વડા પ્રધાન મોદીની LIC, HAL જેવી સરકારી કંપનીઓમાં રોકાણની અપીલમાં કેટલો દમ?

    • લેેખક, અંશુલસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગત ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે બોલતી વખતે સરકારી કંપનીઓમાં રોકાણ માટે વકીલાત કરી હતી.

વડા પ્રધાન મોદીએ આ દરમિયાન ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી), હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (એચએએલ)થી માંડીને જાહેર ક્ષેત્રની બૅન્કોનો ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ કહ્યું કે વિપક્ષે લોકોને શૅરમાં રોકાણ કરવાની ફૉર્મ્યુલા આપી છે. તેમનું કહેવું હતું કે વિપક્ષ જે કંપનીઓની ટીકા કરે, લોકોએ એ કંપનીઓ પર જ દાવ લગાડવો જોઈએ.

આ સિવાય મોદીએ ફરીથી ભાજપ સરકાર આવે ત્યારે ભારતને વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની વાત કરી હતી.

એલઆઇસી અંગે મોદીનું નિવેદન અને આંકડા

વડા પ્રધાન મોદીએ એલઆઈસી અંગે કહ્યું, "તમે જાણો છો એલઆઈસી માટે શું-શું કહેવાયું હતું, એલઆઈસી બરબાદ થઈ જશે, ગરીબોના પૈસા ડૂબી રહ્યા છે, ગરીબ ક્યાં જશે, બાપડાએ ખૂબ મહેનતથી એલઆઈસીમાં પૈસા રોક્યા હતા, જેટલી કલ્પનાશક્તિ હતી, જેટલા તેમના દરબારીઓએ કાગળ પકડાવ્યા, બધું બોલી દેતા."

"પરંતુ આજે એલઆઈસી સતત મજબૂત થઈ રહી છે. શૅર માર્કેટમાં રસ ધરાવનારા માટે પણ આ ગુરુમંત્ર છે કે જે સરકારી કંપનીઓને ગાળ અપાય, તેમાં દાવ લગાવી દો, બધું સારું થશે."

મોદીના દાવાની સાપેક્ષે એલઆઈસીના આંકડા કંઈક અલગ જ કહાણી બયાન કરી રહ્યા છે.

એલઆઈસીએ 10 ઑગસ્ટના રોજ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાનાં પરિણામ જાહેર કર્યાં છે.

પરિણામોમાં કંપનીના નફામાં વધારો જોવા મળ્યો છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં કંપની ચોખ્ખો નફો 1299 ટકા વધીને 9,543 કરોડ રૂપિયાનો થઈ ગયો છે.

એક વર્ષ પહેલાં સમાન સમયગાળામાં કંપનીનો નફો 682 કરોડ રૂપિયા હતો. રોકાણમાંથી થનારી આવકના કારણે કંપનીના નફામાં ભારે વધારો જોવા મળ્યો છે.

ત્રિમાસિક ગાળા દરમિયાન રોકાણથી થનારી આવક ગત વર્ષે 69,570 કરોડ રૂપિયાથી વધીને 90,309 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીના પ્રિમિયમની આવકમાં ઘટાડો નોંધાયો છે.

પરિણામો બાદ પ્રેસ કૉન્ફરન્સમાં એલઆઈસીના સીઈઓએ અને એમડી સિદ્ધાર્થ મોહંતીએ આને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

જોકે, એલઆઈસીના આઈપીઓના રોકાણકારો તો હજુ સુધી નુકસાનમાં જ છે. ગત વર્ષે 4 મેના રોજ ભારતીય જીવન વીમા કૉર્પોરેશન એટલે કે એલઆઈસીનો એક આઈપીઓ આવ્યો હતો.

એલઆઈસી ભારતીય ઇતિહાસનો સૌથી મોટો આઈપીઓ હતો કારણ કે ભારત સરકારે 21 હજાર કરોડ રૂપિયા કરતાં વધુનું ભંડોળ એકત્રિત કરવા માટે પોતાની 3.5 ટકા ભાગીદારી કે કંપનીના 22.13 કરોડ ઇક્વિટી શૅરોને 902-949 રૂપિયા પ્રતિ શૅરના દરે વેચી દીધા હતા.

બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, શુક્રવારે એલઆઈસીના એક શૅરની કિંમત 662 રૂપિયા હતી.

હાલની કિંમતો પ્રમાણે રોકાણકારો હજુ પણ શેર દીઠ 287 રૂપિયાના નુકસાનમાં છે. એનો અર્થ એ છે કે આઈપીઓના રોકાણકારો 30 ટકા નુકસાનમાં છે.

અદાણી સમૂહ પર અમેરિકન ફૉરેન્સિક ફાઇનાન્સિયલ એજન્સી હિંડનબર્ગનો રિપોર્ટ આવયા બાદ ફેબ્રુઆરી, 2023માં કંપનીના એક શૅરની કિંમત ઘટીને 582 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

ગત એક વર્ષમાં એલઆઈસીનો શૅર 530 રૂપિયાથી માંડીને 754 રૂપિયા વચ્ચે ફરતો રહ્યો. હાલ કંપનીની માર્કેટ કૅપ છ લાખ કરોડ રૂપિયાથી ઘટીને 4.18 લાખ કરોડ રૂપિયા રહી ગઈ છે.

એલઆઈસીમાં રોકાણ કેટલું યોગ્ય?

એલઆઈસીમાં રોકાણના સવાલને લઈને બીબીસીએ પ્રૉફિટમાર્ટ સિક્યૉરિટીઝના પ્રમુખ અવિનાશ ગોરક્ષકર અને સ્વતંત્ર બજાર વિશ્લેષક અરુણ કેજરીવાલ સાથે વાત કરી.

રોકાણને લઈને ગોરક્ષકરે કહ્યું, "જો તમે એલઆઈસીના શૅરમાં ઓછા સમય માટે રોકાણ કરીને નફો રળવા માગો છો તો એ કદાચ મુશ્કેલ છે. પરંતુ જો તમે આવનારાં બે વર્ષ માટે રોકાણ કરશો તો વર્તમાન ભાવે ગુમાવવા માટે કશું નથી."

"બજાર ઝડપથી આગળ વધ્યું છે પરંતુ એલઆઈસીના શૅર પોતાની આઈપીઓની કિંમત પણ નથી વસૂલી શક્યા. જોકે એ વાત પણ સત્ય છે કે બજારમાં વલણ બદલાવામાં સમય નથી લાગતો."

"તેમનો નફો પણ ઓછો હતો કારણ કે એલઆઈસી ઓછા પ્રિમિયમે પૉલિસીનું વેચાણ કરતી હતી. હવે મૅનેજમૅન્ટે કહ્યું છે કે તેઓ પ્રાઇવેટ પૉલિસી કંપનીઓ સામે પોતાની જાતમાં બદલાવ લાવશે."

એલઆઈસીની વર્તમાન સ્થિતિને લઈને અવિનાશ જણાવે છે કે, "એલઆઈસીમાં હાલ 98 ટકા ભાગીદારી સરકારની છે અને બે ટકા ભાગીદારી શૅરધારકોની છે. આ બે ટકામાં પણ મોટા ભાગના પાર્ટનર તેમા કર્મચારી અને રિટેલર છે."

"જ્યાં સુધી એલઆઈસીમાં સંસ્થાગત ફંડ નહીં આવે ત્યાં સુધી બજારમાં તેની સ્થિતિ નહીં બદલાય. રિટેલ પાસે એટલી તાકત નથી કે તે શૅરને ઉપર લઈ જઈ શકે."

"એલઆઈસી પ્રચાર-પ્રસાર અને કૉમ્યુનિકેશન પર પણ એટલું ધ્યાન નથી આપી રહી. તેથી જનતાને સરકારની ગંભીરતાને લઈને એટલો વિશ્વાસ નથી."

એલઆઈસીમાં રોકાણને લઈને સ્વતંત્ર બજાર વિશ્લેષક અરુણ કેજરીવાલનો મત પણ અવિનાશ ગોરક્ષકર સાથે ભળતો આવે છે.

અરુણ કેજરીવાલ કહે છે કે, "પૉલિસી માર્કેટનું ખાનગીકરણ થયાને 18 વર્ષ થઈ ગયાં છે અને આજેય તેમાં 60 ટકા કરતાં વધુ ભાગીદારી એલઆઈસીની છે."

"આનો સીધો અર્થ એ છે કે ભારતના નાગરિકનો એલઆઈસી પર વિશ્વાસ કાયમ છે. જ્યારે તમારી પાસે જ્યારે પૉલિસીધારક હોય છે ત્યારે નીતિઓ અલગ હોય છે, પરંતુ હવે એની સાથે તમારી પાસે શૅરહોલ્ડર પણ છે."

"આવી સ્થિતિમાં તમારી નીતિ અલગ હોય છે. હવે નીતિ આંતરરાષ્ટ્રીય પૉલિસી કંપની પ્રમાણે હોય છે. આ ગત વર્ષથી શરૂ થયું છે અને હવે તેની અસર શૅરહોલ્ડરોના નફા સ્વરૂપે દેખાશે."

એચએએલ વિશે મોદીએ શું કહ્યું?

હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (એચએએલ)ને લઈને વડા પ્રધાન મોદીએ કહ્યું, "આજે એચએએલ સફળતાનાં શિખરોને સર કરી રહી છે. એચએએલે પોતાની સર્વોચ્ચ રેવન્યૂ રજિસ્ટર કરી છે."

"આમના ગંભીર આરોપ છતા ત્યાંના કામદારોની ઉશ્કેરણીના ભરપૂર પ્રયાસ છતાં આજે એચએએલ દેશની શાન બનીને સામે આવી છે."

આંકડા પ્રમાણે હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડે નાણાકીય વર્ષ 2022-23માં કૂલ 26,927 કરોડ રૂપિયા સ્વરૂપે અત્યાર સુધી સૌથી મોટું રાજસ્વ નોંધાવ્યું છે.

ગત વર્ષે આ આંકડો 24,620 કરોડ રૂપિયાનો હતો. ડિફેન્સ સૅક્ટર સાથે જોડાયેલી આ સરકારી કંપનીએ વર્ષ 2022ની સરખામણીએ 2021માં આઠ ટકા સુધીની રાજસ્વ વૃદ્ધિ હાંસલ કરી હતી.

નફાની વાત કરો તો વર્ષ 2022માં કંપનીનો લાભ 5,086 કરોડ રૂપિયાનો હતો અને વર્ષ 2023માં આ આંકડો 5,811 કરોડ રૂપિયાનો થઈ ગયો હતો. આમ, કુલ 14.25 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

ગત પાંચ વર્ષમાં એચએએલના શૅરોએ સારું એવું રિટર્ન આપ્યું છે.

17 ઑગસ્ટ, 2018ના રોજ શૅરબજારમાં એચએએલના એક શૅરની કિંમત 935 રૂપિયા હતી જ્યારે 10 ઑગસ્ટ, 2023ના રોજ એક શૅરની કિંમત 3,851 રૂપિયા થઈ ગઈ હતી. એટલે કે પાંચ વર્ષોમાં એચએએલના શૅરોમાં 300 ટકા કરતાં વધારાની તેજી નોંધાઈ છે.

જોકે, કંપનીના શૅરોમાં પાછલાં બે વર્ષોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. 1 એપ્રિલ, 2021ના રોજ કંપનીના એક શૅરની કિંમત 1,035 રૂપિયા હતી અને 1 એપ્રિલ, 2023ના રોજ આ કિંમત 2,731 રૂપિયા રૂપિયા થઈ ગઈ હતી.

એચએએલ અંગે જાણકારોનો મત

એચએએલને લઈને કેજરીવાલનું કહેવું છે કે એચએએલના શૅરોની કિંમત જ એચએએલ વિશે બધું કહી આપે છે.

અરુણ કેજરીવાલ જણાવે છે કે, "પાંચ વર્ષ પહેલાં એચએએલના શૅરોની કિંમત હજાર રૂપિયા કરતાં ઓછી હતી અને જોતજોતામાં આજે ત્રણ હજાર રૂપિયા પ્રતિ શૅર સુધી પહોંચી ગઈ છે. તેણે બનાવેલું ઍરક્રાફ્ટ સફળ થઈ ગયું છે. આ કંપનીમાં દમ છે અને શાનદાર પ્રદર્શન કરી રહી છે."

તેમજ અવિનાશ ગોરક્ષકર કહે છે કે, "મોદી હાલમાં જ ફ્રાન્સ અને અમેરિકા ગયા હતા. ત્યાં સંરક્ષણક્ષેત્રે થયેલી તમામ ડીલોનો લાભ પહેલાં એચએએલ અને ભારત ઇલેક્ટ્રોનિક્સને થાય છે."

"ડિફેન્સનો મામલો સીધો દેશની સુરક્ષા સાથે જોડાયેલો હોઈ ભારત સરકાર પણ ઇચ્છે છે કે એચએએલ સારું પ્રદર્શન કરે."

"સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના આજના અને બે વર્ષ પહેલાંના ભાવ પર નજર કરશો તો તેમાં જમીન-આકાશ જેવડો અંતર જોવા મળશે."

સરકારી કંપનીઓનું શૅરબજારમાં પ્રદર્શન

ગત વર્ષે સરકારી કંપનીઓનું શૅરબજારમાં કેવું પ્રદર્શન રહ્યું છે? બીબીસીએ જાણકારો પાસેથી આ પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો.

સવાલ અંગે અવિનાશ ગોરક્ષકર કહે છે કે, "ગત બે વર્ષમાં ભલે રેલ વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ) હોય, રેલટેલ હોય કે ઇરકૉન હોય, મોટા ભાગની સરકારી કંપનીઓ નંબરના હિસાબે સારું પ્રદર્શન કરી રહી છે."

"આ કંપનીઓને લોકો સરકારી કંપની તરીકે જોઈને તેની ઉપેક્ષા કરતા, પરંતુ હવે ઊલટી ગંગા વહેવા માંડી છે. આરવીએનએલના આઈપીઓની કિંમત 20 રૂપિયા હતી, જે આજે વધીને 125 રૂપિયા થઈ ગઈ છે. વિચારો કે જેણે 20 રૂપિયા લગાડ્યા હશે તેણે કેટલા રૂપિયા બનાવી લીધા હશે."

સરકારી કંપનીઓમાં રોકાણને લઈને અરુણ કેજરીવાલ મજબૂતી સાથે રેલવે અને ડિફેન્સ સૅક્ટરનો ઉલ્લેખ કરે છે.

અરુણ કહે છે કે, "રેલવે અને ડિફેન્સ સૅક્ટરમાં એવી કોઈ કંપની નથી જેના ભાવ પાછલા 12-18 મહિનમાં બમણા ન થયા હોય."

"તેના ભાવ અકલ્પનીય ઝડપ સાથે વધી રહ્યા છે. મઝગાંવ ડૉકનું ઉદાહરણ જોઈ લો. તેનો શૅર 250 રૂપિયામાં વેચાતો હતો આજે તેની કિંમત 1,800-2,000 રૂપિયા વચ્ચે ચાલી રહી છે."

"રેલવે સૅક્ટરના આઈઆરએફસીનો 25 રૂપિયાની આસપાસનો આઈપીઓ આવ્યો હતો અને આજે તેની કિંમત 50 રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. આરવીએનએલના શૅર લગભગ 20 રૂપિયાના હતા, હવે આ શૅર 100 રૂપિયાની ઉપર જતો રહ્યો છે."

અરુણ કેજરીવાલે કહ્યું છે કે સરકારની કંપનીઓમાં જેણે રોકાણ કર્યું, તેના પૈસા વધ્યા છે.

શું સરકારી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ?

વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, "શૅરબજારમાં રસ ધરાવતા લોકો માટે એ ગુરુમંત્ર છે કે જે સરકારી કંપનીઓને ગાળ આપે, તમે તેના પર દાવ લગાડી દો, બધું સારું થશે."

હવે સવાલ એ થાય છે કે શું આ સરકારી કંપનીઓ રોકાણ માટે યોગ્ય સમય છે?

આ પ્રશ્નના જવાબમાં અવિનાશ ગોરક્ષકરે કહે છે કે, "ધીરે ધીરે લોકોને સમજાઈ રહ્યું છે કે ખાનગી અને સાર્વજનિક ક્ષેત્ર વચ્ચે તાલમેલથી નિશ્ચિતપણે બજારમાં સારું પ્રદર્શન થશે. તમે ડિફેન્સ સૅક્ટરની કંપનીઓ તરફ નજર કરો."

"એચએએલ, બીઇએલ અને મઝગાંવ ડૉક આ કંપનીઓ નફો રળી આપી રહી છે. આ કંપનીઓ ત્રણ હજાર કરોડથી માંડીને 50 હજાર કરોડ રૂપિયાની ઑર્ડર બુક પર બેઠી છે."

"મારા ખ્યાલથી ઘણી ઓછી કંપનીઓ એવી છે જે સારું પ્રદર્શન નથી કરી રહી, જેમ કે બીએચઇએલ."

"તેના નંબર સારા નથી. તેની સમસ્યા એ છે કે તેની પાસે ઑર્ડર છે પરંતુ તેનું અમલીકરણ ખૂબ ધીમું છે."

"હા, એક વાત માર્કેટને પસંદ નથી. એ છે ઓએફએસ એટલે કે ઑફર ફૉર સેલ. આને એવી રીતે સમજો કે સરકારે કંપનીમાંથી પોતાની ભાગીદારી વેચવી છે. આ પૈસા કંપની પાસે નહીં જાય, સરકાર પાસે જશે."

"જ્યારે ઓએફએસની જાહેરાત થાય છે ત્યારે એ શૅરની કિંમત કરતાં થોડી ઓછી હોય છે. એ સમયે શૅરહોલ્ડરને થોડો ફટકો પડે છે કારણ કે એ પૈસા કંપની પાસે નથી જતા પરંતુ સરકાર પાસે જાય છે."

ભલે અવિનાશ ગોરક્ષકર હોય કે અરુણ કેજરીવાલ બંને વિશેષજ્ઞોનું માનવું છે કે સરકારી કંપનીઓ પણ અગાઉ કરતાં વધુ પ્રૉફેશનલ બની છે અને આનાથી તેમને શૅરબજારમાં પણ લાભ થયો છે.