વિયેતનામના એ નેતા, જેમણે એકલા હાથે 'જગત જમાદાર' અમેરિકાને ભાગવા મજબૂર કર્યું

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિંદી

વિયેતનામના ઇતિહાસના સૌથી લોકપ્રિય નેતા હો ચી મિન્હનો જન્મ 1890માં થયો હતો. તેમના દેશના મોટા ભાગના લોકો માટે તેઓ 'અંકલ હો' હતા.

21 વર્ષની ઉંમરે તેમણે પોતાનો દેશ છોડી દીધો હતો અને ત્યાર પછીનાં 30 વર્ષ સુધી તેઓ વિયેતનામમાં પાછા નહોતા આવ્યા.

તેમણે પેરિસમાં રહીને ફ્રેંચ કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના કરી હતી.

તેઓ નામ બદલીને અમેરિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, મૉસ્કો અને ચીનમાં રહ્યા હતા.

સ્ટેનલી કાર્નોવે પોતાના પુસ્તક 'વિયેતનામ અ હિસ્ટરી'માં લખ્યું હતું, "1920ના દાયકામાં જો તેમના એશિયન ચહેરામહોરા પર લોકોનું ધ્યાન ન ગયું હોત તો તેઓ તેમને એક યુવા ફ્રેન્ચ બુદ્ધિજીવી જ માની લેત. તેઓ નીચા કદના હતા અને ખૂબ જ દૂબળા હતા. તેમના વાળ કાળા હતા અને તેમની ભીતર સુધી જોતી કાળી આંખો લોકોને પ્રભાવિત કરતી હતી."

"તેઓ મોંમાત્ર વિસ્તારની એક હોટલના એક ગંદા ઓરડામાં રહેતા હતા. તેમનો વ્યવસાય જૂની તસવીરોને સુધારવાનો અને તેને એન્લાર્જ કરવાનો હતો. તેમના હાથમાં કાં તો શેક્સપિયર અથવા તો એમીલ ઝોલાનું કોઈ પુસ્તક રહેતું."

"તેઓ શાંત પ્રકૃતિના જરૂર હતા, પરંતુ ડરપોક નહોતા. નાટકો, સાહિત્ય અને અધ્યાત્મવાદમાં રસ ધરાવનાર લોકોની બેઠકમાં તેઓ અસ્ખલિત ફ્રેન્ચમાં પોતાના વિચારો પ્રગટ કરતા હતા. તેમણે પશ્ચિમના પ્રભાવને આત્મસાત્ તો કરી લીધો હતો, પરંતુ તેઓ તેના પ્રભુત્વમાં આવવા તૈયાર નહોતા થયા."

હો ચી મિન્હની કલકત્તા-મુલાકાત

એ કિસ્સો મશહૂર છે કે ઈ.સ. 1941માં કલકત્તામાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની કચેરીમાંથી બધા કૉમરેડોને અચાનક ફોન કરવામાં આવ્યો કે તેમણે તરત જ પાર્ટી કાર્યાલયમાં પહોંચવાનું છે.

કમ્યુનિસ્ટ નેતા મોહિત સેન પોતાની આત્મકથા 'અ ટ્રાવેલર ઍન્ડ ધ રોડ, ધ જર્ની ઑફ એન ઇન્ડિયન કમ્યુનિસ્ટ'માં લખે છે, "જ્યારે અમે કાર્યાલયે પહોંચ્યા ત્યારે એક દૂબળાપાતળા, પરંતુ હસતી આંખો અને પાતળી દાઢીવાળી વ્યક્તિ સાથે અમારી બધાની મુલાકાત કરાવવામાં આવી. તેમણે એવાં કપડાં પહેર્યાં હતાં, જેને પછીથી ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પહેરવા લાગ્યાં હતાં."

"તેમના પગમાં રબરનાં સૅન્ડલ હતાં. તેમનું નામ હતું હો ચી મિન્હ. તેમણે પોતે જ પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે તેઓ ફ્રેન્ચ સરકાર સાથે વાતચીત કરવા પેરિસ જઈ રહ્યા છે. તેઓ ગ્રેટ-ઇસ્ટર્ન હોટલમાં રોકાયા હતા અને ત્યાંના એક વેઇટરની મદદથી કમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યાલયમાં પહોંચ્યા હતા."

વિયેતનામને આઝાદી અપાવી

હો ચી મિન્હનો જ્યારે પણ ઉલ્લેખ થાય છે ત્યારે મનમાં વિરોધ અને ક્રાંતિકારી ભાવના જેવા શબ્દ આપમેળે જ આવી જાય છે. તેઓ એવી વ્યક્તિ હતા, જેમને તેમના જીવનકાળ દરમિયાન એક તરફ આદર મળ્યો, તો બીજી તરફ તેમના વિરોધીઓએ તેમને તિરસ્કારની નજરે પણ જોયા.

પરંતુ એમાં બેમત નથી કે તેમણે લાંબા સમયથી સંસ્થાનવાદી શાસનમાં જકડાયેલા પોતાના દેશને આઝાદી અપાવી.

જેક્સન હાર્ટી પોતાના પુસ્તક 'હો ચી મિન્હ ફ્રૉમ અ હંબલ વિલેજ ટુ લીડિંગ અ નૅશન્સ ફાઇટ ટુ ફ્રીડમ'માં લખે છે, "મધ્ય વિયેતનામના એક ગામમાંથી દેશની આઝાદીની લડાઈના નેતૃત્વ સુધીની તેમની સફર માત્ર એક સંઘર્ષ અને સાહસની કહાણી નથી, પરંતુ એક એવા વ્યક્તિની કહાણી છે જેણે દુનિયાની સૌથી મજબૂત શક્તિઓ દ્વારા મળેલા પડકારોનો સામનો કરવાની હિંમત કરી. વિયત મિન્હના નેતા તરીકે તેઓ માત્ર ફ્રેંચ સામ્રાજ્યવાદીઓ સામે જ ન લડ્યા, પરંતુ તેની સમર્થક મહાશક્તિ અમેરિકાને પણ હાર માનવા મજબૂર કરી દીધી."

શરૂઆતમાં અમેરિકાએ છેડો ફાડી નાખ્યો

29 ઑગસ્ટ, 1945એ વિયેતનામની આઝાદી માટે સંઘર્ષ કરી રહેલા જૂથ વિયત મિન્હએ હનોઇને જાપાન પાસેથી મુક્ત કરાવી લીધું.

બીજી સપ્ટેમ્બરે સ્વતંત્ર વિયેતનામ રાષ્ટ્રની સ્થાપના કરી દેવાઈ. અમેરિકા આ ઉત્સવમાં સામેલ હતું. અમેરિકન રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ વિયેતનામને ફ્રેન્ચોને પાછું સોંપવાના પક્ષમાં નહોતા.

તેઓ વિયેતનામને સંયુક્ત રાષ્ટ્રના સંરક્ષણ અથવા તો, એટલે સુધી કે કામચલાઉ ધોરણે ચીનના નિયંત્રણમાં પણ આપવા તૈયાર હતા.

ઑગસ્ટમાં પૉટ્સડમ સંધિમાં અમેરિકા અને મિત્ર દેશોએ વિયેતનામના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગલા કરીને ઉત્તરમાં જાપાનીઓને હથિયાર રાખવાની તથા કાયદો અને વ્યવસ્થાની જવાબદારી ચીનને અને દક્ષિણમાં આ કામ બ્રિટનને સોંપીને ભવિષ્યમાં રાષ્ટ્રીય એકીકરણનો માર્ગ બનાવવાની સલાહની સાથે પોતે આમાંથી હઠી ગયું.

બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે શીતયુદ્ધ શરૂ થયું ત્યારે અમેરિકાની નજરમાં હો ચી મિન્હ હવે રાષ્ટ્રવાદી દેશભક્ત નહીં, કટ્ટર કમ્યુનિસ્ટ અને 'મૉસ્કોના એજન્ટ' બની ગયા.

વીકે સિંહ પોતાના પુસ્તક 'હો‌ ચી મિન્હ ઔર ઉનકા વિયેતનામ'માં લખે છે, "27 માર્ચ, 1947ના ટ્રુમેન સિદ્ધાંતે જાહેર કર્યું કે અમેરિકા એવા દરેક દેશની મદદ કરશે જેના પર આંતરિક બળવો, બાહ્ય આક્રમણ કે કોઈ પણ પ્રકારના કમ્યુનિસ્ટ કબજાનું જોખમ છે. 8 મે, 1950એ અમેરિકાએ ફ્રાન્સની સાથે વિયેતનામમાં વ્યૂહાત્મક સહાયતા સમજૂતી કરી. સપ્ટેમ્બર 1953માં અમેરિકન કૉંગ્રેસે 90 કરોડ ડૉલરની સૈન્ય સહાયતાને મંજૂરી આપી. 1954 આવતાં સુધીમાં અમેરિકા વિયેતનામમાં ફ્રાન્સના યુદ્ધનો 80 ટકા ખર્ચ ઉઠાવવા લાગ્યું હતું."

ઈ.સ. 1954માં દિયેન બિએન ફૂમાં ફ્રાન્સની નિર્ણાયક હાર થઈ. ફ્રાન્સના સાડા સાત હજાર સૈનિક મૃત્યુ પામ્યા અને 10 હજાર યુદ્ધકેદી થયા. 19 જુલાઈ, 1954એ જીનીવા સમજૂતી અનુસાર યુદ્ધવિરામની સાથે ફ્રાંસ-વિયત મિન્હ યુદ્ધનો નિર્ણાયક અંત થયો.

લાખો લોકોનાં મૃત્યુની કિંમતે વિયત મિન્હે શીખ મેળવી કે પોતાના કરતાં અનેક ગણી મોટી શક્તિઓ સામે યુદ્ધ લડી અને જીતી શકાય છે.

અમેરિકાએ સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો

જીનીવા સમજૂતી પછી વિયેતનામના એકીકરણનો માર્ગ શોધવાના બદલે રાષ્ટ્રપતિ આઇઝનહાવર અને તેમના વિદેશમંત્રી જૉન ફાસ્ટર ડલેસે એ ક્ષેત્રમાં સામ્યવાદના વિસ્તારને રોકવા માટે દક્ષિણ વિયેતનામને એક અલગ દેશ બનાવવાનો નિર્ણય કર્યો.

આઇઝનહાવર પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ હતા જેમણે વિયેતનામમાં પ્રત્યક્ષ અમેરિકી હસ્તક્ષેપની શરૂઆત કરી. ત્યાર પછી કૅનેડી, લિંડન જૉન્સન અને રિચર્ડ નિક્સનના કાર્યકાળમાં અમેરિકન હસ્તક્ષેપ વધતો જ ગયો.

27 જાન્યુઆરી, 1965એ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મૅકગેવર્ઝ બંડી અને સુરક્ષામંત્રી રૉબર્ટ મેક્નમારાએ રાષ્ટ્રપતિ જૉન્સનને કહ્યું કે વિયેતનામમાં સીમિત સૈનિક હસ્તક્ષેપ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે.

હવે અમેરિકાની પાસે બે જ વિકલ્પ છે. એક તો તેઓ આ યુદ્ધમાં પૂર્ણ રીતે કૂદી પડે કે પછી ત્યાંથી સંપૂર્ણપણે પાછા આવી જાય. 6 ફેબ્રુઆરી, 1965એ જૉન્સને 'ઑપરેશન ફ્લેમિંગ ડાર્ટ'ને મંજૂરી આપી દીધી.

અમેરિકન દળો શક્તિશાળી હોવા છતાં ઉત્તર વિયેતનામની સેનાએ તેને સખત ટક્કર આપી.

ડેવિડ લેન ફૅમ હો ચી મિન્હના જીવનચરિત્રમાં લખે છે, "હો ચી મિન્હના વ્યૂહાત્મક નેતૃત્વ અને ઉત્તર વિયેતનામના કમ્યુનિસ્ટ શાસને યુદ્ધ ચાલુ રાખવા માટે વિયતકૉંગને જરૂરી સંસાધન અને વૈચારિક સમર્થન આપ્યું. અમેરિકનોને ટૂંક સમયમાં જ એવો અંદાજ આવી ગયો કે તેઓ એક સૈન્યબળ સાથે નહીં, પરંતુ સમગ્ર પ્રજા સાથે લડી રહ્યા છે. આ યુદ્ધ અમેરિકા માટે એક પ્રકારે પેચીદો પ્રશ્ન બની ગયું, જેમાં દૂર દૂર સુધી જીત દેખાતી નહોતી. અમેરિકન સેનાને ફક્ત વિયેતનામમાં હો ચી મિન્હના સૈનિકોનો જ સામનો નહોતો કરવો પડતો, બલકે, તેમના પોતાના જ દેશમાં યુદ્ધવિરોધી આંદોલન ઉગ્ર બનવા લાગ્યું હતું, જ્યાં યુદ્ધની નૈતિકતા અને તેની અસરકારકતા અંગે સવાલ થવા લાગ્યા હતા."

ગોરીલા યુદ્ધ પર ભાર

સમગ્ર યુદ્ધ દરમ્યાન હો ચી મિન્હએ બદલાતી પરિસ્થિતિઓ મુજબ પોતાને ઢાળવાની અદ્ભુત ક્ષમતા દર્શાવી.

વિલિયમ જે ડાઇકે પોતાના પુસ્તક 'હો ચી મિન્હ અ લાઇફ'માં લખ્યું, "હો ના નેતૃત્વે યુદ્ધ દરમિયાન ઉત્તર વિયેતનામના સંકલ્પને કાયમ રાખવા અને વિયેતનામી લોકોને રાષ્ટ્રવાદ અને સમાજવાદના ઝંડા હેઠળ સંગઠિત રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. યુદ્ધ વિશેની તેમની આગવી સમજણ અને સંકટના સમયે તેમનું અડગ નેતૃત્વ તેમની સફળતાનાં મુખ્ય કારણ બન્યાં."

હો ચી મિન્હની સફળતાનું એક મોટું કારણ હતું ગોરીલા યુદ્ધ પરનો તેમનો મદાર. તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા કે વિયેતનામ જેવા જંગલોથી ભરપૂર દેશમાં પરંપરાગત યુદ્ધ લડી શકાય નહીં. તેમની રણનીતિ હતી કે, વિયતકૉંગના ગ્રામીણોમાં ભળી જવું, અમેરિકન સૈનિકો પર અચાનક હુમલો કરીને જંગલો અને ગામોમાં છુપાઈ જવું. અમેરિકન સૈનિકોને આ પ્રકારના યુદ્ધ માટે તૈયાર કરવામાં નહોતા આવ્યા.

ચીન અને સોવિયત સંઘનો સહયોગ

હો ચી મિન્હની સફળતાનું એક બીજું કારણ તેમને સોવિયત સંઘ અને ચીનનું સંપૂર્ણ સૈનિક અને રાજકીય સમર્થન હતું. ઈ.સ. 1957માં હો ચીનના પ્રવાસે ગયા હતા.

ભારતના વિદેશમંત્રી રહેલા નટવરસિંહ પોતાના પુસ્તક 'ફ્રૉમ હાર્ટ ટુ હાર્ટ'માં લખે છે, "જ્યારે હો પીકિંગ આવ્યા હતા ત્યારે ચીનના માઓત્સે તુંગથી લઈને ચાઉ એન લાઈ અને લિઉ શાઓ ચી સુધી ચીનનું સંપૂર્ણ ટોચનું નેતૃત્વ તેમના સ્વાગત માટે ઍરપૉર્ટ ગયું હતું. તેઓ ચપ્પલ પહેરીને વિમાનમાંથી નીચે ઊતર્યા હતા. તેઓ બહારથી ખરેખર ખૂબ સૌમ્ય લાગતા હતા, પરંતુ તેમનાં હાડકાં લોખંડ જેવા મજબૂત હતાં."

ઈ.સ. 1953માં સ્ટાલિનના મૃત્યુના થોડા મહિના પહેલાં હો ચી મિન્હ તેમને મૉસ્કોમાં મળ્યા હતા.

વિલિયમ ડાઇક લખે છે, "આ મુલાકાતમાં સ્ટાલિને બે ખુરશી તરફ ઇશારો કરતાં હોને પૂછ્યું હતું કે આમાંની એક ખુરશી રાષ્ટ્રવાદીઓની છે અને બીજી આંતરરાષ્ટ્રીયવાદીઓની છે. આપ આમાંથી શેમાં બેસવાનું પસંદ કરશો."

"હોએ જવાબ આપ્યો હતો, 'કૉમરેડ સ્ટાલિન, હું બંને ખુરશી ઉપર બેસવાનું પસંદ કરીશ.' સ્ટાલિને હોના હાજરજવાબીપણાની ખૂબ પ્રશંસા કરી હતી. જ્યારે મૉસ્કોથી ટ્રેન દ્વારા પીકિંગના રસ્તે હનોઇ પાછા ફરતાં હો ચી મિન્હએ આ કિસ્સો સાથે આવી રહેલા માઓત્સે તુંગ અને ચાઉ એન લાઈને સંભળાવ્યો ત્યારે તેમણે કહ્યું હતું, સ્ટાલિન પાસેથી કંઈક મેળવી લેવું એવું ગણાય જાણે કે વાઘના મોંમાંથી માંસ છીનવી લેવામાં આવે."

79 વર્ષની વયે અવસાન

હો ચી મિન્હ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુના મોટા પ્રશંસક હતા. નહેરુએ વડા પ્રધાન તરીકે હો સાથે બે વખત મુલાકાત કરી હતી.

એક વાર 1954માં હનોઇમાં અને બીજી વખત 1958માં દિલ્હીમાં, જ્યારે હો ચી મિન્હ ભારતની સરકારી યાત્રાએ આવ્યા હતા.

એ જ યાત્રા દરમિયાન ભારતનાં પ્રસિદ્ધ સાહિત્યકાર અમૃતા પ્રીતમની મુલાકાત હો ચી મિન્હ સાથે થઈ હતી.

તેમણે પોતાની આત્મકથા 'રસીદી ટિકિટ'માં લખ્યું હતું , "હો ચી મિન્હએ મારું માથું ચૂમતાં કહ્યું હતું, 'આપણે બંને સિપાહી છીએ. તમે કલમથી લડો છો, હું તલવારથી લડું છું'."

ઈ.સ. 1969ની શરૂઆતમાં તેમને હૃદયની બીમારી શરૂ થઈ. ઑગસ્ટ સુધીમાં આ બીમારી ગંભીર થઈ ગઈ. 2 સપ્ટેમ્બર, 1979ની સવારે 9:45 વાગ્યે હો ચી મિન્હએ 79 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યું.

આખું વિયેતનામ શોકમાં ડૂબી ગયું, પરંતુ તેમના ઉત્તરાધિકારીઓએ કહ્યું કે તેઓ હો ચી મિન્હની નીતિઓને ત્યાં સુધી અમલમાં રાખશે, જ્યાં સુધી તેમના દેશની ધરતી પર એક પણ વિદેશી રહેશે.

લગભગ એક લાખ લોકોએ તેમની અંતિમયાત્રામાં ભાગ લીધો. 121 દેશોએ વિયેતનામને શોકસંદેશા મોકલ્યા. અમેરિકાએ એક શબ્દ પણ ન કહ્યો, પરંતુ એક દિવસ માટે વિયેતનામ પર બૉમ્બમારો અટકાવી દીધો.

તેમના મૃત્યુનાં છ વર્ષ પછી ઈ.સ. 1975માં અમેરિકાએ તેમનો દેશ છોડી દેવો પડ્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન