ગુજરાત : વિચરતી અને વિમુક્ત જનજાતિના લોકોને પ્રથમ વખત ઘર મળ્યું, વર્ષો સુધી કેવું કપરું જીવન જીવ્યા?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના લખતર તાલુકાનું વઢવાણ ગામ, જેમાં આજકાલ 'ડફેર સમાજ'ની એક વસાહત જોવા મળે છે. આ એક એવી વસાહત છે જ્યાં ડફેર સમાજના લોકો ઘરોની અંદર રહેતા જોવા મળે છે.

વિમુક્ત જનજાતિ અથવા 'ગુનેગાર જાતિ' તરીકે બદનામ થયેલી આ જનજાતિની આ વસાહતમાં શાળાએ જતાં બાળકો છે, ખેતી કરતા યુવાનો છે, ચૂલા પર રસોઈ કરતી મહિલાઓ છે.

પહેલી નજરે આ બધું ખૂબ સામાન્ય લાગે, પરંતુ જો ખબર પડે કે 'ડફેર સમુદાય'ને આજ સુધી ક્યારેય ગામની અંદર કે ગામની બહાર, વગડામાં કે વગડાની બહાર, શહેરમાં કે શહેરની બહાર રહેવા માટે જગ્યા મળી નથી તો તેમના માટે આ ચાર દીવાલોનું મહત્ત્વ સમજી શકાય છે.

ખૂબ સામાન્ય લાગતી એક એવી ઘટના કે જેમાં એક બહેન ઘરના આંગણે બેસીને ચૂલા પર રસોઈ કરી રહ્યાં છે, તે આ સમુદાય માટે અસામાન્ય છે, કારણ કે તેમની પેઢીઓના ઇતિહાસમાં આ પ્રથમ વખત તેમને રહેવા માટે ચાર દીવાલ અને માથે છત મળી છે.

વિમુક્ત અને ભટકતી જનજાતિઓ માટે કેન્દ્ર સરકારે બનાવેલા 'ઇદાતે કમિશન' પ્રમાણે, રાજ્યમાં 13 વિમુક્ત જનજાતિઓ છે, જ્યારે 29 ભટકતી જનજાતિઓ છે. તેમની યાદી પ્રમાણે ડફેર ઉપરાંત આ જનજાતિઓમાં છારા, બાફના, મે, મીયાણા, દેવીપૂજક, ચુવાળિયા વગેરે જેવી બીજી જનજાતિઓનો પણ સમાવેશ થાય છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વિચરતી-ભટકતી જનજાતિઓ માટે કામ કરતા કર્મશીલ અને ભાષાવિદ ડૉ. ગણેશ દેવી કહે છે કે, "31 ઑગસ્ટના દિવસને વિમુક્ત સમાજના લોકો દ્વારા પોતાના 'આઝાદી દિવસ' કે 'વિમુક્તિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે ના કે 15મી ઑગસ્ટને."

"આ જ દિવસે બ્રિટિશ સરકારના 1871ના 'ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ' અંતર્ગત 'નોટિફાઇડ' એવા આ સમુદાયોને 1947ને નહીં, પરંતુ 1952માં આ દિવસે 'ડિનોટિફાઇડ' જાહેર કરાયા હતા."

કર્મશીલોનું માનવું છે કે આ તમામ જાતિઓને પણ ડફેર જનજાતિ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમની સાથે એક યા બીજી રીતે ભેદભાવ થતા આવ્યા છે.

'ગુનેગાર જાતિ'ની છાપને કારણે તેમને નોકરી નથી મળતી કે રહેવા માટે ઘરેય મળતું નથી. રાજ્ય સરકારે આ વિમુક્ત અને ભટકતી જનજાતિઓ માટે વિવિધ યોજનાઓ થકી તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ જાણકારો માને છે કે આ સમાજોના વિકાસ માટે સરકારે હજી વધારે પ્રયાસ કરવા પડશે.

ઘણા લોકોનું માનવું છે કે જેમ વઢવાણ ગામમાં કરવામાં આવ્યું છે, તેમ રાજ્યનાં અનેક ગામોમાં વિમુક્ત જનજાતિના લોકોને જગ્યા મળવી જોઈએ.

શું છે 'ડફેર સમુદાય'નો ઇતિહાસ?

'ડફેર સમાજ'ના આગેવાનો પ્રમાણે તેઓ ભાગલા પહેલાંના સિંધ, કચ્છ, અને તેની આસપાસના વિસ્તારમાં ભટકતું જીવન પસાર કરતા હતા.

'ડફેર સમુદાય'ના લોકો ઘરમાં તેમની પોતાની ડફેર ભાષા બોલે છે. જે સિંધ પ્રાંતની ભાષા છે.

જોકે, ભાગલા બાદ જે લોકો આ બાજુ રહી ગયા તે લોકોને ગામ કે શહેરમાં જવાની પરવાનગી ન હતી, કારણ કે લોકોને તેમનાથી બીક લાગતી હતી. એટલે તેઓ ગામની બહાર વગડામાં, મુખ્ય પ્રવાહના સમાજોની નજરથી દૂર રહેતા હતા.

આ વિશે બીબીસી ગુજરાતીએ 80 વર્ષના હાકમ ઉસ્માન ડફેર સાથે વાત કરી.

તેઓ કહે છે કે, "તેમણે જોયું છે કે કેવી રીતે તેમનાં માતાપિતા એક સ્થળેથી બીજા સ્થળે ફરતું જીવન જીવતાં હતાં, શિકાર કરતાં હતાં, અને જે મળે તે ખાઈને જીવી જતાં હતાં. એ જ જીવન અમે અને અમારા બાળકોએ પણ જીવ્યું."

હાકમ ડફેર કહે છે કે, "અમે કોઈ પણ હથિયાર વગર પણ શિકાર કરી શકતા હતા, માટે દરેક ગામના લોકોમાં અમારા નામથી બીક બેસી ગઈ હતી. જેના કારણે અમને ક્યારેય કોઈ ગામમાં આશરો મળતો ન હતો."

"અમુક લોકોને ખેતરમાં રહેવાની પરવાનગી મળતી હતી, જેમાં તેઓ નીલગાય, ભૂંડ, કે બીજાં જંગલી જાનવરોથી ખેતીની રખેવાળી કરતા હતા. માટે સમય જતાં ડફેરોનું મુખ્ય કામ ખેતીની રખેવાળી કરવાનું પણ થઈ ગયું હતું."

જોકે, તેમ છતાં મુખ્ય પ્રવાહના સમાજમાં તેમને ક્યારેય આવકાર ન મળ્યો.

શું છે ઇતિહાસ વિમુક્ત જનજાતિઓનો અને શું છે વિમુક્તિ દિવસ?

આ વિશે 'વિચરતા સમુદાય સમર્થન મંચ' (વીએસએસએમ)નાં ફાઉન્ડિંગ ટ્રસ્ટી અને આવા સમાજો માટે વર્ષોથી કામ કરતાં કર્મશીલ મિત્તલ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "આવા સમાજોને સ્વીકૃતિ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. 1871માં બ્રિટિશ સરકારે જે ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ પસાર કર્યો હતો, ત્યાર બાદથી દેશભરમાં આવા લગભગ 191થી વધુ જેટલા સમાજના લોકોને એક કે બીજી રીતે ભેદભાવનો સામનો કરવો પડ્યો છે."

બ્રિટિશ સરકારનો એ કાયદો, આઝાદીનાં પાંચ વર્ષ સુધી લાગુ રહ્યો હતો, અને આવા અનેક સમાજોને જેલમાં રાખવામાં આવ્યા હતા.

આ વિશે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વિમુક્ત જનજાતિના કર્મશીલ અને ફિલ્મમેકર દક્ષિણ બજરંગેએ જણાવ્યું હતું કે, "આઝાદ ભારતના ઇતિહાસની આ સૌથી દર્દનાક ઘટના છે કે દેશની આઝાદી પછી પાંચ વર્ષે વિમુક્ત જનજાતિના લોકોને આઝાદી મળી હતી. જ્યારે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રકારની જેલો અમદાવાદ સહિત દેશનાં અનેક શહેરોમાં બનાવવામાં આવી હતી."

તેઓ વધુમાં જણાવે છે કે, "દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ તેમને આ જેલમાંથી 31મી ઑગસ્ટ 1952ના રોજ મુક્ત કરીને તેમને વિશેષ મુક્તનો દરજ્જો આપ્યો હતો, એટલે તેમનું નામ વિમુક્ત જનજાતિ પડી ગયું."

ઘણા લોકો હજી ઘર વિહોણા?

જો ગુજરાતની જ વાત કરવામાં આવે તો હજુ પણ આ સમુદાયો પૈકી ઘણા સમુદાયોને ઘર મળ્યું નથી. વીએસએસએમ જેવી સંસ્થાઓ સરકાર સાથે મળીને આવા સમાજોને ઘરો મળે તે માટે પ્રયાસો તો કરી રહી છે, પરંતુ મિત્તલબહેનનું માનવું છે કે હજી ઘણું કામ બાકી છે.

જેમ કે, સુરેન્દ્રનગરનું બાકરથળી ગામ. આ ગામમાં વર્ષોથી દેવીપૂજક અને બીજા ભટકતા સમાજો રહી રહ્યા છે. સરકારી સહાય તરીકે તેમને જમીન પણ ફાળવી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી તેઓ ત્યાં રહી નથી શકતા.

આ વિશે જ્યારે અહીંના વીએસએસએમના આગેવાન હર્ષદભાઈ નાયક સાથે વાત કરી તો તેમણે કહ્યું, "અમને આવી સમસ્યા અનેક વખત આવે છે કે વિમુક્ત અને ભટકતા સમાજોના લોકોને ઘરો માટે જગ્યાની ફાળવણી થઈ ગઈ હોવા છતાં, ગ્રામજનોનો વિરોધને કારણે તેમને ઘરો મળતાં નથી."

બાકરથળી ગામથી થોડેક દૂર સરકારી જમીન પર છાપરું બાંધીને રહેતા કોવિંદ લગજી દેવીપૂજકનું છાપરું હાલમાં તૂટી ગયું છે.

તેઓ કહે છે કે, "અમે દેવીપૂજક સમાજના લોકો નાની મોટી મજૂરી કરીને કે પછી ભિક્ષાની પ્રવૃત્તિ કરીને પોતાનું ગજરાન ચલાવીએ છીએ. મેં મારું આખું જીવન રસ્તા પર તંબુમાં પસાર કર્યું છે. હવે જ્યારે અમને જમીન મળી ગઈ છે, તો અમને રહેવા દેવા માટે લોકો ના પાડી રહ્યા છીએ."

જોકે, આ ગામથી નજીકના ચુડા ગામમાં પરિસ્થિતિ અલગ છે.

અહીં ગ્રામજનોએ ભટકતી જનજાતિ એવા સરાણિયા સમાજના લોકોને રહેવા માટે જગ્યા આપવાની પરવાનગી આપી દીધી છે. પરિણામ સ્વરૂપે વર્ષોથી ગાડાં પર પોતાનું જીવન પસાર કરતા સરાણિયા સમાજના અનેક પરિવારોને હવે રહેવા માટે ઘર મળી રહ્યાં છે.

આ વિશે સરાણિયા સમાજના આગેવાન કહે છે કે, "અમે એક ગામથી બીજે ગામ ગાડા પર ફરતા રહેતા હતા. કોઈ ગામમાં રાતવાસો કરવો હોય તો ગામધણીથી પરવાનગી લેતા. જો એ પરવાનગી આપે તો રાતવાસો કરીએ, નહીંતર બીજા ગામે જતા રહીએ. આ ગાડા પર જ અમારું જીવન હતું."

સરાણિયા સમાજના લોકો હવે ખેતમજૂર તરીકે કામ કરે છે, પરંતુ ગામ અને શહેરમાં ચપ્પુ છરીની ધાર કરનારા લોકો તરીકે તેમને ઘણા લોકો જાણે છે.

આજે પણ ઘણા લોકો આ કામ કરે છે, પંરતુ મોટા ભાગના લોકો હવે બીજી મજુરી તરફ વળી ગયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન