અમેરિકાએ પોતાના જ પગ પર કુહાડી મારી, ટેરિફથી અમેરિકાને શું નુકસાન થશે?

અમેરિકામાં જનારી ભારતીય વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. ભારતમાં કપડાં, ચામડું, ઝીંગા, હૅન્ડીક્રાફ્ટ અને ઘણા ઉદ્યોગો પર એની અસર શરૂ થઈ ગઈ છે.

અમેરિકાએ ભારત સાથે વેપાર ખાધ સરભર કરવા માટે 25 ટકા અને રશિયાથી ઑઇલ ખરીદવા માટે પૅનલ્ટી તરીકે 25 ટકાનો વધારાનો ટેરિફ લગાવ્યો છે. આમ અમેરિકાએ કુલ 50 ટકા ટેરિફ ભારત પર લગાવ્યો છે.

કેટલાંક ઉત્પાદનોને છૂટ આપવામાં આવી છે. અનુમાન પ્રમાણે ભારતમાંથી અમેરિકા થતી 60 ટકાથી વધુ નિકાસ પ્રભાવિત થશે.

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં આ પગલાં પર મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાકે આ પગલું દમનકારી ગણાવ્યું તો કેટલાકનું કહેવું છે કે ટેરિફ ભારતને વૈશ્વિક વેપારમાં વધારે સારો વિકલ્પ શોધવા માટે પ્રેરિત કરશે.

કેટલાક અર્થશાસ્ત્રીઓમાં એવો મત પણ પ્રવર્તી રહ્યો છે કે અમેરિકાને આ ટેરિફ વૉરથી નુકસાન ઉઠાવવું પડી શકે છે અને અમેરિકાનાં રાષ્ટ્રીય હિતને પણ અસર થઈ શકે છે.

'કઠોર અને દમનકારી' ટેરિફ

ઇકૉનૉમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ કંપની જૅફરીઝ સ્ટ્રૅટજિસ્ટ ક્રિસ વુડ ભારત પર લગાવેલા ટ્રમ્પના ટેરિફને કઠોર ગણાવે છે.

તેઓ કહે છે કે આનાથી ભારતને 55થી 60 અબજ ડૉલર સુધીનું નુકસાન થઈ શકે છે.

ક્રિસ વુડનું કહેવું છે કે ભારતમાં કપડાં, જૂતાં, જ્વેલરી અને હૅન્ડીક્રાફ્ટ ઉદ્યોગ બરબાદ થઈ શકે છે.

ભારતમાં ટેક્સટાઇલ, લેધર અને હૅન્ડીક્રાફ્ટ ઉદ્યોગમાં મોટાભાગે નાના વેપારીઓ છે. આ ક્ષેત્રો સાથે મોટી સંખ્યામાં લોકો રોજગાર અર્થે જોડાયેલા છે.

એમના પ્રમાણે ભારતીય અર્થવ્યવસ્થાના મુશ્કેલ સમયમાં લગાવવામાં આવેલા ટેરિફ ખાસ કરીને સુક્ષ્મ, લઘુ અને મઘ્યમ ઉદ્યોગો પર અસર કરશે.

અમેરિકાની ટેરિફની અસર ભારતના સર્વિસ અને આઈટી ઉદ્યોગ પર જોવા નહીં મળે.

ક્રિસ વુડ તર્ક આપે છે કે આ ટેરિફ લાદવા પાછળ આર્થિક કારણોથી વધારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી છે, જેને કારણે બંને દેશોને નુકશાન થશે.

અમેરિકાનાં પગલાંની થઈ શકે છે અવળી અસર

રશિયાની સરકારી ન્યૂઝ ચૅનલ આરટી સાથે વાતચીત કરતાં અમેરિકી અર્થશાસ્ત્રી રિચર્ડ વૉલ્ફે કહ્યું કે આ પગલાંની અવળી અસર પણ થઈ શકે છે.

જો ભારતને અલગ કરી દેવામાં આવશે તો તે બ્રિક્સ જેવાં અન્ય આર્થિક સમૂહો સાથે સારા વેપારી સંબંધો સ્થાપવાની દિશામાં આગળ વધશે અને આ કારણે અમેરિકી પ્રભાવ ઓછો થઈ શકે છે.

રિચર્ડ વૉલ્ફનું કહેવું છે કે અમેરિકાના આ કઠોર વલણને કારણે ભારત પોતાનાં ઉત્પાદનો બીજા દેશનાં બજારમાં વેચવાં મજબૂર થશે.

એમણે કહ્યું, "જો તમે ઊંચા ટેરિફ લગાવીને ભારત માટે અમેરિકી બજારના દરવાજા બંધ કરી દેશો તો ભારતને પોતાનાં ઉત્પાદનો વેચવાં માટે બીજાં બજારો શોધવાં પડશે. ભારત પોતાની નિકાસ અમેરિકાને બદલે બ્રિક્સના સદસ્ય દેશોને કરશે."

વૉલ્ફ પ્રમાણે આ ટેરિફથી બ્રિક્સ પશ્ચિમની સામે એક મોટું શક્તિશાળી, વધારે સંગઠિત અને મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવશે.

એમણે કહ્યું, "ભારત અત્યારે અમેરિકા પ્રમાણે દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. અમેરિકાનું ભારતને કહેવું કે શું કરવું એ ઊંદરનું હાથીને મુક્કા મારવા જેવું છે."

'અમેરિકાએ પોતાના જ પગ પર કુહાડી મારી'

રિચર્ડ વૉલ્ફે કહ્યું કે, વર્તમાન સમયમાં આ આર્થિક તણાવને જોવો એ એક ઐતિહાસિક પળના સાક્ષી બનવા જેવું છે.

એમનું કહેવું છે કે અમેરિકા આ ટેરિફથી પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યું છે.

રિચર્ડ વૉલ્ફે કહ્યું કે "ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા પૈકીની એક છે અને તે અમેરિકાના દબાણ સામે ઝુકશે નહીં પણ પોતાનો નિકાસને વધુ વેગ આપશે."

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો હતો. એ સમયે બંને દેશો વચ્ચે વ્યાપાર સમજૂતીને લઈને વાતચીત ચાલી રહી હતી.

પણ પછી ટ્રમ્પે અપ્રત્યક્ષ રીતે ભારત પર નિશાન સાધતા 25 ટકા વધુ ટેરિફ લગાવ્યો. જે રશિયા પાસેથી કાચુ તેલ ખરીદવા પર દંડરૂપે લગાડવામાં આવ્યો હતો.

યુક્રેન યુદ્ધ પહેલાં ભારત રશિયા પાસેથી પોતાની જરૂરિયાતના બે ટકાથી પણ ઓછું કાચું તેલ ખરીદતું હતો.

પણ રશિયા ભારતને છૂટથી કાચું તેલ વેચી રહ્યું છે અને ભારત પોતાનાં રાષ્ટ્રીય હિતનો હવાલો આપીને અમેરિકી પ્રતિબંધો છતાં પણ આ કાચા તેલની ખરીદી ચાલુ રાખે છે.

રશિયાના ઑઇલથી ભારતને નફો

ભારત હાલ 35 ટકાથી વધુ કાચું તેલ રશિયાથી ખરીદી રહ્યું છે. ભારત આ તેલ માત્ર પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે નહીં પરંતુ નિકાસ માટે પણ ખરીદે છે.

આ કાચાં તેલને રિફાઇન કરીને યુરોપ, આફ્રિકા અને એશિયાના ઘણા મોટા દેશોને વેચવામાં આવે છે. ભારતને આ વેપારથી નફો થાય છે.

એવામાં અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતને કડક સંદેશ આપવા માટે ભારતીય ઉત્પાદનો પર 25 ટકા વધારે ટેરિફ લાદી દીધો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત દેશ પોતાના નાના વેપારીઓ, ઉદ્યોગો અને ખેડૂતોને આની અસરથી બાકાત રાખવા માટે યોગ્ય પગલાં ભરવા જઈ રહ્યો છે.

આ દરમિયાન ભારતે બ્રિટન, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 40 અન્ય દેશોની સાથે વેપાર સંબંધ વધુ સારા કરવાની દિશામાં વિશેષ સંપર્ક કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે.

શું ચીનની નજીક જઈ શકે છે ભારત?

વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકાની ભારતની રાજકીય અને આર્થિકરૂપે દંડ આપવાની નીતિ એને ચીનની નજીક લાવી શકે છે.

આ સ્થિતિથી બચવા માટે અમેરિકી વિદેશી નીતિકાર લાંબા સમયથી બચવાની કોશિશ કરી રહ્યા છે.

ભારતમાં ચીનથી આયાત વધી રહી છે અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ ફરી શરૂ થવા જઈ રહી છે.

એવામાં અમેરિકી ટેરિફને કારણે ભારત અને ચીન ટૅક્નિકલ અને વેપાર ક્ષેત્રમાં સહયોગ સાધી શકે છે.

ક્રિસ વુડનું કહેવું છે, "ટેરિફ વૉર ભારતને ચીનની નજીક લાવી શકે છે. સપ્ટેમ્બરમાં પાંચ વર્ષ બાદ બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ થઈ રહી છે."

"ભારતની ચીનથી વાર્ષિક આયાત 118 અબજ ડૉલર સુધી પહોંચી છે જે દર વર્ષે 13 ટકા વધી રહી છે. ભારતને ચીનની સોલર પૅનલ્સ જેવાં સસ્તા સામાનોની જરૂરિયાત છે."

ક્રિસ વુડનું કહેવું છે કે જો ભારત ચીન તરફ આગળ વધે છે તો એ અમેરિકાનાં રાષ્ટ્રીય હિતને નુકસાનકર્તા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન