You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કામના કલાકો 9માંથી 12 કલાક કરવા કામદારો માટે ફાયદાકારક કે શોષણ, કેમ કરાયો આવો નિર્ણય?
- લેેખક, વિનાયક હોગાડે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
- લેેખક, દીપાલી જગતાપ
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
મહારાષ્ટ્ર રાજ્ય સરકારે કારખાના કામદારો માટે દિવસના કામના કલાકો 9 કલાકથી વધારીને 12 કલાક કરવાની જોગવાઈને મંજૂરી આપી દીધી છે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો અને 'ફૅક્ટરી ઍક્ટ 1948'ની કેટલીક જોગવાઈમાં સુધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.
કૅબિનેટની બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણય બાદ એની આલોચના થઈ અને સરકારે આ ફેંસલા પર સ્પષ્ટતા કરી છે.
આ ફેંસલો હકીકતે શું છે? કઈ કાયદાકીય જોગવાઈઓમાં બદલાવ કરવામાં આવ્યો છે?
આનો સાચો અર્થ શું છે? આ સાથે જ આવો જોઈએ કે આ ફેંસલાની મજૂરોના શારીરિક, માનસિક અને આર્થિક પાસાઓ પર શું અસર પડશે?
નિર્ણય ખરેખર શું છે?
તારીખ 3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં 'ફૅક્ટરી ઍક્ટ, 1948'ની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સુધારા હેઠળ, કાયદાની કલમ 54 માં કામદારો માટે કામના કલાકોની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
તદનુસાર, હવે કામના કલાકો 9 કલાકને બદલે 12 કલાક પ્રતિ દિવસ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કલમ 55 માં, આરામનો સમયગાળો બદલીને 5 કલાક પછી 30 મિનિટનો વિરામ અને 6 કલાક પછી બીજા 30 મિનિટનો વિરામ આપવામાં આવ્યો છે.
કલમ 56 માં, સાપ્તાહિક કામના કલાકોની મર્યાદા 48 કલાકથી વધારીને 60 કલાક કરવામાં આવી છે.
સરકારે જણાવ્યું છે કે આ નવા નિયમ હેઠળ, 60 કલાકમાંથી, અઠવાડિયાના મહત્તમ 48 કલાક કામ કરવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે બાકીના 12 કલાક ઓવરટાઇમ હશે.
શ્રમમંત્રીએ શું કહ્યું?
મહારાષ્ટ્રના શ્રમ મંત્રી ઍડવોકેટ આકાશ ફુંડકરે આ ફેરફારો અંગે માહિતી આપી છે.
તેમણે કહ્યું, "આ નિર્ણય શ્રમ અને ઉદ્યોગ ક્ષેત્રોમાં નિયમોને સરળ બનાવશે અને પારદર્શિતા વધારશે."
તેમણે વધુમાં કહ્યું, "આનાથી કામદારોને વધુ નાણાકીય લાભ મળશે. ઉપરાંત, ફૅક્ટરીઓ સરકારની મંજૂરી વિના કામના કલાકોમાં આવા ફેરફાર કરી શકશે નહીં."
આ ઉપરાંત, શ્રમ મંત્રી ઍડવોકેટ ફુંડકરે એમ પણ કહ્યું છે કે અઠવાડિયામાં 48 કલાકની કામકાજની સમયમર્યાદા ઓળંગી શકાતી નથી.
આ ફેરફારથી ઓવરટાઇમ કામ માટે પૂરતું વળતર અને કામદારો માટે પેઇડ રજા સુનિશ્ચિત થશે.
તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારની 'ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ' નીતિ હેઠળ દેશમાં થઈ રહેલા ફેરફારોને ધ્યાનમાં લેતા, કાયદામાં આ ફેરફારો ઉદ્યોગ અને શ્રમ બંને માટે મહત્ત્વપૂર્ણ છે.
તેમણે એમ પણ કહ્યું કે આ ફેરફારો ઉદ્યોગને વધુ સુગમતા અને કામદારો માટે પારદર્શક અને આયોજિત કાર્યકારી વાતાવરણ પ્રદાન કરશે.
આ ફેરફારની આલોચના બાદ મીડિયાને આપેલા જવાબમાં મંત્રી આકાશ ફુંડકરે કહ્યું, "સાપ્તાહિક કામકાજના કલાકોની મર્યાદા 48 કલાક છે. તે તેનાથી વધુ ન હોઈ શકે."
"ધારો કે તેઓ ચાર દિવસમાં 48 કલાક કામ કરી રહ્યા છે. તો પછી તેમને પાંચમા અને છઠ્ઠા દિવસ માટે રજા આપવામાં આવશે અને પગાર આપવામાં આવશે."
"ઉપરાંત, મર્યાદાથી વધુ કામ કરવા બદલ કામદારોને બમણું મહેનતાણું મળશે. તેથી, આમાં કોઈ મૂંઝવણ નથી."
આ ફેરફારોનો ખરેખર શું અર્થ છે? કોને ફાયદો થશે?
અમે કાયદામાં થયેલા ફેરફારોનો ખરેખર શું અર્થ થાય છે અને ખરેખર શું થઈ શકે છે તે સમજવાનો પ્રયાસ કર્યો.
આ માટે, અમે લેબર નેતા અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય અજિત અભ્યંકર સાથે ચર્ચા કરી.
તેઓ કહે છે કે, "આ ફેરફારોનો અર્થ એ નથી કે તમારે દરરોજ, હંમેશાં માટે, 12 કલાક કામ કરવું પડશે."
હાલમાં દિવસમાં કામ કરવાની મર્યાદા 9 કલાક છે. જોકે, કુલ સાપ્તાહિક કામના કલાકો 48 કલાકથી વધુ ન હોવા જોઈએ.
વર્તમાન જોગવાઈઓ મુજબ, 48 કલાકથી વધુ કામ કરેલા કોઈપણ કલાક માટે ઓવરટાઇમ ચૂકવવો પડશે.
નવા ફેરફારો હેઠળ શું અસર થશે તેનું વિશ્લેષણ કરતા, અજિત અભ્યંકરે એક ઉદાહરણ આપ્યું અને કહ્યું, "ધારો કે, જો 12 કલાક માટે ફક્ત ચાર દિવસ માટે કામ પૂરું પાડવામાં આવે અને તે અઠવાડિયામાં 48 કલાકની મર્યાદાથી વધુ ન હોય, તો જો આ બે શરતો પૂરી થાય તો કામદારોને ઓવરટાઇમના પૈસા ચૂકવાશે નહીં."
તેઓ કહે છે કે, "કામદારો માટે પારદર્શક અને આયોજિત કાર્યકારી વાતાવરણ ઉપલબ્ધ થશે અને કામદારોને આર્થિક લાભ થશે તેવું સરકારનું નિવેદન અત્યંત ખોટી વાત છે."
તેઓ એમ પણ કહે છે કે,"કાયદામાં રહેલી આ સુગમતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવશે, પરંતુ તેનાથી કામદારોને ફાયદો થશે નહીં."
જાણીતા અર્થશાસ્ત્રી નીરજ હાટેકરે પણ આ મુદ્દા પર પ્રકાશ ફેંક્યો હતો.
તેઓ કહે છે કે, "આનાથી માસિક પગાર એટલો જ રહેશે, પરંતુ દૈનિક કામના કલાકો વધશે, જેના કારણે ઉત્પાદનમાં વધારો થશે. તેથી, આ પાછળનો વિચાર 'ઉત્પાદન ખર્ચ' ઘટાડવાનો છે."
બીબીસી મરાઠી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "ઘણા ઉદ્યોગોમાં મોસમી ઉત્પાદનનો ભાર વધારે હોય છે. ઉદાહરણ તરીકે, કાપડ ઉદ્યોગમાં, તહેવારોની મોસમ પહેલાં ઉત્પાદનનો ભાર વધારે હોય છે. તેથી, આવા સમય દરમિયાન, ઉદ્યોગસાહસિકોને લાગે છે કે આ લેબર લૉ તેમની મેક્સિમમ કૅપેસિટી સાથે ઉત્પાદન કરવાની ક્ષમતાને અવરોધે છે."
"આ તેમની સુવિધા માટે કાગળ પર કરવામાં આવ્યું છે. બીજી અસર એ થશે કે આ ફક્ત મોસમી સમયગાળા સુધી મર્યાદિત રહેશે નહીં. તે કાયમી રહેશે અને 'લેબર કૉસ્ટ'માં ઘણો ઘટાડો કરશે."
ઉદાહરણ તરીકે, જો તમારે હવે આઠ કલાક કામ માટે પાંચસો રૂપિયા ચૂકવવા પડે છે, તો હવે તમારે બાર કલાક માટે પણ પાંચસો રૂપિયા ચૂકવવા પડશે.
આ નિર્ણયની સીધી અને પ્રત્યક્ષ શું અસર થશે?
અજિત અભ્યંકર કહે છે કે કાનૂની દસ્તાવેજો અને વાસ્તવિકતા વચ્ચે અંતર છે.
તેઓ કહે છે, "હકીકતે, આ શ્રમ કાયદાઓ ઘણી જગ્યાએ આંશિક રીતે લાગુ કરવામાં આવે છે અથવા બિલકુલ લાગુ કરવામાં આવતા નથી. અથવા, તેમને એવી રીતે લાગુ કરવામાં આવે છે કે કામદારોનું શોષણ થાય અને ફક્ત ઉદ્યોગસાહસિકોને જ ફાયદો થાય."
"હવે, આ નવા સુધારાઓ સાથે, કામદારોનું કાયદેસર રીતે શોષણ કરવું વધુ અનુકૂળ બનશે."
આ કાયદાની પરોક્ષ અસરો સમજાવતા તેમણે કહ્યું, "રાત્રિના સમયે વીજળીના દર ઓછા છે. જે ફૅક્ટરીઓ રાત્રે વીજળીનો ઉપયોગ કરે છે તેઓ અઠવાડિયાના ચાર દિવસ બાર કલાક સંપૂર્ણ ક્ષમતાથી રાત્રિ શિફ્ટ ચલાવશે અને ઓવરટાઇમ ચૂકવવાની જરૂર રહેશે નહીં."
"આગળનું પગલું એ હશે કે આ કામદારોને આગામી ત્રણ દિવસની રજા આપવામાં આવે અને બાકીના દિવસો કામદારોનાં અન્ય જૂથો પાસે પણ એ જ રીતે કામ કરાવવામાં આવે."
તેઓ કહે છે, "આ રીતે, ઉદ્યોગપતિઓને ઓવરટાઇમના પૈસા બચાવવા અને સસ્તી વીજળીનો ઉપયોગ કરવાનો બેવડો ફાયદો થશે. આ સુગમતા ઉદ્યોગપતિઓ માટે ફાયદાકારક છે અને તે ફક્ત કામદારોનું શોષણ કરશે."
તેઓ વધુંમાં કહે છે, "કેટલીક જગ્યાએ, કાયદાનો ભંગ થઈ રહ્યો છે અને અઠવાડિયામાં 72 કલાક કામ કરાવવામાં આવી રહ્યું છે અને તેમને ફક્ત 48 કલાક માટે જ પગાર આપવામાં આવી રહ્યો છે. આ ગેરકાયદેસર છે. આવું થતું રહેશે કારણ કે કામદાર લાચાર છે."
નીરજ હાટેકર કહે છે કે આનાથી એ વધુ સ્પષ્ટ થાય છે કે વર્તમાન લેબર અધિકારો માટે મજૂર આંદોલનો કેટલાં મહત્ત્વપૂર્ણ છે.
પરંતુ, તેઓ એ હકીકત પર પણ ભાર મૂકે છે કે મજૂર સંગઠનો પણ હવે એટલા સક્ષમ નથી,
તેઓ કહે છે, "શરૂઆતમાં, કામદારો પાસેથી બાર, પંદર કે સોળ કલાક કામ કરાવવાની કોઈ મર્યાદા નહોતી. આઠ કલાકનો કાર્યદિવસ મજૂર ચળવળ દ્વારા સખત મહેનત અને સંઘર્ષ દ્વારા પ્રાપ્ત થયો હતો."
"કેટલા કલાક કામ કરવું જોઈએ અને તેના માટે કેટલું ચૂકવવું જોઈએ તેના માટે સંગઠનોએ લડત આપી હતી."
તેઓ ઉમેરે છે, "ઉદ્યોગને શ્રમ કાયદાઓનું પાલન કર્યા વિના ગમે તેટલા લાંબા સમય સુધી શિફ્ટમાં કામ કરી શકશે, જેથી તેમને રાહત મળશે. તેનાથી કામદારોને કોઈ ફાયદો થશે નહીં. તેનાથી વિપરીત, ગણતરી એ છે કે સમાન રકમ માટે વધુ કામ કરાવવામાં આવશે."
જો સહમતી ન હોય તો ઓવરટાઇમ ન કરાવી શકાય
અમે આ સંદર્ભમાં રાજ્યના લેબર વિભાગના સચિવ આઈ. કુંદન સાથે વાત કરી.
બીબીસી મરાઠી સાથે વાત કરતા તેમણે કહ્યું, "આમાં ફૅક્ટરીઓ, દુકાનો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે કામકાજના કલાકોમાં આ ફેરફારો ખાનગી સંસ્થાઓને પણ લાગુ પડશે."
રાજ્ય સરકારે ફૅક્ટરી ઍક્ટ 1948 અને શૉપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ બંનેની કલમ 9માં સુધારો કર્યો છે. બુધવારે કૅબિનેટે આને મંજૂરી આપી હતી.
સચિવ આઈ. કુંદનએ જણાવ્યું હતું કે, "આ ફેરફાર મહારાષ્ટ્રનાં તમામ કારખાનાં સાથે સંબંધિત છે. તે સ્થાપનોને લાગુ પડશે. તે આઈટી, હોટલ, દુકાનો, ખાનગી કંપનીઓને લાગુ પડશે.
"જો કામના કલાકો વધારવામાં આવે તો પણ, ઓવરટાઇમ અને કુલ કામના કલાકોની મર્યાદા છે. કામદારોને ફક્ત મર્યાદીત કલાકોમાં જ કામ કરાવી શકાય છે," તેમણે જણાવ્યું
તેમણે ઉમેર્યું કે, "જો કામના કલાકો વધારવામાં આવે તો પણ, તેઓ દિવસમાં 12 કલાક કામ કરી શકતા નથી. તેઓ અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરી શકતા નથી. જો તેઓ ઓવરટાઇમ કામ કરે છે, તો તે અઠવાડિયામાં 60 કલાકથી વધુ ન હોવું જોઈએ."
તેઓ એમ પણ કહે છે કે ફૅક્ટરીઓમાં હોય કે ખાનગી સંસ્થાઓમાં, ઓવરટાઇમ કે વધારાનું કામ, સંબંધિત કર્મચારીઓ અને કામદારોની સંમતિ વિના કરાવી શકાતું નથી.
તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે કૅબિનેટે હાલ પૂરતી તેને મંજૂરી આપી દીધી છે, પરંતુ રાષ્ટ્રપતિની મંજૂરી પછી સત્રમાં બિલ પસાર થયા પછી જ તેનો અમલ થઈ શકશે.
'અનંત કલાકો કામ કરીને આપણને શું મળશે?'
કામદારોનાં હિતોને ધ્યાનમાં લીધા વિના તેમનું માનસિક અને શારીરિક શોષણ કરવા બદલ આ નિર્ણયની ટીકા થઈ રહી છે.
અમે ઇન્ડસ્ટ્રિઅલ સાયકોલૉજીસ્ટ વૃષાલી રાઉત સાથે પણ વાત કરી, જેમણે કામદારોના માનસિક સ્વાસ્થ્ય પર પુસ્તક લખ્યું છે.
બીબીસી મરાઠી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "એક તરફ, વિશ્વભરમાં કામના કલાકો અને કામકાજના દિવસો ઘટાડવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ, ભારતમાં આવા નિર્ણયો કામદારો માટે હાનિકારક છે. કાર્ય ઉત્પાદકતા અને કામદારોનો સંતોષ બંને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."
એક તરફ, તે પ્રશ્ન ઉઠાવે છે કે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટને કારણે કામ સરળ બન્યું છે ત્યારે કામના કલાકો 12 કલાક સુધી રાખવા પાછળનું વિજ્ઞાન શું છે?
બ્રિટિશ સહકારી આંદોલનના જનક રૉબર્ટ ઓવેનના 8 કલાક કામ, 8 કલાક ઊંઘ અને 8 કલાક મનોરંજન સિદ્ધાંતને મહત્ત્વપૂર્ણ જણાવતાં તેઓ કહે છે, "આ સિદ્ધાંત આખી દુનિયામાં લાગુ છે. મગજ સતત 12 કલાક સુધી કામ ન કરી શકે. આ કારણે ઘણી સમસ્યા ઊભી થાય છે."
"આ કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડે છે. આ કારણે કામદારોને વ્યસનનોની લત લાગશે, કામદારોનું હરેસમેન્ટ પણ વધશે."
મુક્તા ચૈતન્યે બીબીસી મરાઠી સાથે વાતચીત કરતાં કહ્યું કે, "આ નિર્ણયથી માત્ર શ્રમિકો-કામદારોના જ નહીં પરંતુ એમના પરિવારોના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડશે."
તેઓ કહે છે, "ફૅકટરીમાં કામ કરતા લોકોના કામના કલાકો 12 કલાક સુધી રાખવાથી કામદારો પાસે એમના પરિવાર માટે સમય નહીં બચે. દંપતિઓ પાસે એકબીજા માટે સમય નહીં હોય, માતા-પિતા પોતાના બાળકોને સમય નહીં આપી શકે, આ પરિણામે વ્યસન વધશે, સ્ક્રીન ટાઈમ વધશે, જાહેર સંબંધોમાં તણાવ આવશે''
તેમણે એમ પણ કહ્યું કે આની અસર પરિવારની મહિલાઓ પર પણ વધારે થશે.
તેઓ કહે છે, "પુરુષ 12 કલાક કામને લઈને બહાર રહેશે. જો આપણે આવવા જવામાં અને તૈૈયાર થવામાં બે કલાક વધારે ઉમેરીએ તો મહિલાઓ પર વધું જવાબદારી આવશે."
તેઓ કહે છે, "જો કોઈ પુરુષ બાર કલાક બહાર રહે છે તો એની પત્નીને બાળકો અને માતા-પિતાની દેખભાળ માટે ઘરે રહેવું પડશે અને નોકરી છોડવી પડશે. તે નિરાંતે જમી પણ નહીં શકે''
"સાથે જમવું પહેલાથી જ દુર્લભ છે, તે વધુ દુર્લભ બનશે. બાળકો એકલા પડી જશે અને પછી અલગ પડી જશે. કામકાજ વધશે, અને માનસિક સમસ્યાઓ વધશે."
વધુમાં, સ્ત્રી કામદારો વિશે શું? બંનેનું માનવું છે કે કામના કલાકો વધારવા તેમના માટે જ નુકસાનકારક હોઈ શકે છે.
શું આ એક સ્વસ્થ સમાજની નિશાની છે? તેઓ એ પણ પ્રશ્ન ઉઠાવે છે કે અનંત કલાકો કામ કરીને આપણે શું મેળવવાના છીએ?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન