ગુજરાતમાં આ વર્ષે મગફળીના વાવેતરનો રેકૉર્ડ, વિક્રમજનક ઉત્પાદનના અંદાજ વચ્ચે સિંગતેલના ભાવ ઘટશે?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

મોરબી જિલ્લાનો ટંકારા તાલુકો સૌરાષ્ટ્રના કેટલાય તાલુકા જેમ તેની કપાસની ખેતી માટે જાણીતો છે. ટંકારા તાલુકાના સજનપર ગામના ખેડૂતો પણ કપાસની ખેતીના જાણકાર માણસો ગણાય છે.

આ ગામના ખેડૂત પંકજ મકવાણાનો પરિવાર વર્ષોથી તેમની 45 વીઘા જમીનમાંથી અડધા ભાગમાં કપાસ અને અડધા ભાગમાં મગફળીનું વાવેતર કરતો આવ્યો છે, પરંતુ આ વર્ષે તેમણે કપાસ માત્ર 15 વીઘામાં વાવ્યો છે જ્યારે મગફળીનું વાવેતર વધારી 30 વીઘા કરી દીધું છે.

બીબીસી સાથે વાત કરતા પંકજ મકવાણા કહે છે, "કપાસમાં ખેતી ખર્ચ ઊંચો રહે છે તેમ છતાં ઉત્પાદન મળતું નથી. ગયા વર્ષે અમે અમારી અડધી જમીનમાં કપાસ હતો અને બીજા ભાગમાં મગફળી વાવી હતી, પરંતુ બહુ સારું વર્ષ હોય તો કપાસનું ઉત્પાદન વીઘે 30 મણ થાય અને નબળું હોય તો 10 મણ જ થાય. તેની સામે મગફળીમાં ઉત્પાદનમાં એટલો બધો તફાવત રહેતો નથી અને સરેરાશ 20થી 25 મણ પાકે છે."

તેઓ કહે છે, "કપાસ કરતાં મગફળીની ખેતી કરવાનો ખર્ચ પણ ઓછું થાય છે, કારણ કે કપાસમાં 15 વાર દવાનો છંટકાવ કરવો પડે છે જ્યારે મગફળીમાં એકાદ ડોઝથી કામ ચાલી જાય. વળી, મગફળીમાં રાસાયણિક ખાતરો નાખવાની પણ બહુ જરૂર રહેતી નથી. તેથી, અમે આ વર્ષે કપાસનું વાવેતર ઘટાડી મગફળીનું વાવેતર વધાર્યું છે."

પંકજ મકવાણા કહે છે કે તેમની જેમ સજનપરના અન્ય ખેડૂતોએ પણ આ વર્ષે મગફળી વધારે વાવી છે.

તેઓ કહે છે, "અમારા ગામમાં 70 ટકા જમીનમાં કપાસનું વાવેતર થતું અને 30 ટકા જમીનમાં મગફળી વવાતી, પરંતુ છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં પરિસ્થિતિ ઊલટી થઈ છે, કારણ કે કપાસમાં વધારે વળતર મળતું નથી. વળી, કપાસ લાંબા ગાળાનો પાક છે જ્યારે મગફળી ટૂંકા ગાળાનો હોવાથી મગફળી પાકી ગયા બાદ ઘઉં, ચણા કે જીરુંનો પાક લઈ શકાય છે."

ગુજરાતમાં મગફળીનો નવો રેકૉર્ડ

કપાસ છોડી મગફળી અપનાવવામાં પંકજ મકવાણા અને સજનપર ગામ એકલા નથી. તેમના જેવા સંખ્યાબંધ ખેડૂતો અને ગામોએ આ વર્ષે એવો જ નિર્ણય લીધો છે.

પરિણામે, ગુજરાતની ખેતીમાં એક નવો વિક્રમ સર્જાયો છે. ચાલુ ખરીફ એટલે કે ચોમાસુ ઋતુ દરમિયાન રાજ્યમાં મગફળીનો વાવેતર વિસ્તાર 22 લાખ હેક્ટરથી પણ વધી ગયો છે. આ આંકડો 1.37 કરોડ વીઘા (1 હેક્ટર=6.25 વીઘા) જેટલો થાય જે એક નવો વિક્રમ છે.

ગુજરાત આમ તો ભારતનું સૌથી વધારે કપાસનું ઉત્પાદન કરતા રાજ્ય તરીકે વધારે જાણીતું છે. ગુજરાત દેશનું સૌથી વધારે મગફળી પકાવતું રાજ્ય પણ છે, પરંતુ આ વર્ષે વાવેતર વિસ્તારની દોડમાં મગફળી કપાસથી આગળ નીકળી ગઈ છે.

સરકારી અધિકારીઓ જણાવે છે કે ગુજરાતના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે.

ગુજરાતમાં મગફળી અને કપાસનું કેટલું વાવેતર થયું છે?

રાજ્ય સરકરના કૃષિ નિયામકની કચેરીએ સોમવારે જાહેર કરેલ વાવેતરના અઠવાડિક આંકડા અનુસાર ગુજરાતમાં કુલ 82.40 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.

પાછળનાં ત્રણ વર્ષોમાં સરેરાશ 85.57 લાખ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર નોંધાયું હતું. તેથી, 1 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ વાવેતર વિસ્તારની સાપેક્ષ 96 ટકા કરતાં પણ વધારે વિસ્તારમાં વાવેતર નોંધાઈ ચૂક્યું છે અને આ આંકડો હજુ વધે તેવી શક્યતા છે, કારણ કે રાજ્યમાં ખેડૂતો એરંડાનું વાવેતર ઑગસ્ટ મહિનામાં કરે છે અને તેના આંકડા આવવાના હજુ બાકી છે તેમ અધિકારીઓ કહે છે.

ગુજરાતમાં કપાસ અને મગફળી ખરીફ ઋતુના સૌથી મોટા પાકો છે. રાજ્યમાં 2011માં ખેડૂતોએ 30 લાખ હેક્ટર (1.87 કરોડ વીઘા)માં કપાસનું વાવેતર કર્યું હતું. તે એક વિક્રમ હતો જે હજુ અકબંધ છે. તો આ વર્ષે અત્યાર સુધીમાં કપાસ માત્ર 20.80 લાખ હેક્ટર(1.30 કરોડ વીઘામાં વવાયો હોવાના અહેવાલ છે.

ગયા વર્ષે આ આંકડો 23.71 લાખ હેક્ટર (1.48 કરોડ વીઘા) હતો. પાછલાં ત્રણ વર્ષમાં સરેરાશ 25.34 લાખ હેક્ટર (1.58 કરોડ વીઘા)માં કપાસનું વાવેતર નોંધાયું છે. તે હિસાબે આ વર્ષે 20.80 લાખ હેક્ટરમાં થયેલા વાવેતર સરેરાશના 82 ટકા થાય.

જોકે આ વર્ષે 22 લાખ હેક્ટરમાં થયેલી મગફળીનું વાવેતર પાછલાં ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા સરેરાશ 17.50 લાખ હેક્ટર કરતાં 4.5 લાખ હેક્ટર (28.12 લાખ વીઘા) જેટલું ઊંચું છે.

ટકાવારીની દૃષ્ટિએ તે લગભગ 26 ટકાનો વધારો છે જે આ વર્ષે કોઈ પણ પાક માટે સૌથી વધારે વધારો છે. ગત વર્ષે ખરીફ ઋતુ દરમિયાન 19 લાખ હેક્ટર(1.19 કરોડ વીઘા)માં મગફળીનું વાવેતર નોંધાયું હતું.

આ વર્ષે વધારે વિસ્તારમાં મગફળી વાવીને ખેડૂતોએ 2020માં નોંધાયેલા 21 લાખ હેક્ટર (1.31 કરોડ વીઘા)ના રેકૉર્ડને તોડી નાખ્યો છે.

જૂનાગઢ ખાતે આવેલી સંયુક્ત ખેતી નિયામકની કચેરીમાં મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા વિનય પરમારે બીબીસીને જણાવ્યું, "રાજ્યમાં મગફળીના વાવેતર વિસ્તારનો આ નવો વિક્રમ તો છે જ, સાથે જ એવું પહેલી વાર બન્યું છે કે કપાસ કરતાં મગફળીનું વાવેતર વધારે થયું હોય."

રાજકોટ જિલ્લાના નિવૃત્ત ખેતીવાડી અધિકારી રમેશ ટીલવાએ પણ બીબીસીને જણાવ્યું કે કપાસ કરતાં મગફળી આગળ નીકળી ગઈ હોય તેવું ગુજરાતમાં પહેલી વાર બન્યું છે.

ગુજરાતમાં મગફળીનો વાવેતર વિસ્તાર કેમ વધ્યો છે?

વિનય પરમાર કહે છે, "આંખોના અવલોકન તેમજ ઉપગ્રહથી લેવાયેલી તસવીરો એવો નિર્દેશ આપે છે કે ગત વર્ષે જે વિસ્તારોમાં કપાસ વવાયો હતો તેમાંથી જે વિસ્તારમાં ઘટાડો થયો છે તે વિસ્તારમાં કપાસનું સ્થાન મગફળીએ લઈ લીધું છે."

મદદનીશ નિયામક ઉમેરે છે કે ખેડૂતોની બદલાઈ રહેલી પસંદ માટે ઘણાં પરિબળો કારણભૂત છે.

તેઓ કહે છે, "ખેડૂતો કપાસના બદલે વધારે મગફળી વાવી રહ્યા છે, કારણ કે પાછલાં કેટલાંક વર્ષોથી કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ થવાને કારણે કપાસનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ઉપરાંત પાછલાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં ઑક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ વરસાદ પડ્યો છે. આવો વરસાદ કપાસ માટે ખૂબ નુકસાનકારક હોય છે, તેનાથી ફૂલ અને જીંડવાં ખરી જાય છે. ત્યાર બાદ નવાં ફૂલ આવે ત્યાં સુધી ગુલાબી ઈયળો આવવાનો સમય પણ પાકી ગયો હોય છે. આ કારણે પણ ઉત્પાદન ઘટે છે."

"આ ઉપરાંત કપાસનો પાક તૈયાર કરવાનો ખર્ચ મગફળીની સરખામણીએ વધારે હોય છે, કારણ કે કપાસને વધારે જંતુનાશક દવા છાંટવી પડે છે અને રાસાયણિક ખાતર આપવાં પડે છે. મજૂરી પણ મગફળીની સરખામણીએ વધારે થાય છે. ઉત્પાદન ખર્ચ વધ્યું છે, પરંતુ બજારભાવમાં બહુ મોટો વધારો થયો નથી. તેથી, ખેડૂતો મગફળી તરફ વળી રહ્યા છે."

મગફળી અને તુવેરની દોસ્તી?

રમેશ ટીલવા કહે છે કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ખેડૂતો કપાસના વિકલ્પ તરીકે મગફળી અને તુવેરને આપવાની રહ્યા છે.

"મગફળીના લઘુતમ ટેકાના ભાવમાં કેન્દ્ર સરકાર દર વર્ષે સારો એવો વધારો કરી રહી છે અને ખેડૂતો પાસેથી મોટા પાયે મગફળીની ખરીદી પણ કરી રહી છે. તેથી ખેડૂતોને ઊંચા ભાવની ખાતરી છે. વળી, ખેડૂતો મગફળીના પાકમાં જન્માષ્ટમીની આજુબાજુ તુવેરનું એક રીલે ક્રૉપ તરીકે વાવેતર કરે છે."

"ઑક્ટોબર મહિનામાં મગફળીની સિઝન લેવાની થાય ત્યાં સુધીમાં તુવેરના છોડ મોટા થઈ જાય છે અને ફૂલ આવવાની તૈયારી થાય છે. તુવેરના પાકમાં પણ ખેડૂતોને બહુ ખર્ચ થતો નથી અને મગફળીની જેમ તેની પણ સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે."

આ વર્ષે કેન્દ્ર સરકારે મગફળીનો ટેકનો ભાવ રૂપિયા 1452 પ્રતિ મણ નક્કી કર્યો છે જયારે તુવેરનો ટેકનો ભાવ 1600 રૂપિયા નક્કી કર્યો છે.

સૌરાષ્ટ્રના ખેડૂતોએ બીબીસીને જણાવ્યું કે મગફળીનું ઉત્પાદન વીઘાદીઠ સરેરાશ 20 મણ રહે છે અને એ જ રીતે તુવેરનું ઉત્પાદન પણ સરેરાશ 20 મણ રહે છે.

વિનય પરમારે કહ્યું કે "કપાસની સરખામણીએ મગફળી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે ચોમાસા દરમિયાન વરસાદ ખેંચવાની સ્થિતિમાં ટકી રહેવાની વધારે ક્ષમતા ધરાવે છે અને તેના કારણે પણ ખેડૂતો મગફળી તરફ વળ્યા છે."

તુવેરનો વાવેતર વિસ્તાર પણ 2.30 લાખ હેક્ટરની સરેરાશથી વધીને આ વર્ષે 2.80 લાખ હેક્ટર થયો છે, જે લગભગ 22 ટકાનો વધારો સૂચવે છે.

આ વિસ્તાર મગફળી, કપાસ, ડાંગર (8.97 લાખ હેક્ટર) અને એરંડા (5.94 લાખ હેક્ટર) બાદ પાંચમો સૌથી મોટો વિસ્તાર છે. ત્યાર પછી મકાઈ (2.78 લાખ હેક્ટર) અને સોયાબીન (2.77 લાખ હેક્ટર)નો નંબર આવે છે.

જૂનાગઢ જિલ્લાનો માણાવદર તાલુકો કપાસની ખેતી માટે જાણીતો છે. માણાવદરના મટિયાણા ગામના ખેડૂત હાજાભાઈ બોરખતરિયા જણાવે છે કે હવે ત્યાં પણ ખેડૂતો મગફળી અને તુવેર તરફ વળી રહ્યા છે.

તેઓ કહે છે, "કપાસ પર હવામાનની વધારે અસર થાય છે અને ઉત્પાદન કેટલું મળશે તે નક્કી રહેતું નથી. મગફળીમાં સરેરાશ ઉત્પાદન ઊંચું રહે છે. વળી, જ્યાં શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી ઘટે તેમ હોય તેવા વિસ્તારમાં ખેડૂતો મગફળી સાથે તુવેરનો આંતરપાક લેતા થયા છે. તુવેરને ફેબ્રુઆરી મહિના બાદ પાણી ન મળે તો પણ ચાલે. તેથી, મેં 2019થી અમારી 90 વીઘા જમીનમાં કપાસ વાવવાનું બંધ કરી મગફળી વાવી છે અને છેલ્લાં ત્રણ વર્ષથી તુવેર વાવવાનું પણ ચાલુ કર્યું છે."

મગફળીમાં વરસોવરસ સારું ઉત્પાદન મળે છે

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રંગપુર ગામના ખેડૂત રાજેશ ભાલોડિયા જણાવે છે કે મગફળીનું એક જ જમીનમાં વારંવાર વાવેતર કરવા છતાં ઉત્પાદન સારું મળે છે.

તેઓ કહે છે, "જો મગફળીનું વાવેતર બેવડાવીએ તો પણ ઉત્પાદન સારું મળે છે. સોયાબીન કે તુવેરમાં આવું થતું નથી, કારણ કે આવા પાકો જમીનમાંથી પોષકતત્ત્વો વધારે માત્રામાં ખેંચી લે છે. તેથી, વધારે માત્રામાં રાસાયણિક ખાતર આપવું પડે છે અથવા પાકોની ત્રીજા કે ચોથા વર્ષે બદલી કરવી પડે છે."

જૂનાગઢ જિલ્લો પરંપરાગત રીતે "મગફળીના ઘર" તરીકે જાણીતો છે, પરંતુ પાછલાં દશેક વર્ષથી ખેડૂતો સોયાબીન પણ વાવવા લાગ્યા છે. જૂનાગઢના વીસાવદર તાલુકાના ઢેબર ગામના ખેડૂત દિલીપ સાંગાણીએ આ વર્ષે આઠ વીઘામાં મગફળી અને 12 વીઘામાં સોયાબીન વાવ્યાં છે.

તેઓ કહે છે, "સોયાબીનમાં ખેતી ખર્ચ મગફળીની સરખામણીએ અડધાથી પણ ઓછો થાય છે. વીઘાદીઠ વાવેતર માટે મગફળીનું 30 કિલો બિયારણ જોઈએ જ્યારે સોયાબીનનું 10 કિલો બિયારણ પૂરતું થઈ પડે છે."

"વળી, સોયાબીન ઝડપથી વધતી જાત હોવાથી નિંદામણ થતું નથી. સોયાબીનમાં કોઈ ઘાતક રોગ પણ આવતા નથી. ઉપરાંત સોયાબીનમાં મજૂરી પણ ઓછી કરવી પડે છે, કારણ કે સોયાબીન પાકી જાય ત્યારે સીધા હાર્વેસ્ટરથી સિઝન લઈ શકાય છે જ્યારે મગફળીને ખેંચી, સૂકવ્યા પછી થ્રેશરમાં નાખવી પડે છે. તેમ છતાં બંને પાકોનું વીઘાદીઠ ઉત્પાદન સરેરાશ 20 મણ રહે છે. તેથી, હું ટેકાના ભાવે વેચી શકાય અને ઘર વપરાશ માટે તેલ કાઢવા પૂરતી મગફળી વાવું છું જ્યારે બાકીના વિસ્તારમાં સોયાબીન વાવું છું."

મગફળીનું વાવેતર વધતા શું સિંગતેલના ભાવ ઘટશે?

રાજ્ય સરકારના આંકડા અનુસાર ગત વર્ષે મગફળીનું ઉત્પાદન 50.85 લાખ મેટ્રિક ટન એટલે કે 25.42 કરોડ મણ રહ્યું હતું. સરકારના ફર્સ્ટ ઍડવાન્સ એસ્ટીમેટ અનુસાર આ વર્ષે મગફળીનું ઉત્પાદન વધીને 66 લાખ ટન એટલે કે 33 કરોડ મણ રહેવાનો અંદાજ છે.

પરંતુ સૌરાષ્ટ્ર ઑઇલ મિલ્સ ઍૅસોસિયેશનના પ્રમુખ કિશોર વીરડિયા કહે છે કે મગફળીનું ઉત્પાદન વધવાથી તેલના ભાવ ઘટશે તેવું ચોક્કસ કહી શકાય નહીં.

તેઓ કહે છે, "સ્વાસ્થ્ય માટે મગફળીનું તેલ બહુ સારું છે, પરંતુ કમનસીબે ભારત મગફળીના તેલની મોટા પાયે નિકાસ કરે છે અને તેવા જ ભાવે પામતેલ, સોયાબીનનું તેલ અને સૂર્યમુખીના તેલની આયાત કરે છે. સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરે તે દિવસો દરમિયાન મગફળીના બજારભાવ ઊંચા રહે છે, કારણ કે સરકારી ખરીદીના કારણે બજારમાં મગફળીની એક પ્રકારની કૃત્રિમ તંગી સર્જાય છે.

"ઑઇલ મિલરો ઊંચા ભાવે મગફળી ખરીદી શકતા નથી, કારણ કે ઊંચા ભાવે તેલનો ડબ્બો વેચાતો નથી. પરિણામે, મગફળીનું તેલ વિદેશોમાં, ખાસ કરીને ચીનમાં નિકાસ થઈ જાય છે. જો આવી જ પરિસ્થિતિ રહે તો આ વર્ષે મગફળીનું ઉત્પાદન વધવા છતાં મગફળીના તેલના ભાવ ઘટે તેવું મને નથી લાગતું."

વીરડિયા કહે છે કે તેલના ભાવ નીચા રાખવા સરકાર ભાવાંતર ભુક્તાન જેવી યોજના વિષે વિચારી શકે, જેથી બજારમાં મગફળીની કૃત્રિમ અછત ઊભી ન થાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન