You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી સરકારના એક નિર્ણયથી આખી દુનિયામાં સંકટ કેમ વધ્યું?
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
જો ભારત દુનિયાભરમાં કરોડો લોકો માટે જરૂરી આહાર માટે ખાદ્યચીજોની નિકાસ પર પ્રતિબંધ મૂકી દે તો શું થાય?
20 જુલાઈના રોજ ભારત સરકારે બાસમતી ન હોય એવા સફેદ ચોખાની નિકાસ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકી દીધો. આ નિર્ણય સ્થાનિક સ્તરે ચોખાના ભાવને નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યો છે.
આ નિર્ણય પછી અમેરિકા, કૅનેડા અને અન્ય દેશોમાં ભારતીય કરિયાણાની દુકાનોમાંથી લોકો ભયમાં વધુ ખરીદી કરતા હોવાનો અને દુકાનો ખાલી હોવાના વીડિયો સામે આવ્યા હતા. આ દરમિયાન ચોખાના ભાવમાં વધુ વધારો થયો હતો.
સમગ્ર વિશ્વમાં હજારો જાતના ચોખાનું ઉત્પાદન થાય છે. પરંતુ વૈશ્વિક સ્તરે આ જાતના માત્ર ચાર જૂથમાં જ વેપાર થાય છે. મોટા ભાગનો વૈશ્વિક વેપાર પાતળા અને લાંબા ઇન્ડિકા ચોખામાં થાય છે.
ત્યાર બાદ બાસમતી, નાના ચોખા જૈપોનિકા આવે છે કે જેનો ઉપયોગ સુશી અને રિજોટો બનાવવામાં થાય છે. જ્યારે ચોથા પ્રકારના ચોખા થોડા ચીકણા હોય છે કે જેનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં થાય છે.
ભારત વિશ્વમાં ચોખાની નિકાસ કરતો સૌથી મોટો દેશ છે અને ચોખાના વૈશ્વિક વેપારનો 40 ટકા વેપાર માત્ર ભારતમાંથી જ થાય છે. ભારત પછી થાઇલૅન્ડ, વિયેતનામ, પાકિસ્તાન અને અમેરિકાનો નંબર આવે છે.
તેના મુખ્ય ખરીદદારોમાં ચીન, ફિલિપાઇન્સ અને નાઇજીરિયાનો સમાવેશ થાય છે. ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશ જેવા ખરીદદારો પણ છે જે સ્થાનિક ઉત્પાદન ઓછું હોય ત્યારે વધુ ખરીદી કરે છે.
આફ્રિકામાં ચોખાનો વપરાશ વધુ છે અને હજી વધી રહ્યો છે. ક્યુબા અને પનામા જેવા દેશોમાં ચોખા એ આહાર અને પોષણનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગયા વર્ષે ભારતે 140 દેશોને 2.2 કરોડ ટન ચોખાનું વેચાણ કર્યું હતું. તેમાંથી 60 લાખ ટન સસ્તા ઇન્ડિકા સફેદ ચોખા હતા.
એક અંદાજ મુજબ ગયા વર્ષે વિશ્વભરમાં 5.6 કરોડ ટન ચોખાનો વેપાર થયો હતો.
ભારતે કેમ લીધો આવો નિર્ણય?
માત્ર એટલું જ નહીં ગત વર્ષે ભારતે બાસમતી ટુકડા તરીકે ઓળખાતા ચોખાની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો અને બાસમતી ચોખાની નિકાસ પર પણ 20 ટકા વધુ ટૅક્સ લગાવ્યો હતો.
એટલે જ્યારે ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે દુનિયાભરમાં તેની અછતને કારણે ચિંતા જન્મી અને અચાનક ભાવ વધી ગયા એ આશ્ચર્યજનક વાત નથી.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરે ઑલિવિયર ગોરિન્ચાનું માનવું છે કે આ નિર્ણયથી ભાવ વધશે અને વૈશ્વિક સ્તરે અનાજની કિંમત 15 ટકા સુધી વધી જશે.
યુનાઇટેડ નેશન્સ ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઇન્સ્ટિટ્યૂટના વિશ્લેષક શર્લી મુસ્તફા કહે છે કે ભારતનો ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો આ નિર્ણય ખૂબ મુશ્કેલ સમયે આવ્યો છે.
2022ની શરૂઆતથી જ ચોખાના ભાવ વૈશ્વિક સ્તરે સતત વધી રહ્યા છે અને ગયા વર્ષે જૂનથી તેમાં 14 ટકાનો વધારો થયો છે.
બીજી બાબત એ છે કે આયાત પર પણ દબાણ છે, કારણ કે બજારમાં નવો પાક આવવામાં હજુ ત્રણ મહિના બાકી છે.
દક્ષિણ એશિયામાં ખરાબ હવામાન, ભારતમાં ચોમાસાના વરસાદમાં વધઘટ અને પાકિસ્તાનમાં પૂરને કારણે પુરવઠાને અસર થઈ છે. ખાતરના ભાવવધારાના કારણે ચોખાનો ઉત્પાદન ખર્ચ પણ વધી રહ્યો છે.
તે જ સમયે ચલણમાં ઘટાડો થવાને કારણે ઘણા દેશો માટે ચોખાની આયાત કરવી મોંઘી થઈ ગઈ છે. જ્યારે વધતી જતી મોંઘવારીને કારણે લોન લઈને વ્યવસાય કરવું પણ અઘરું બન્યું છે.
મુસ્તફા કહે છે, “આપણી સામે એવી પરિસ્થિતિ છે જેમાં આયાત મર્યાદિત છે. તેવામાં ખરીદી કરનાર લોકો ભાવવધારો સહન કરી શકશે કે કેમ તે જોવાનું રહેશે.”
ભારતમાં 41 મિલિયન ટન ચોખાનો સ્ટૉક છે જે ભારતની જરૂરિયાત કરતાં ત્રણ ગણો વધારે છે. આ ચોખા ભારતના ડિપ્લૉમેટિક રિઝર્વ અને પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) હેઠળ બનાવવામાં આવેલાં ગોડાઉનમાં છે. પીડીએસ હેઠળ, ભારતના 70 કરોડ ગરીબ લોકોને મફત અનાજ આપવામાં આવે છે.
મોંઘવારી વધશે
છેલ્લા એક વર્ષથી ભારત પણ ખાદ્યચીજોની ઝડપથી વધી રહેલી મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. ગયા વર્ષે ઑક્ટોબરથી જ સ્થાનિક સ્તરે ચોખાના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે.
આવતા વર્ષે ભારતમાં ચૂંટણી છે. આવી સ્થિતિમાં સરકાર પર દબાણ પણ વધી રહ્યું છે. આગામી કેટલાક મહિનામાં ઘણાં રાજ્યોમાં પણ ચૂંટણી યોજાવાની છે. આ પરિસ્થિતિમાં જીવનનિર્વાહનો વધતો ખર્ચ સરકાર સામે મોટો પડકાર છે.
ઇન્ટરનેશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જોસેફ ગ્લૉબર કહે છે કે, "મને લાગે છે કે બાસમતી ન હોય તેવા ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ એક સાવચેતીનું પગલું છે અને આશા રાખીએ કે તે કામચલાઉ જ હોય."
ભારતમાં કૃષિ નીતિઓના નિષ્ણાત દેવેન્દ્ર શર્મા કહે છે કે ભારત સરકાર ઉત્પાદનમાં ઘટાડાની આશંકાને કારણે પહેલેથી જ પાળ બાંધવા માગે છે, કારણ કે આ વર્ષે આગામી સમયમાં અલ- નીનો અસરને કારણે દક્ષિણ ભારતના ચોખા ઉગાડતા વિસ્તારોમાં દુષ્કાળની સંભાવના છે.
ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધનો નિર્ણય લેવો જોઈતો ન હતો, કારણ કે તેનાથી વૈશ્વિક ખાદ્યસુરક્ષા પર ખતરો તોળાઈ શકે છે.
42 દેશો એવા છે જે તેમની જરૂરિયાતના કુલ ચોખાની 50 ટકાથી વધુ આયાત ભારત પાસેથી કરે છે. આઈઍફપીઆરઆઈ પ્રમાણે આફ્રિકાના ઘણા દેશોમાં 80 ટકા ચોખાની નિકાસ ભારતથી થાય છે.
એશિયામાં ચોખાનો સૌથી વધુ વપરાશ કરતા દેશો- બાંગ્લાદેશ, ભૂતાન, કંબોડિયા, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ અને શ્રીલંકામાં ચોખાનું કુલ કૅલરીના વપરાશમાં 40થી 70 ટકા યોગદાન રહેલું છે.
ગરીબો પર વધુ અસર
મુસ્તફા કહે છે કે, “તેનાથી નબળા વર્ગને સૌથી વધુ નુકસાન થશે, કારણ કે તેમની આવકનો મોટો ભાગ એ ખાદ્યચીજોની ખરીદીમાં જ જાય છે.”
મુસ્તફા કહે છે, “વધતી કિંમતો એ લોકોને વપરાશ ઘટાડવા અથવા અન્ય વિકલ્પો પર વિચાર કરવા દબાણ કરી શકે છે. નહીંતર એ લોકોને તેમની રહેવા અને ખાવાની અન્ય જરૂરિયાતો પર કાપ મૂકવાની ફરજ પડશે.”
ખાદ્યપદાર્થો પર પ્રતિબંધ કોઈ નવી વાત નથી. ગયા વર્ષે યુક્રેન પર રશિયાના આક્રમણ પછીથી ખાદ્યપદાર્થોની નિકાસ પર પ્રતિબંધ મૂકનારા દેશોની સંખ્યા ત્રણથી વધીને સોળ થઈ ગઈ છે.
ઇન્ડોનેશિયાએ પામોલીન તેલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આર્જેન્ટિનાએ બીફની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જ્યારે તુર્કી અને કિર્ગિસ્તાને પણ ઘણાં ખાદ્યઉત્પાદનોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
કોવિડ મહામારીના પ્રથમ ચાર અઠવાડિયાંમાં એકવીસ દેશોએ વિવિધ ઉત્પાદનોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ભારતનો આ પ્રતિબંધ મોટો ખતરો પેદા કરી શકે છે. દિલ્હીસ્થિત થિંક ટેન્ક ‘ઇન્ડિયન કાઉન્સિલ ફૉર રિસર્ચ ઍન્ડ ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક રિલેશન્સ સાથે સંકળાયેલા અશોક ગુલાટી ચેતવણી આપતા કહે છે કે, "તેનાથી સફેદ ચોખાની કિંમત ચોક્કસપણે વધશે અને ઘણા આફ્રિકન દેશોમાં ખાદ્યસુરક્ષાને જોખમમાં મૂકશે."
આ નિષ્ણાતોના મતે G-20માં ગ્લૉબલ સાઉથ (વિકાસશીલ દેશો)ના એક જવાબદાર નેતા બનવા માટે ભારતે આવા અચાનક પ્રતિબંધો ન મૂકવા જોઈએ.
જોકે તેઓ કહે છે, "મોટો ગેરલાભ એ છે કે આ પગલાથી વિશ્વસનીય સપ્લાયર તરીકેની ભારતની છબીને પણ ફટકો પડશે."