સુરતના હીરા ઉદ્યોગ પર ટ્રમ્પના ટેરિફની કેવી અસર, ફૅક્ટરી માલિકો અને મજૂરોની ચિંતા કેમ વધી?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

દુનિયાના દર દસમાંથી નવ હીરા જ્યાં ઘસવામાં આવે છે, તે સુરતના હીરા ઉદ્યોગના વેપારીઓ હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફને કારણે ચિંતામાં છે.

અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે જે 27 ઑગસ્ટથી એટલે કે આજથી અમલમાં આવી રહ્યા છે. તેનાથી સુરતનો હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 25 લાખથી વધુ મજૂરો પર પણ અસર પડી શકે છે.

સુરતનો હીરા ઉદ્યોગ અમેરિકામાં નિકાસ પર નિર્ભર હોવાના કારણે આ નિર્ણયની અસર આ ક્ષેત્ર પર સૌથી વધારે પડી રહી છે.

ઘણા લોકો માને છે કે ટેરિફમાં ઘટાડો નહીં થાય, તો અનેક વેપારીઓ હીરા ઉદ્યોગથી બહાર નીકળી જશે, ઘણા લોકો રોજગારી ગુમાવશે અને ભારે મંદીનો માહોલ સર્જાશે. આ મામલે ઘણા ફૅક્ટરી માલિકો હાલમાં ચિંતામાં છે.

જોકે, બીજી બાજુ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલાં સંગઠનો, જેમ કે સુરત ડાયમંડ ઍસોસિયેશન અને સાઉથ ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ માને છે યુએસ ટેરિફથી ટૂંકા ગાળાની મંદી સર્જાશે, પરંતુ સમય જતાં પરિસ્થિતિ થાળે પડી જશે.

તેઓ કહે છે કે હીરા ઉદ્યોગની જરૂર જેટલી ભારતને છે, તેટલી જ હીરાની માંગ અમેરિકામાં પણ છે. તેથી ત્યાંના લોકો તેમજ વેપારીઓ પણ આ સમસ્યાનું સમાધાન ઇચ્છેે છે.

ઊંચા ટેરીફને કારણે હીરા ઘસવાની ઘંટીઓ શાંત પડવા લાગી

સુરતનાંં બજારોમાં સવારે અને સાંજે ટુ-વ્હીલરને કારણે ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ સામાન્ય છે, કારણ કે એ સમયે હીરાના કારીગરો તે સમયે કારખાને આવજા કરે છે.

શહેરની વચ્ચે આવેલાં અનેક કૉમ્પલેક્સમાં ચાલતી નાની-નાની ફૅક્ટરીઓમાં 20થી 200 કામદારો અને ક્યારેય 500 કામદારો કામ કરતા હોય છે. આવી હજારો ફૅક્ટરીઓ સુરતમાં ચાલે છે.

સુરતના નવા વિસ્તારોમાં બનેલી નવી ઇમારતોમાં પણ આ પ્રકારનાં અનેક યુનિટ્સ ચાલે છે જ્યાં રત્નકલાકારો કામ કરતા જોવા મળે છે.

સુરતના કતારગામ ખાતે આવેલી એક હીરા ઘસવાની ફૅક્ટરીમાં હાલમાં માત્ર અંધકાર જોવા મળે છે.

ટેબલ પર જામેલી ધૂળ, ઘણા દિવસોથી ઉપયોગમાં ન લીધી હોય તેવી હીરા ઘસવાની ઘંટીઓ, આરામ કરતા કારીગરો, હીરાને ઘસતા પહેલાં ડિઝાઇન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા તૂટેલા સીપીયુ અને તૂટેલી ટ્યૂબલાઇટો એ વાતની સાબિતી આપે છે કે આ ફૅક્ટરી જાણે મરવાના વાંકે જીવી રહી છે.

ટેબલોની ખાલી હરોળમાં માત્ર છ લોકો કામ કરી રહ્યા છે.

તેમાંથી એક રત્નકલાકારે કહ્યું કે, "અહીં એક સમયે કારીગરોની ભારે ભીડ રહેતી હતી. ઘણા લોકોને તાજેતરમાં જ છૂટા કરવામાં આવ્યા છે. હવે અમારું શું થશે તેની અમને પણ ખબર નથી."

સુરતમાં આવી અનેક નાની-મોટી ફૅક્ટરીઓની પરિસ્થિતિ કંઈક આવી જ છે.

20 વર્ષ પહેલાં શૈલેષ મંગુકિયાએ માત્ર એક ઘંટી સાથે આવું જ એક હીરા ઘસવાનું યુનિટ શરૂ કર્યું હતું.

ધીમે ધીમે ધંધો વધતો ગયો અને ફૅક્ટરીમાં કારીગરની સંખ્યા ત્રણથી વધીને 300 સુધી પહોંચી હતી. જોકે, હવે તેમની ફૅક્ટરીમાં માત્ર 70 લોકો રહી ગયા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "બધા ઑર્ડર રદ થઈ ગયા છે. મજૂરોને કહેવું પડે છે કે કામ નથી. આ બહુ દુ:ખદ છે, કારણ કે સમજાતું જ નથી કે કોને કાઢવા અને કોને રાખવા? બધા જ લોકો મારા પરિવારના સભ્યોની જેમ છે. પરંતુ ઑર્ડર ન હોવાથી કામ નથી, અને કામ ન હોવાને કારણે મારી પાસે તેમને આપવા માટે પગાર નથી."

ગયા વર્ષે ઑગસ્ટમાં તેમની ફૅક્ટરીમાં દર મહિને સરેરાશ 2,000 હીરા ઘસીને ઑર્ડર પૂરો કરવામાં આવતો હતો, હવે આ ઑગસ્ટ મહિનામાં આંકડો ઘટીને ફક્ત 300 હીરા સુધી સીમિત થઈ ગયો છે. મંગુકિયાને ડર છે કે આવું જ ચાલશે તો બહુ જલદી ફૅક્ટરી બંધ કરવી પડશે.

જોકે, ટેરિફને કારણે પેદા થયેલી મંદીનો સીધો ફટકો કામદારોને પડવાની શરૂઆત થઈ ચૂકી છે.

રત્નકલાકાર સુરેશ રાઠોડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "સામાન્ય રીતે જન્માષ્ટમી વખતે અમને ફક્ત બે દિવસની રજા મળતી. આ વખતે 10 દિવસની બિનપગારની રજા અપાઈ. આમ કઈ રીતે જીવવું? પણ માલિકો પણ શું કરે, ઑર્ડર જ નથી."

'એક લાખ રત્નકલાકારની નોકરી જોખમમાં'

સુરેશ રાઠોડની જેમ અનેક રત્નકલાકારો છે, જેમને પર આ પ્રકારની અસર થઈ રહી છે.

સુરત ડાયમંડ પૉલિશર્સ યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકની ઑફિસે આજકાલ એવા અનેક રત્નકલાકારોની ભીડ જોવા મળે છે, જેઓ ફરિયાદ લઈને આવે છે કે, તેમના પગારમાં ઘટાડો કરી દીધો છે, કે પછી તેમને કામ પરથી કાઢી દેવામાં આવશે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "અમને ફરિયાદ મળી છે કે ઘણા મજૂરોના પગાર કાપવામાં આવ્યા છે. ઘણા લોકોને બિનપગારમાં રજા અપાઈ છે, જેમ કે જન્માષ્ટમીના સમયે ઓવરટાઇમ મળતો, પણ આ વર્ષે મજૂરોને 3–5 દિવસ ઘરે બેસાડવામાં આવ્યા."

તેમના કહેવા પ્રમાણે, અનેક ફૅક્ટરીઓએ પહેલી ઑગસ્ટ પહેલાં ઝડપથી માલ મોકલી દીધો હતો, જેના કારણે હવે નવા ઑર્ડર નહીંવત્ છે. છૂટુંછવાયું કામ છે, પણ હજારો મજૂરોની આવક ઘટી રહી છે.

ભાવેશ ટાંક કહે છે,"ટેરિફને કારણે એક લાખ કરતાં વધારે રત્નકલાકારોની નોકરી પર જોખમ તોળાઈ રહ્યું છે. ઉદાહરણ જોઈએ તો, એક કારખાનામાં પાંચસો જણા કામ કરતા હોય તો એની નીચે ચા-નાસ્તાની લારી-પાનના ગલ્લા પણ હોય...એ તમામ લોકો પર અસર થશે."

નિકાસકારોની મુશ્કેલી

નિકાસકારો પણ અનિશ્ચિતતાથી ઘેરાયેલા છે. ઉદ્યોગના આગેવાનોએ ખાસ ડાયમંડ ટાસ્ક ફોર્સની રચના કરી છે, જે આ પરિસ્થિતિનું સમાધાન શોધવાનો પ્રયાસ કરશે.

સાઉથ ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નિખિલ મદ્રાસીએ આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરી.

તેઓ કહે છે કે, "અમેરિકાના બજાર પર વધારે નિર્ભરતા હોવાથી લાંબા ગાળે મોટો આંચકો પડશે. જૂના ઑર્ડર પૂરાં થયા છે, પણ નવા ઑર્ડરનું ભવિષ્ય અસ્પષ્ટ છે. સરકારે તરત મદદ કરવી જરૂરી છે."

તેમણે ઉમેર્યું કે, ઘણા વેપારીઓ મધ્યપૂર્વ અને યુરોપ જેવાં બજારોમાં તક શોધી રહ્યા છે, અને કેટલાક તો "બાઇપાસ રૂટ"થી માલ અમેરિકામાં પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

જોકે, તેમના કહેવા પ્રમાણે હવે યુરોપના અલગ અલગ દેશો તરફ નવાં બજારો શોધવાની જરૂર છે.

નવાં બજારો પર ભાર

ઉદ્યોગના અન્ય આગેવાનો કહે છે કે અમેરિકા પર વધારે આધાર રાખવામાં આવશે આવનારા દિવસોમાં પરિસ્થિતિ હજુ વધારે ખરાબ થશે.

જેમ્સ અને જ્વેલરી ઍક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત પ્રમુખ જયંતીભાઈ સાવલિયા માને છે કે, અમેરિકા પર નિર્ભરતા ઓછી કરી બીજાં બજારો તરફ નજર કરવાનો સમય પાકી ગયો છે.

તેમણે કહ્યું કે, "ઑર્ડર નહીં મળે તો મજૂરોના પગાર અને રોજગાર પર ચોક્કસ અસર થશે. સાચો પ્રભાવ આવનારા મહિનાઓમાં દેખાશે. હવે સમય છે કે દુબઈ, ઑસ્ટ્રેલિયા, બ્રિટન અને યુરોપ જેવાં બજારોમાં વધુ ધ્યાન આપવું જોઈએ."

તેઓ વધુમાં કહે છે કે, "હાલમાં અમેરિકામાં કુલ ઍક્સપોર્ટ લગભગ 12 બિલિયન ડૉલરનું છે, જો તેમાંથી અડધો વેપાર પણ આપણે બીજા દેશો પાસેથી મેળવી શકીએ તો સુરતનો હીરા ઉદ્યોગ ટકી શકે છે."

"અમેરિકા ભારતીય હીરા વગર રહી નહીં શકે"

નિષ્ણાતોનું માનવું છે કે જે રીતે ભારતમાં લગ્નપ્રસંગો કે બીજા કોઈ પણ શુભ અવસરોમાં સોનાનો ભરપૂર ઉપયોગ થાય છે, તેવી જ રીતે અમેરીકાના શુભ પ્રસંગ હીરા વગર પૂરા ન થઈ શકે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સુરત ડાયમંડ ઍસોસિયેશનના પ્રમુખ જગદીશ ખુંટ કહે છે, "અમે નાણા મંત્રાલય સાથે વાત કરી રહ્યા છીએ. અમેરિકા ભારતીય હીરા વગર રહી શકશે નહીં. દુનિયાના 15માંથી 14 હીરા ગુજરાતમાં પૉલિશ થાય છે. અમેરિકાને પણ ભારતના હીરા વગર નહીં ચાલે માટે ત્યાંના વેપારીઓ પણ આ સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છે."

GJEPC મુજબ, ગયા વર્ષે અમેરિકાએ ભારતમાંથી 11.58 બિલિયન ડૉલરના હીરા–જવેરાત આયાત કર્યાં હતાં. તેમાંથી પૉલિશ્ડ હીરાનો હિસ્સો 5.6 બિલિયન ડૉલર હતો. બાકી સોના, ચાંદી, પ્લેટિનમ અને રંગીન પથ્થરો હતાં.

હજી ગયા વર્ષ સુધી પૉલીશ કરેલા હીરા પર ટૅક્સ નહોતો, પણ હવે વધેલા ટૅક્સ સમગ્ર વેપારને હચમચાવી રહ્યો છે.

અનિશ્ચિત ભવિષ્ય?

હાલ સુરતની ફૅક્ટરીઓમાં ચિંતા અને ગૂંચવણનો માહોલ છે. રોજિંદી કમાણી પર જીવતા મજૂરો માટે પગારમાં ઘટાડો કે બિનપગાર રજા સહન કરવી કઠિન છે.

વેપારીઓ નવાં બજારો શોધવાની વાત કરે છે, જ્યારે મજૂરોને રોજગાર ગુમાવવાનો ડર સતાવે છે. મંગુકિયાએ ભરેલી આંખો સાથે કહ્યું હતું કે, "અહીંની ચમક ધીરે ધીરે ઓછી થઈ રહી છે… અને ખબર નથી કે ફરી પાછી આવશે કે નહીં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન