ
દિલીપનો જન્મ થયો 1965ની 28 એપ્રિલે. એનું ગામ રાજુલા. દિલીપનું હૈયું રાજુલાનું. પોતાના માથાફરેલ મિજાજ માટે પણ એ રાજુલાને ‘જશ’ આપેઃ ‘અમારા રાજુલાનું પાણી જ એવું.’ અટક ગોહિલની માફક ગામ રાજુલા પણ જીવનભર દિલીપની ઓળખનું અભિન્ન અંગ રહ્યું.
પોતાના ઘડતર બાબતે દિલીપ પહેલેથી અત્યંત સભાન હતો. રાજુલાના ભણતરકાળ દરમિયાન ગામના નાના પણ સમૃદ્ધ પુસ્તકાલયનાં લગભગ તમામ રસપ્રદ અને કામનાં પુસ્તકો એણે વાંચી લીધેલાં.
બારમા ધોરણ પછી રાજુલાથી ભાવનગર જઈને એણે બી.એ. વિથ ઇંગ્લિશ કર્યું એ દરમિયાન કૉલેજકાળને મોજમજા અને ટોળટપ્પામાં ખર્ચી નાખવાને બદલે એણે પોતાનું માનસિક-શારીરિક ઘડતર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પોતાને વધુ મજબૂત, સજ્જ, લાયક બનાવવા માટે ખૂબ બધું વાંચ્યું. ખૂબ વ્યાયામ કર્યો. ગીરને પગપાળા ખૂંદ્યું. સાઇકલ પર રાજસ્થાન-ઉદયપુર સુધીની યાત્રા ખેડી.
કૉલેજકાળમાં જ એને સમજાઈ ગયું કે એ સરકારી શિક્ષક-પ્રાધ્યાપક બની રહેવા માટે ઘડાયેલો નથી. એટલે એણે કારકિર્દી માટે પત્રકારત્વનું ક્ષેત્ર પસંદ કર્યું અને રાજકોટના એ. ડી. શેઠ પત્રકારત્વ ભવનમાંથી જર્નલિઝમનો કોર્સ કર્યો.
એ ભણતરના ભાગરૂપે જ્યાં ત્રણ મહિનાની ઇન્ટર્નશિપ કરી એ જ અખબાર ‘જનસત્તા’માં ભણતર પૂરું કર્યાના બીજા જ દિવસે રોજના દસ રૂપિયાના વળતરે, એના શબ્દોમાં ‘રોજમદાર તરીકે, ફુલ નહીં તો ફુલની પાંખડીના વળતરે’ એ કામે લાગી ગયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે દિલીપની પાંખો બહુ મોટી હતી. એને રાજકોટનું આકાશ નાનું લાગ્યું. એટલે એણે મુંબઈ જવાનું નક્કી કર્યું. નોકરી અગાઉથી નક્કી નહોતી, પણ એના જીવનની પાયાની ફિલોસોફી એવી હતી કે ‘પડશે એવા દેવાશે.’
મુંબઈએ પત્રકાર તરીકેની ઓળખ અને જીવનભરના દોસ્તો આપ્યા
રાજુલાની ઓળખાણને કારણે મુંબઈમાં રહેવાની ઓરડીનું પહેલેથી નક્કી થઈ શકેલું. દિલીપ પહોંચ્યો મુંબઈ. બીજા જ દિવસ ગયો કાન્તિ ભટ્ટ-શીલા ભટ્ટના મૅગેઝિન ‘અભિયાન’ની ઓફિસમાં. દિલીપની આવડત તો ‘અભિયાન’એ કદાચ પારખી, પરંતુ ત્યારે ત્યાં જગ્યા નહોતી.
પાછા રાજુલા ફરવાનો તો સવાલ જ પેદા નહોતો થતો. અન્ય મૅગેઝિન ‘યુવદર્શન’માં નોકરીની કોશિશ કરી. ત્યાં પરીક્ષારૂપે અપાયેલું અનુવાદનું કામ જોઈને શેઠ રસિક ભુતાને માન્યામાં ન આવ્યું કે કોઈ નવોસવો છોકરો આટલો સજ્જ હોઈ શકે. એને નોકરી મળી ગઈ.
ટૂંકા ગાળામાં ‘યુવદર્શન’ના એક પછી એક તંત્રી નોકરી છોડી ગયા એટલે ત્રણ જ મહિનાની નોકરી બાદ તંત્રી તરીકેની જવાબદારી પણ એના પર આવી પડી. એનાથી ગભરાવાને બદલે દિલીપે એ બોજને માણ્યો.
દિલીપ દૂરનું જોઈ શકતો. ટૂંક સમયમાં એને ‘યુવદર્શન’નું ભાવિ ધૂંધળું હોવાનું સમજાયું. એણે વિચાર્યું કે ઇન્ડિયન એક્સપ્રેસ જેવા મોટા જૂથમાં હસમુખ ગાંધી જેવા દિગ્ગજ તંત્રી સાથે કામ કરવું જોઈએ.
એણે તરત આ વિચાર અમલમાં મૂક્યો. કોઈ ઍપૉઇન્ટમૅન્ટ લીધા વિના એ સીધો પહોંચી ગયો સમકાલીનની ઓફિસે. ત્યાં ન્યૂઝ એડિટર રમેશ ઓઝાએ એની પાસે એક તરજુમો કરાવ્યો. દિલીપે સચોટ અનુવાદ કરી આપ્યો. નોકરી મળી ગઈ.
અને સમકાલીનમાં દિલીપને સહકર્મી રૂપે મળી ગયો જીવનભરનો મજબૂત મિત્ર નીલેશ રૂપાપરા.
એ વખતે સમકાલીનમાં દર શુક્રવારે એક જ વિષય પરની ચાર પાનાંની પૂર્તિ ‘સાજ-અસબાબ’ બહાર પડતી. એ પૂર્તિ કાઢવાનું કામ જુનિયર્સને ન સોંપાતું, પરંતુ દિલીપ-નીલેશ સામે ચાલીને, માથું મારીને એ પ્રદેશમાં પ્રવેશ્યા. પહેલી વાર પૂર્તિ કાઢવાની માગણી કરવા એ બન્ને જ્યારે ક્રોધી તંત્રી હસમુખ ગાંધીને મળવા ગયા ત્યારે એમની તૈયારી હતી કે ગાંધીભાઈ ખૂબ ભડકશે. વળી એમણે વિચારેલો પૂર્તિનો વિષય -જ્યોતિષ- પણ ગાંધીભાઈને ભડકાવનારો હતો. એમની રજૂઆત સાંભળીને ગાંધીભાઈએ ખિજાવાને બદલે કટાક્ષથી કામ ચલાવ્યું: ‘અચ્છા, તો તમે રાજીવ ગાંધીની કુંડળી છાપશો એમ? તમે આગાહીઓ છાપશો એમ?’ જોકે છેવટે દિલીપ-નીલેશની રજૂઆત, તૈયારી જોયા બાદ એમણે અનુમતી આપી.
એક વાર મળેલું આ કામ દિલીપ-નીલેશે પછી મજબૂતીથી પકડી લીધું. એમણે ડઝનબંધ પૂર્તિઓ કાઢી. કામ ઘણું અઘરું હતું. છાપાની રોજિંદી કામગીરીમાંથી ‘છૂટ્યા પછી’ આ કામ કરવાનું રહેતું.
ત્યારે સંદર્ભો માટે વેબસાઈટો નહોતી, છાપાની લાયબ્રેરી જ માહિતીનો એક સ્રોત. એ સિવાય જે કંઈ મેળવવું હોય એ માટે જાણકારોના ઇન્ટરવ્યૂ લેવાના, એમની પાસે લખાવવાનું. માથાકૂટો ઘણી હતી અને થાક પણ લાગતો, છતાં એકએકથી ચડે એવા વિષયોની પૂર્તિઓ દિલીપ-નીલેશે કાઢી. જેમકે એક પૂર્તિ ધ્વનિ વિશેની હોય અને બીજી શિવાજીના કિલ્લાઓ વિશેની હોય તો ત્રીજી વળી ભાષાવિજ્ઞાન વિશેની હોય. એ પણ જેવીતેવી નહીં, માતબર.
અભૂતપૂર્વ અખતરાઓ કરવાનું સાહસ પણ કર્યું
પૂર્તિમાં રજૂઆત અને લે-આઉટને લગતા અભૂતપૂર્વ કહી શકાય એવા અખતરાઓ પણ એમણે કર્યા. નીલેશે એક વાર ફિલ્મોપનિષદ નામની પૂર્તિમાં આખા પાનાનો લે-આઉટ ફિલ્મ શબ્દના પ્રથમ અંગ્રેજી અક્ષર એફના આકારનો બને એવું વિચાર્યું, પણ એ વિચાર કઈ રીતે અમલમાં મૂકવો એ વાતે એ અટક્યો ત્યારે દિલીપ મદદે આવ્યો અને એણે એફના આકારવાળો લે-આઉટ પાના પર ઢાળી દેખાડ્યો. એ સમયે, 1989-90ની સાલમાં કમ્પ્યુટર ટેકનૉલૉજીની મદદ વિના, માત્ર પોતાની આવડતને કામે લગાડીને આવી કમાલો કરી શકવી એ બહુ મોટી વાત હતી.
સમકાલીનની બેએક વર્ષની નોકરી બાદ ગાંધીભાઈ સાથે મતભેદો થતાં દિલીપે સમકાલીન છોડ્યું.
આ ગાળામાં દિલીપે સ્વતંત્ર વ્યવસાય કરી જોયો. એણે ટાઇપસેટિંગ અને પ્રિન્ટ-પ્રકાશનને લગતાં કામકાજ માટે મૅકિન્ટૉશનું કમ્પ્યુટર ખરીદ્યું. એ વખતે પગાર 1800 રૂપિયા અને કમ્પ્યુટર હતું 80,000 રૂપિયાનું. નીલેશ એ સાહસમાં પાર્ટનર બન્યો. સાહસનું નામ રાખ્યું ‘ફાઇન સ્ટ્રોક’.
કમ્પ્યુટર તો લીધું, પણ કમ્પ્યુટરને કામ કરતું રાખવાનું હતું. આવામાં હરીશ ઠક્કર નામના ઉત્સાહી સાહસિક સાથે મળીને ‘ખેલ-દર્શન’ નામનું મૅગેઝિન કાઢવાની દિલીપને તક મળી. હરીશભાઈની ઓળખાણને કારણે ખેલ-દર્શનના તંત્રી તરીકે દિગ્ગજ ક્રિકેટર દિલીપ વેંગસરકરનું નામ મૂકવાનું શક્ય બન્યું. તંત્રી વેંગસરકર, સંપાદક ગોહિલ, બન્ને દિલીપ.
જોકે આ પ્રકાશન લાંબું ચાલ્યું નહીં. પછી દિલીપે ક્રોસવર્ડ પઝલ, શબ્દરમત વગેરેનું હલકુંફૂલકું ‘ચોપાટ’ નામનું એક મૅગેઝિન કાઢ્યું. પણ ધંધો દિલીપને ફળ્યો નહીં. વધુ ખોટ ખાવા જેવી નથી એ સમજાયું. તબિયત પણ કથળી. એટલે ‘ચોપાટ’ અને ‘ફાઇન સ્ટ્રોક’નો સઘળો કારોબાર સંકેલીને 1992-93ના ગાળામાં દિલીપે થોડો આરામ કર્યો.
બીજી ઇનિંગની લાંબી અને મજબૂત શરૂઆત
1993માં દિલીપને તક મળી ઇન્ડિયા ટુડે (ગુજરાતી)માં કામ કરવાની. અહીં એ ખીલ્યો. બૉસ શીલા ભટ્ટે દિલીપને પારખ્યો, વધાવ્યો, મોકળું મેદાન આપ્યું.
પાંચેક વર્ષ બાદ એ મૅગેઝિન બંધ પડ્યું. છૂટા થયેલા બધા પત્રકારો એકસાથે નોકરી શોધશે તો પગારો ઓછા મળશે અને શોષણ થશે, એ વરવી વાસ્તવિકતા સમજીને દિલીપે પહેલાં અન્ય તમામ સાથીઓ નોકરીએ લાગી જાય તેની રાહ જોયા બાદ સૌથી છેલ્લે ચિત્રલેખામાં નોકરી મેળવી.
દિલીપ સાથીઓની ચિંતા બહુ કરે. એમાં પણ નાના ગામમાંથી આવેલા જુવાનિયાઓને તો એ સંતાનોની જેમ સાચવે. જુનિયર્સ જોડે દિલીપને બહુ ફાવે. જુનિયર્સને પણ દિલીપ પાસેથી ઘણું શીખવા મળે.
દિલીપ તો હવે નથી, પરંતુ એના હાથ નીચે તૈયાર થયેલા સેંકડો પત્રકારોની કામગીરીમાં દિલીપ સૂક્ષ્મ પ્રકાશ બનીને ઝળહળતો રહેશે.
દિલીપ ઉત્તમ ટીમલીડર હતો. છતાં નોકરીઓ છોડવા-બદલવાના પ્રસંગો દિલીપના જીવનમાં અવારનવાર બન્યા. ઉપરીઓ સહેજ પણ નારાજ છે એવું દિલીપને સમજાય કે આત્મસન્માનને સહેજ પણ ઠેસ પહોંચે એવું એને લાગે ત્યારે તેને એક જ રસ્તો દેખાતોઃ રાજીનામું.
એવું પણ નહોતું કે એ હંમેશાં મૅનેજમૅન્ટની વિરુદ્ધમાં હોય. એ પોતે નાના પાયે વ્યવસાય કરી ચૂક્યો હતો. મૅનેજમૅન્ટની મુશ્કેલીઓ એ સારી રીતે સમજી શકતો. મૂડીવાદની ઉપયોગિતા એ જોઈ શકતો. એ કર્મચારીઓ તેમ જ મૅનેજમૅન્ટનાં હિત વિશે એકસાથે વિચારી શકતો.
ટેકનૉલૉજી સાથે કદમ મિલાવવામાં અગ્રેસર દિલીપ
દિલીપની બીજી એક મોટી વિશેષતા હતી, ટેક્નૉલૉજી સાથેનો મૈત્રીભાવ. સતત બદલાતી ટેક્નૉલૉજી સાથે કદમ મિલાવવામાં એ જરાય થાકતો-કંટાળતો નહીં. નવી ટેક્નૉલૉજી અપનાવવાનો પડકાર આવે ત્યારે તો એ ઊલટાનો ખીલી ઉઠતો.
2001માં મૅચફિક્સિંગના આરોપના જવાબમાં ક્રિકેટર હેન્સી ક્રોન્યેએ દક્ષિણ આફ્રિકાની કોર્ટમાં બયાન આપ્યું એ જ સમયે દિલીપે એ બયાનનો ગુજરાતી અનુવાદ રિડિફની વેબસાઈટ પર રજૂ કરેલો. વેબસાઇટના ઊગી રહેલા યુગમાં આવું લાઇવ રિપોર્ટિંગ એક ક્રાંતિથી ઓછું નહોતું.
ઈટીવીમાં ડેસ્ક ઇન-ચાર્જ તરીકેની કામગીરી દરમિયાન સમાચાર મળે કે તરત ગ્રાફિક્સ તૈયાર કરવાની મૌલિક જુગાડુ ટેકનિક દિલીપે શોધેલી.
દિલીપે ઘણી નોકરીઓ બદલી. સામયિક ચિત્રલેખા, સુરતથી પ્રકાશિત થતું ભાસ્કર જૂથનું સાંધ્યદૈનિક ડીબી ગોલ્ડ, અમદાવાદનું સાંધ્યદૈનિક સમભાવ-મેટ્રો, કારકિર્દીના આરંભે જેમાં કામ કરવાની તક નહોતી મળી શકે તે સામયિક અભિયાન, ગુજરાત સમાચારની ટીવી ચેનલ જીએસટીવી તથા મંતવ્ય, ટીવીનાઇન જેવાં અનેક માધ્યમો-સંસ્થાઓ સાથેની ટૂંકી ઇનિંગ્ઝમાં પણ દિલીપ લાંબો પ્રભાવ છોડનારી કામગીરી કરી.
એમ તો રિડિફ.કૉમમાં એક્ઝિક્યૂટિવ એડિટર તરીકે છએક વર્ષ અને જીવનના છેલ્લાં તબક્કામાં બીબીસી (ગુજરાતી) સાથે ફ્રીલાન્સર તરીકેનાં સાતેક વર્ષની લાંબી કહી શકાય એવી ઇનિંગ્ઝ પણ એણે ભારે સંતોષ સાથે માણી.
છેલ્લા એક દાયકાથી પણ વધુ સમય દરમિયાન પ્રકાશક આર.આર. શેઠની કંપની માટે દિલીપે સ્ટીવ જોબ્સ અને ઇલોન મસ્કનાં જીવનચરિત્રોથી માંડીને બીજાં અનેક લોકપ્રિય પુસ્તકોનાં અનુવાદનું કામ કર્યું. અનુવાદકળાની સૂક્ષ્મતા અને નજાકત દિલીપ ઊંડી રીતે સમજતો. અનુવાદની એની કાબેલિયતનો જોટો જડવો મુશ્કેલ. સાર્થક પ્રકાશન દ્વારા જેનું થોડા સમયમાં પ્રકાશન થશે એ રામચંદ્ર ગુહાના અત્યંત દળદાર પુસ્તક ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના મોટા ભાગના હિસ્સાનો અનુવાદ દિલીપે કર્યો. અનુવાદકાર્ય દિલીપના જીવનનો એક ઘણો મોટો હિસ્સો બની રહ્યો.
પત્રકારત્વના મૂળ સિદ્ધાંતને જીવનભર અનુસર્યો
દિલીપે કારકિર્દીના અને જીવનના છેલ્લા લગભગ સવા દાયકા દરમિયાન ટીવી ડિબેટમાં ભાગ લેનાર રાજકીય વિશ્લેષક તરીકે ભારે સફળતા મેળવી. વૈચારિક સ્પષ્ટતા, ઊંડો અભ્યાસ, પોતાની આગવી સામાજિક સમજ, અંદર ગમે તેટલો ઉકળાટ હોય તો પણ તેને અંકુશમાં રાખીને ઠરેલ ઢબે વાત મૂકવાની એની રીત, કોઈ પણ વિચારધારામાં તણાઈ ન જવાનો એનો આગ્રહ... આ બધાને લીધે એ એક એવા મુકામે પહોંચ્યો કે ટીવી પર એનો ચહેરો જોતાં જ દર્શક નક્કી કરી લેઃ દિલીપભાઈ શું કહે છે એ તો સાંભળવું જ પડશે.
દિલીપ લાભ કે લોભથી પ્રેરાતો નહોતો. ડાબી, જમણી કે મધ્યમમાર્ગી વિચારધારાના ચોકઠામાં પુરાવાને બદલે એણે કેવળ એક સિદ્ધાંત પકડી રાખેલો કે પત્રકાર ઍન્ટિ-ઍસ્ટાબ્લિશ્મૅન્ટ હોવો જોઈએ. શાસન કશું ખોટું કરે ત્યારે દ્વેષ કે ઉશ્કેરાટ વિના એ ચીંધી બતાવવી એ મારું કામ છે એવી વૈચારિક સ્પષ્ટતા ધરાવતો પત્રકાર લાંબા ગાળે દર્શકોનો સ્નેહ અને આદર મેળવવાનો જ.
જીવનના છેલ્લા એકાદ વર્ષ દરમિયાન દિલીપ એના જૂના અને ગાઢ મિત્ર સુનીલ જોશી સાથે મળીને રાજકોટથી ‘અગ્ર ગુજરાત’ નામનું સાંધ્યદૈનિક લૉન્ચ કરવામાં અને એને વેગ આપવામાં ડૂબેલો રહ્યો. આ કામ પસંદ કરવા પાછળ એક ગણતરી એવી હતી કે હવે ઢળતી ઉંમરે શક્ય બને તો રાજકોટમાં સેટલ થવું. આ ઉપરાંત મૂળ કારણ તો એ જ હતું કે મિત્રની પડખે ઊભા રહેવું.
મૈત્રી નિભાવવામાં દિલીપ બહુ ઊંચો માણસ. આ લખનારે દિલીપ સાથે 1990ના દાયકામાં ‘સમકાલીન’ તથા ‘ઇન્ડિયા ટુડે (ગુજરાતી)’માં કામ કરેલું. પછી છેલ્લા ત્રણ દાયકામાં સાથે કામ કરવાનું ક્યારેય ન બન્યું, પરંતુ ગાઢ દોસ્તી ન કેવળ ટકી રહી, બલ્કે એટલી વધુ ગાઢ બનતી ગઈ કે જે વાત અન્યોને કહેતાં પહેલાં ચાર વાર વિચાર કર્યા પછી કહેવાનું માંડી વાળવું પડે એ વાત દિલીપને એક પણ વાર વિચાર્યા વિના કહી શકાતી. એવો જ વિશ્વાસ એ પણ મિત્ર પર મૂકે.
દિલીપ અને નીલેશની દોસ્તી
દિલીપના સૌથી ગાઢ મિત્ર નીલેશ રૂપાપરાનું ગઈ 10 ડિસેમ્બરે અવસાન થયું ત્યાર પછી દિલીપ હચમચી ઊઠેલો. એ દુઃખ પચાવવા અને જૂની યાદો તાજી કરવા 24-25 ડિસેમ્બરે દિલીપ મુંબઈ આવેલો ત્યારે એની સાથે પૃથ્વી થિયેટરની મુલાકાત, જુહુના દરિયે ચાલવું, જ્યાંથી સામે જ દરિયો દેખાય એવી જુહુ હોટેલમાં દોઢેક કલાક બેસવું... એ સાડા ત્રણ કલાકના સંગાથ દરમિયાન જૂનો દિલીપ પૂરેપૂરો ખીલ્યો.
એ ખુશ હતો. બીબીસીમાં સારું કામ અને સારી આવક મળતી હોવા વિશે એ સંતુષ્ટ હતો. દીકરી કુંજ કૅનેડામાં ધીમેધીમે સારી રીતે ગોઠવાઈ રહી હોવા વિશે એ રાજી હતો. દીકરા કુણાલની આવડત અને ક્ષમતાઓનું વર્ણન કરતી વખતે એક બાપ તરીકે તેના ચહેરા પર ગર્વ ઝળહળતો જોવા મળ્યો.
દિલીપ સાથેની એ અંતિમ વાતચીતમાં મને એટલું સમજાયું કે એ હજુ નવુંનવું ઘણું કરવાના મૂડમાં હતો.
ગુજરાતી ટીવી પત્રકારોની સાંપ્રત પેઢીનો શિક્ષક
દિલીપભાઈના ફળદ્રૂપ ભેજામાં બિઝનેસ આઇડિયાઝ બહુ ઊગે. એ પણ પૂરેપૂરી બ્લ્યૂ-પ્રિન્ટ સાથે. યુટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની ચૅનલ શરૂ કરીને મોનેટાઈઝેશન કઈ રીતે કરી શકાય એ વાતે એ ભારે ઉત્સાહી જણાયો. મને એણે બહુ ધક્કા માર્યા કે લાઈટિંગ માટેની એક નાની સફેદ ‘છત્રી’ ખરીદીને, વિઝ્યુઅલમાં ઊંડાણ આવે એ રીતે દિવાલોના કાટખૂણા વચ્ચે સેટઅપ રચીને, એકાદ ટેક્નિકલ પર્સનની મદદ લઈને, પ્રોપર એડિટિંગ કરીને પોતાની ચૅનલ શરૂ કરવી જોઈએ. મેં ઉત્સાહ ન દેખાડ્યો તો પણ એણે મક્કમતાપૂર્વક કહ્યું કે એ તો આવું કશુંક શરૂ કરશે જ.
પછી તરત આનાથી સાવ જ વિપરિત એવો એનો એક જૂનો અને પ્યારો ‘બિઝનેસ આઈડિયા’ એણે વાતવાતમાં પેશ કર્યો કે એના કોઈ એક દોસ્તારે કોઈ એક ગામમાં ફાર્મ હાઉસ ખરીદ્યું છે ત્યાં જઈને એ આશ્રમ શરૂ કરવાનું વિચારે છે. મેં શરત મારીઃ તું આશ્રમની વાતો જ કરીશ, આશ્રમ શરૂ ક્યારેય નહીં કરે.
અને અટ્ટહાસ્ય... દિલીપ આંખમાં પાણી આવી જાય એટલું બધું હસે ત્યારે પણ એના અટ્ટહાસ્યનું વોલ્યૂમ ધીમું હોય. એ ટુકડેટુકડે હસે.
પોતાના દેખાવ બાબતે દિલીપ ખાસ્સો બેદરકાર. પેન્ટમાં શર્ટ ખોસવામાં પણ એને આળસ આવતી હોવાથી એ મોટે ભાગે ખુલ્લા શર્ટમાં જ દેખાય.
જોકે બીજી બધી રીતે, પોતાના કામમાં દિલીપ પરફેક્શનનો આગ્રહી હતો. એની સ્ટોરીમાં ક્યારેય છેડા લટકતાં ન રહે. એ આરંભેલું વર્તુળ પૂરું કરીને જ અટકે. જીવનમાં પણ એની વિદાય પહેલાં જાણે કેટલાંક વર્તુળો પૂરાં થયાં.
એક વર્તુળ એ રીતે પૂરું થયું કે પહેલી વાર એ ગામ રાજુલા છોડીને ભાવનગર ગયો, ભણતર માટે. છેલ્લે એ રાજુલા છોડીને ભાવનગર ગયો, અંતિમ સારવાર માટે.
બીજું વર્તુળ એ રીતે પૂરું કર્યું કે જ્યાંથી એણે કારકિર્દીની શરૂઆત કરેલી એ જ રાજકોટ શહેર એનું અંતિમ કાર્યમથક બન્યું.
દિલીપને રોજ સાંજે શહેરના છેડે જઈને ચા પીવાનો શોખ. એ કહેતો, ‘શહેરમાં છેડો ન દેખાય. ગામની બહાર છેડે જઈએ તો દૂરની ક્ષિતીજ તરફ જવાની પ્રેરણા મળે.’
જીવનમાં પણ એ જાણે જલદી છેડે પહોંચીને, ફક્ત 59ની ઉંમરે, નવી ક્ષિતીજો ફંફોસવા નીકળી ગયો.