અમેરિકાના વિઝા નિયમોમાં હવે શું નવા ફેરફાર થયા જેની ભારતીયોને અસર થઈ શકે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત સત્તાની ધુરા સંભાળ્યા બાદ દેશમાં રહેતા અને પ્રવેશતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરી હતી.

નોંધનીય છે કે ટ્રમ્પ ઍડમિનિસ્ટ્રેશનની આ કાર્યવાહી અને એ બાદ અમેરિકા સહિતના દેશોમાં કડક બનાવી દેવાયેલા ઇમિગ્રેશન અને વિઝા નિયમોને કારણે સમગ્ર ભારત અને ગુજરાતમાં ઘણા લોકોની આંખમાં વસેલું 'અમેરિકન ડ્રીમ'થોડું ઝાંખું પડ્યું હતું.

અહીં મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ઘણાં નિયંત્રણો છતાં ભારત અને ગુજરાતના લોકો માટે અમેરિકા એ ભણતર અને કારકિર્દી બનાવવા માટેના ટોચના વિદેશી વિકલ્પો પૈકી એક છે.

જોકે, હવે ફરી એક વાર અમેરિકામાં વિઝા કાર્યવાહીમાં આવનાર એક ફેરફારને પગલે સ્ટુડન્ટ વિઝા અને અને એચ-1બી વિઝા પર સૌથી વધુ અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

ભારતનાં ઘણાં મીડિયા સંસ્થાનોમાં આ સંબંધના અહેવાલો જોવા મળી રહ્યા છે.

શું છે આ નવા ફેરફાર અને તેની ગુજરાત અને ભારતના લોકો પર કેવી અસર પડશે એ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક વિઝા કન્સલ્ટન્ટ સાથે વાત કરી હતી.

'સ્ટુડન્ટ અને એચ-1બી વિઝા રિન્યૂઅલમાં પડશે તકલીફ'

પ્રસન્ના આચાર્ય પાછલાં 28 વર્ષથી વિઝા કન્સલ્ટેશનનું કામ કરે છે અને આ ક્ષેત્રના નિષ્ણાત છે.

તેમણે અમેરિકાના વિઝા નિયમોમાં 2 સપ્ટેમ્બર, 2025થી આવનાર ફેરફારો અંગે વાત કરતા કહ્યું :

"આ નિયમો અમલમાં મુકાતા સૌથી વધુ અસર બી-1, બી-2, એફ-1, એમ-1, જે-1 અને એચ-1બી વિઝા કૅટગરીમાં થશે."

અહીં નોંધનીય છે કે બી-1, બી-2 વિઝા અમેરિકામાં ફરવા અને વ્યવસાય હેતુ માટે અપાય છે. એફ-1, એમ-1, જે-1 વિઝા અમેરિકામાં અભ્યાસના હેતુસર મળે છે. આ સિવાય એચ-1બી વિઝા અમેરિકામાં નોકરીના હેતુ માટે ઇશ્યૂ કરાય છે.

પ્રસન્ના આચાર્યે આગળ સમજાવતાં કહ્યું કે, "નવા ફેરફારો અનુસાર બી-1, બી-2 વિઝાધારકોને વિઝા રિન્યૂ કરાવવા માટે વિઝાની મુદ્દત બાદ 48 માસનો જે સમય અપાતો એ ઘટાડીને 12 માસ કરી દેવાયો છે. જેથી આ વિઝાધારકોએ વિઝા રિન્યૂ કરાવવા માટે ઍડ્વાન્સમાં પ્લાનિંગ કરવું પડશે."

આ સિવાય તેમણે કહ્યું કે, "આ પરિવર્તન પહેલાં એફ-1, એમ-1, જે-1 વિઝાધારકો માટે અગાઉ આ જ કૅટેગરીમાં વિઝા રિન્યૂ કરાવવા હોય તો તેના માટે ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ અપાતી. જે હવે નહીં અપાય. આ કૅટેગરીવાળાએ પણ વિઝા રિન્યૂ કરાવવા માટે ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાંથી ફરીથી પસાર થવું પડશે."

પ્રસન્ના આચાર્ય જણાવે છે કે આવો જ ફેરફાર એચ-1બી વિઝાધારકો માટે પણ કરાયો છે. તેમને પણ આ જ કૅટેગરીમાં વિઝા રિન્યૂ કરાવવા માટે ફરીથી ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

આ નવા ફેરફારની અસર અંગે વાત કરતાં તેઓ કહે છે કે આ નવા ફેરફારને કારણે પહેલાંથી 'અઘરી અને લાંબી' એવી યુએસની વિઝા પ્રક્રિયા વધુ 'અઘરી' બનશે.

તેઓ કહે છે કે, "ઉપરોક્ત તમામ કૅટેગરીમાં વિઝા રિન્યૂ કરાવવા માટે ફરીથી ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં જવું એટલે એકાદ વર્ષનો વધુ વિલંબ. હાલ યુએસના વિઝા મેળવવાની પ્રક્રિયા પૂરી કરવા માટે અપૉઇન્ટમેન્ટ માટે એકાદ વર્ષનું વેઇટિંગ બતાવે છે. હવે જો રિન્યૂ કરવાની પ્રક્રિયાના ઇન્ટરવ્યૂનો સમય પણ આમાં જોડાશે તો વેઇટિંગનો સમયગાળો હજુ લાંબો થઈ શકે. મુશ્કેલ હજુ વધી જશે."

પ્રસન્ના આચાર્ય કહે છે કે આ નવા ફેરફારની માઠી અસર અમેરિકામાં ભારત અને ગુજરાતના વિદ્યાર્થીઓ અને નોકરિયાતો પર પડી શકે છે. આ કૅટેગરીમાં આવતા લોકોએ અગાઉથી લાંબા ગાળાનું આયોજન કરવું પડશે. ઉપરાંત ફરવા અને વ્યવસાય માટે અમેરિકાના વિઝા રિન્યૂ કરાવનારે પણ ઍડ્વાન્સ પ્લાનિંગ કરવાની જરૂર પડશે.

કઈ કઈ કૅટેગરી અંતર્ગતના વિઝામાં આવશે ફેરફાર?

અમેરિકાના ટ્રાવેલ વિભાગે પોતાની વેબસાઇટ પર આ સંદર્ભની અપડેટ મૂકી છે.

જે અનુસાર 2 સપ્ટેમ્બર 2025ના રોજ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ નૉનઇમિગ્રન્ટ વિઝા ઇન્ટરવ્યૂમાંથી છૂટ મેળવવાને પાત્ર અરજદારોની કૅટેગરીઓ અપડેટ કરશે. કેટલાક અપવાદોને બાદ કરતાં 14 વર્ષથી નીચેની વયના અને 79 વર્ષ કરતાં વધુ ઉંમરના અરજદારો સહિતના નૉનઇમિગ્રન્ટ વિઝા અરજદારો કૉન્સુલર ઑફિસર સમક્ષ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે.

અપવાદો આ પ્રમાણે છે.

એ-1, એ-2, સી-3 (ઍક્રેડિટેડ ઑફિશિયલ્સના પરિચર, નોકર કે ખાનગી કર્મચારી સિવાય), જી-1, જી-2, જી-3, જી-4, નાટો-6 કે ટીઇસીઆરઓ ઇ-1 થકી નાટો-1 હેઠળના અરજદારો

ડિપ્લોમેટિક કે ઑફિશિયલ પ્રકારના વિઝાના અરજદારો.

બી-1, બી-2, બી-1/બી-2 વિઝા કે બૉર્ડર ક્રૉસિંગ કાર્ડ/ફૉઇલ (મૅક્સિકન નૅશનલ્સ માટે) જેઓ અગાઉના વિઝા ઇશ્યૂ થયા એ સમયે 18 વર્ષના હોય તેમણે વિઝા ઍક્સપાઇરીના 12 માસની અંદર રિન્યૂઅલ માટેની અરજી કરવાની રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન