You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત : 'ઑર્ડર કૅન્સલ થયા, ખબર નથી પડતી કે શું કરીએ', અમેરિકાના 50 ટકા ટેરિફના માર બાદ કાપડ વેપારીઓની ચિંતા
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાના ટ્રમ્પના વહીવટીતંત્રે ભારત પર પહેલાં 25 ટકા ટેરિફ લાદ્યો અને ત્યાર બાદ વધારાનો 25 ટકા ટેરિફ 27 ઑગસ્ટથી અમલમાં આવ્યો છે. આમ અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે.
અમેરિકાના વધારાના ટેરિફ બાદ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને પણ મોટી અસર પડી રહી છે. મુખ્યત્વે સુરતની ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને આ વધારાના ટેરિફને કારણે અસર થઈ રહી છે.
આ ક્ષેત્રના વેપારીઓના કહેવા પ્રમાણે આ વધારાના ટેરિફ બાદ ટેક્સ્ટાઇલની નિકાસ પર લગભગ 66 ટકા ટૅક્સ લાગી રહ્યો છે. બીબીસી ગુજરાતીએ આ વિશે વિવિધ વેપારીઓ સાથે વાત કરી.
આ વિશે વાત કરતા અશોકા ટેક્સ્ટાઇલ માર્કેટના સેક્રેટરી રંગનાથ શારદા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે સામાન્ય રીતે સુરતમાં બનેલું કાપડ બીજાં રાજ્યોમાં જાય છે અને અન્ય રાજ્યોમાંથી ગારમેન્ટ તૈયાર કરીને ગારમેન્ટ અમેરિકામાં નિકાસ કરતા હોય છે. તૈયાર કપડાં જેમ કે ચણિયાચોળી વગેરે ખૂબ જ મોટા પ્રમાણમાં અમેરિકામાં જાય છે.
નિકાસ માટે સુરતમાં બનેલા કાપડમાંથી લગભગ 75% કાપડ અમેરિકામાં વપરાય છે. જોકે મોટા ભાગના વેપારીઓને ચિંતા છે. એક તરફ જ્યારે ભારત તરફથી માલ અમેરિકામાં પહોંચતો બંધ થઈ ગયો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના સ્પર્ધકો જેમ કે, વિયેતનામ, બાંગ્લાદેશ, ચીન અને પાકિસ્તાન જેવા દેશોનાં કાપડની માગ વધશે અને ભારતના વેપારીઓને મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
'અમને ખબર નથી પડતી કે શું કરીએ'
સુરતમાં ફાઇબર બનવાનું કામ પણ થાય છે અને ફાઇબરથી ફેબ્રિકનું કામ પણ થાય છે. તમામ વિભાગોમાં હાલમાં પરિસ્થિતિ એવી છે ઘણા વેપારીઓને ઑર્ડર કૅન્સલ થયા છે, જ્યારે ઘણા વેપારીઓના ઑર્ડર શિપિંગમાં ફસાયેલા છે. આ વેપારીઓને ખબર નથી કે હવે આ તમામ ઑર્ડરોનું શું કરશે.
ટેક્સ્ટાઇલ ટ્રેડર વિકાસ ગુપ્તા કહે છે, "અમારી પાસે જે માલ જમા થઈ ચૂક્યો છે, જેની ડૉમેસ્ટિક માર્કેટમાં કોઈ માગ નથી, તે માલનો સ્ટોક ક્લિયર ન થાય, ત્યાં સુધી અમેરિકન સરકાર સાથે વાત કરીને આ નિર્ણયને પાછો ઠેલવો જોઈએ."
વેપારીઓને બીક છે કે, જો પરિસ્થિતિ જલદી કાબૂમાં ન લેવામાં આવે તો તેમના હરીફ દેશો વ્યાપાર ઉપર કબજો જમાવી લેશે અને પછી પરિસ્થિતિ પહેલાં જેવી નહીં થઈ શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લાં 30 વર્ષથી કાપડનો વેપાર કરતા પ્રેમ ભાટિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "અમને તો ખબર જ નથી પડી રહી કે શું કરીએ. જે માલ પહેલાંથી પહોચી ગયો છે તેનું પેમેન્ટ મળ્યું નથી, ઑર્ડર કૅન્સલ થઈ ચૂક્યા છે. આખો વેપાર રોકાઈ ગયો છે. આવા સમયમાં સરકાર સિવાય અમારી કોણ મદદ કરી શકે."
વેપારીઓને ચિંતા છે કે કામ બંધ થઈ જશે, ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી પડી ભાંગશે અને દેશભરમાં મંદી આવી જશે.
કુલ નિકાસનું આશરે 28 ટકા કાપડ સુરતથી અમેરિકામાં જાય છે
ગ્લોબલ ફેબ્રિક રિસોર્સિસ ઍન્ડ રિસર્ચ સેન્ટર (જીએફઆરઆરસી) પ્રમાણે, ભારતમાંથી દર વર્ષે લગભગ 36 બિલિયન અમેરિકન ડૉલરનું કાપડ નિકાસ થાય છે, જેમાં ફેબ્રિક, ગારમેન્ટ, હોમ-ડેકરોને લગતાં કપડાં વગેરેનો સમાવેશ થાય છે. જોકે તેમાંથી લગભગ 10.05 બિલિયન અમેરિકન ડૉલરનું કાપડ માત્ર સુરતથી અમેરિકામાં જાય છે. એટલે કે કુલ નિકાસનું આશરે 28 ટકા કાપડ માત્ર સુરતથી અમેરિકામાં જાય છે.
આ વિશે વાત કરતા જીએફઆરઆરસીના ચૅરમૅન ગોપાલ મુંદ્રાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "આ સમસ્યા મોટી છે અને તેના સમાધાન માટે ઇન્ડસ્ટ્રી અને સરકારે સાથે મળીને કામ કરવું પડશે. સૌથી પહેલા તો સરકારે અમને આ નુકસાન સહન થઈ શકે તેવી રીતે સબસિડી આપવી જોઈએ, ટેક્સ્ટાઇલ ક્લસ્ટરનો વિકાસ કરી નાના વેપારીઓનાં હિતમાં કામ કરવું જોઈએ અને ભારતના વેપારીઓએ હવે સારી ક્વૉલિટીનો માલ સમયસર ડિલિવર કરવો પડશે, જેથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અમારી પકડ મજબૂત રહે."
તેમણે પણ કહ્યું કે, "વહેલી તકે બીજા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કરવાની જરૂર છે, જેથી લેટિન અમેરિકા, દક્ષિણ આફ્રિકા વગેરે જેવી જગ્યા પર પણ આપણે નિકાસ કરી શકીએ."
શું ઑનલાઇન ધંધો કરતા વેપારીઓને મોટો ફટકો પડશે?
હાલમાં સુરતમાં વેપારીઓમાંની નવી પેઢીના વેપારી મોટા ભાગે ઑનલાઇન કપડાં વેચવાનું કામ કરતા હોય છે. આજ સુધી એવી પરિસ્થિતિ હતી કે ઑનલાઇનનાં કપડાં અમેરિકન માર્કેટમાં બીજા દેશો કરતાં સારી ક્વૉલિટી, સારી ડિઝાઇન, ઓછા ભાવમાં વેચાતાં હતાં. નવી પેઢીના વેપારીઓને ઓછા રોકાણમાં સારો એવો નફો મળતો હતો.
ઈશાન ભાટિયા નામના એક યુવા વેપારી છેલ્લા કેટલાક સમયથી ઑનલાઇન કપડાં વેચવાનું કામ કરે છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે અત્યારે અમારાં કપડાં ઓછામાં ઓછા 50% વધારે ભાવથી વેચવાની જરૂર પડી છે, પરિણામે ઑર્ડરની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે, સુરતમાં પણ અમારે ઑર્ડર કૅન્સલ કરવા પડ્યા છે, તેના કારણે કપડાંનું પ્રોડક્શન ઘટી ગયું છે."
આવી જ રીતે ડૉમેસ્ટિક માર્કેટ તેમજ અમેરિકાના માર્કેટમાં ઑનલાઇન વેપાર કરતા વિનલ જૈને જણાવ્યું કે, "અમેરિકામાં સાડીઓ નિકાસ થાય છે, જેનું ખૂબ મોટું માર્કેટ છે. અમારા સિવાય બાંગ્લાદેશ અને ચીન પણ કપડાંની નિકાસ કરે છે. અમારા હાલના ગ્રાહકોને ભારતથી આવતી સાડી મોંઘી પડે છે, માટે બીજા દેશનાં કપડાં ખરીદી રહ્યા છે."
મોટા ભાગના વેપારીઓ સિઝનલ બિઝનેસ પણ કરતા હોય છે, જેમાં નવરાત્રિ સૌથી મોટો તહેવાર છે અને તે સમય દરમિયાન કરોડો રૂપિયાનો વેપાર બંને દેશો વચ્ચે થતો હોય છે.
સામાન્ય રીતે નવરાત્રીને ધ્યાનમાં લઈને અમેરિકા સાથે વેપાર કરતા વેપારીઓ ડિસેમ્બર મહિનાથી પોતાનું કામ ચાલુ કરે છે અને તેનું વેચાણ ઑગસ્ટ મહિનાથી શરૂ કરે છે.
નવરાત્રી માટે ચણિયાચોળી વગેરેનું મૅન્યુફૅક્ચરિંગ કરતા વેપારી આઝાદસિંહ કહે છે કે, "એકંદરે માર્કેટ નીચું જતું રહ્યું છે. હાલમાં અમારો માલ 50-60 ટકા જેટલો મોંઘો થઈ ગયો છે. તેવામાં અમારાં કપડાં કોણ ખરીદશે?"
આઝાદસિંહ 14 દેશોમાં કપડાંની નિકાસ કરે છે. તેમની કુલ નિકાસમાંથી આશરે 70 ટકા માત્ર અમેરિકામાં થાય છે. આ તમામ કૅન્સલ થયેલા ઑર્ડર માટે હવે કોણ જવાબદાર તેની તેમને ખબર પડી રહી નથી.
ટેક્સ્ટાઇલના વેપારીઓ માટે શું છે સમાધાન?
ભારત હાલ દુનિયાની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સામેલ છે. કાર અને ફોનના ઉત્પાદનથી લઈને ટેક્સ્ટાઇલ અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં ભારતે છેલ્લાં કેટલાંક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં થઈ રહેલી ઊથલપાથલ અને અમેરિકાએ ભારત પર લાદેલા 50 ટકા ટેરિફના ઘટનાક્રમ બાદ ભારતમાં 'સ્વદેશી અપનાવો'નું આહવાન થયું છે.
ભારતમાં હાલમાં 'મેક ઇન ઇન્ડિયા' પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને સરકાર 'વૉકલ ફૉર લોકલ' જેવા નારાની સાથે ભારતમાં નિર્મિત ઉત્પાદનોને વેગ આપી રહી છે.
તાજેતરમાં ગુજરાત આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 'આત્મનિર્ભર ભારત' પર ભાર મૂક્યો હતો.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે એક નિવદેનમાં કહ્યું હતું કે જ્યારે આપણે સ્વદેશીની વાત કરીએ છીએ એનો મતલબ બીજા દેશો સાથે સંબંધો પૂર્ણ કરવાનો નથી. પણ પરસ્પરની આત્મનિર્ભરતાની વાત છે.
અશોકા ટેક્સ્ટાઇલ માર્કેટના સેક્રેટરી રંગનાથ શારદાનું માનવું છે કે, "સરકારે આ વિશે તાત્કાલિક વિચારણા કરવી પડશે. યુકે-યુરોપના બીજા દેશો, ગલ્ફના બીજા દેશો, દક્ષિણ આફ્રિકા વગેરે જેવા દેશોમાં ટ્રેડ એગ્રિમેન્ટ કરવાની તાત્કાલિક જરૂર છે."
તેની સાથેસાથે વેપારીઓનું માનવું છે સરકારે તાત્કાલિક ધોરણે વેપારીઓને રાહત મળે તેવી યોજનાઓ બહાર પાડવી જોઈએ. ઘણા વેપારીઓએ નિકાસમાં થતાં નુકસાનને પહોંચી વળવા માટે સબસિડીની માગણી કરી છે, તો ઘણા લોકોએ તેનું કોસ્ટિંગ ઘટી શકે તે માટેની યોજનાઓની વાત કરી છે.
જેમ કે સુરતના ટેક્સ્ટાઇલ વેપારી વિકાસ ગુપ્તા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "અમને સરકાર સામે વાંધો છે, કારણ કે સરકારે હજી સુધી અમને કોઈ પણ પ્રકારની બાંયધરી આપી નથી કે વાત પણ કરી નથી. અમને કોઈ પણ પ્રકારના રોડમૅપની પણ વાત કરી નથી. હાલમાં, હાલત એવી છે કે ઘણા યુનિટ બંધ થઈ ગયા છે, તેવામાં સરકારે અમારી સાથે તાત્કાલિક ધોરણે વાત કરવી જોઈએ. અને ટેક્સ્ટાઇલ મિનિસ્ટ્રી કહેવું જોઈએ કે તે અત્યારે શું કરી રહી છે, કારણ કે અમને લાગે છે કે અમારા માટે હવે આ વેપાર કરવો મુશ્કેલ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન